નિતુ : ૮૨(વાસ્તવ)
નિતુ તેની સામે બેસતા બોલી, "અમને હતું જ કે તમે અમને ભરમાવાનો પ્રયત્ન જરૂર કરવાના છો. એટલે અમે સીધા અહીં જ આવી ગયા."
નિકુંજ સ્માઈલ આપતા બોલ્યો, "વેલકમ. જેટલું વિચાર્યું હતું એના કરતા વધારે સ્માર્ટ છે તું. હવે તમે આવી જ ગયા છો તો પણ, જે આશા સાથે આવ્યા છો એ પૂરી થશે, એવું ના વિચારતા."
કરુણા બોલી, "તમે તો અમારી વાત સાંભળ્યા પહેલાં જ નિર્ણય લઈ લ્યો છો."
નિતુએ કહ્યું, "તમે વિદ્યાથી એટલા શું કામ ડરો છો?"
"હું વિદ્યાથી નથી ડરતો... પણ વિદ્યા અંગે કોઈ જાતની વાત હું કરવા નથી માંગતો. સો પ્લીઝ, કોઈ પ્રકારનો ફોર્સ કરવાની કોશિશ ના કરતાં."
નિતુ તેને કહેવા લાગી, "તમને પ્રોબ્લેમ શું છે? તમે પહેલા એકવાર વિદ્યા પર શોષણનો કેસ કર્યો હતોને! તો પછી અત્યારે કેમ મનાઈ કરો છો?"
"કારણ કે હું એ બધા વાદ- વિવાદમાં બીજીવાર નથી પાડવા માંગતો."
"તમને ખબર પણ છે કે વિદ્યા શું કરી રહી છે?"
કરુણાએ નિતુની વાતમાં ઉમેરો કરતા કહ્યું, "જુઓ નિકુંજભાઈ, તમે કદાચ પહેલા હેરાન થયા હશો એટલે ના કહો છો. હું તમને એક વાતની બાંહેધરી આપું છું કે આ વખતે એવું નહિ થાય."
નિતુએ કહ્યું, "ઓફિસમાં તમારી ડિટેઇલ આપી શકે એવા એકેય પુરાવા હાજર નથી. વિદ્યા મહાચાલક છે. તમારા ગયા પછી તમે એ ઓફિસમાં હતા એ વાત જ ખતમ કરી નાખવામાં આવી છે."
કરુણા બોલી, "તમે તમારી માટે નહિ તો મારી ફ્રેન્ડ માટે એટલીસ્ટ એકવાર હા કહી દો. તમને તો એ તમારી રિસ્પોન્સિબિલિટી કરતા વધારે કામ આપતાં. પણ તમને ખબર નથી એ નિતુ સાથે... " બોલતા કરુણા અટકી ગઈ."તમારી ઓફિસમાં શું થઈ રહ્યું છે એ જાણવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મેં તમને લોકોને કહ્યું છતાં તમને સમજાતું નથી કે હું ઈન્કાર કરી રહ્યો છું. એ ઓફિસમાં હું હતો એવા કોઈ પુરાવા જ નથી તો પછી હું સાબિત શું કરી લેવાનો?" તેના ચેહરા પર આક્રોશ દેખાઈ રહ્યો હતો."ફાઈન... જેવી તમારી ઈચ્છા. મને અત્યાર સુધી હતું કે તમે મને સાથ આપશો. એટલે હું તમારા પર એક હદથી વધારે નિર્ભર થઈ રહી હતી. છતાં કહીશ કે એકવાર શાંતિથી વિચારી લેજો." કહીને બંને ઉભી થઈ જવા લાગી.મિહિર તેની તરફ આવી રહ્યો હતો. પાછળ ફરતા બંનેની નજર તેના પર પડી અને તેને જોઈ ઉભી રહી ગઈ. મિહિર ત્યાં આવ્યો અને કશું કહ્યા વગર ઉભો રહ્યો.
કરુણા તેને કહેવા લાગી, "તમે બધું જાણતા હોવા છતાં તે દિવસે મને જે કંઈ કહ્યું એ બધું..."
એની વાત પુરી કરતા મિહિરે હકારમાં માથું ધુણાવી કહ્યં, "હા, એ બધું જ ખોટું હતું. હવે તમને સાચું સમજાઈ ગયું હશે."
"સારી રીતે..." કહેતી નિતુ કરુણાનો હાથ પકડી જતી રહી.બહાર નીકળી નિતુએ કહ્યું, "આ તો વિદ્યાનું નામ સાંભળી આગળ વધવા જ નથી માંગતો. એવું તે કેવું ડરીને જીવવાનું!"
કરુણાએ કહ્યું, "નિતુ, એટલીસ્ટ આપણે ટ્રાય તો કરીને કે એ આગળ ચાલે?"
"પણ શો ફાયદો? શું હું વિદ્યાના ચંગુલમાંથી ક્યારેય બહાર જ નહિ નીકળી શકું?"
"ભલે ફાયદો કંઈ ના નિપજે. પણ આપણાથી થતું બધું આપણે કર્યું. હવે એની મદદ વિના આપણે એકલા ચાલવું પડશે."
"ના કરુણા. હું એને કન્વિન્સ તો જરૂર કરીશ, કે એ વિદ્યા સામે જુબાની આપે. જે થયું છે એ બધું બોલે. ખબર નહિ વિદ્યાએ એની સાથે શું કર્યું હશે! કે એ કોઈની સામે પણ આવવા નથી માંગતો. એને હું વિદ્યા સામે લઈ જઈને વિદ્યાની પોલ ખોલીશ એ તો પાક્કું છે."
"એ મેડમનું નામ પડતા જ નાસીપાસ થવાના ઉપાય શોધે છે. એને તું કેવી રીતે મનાવીશ?"
"બસ તું થોડોક સહકાર આપી દે. એટલે પછી હું પણ જોઉં છું કે નિકુંજ કેમ નથી માનતો!"
"તું શું કરવાની છે?"
"કરુણા, જો હું ઓફિસ ના આવી શકું તો બધું સંભાળી લેજે. પણ હું નિકુંજ પાસે ગઈ છું એ કોઈને ખબર ના પડવા દેતી."
"ઠીક છે." તેણે સ્માઈલ આપીને કહ્યું.બીજા દિવસે નિકુંજ અને મિહિર કાફે પહોંચ્યા કે કાઉન્ટરની સામેની ખુરશી પર નિતુ બેઠેલી હતી. તેને જોઈ નિકુંજે મિહિર તરફ જોતા કહ્યું, "મિહિર. લાગે છે કોઈ ઓફિસ જવાનો રસ્તો ભૂલી ગયું છે."
નિતુએ એની જ ભાષામાં ઉત્તર આપ્યો, "રસ્તો હું નથી ભૂલી. કોઈ રસ્તો ભૂલી ગયું છે એને સાચી દિશા બતાવવા માટે હું આવી છું."
"બેસ્ટ ઓફ લક." કહેતા બંને પોતાના કામમાં લાગી ગયા. સમય વીતતો ગયો અને કાફેમાં લોકોની અવર જવર થતી રહી. પરંતુ નિતુ કાઉન્ટરની સામે નજર રાખીને બેઠી રહી. નિતુ સાંજ સુધી એની નજર સામે હાજર રહી. પરંતુ તે બેમાંથી કોઈએ એને ખાસ ધ્યાન આપ્યું નહિ.આ બાજુ ઓફિસમાં તેની ગેરહાજરી વિદ્યાને ખટકવા લાગી. તે વારંવાર ફોન કરી રહી હતી. પરંતુ એકેય વખત ફોન લાગ્યો નહિ. તે શાહની કેબિનમાં ઘસી ગઈ.તેને ધૂંઆ પુંવા થતા જોઈ શાહે પૂછ્યું, "શું થયું વિદ્યા? આટલી બેચેન કેમ દેખાઈ છે?"
"નિતુનો ફોન આવ્યો?"
"ના. આજે એ કે એનો ફોન, બેમાંથી કોઈ નથી આવ્યું."
"આ છોકરી શું કરી રહી છે એ જ નથી સમજાતું." માથું ફૂટતી તે જતી રહી.
બહાર આવી એની નજર કરુણા પર પડી. તે તેનું કામ કરી રહી હતી. કેબિનમાં જતા રસ્તામાં તેને પિયૂન મળ્યો. એણે નેણ ઊંચા કર્યા કે પિયુને નકારમાં માથું ધુણાવ્યું. વિદ્યાએ પિયૂનને રીક્ષા અંગે પૂછ્યું હતું અને આજે એ રિક્ષાવાળો નથી આવ્યો એવું પિયુને માથું ધુણાવી જવાબ આપ્યો હતો.
સાંજનો સમય થયો અને નિકુંજ પોતાના ઘરે જવા માટે નીકળ્યો. નિતુ તેની પાછળ પાછળ ચાલી. જો કે તેને નજર અંદાજ કરતા તે ગાડીમાં બેસી ગયો અને મિહિરે ગાડી ચલાવી મૂકી. ઘડિયારમાં જોતા નિતુએ મનમાં કંઈક વિચાર કર્યો અને બહાર રોડ પર આવી રીક્ષા પકડી.
હજુ ઘણો સમય છે. એમ વિચારી તે સીધી જ નિકુંજના ઘરે પહોંચી. તેણે ડોરબેલ વગાડી. ઘરનો દરવાજો ખોલી બહાર નિતુ છે, એ જોઈને નિકુંજે દરવાજો બંધ કરી દીધો. તેણે ફરી ડોરબેલ વગાડી, થોડી રાહ જોઈ. દરવાજો ના ખુલ્યો. નિતુએ પ્રયત્નો ચાલુ રાખ્યા. ચાર પાંચ વખત બેલ વાગી એટલે નિકુંજે દરવાજો ખોલી એની સામે અદફ વાળીને કહ્યું, "શું છે?"
"તમે દરવાજો નથી ખોલતા તો..." નિકુંજે આકરા શબ્દોમાં કહ્યું, "સી નિતુ. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. છતાં તું મારી પાછળ પાછળ કેમ ફરે છે?"
"કારણ કે મારે વાત કરવી છે. જ્યાં સુધી તમે મારી સાથે બધી વાત નહિ કરો ત્યાં સુધી હું આમજ તમારી સાથે સાથે આવીશ."
"જેવી તારી ઈચ્છા. ઘરે જઈને શાંતિથી સુઈ જવું હોય તો સુઈ જા, કે સવાર સુધી બેસવું હોય, તો સવાર સુધી બેસ." ધડામ દઈને નિકુંજે દરવાજો બંધ કરી દીધો. લગભગ પંદરેક મિનિટ પછી નિકુંજે દરવાજો ખોલ્યો. સામે કોઈ નહોતું. નિતુ જતી રહી હતી.બીજા દિવસે તે કાફે પહોંચ્યો. આવીને તેણે નજર ઘુમાવી, કાફેમાં સ્ટાફનાં લોકો સિવાય કોઈ નહોતું. મિહિરે કાઉન્ટર પર બેગ રાખતા કહ્યું, "આજે નથી આવી. લાગે છે બઉ જલ્દી હાર માની લીધી."એટલામાં પાછળથી ઉતાવળા પગલે આવતા નિતુ બોલી, "સોરી... સોરી. આજે ટ્રાફિક હતો એટલે થોડું લેટ થઈ ગયું."
બંને કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વિના ચાલ્યા ગયા. બે દિવસથી નીતિકા સતત તેની સામે બેસી રહેતી. તે ઘરે જતો, તો તેની પાછળ ઘરે જતી. બીજી બાજુ વિદ્યાની ધીરજ જવાબ દેવા લાગી હતી. નિતુ સાથે કોઈ જાતનો સમ્પર્ક થતો નહોતો. પોતાની કેબિનમાં હાંફળી-ફાંફળી બનીને તે આમથી તેમ ચક્કર લગાવી રહી હતી. એવામાં પિયૂન અંદર આવ્યો.
"બોલ." વિદ્યા તેને જોઈ બોલી.પિયૂને કહ્યું, "મેડમ, પેલો રીક્ષાવાળો મળી ગયો છે."
"ક્યાં છે?"
"મેડમ, અત્યારે અહીં નથી. પણ નીતિકા મેડમ અને કરુણા મેડમ. બન્ને રોજે સાથે એની રીક્ષામાં ઘરથી અહીં અને અહીંથી ઘરે જાય છે."
"અહીંયા ક્યારે આવશે?"
"મેડમ, બે દિવસથી એ નથી દેખાયો. કરુણા મેડમ કોઈ બીજી ઓટોમાં આવે છે."
"બે દિવસથી તો નિતુ પણ નથી આવી." કડીઓ મેળવતા તેણે પિયૂનને કહ્યું, "એ નથી આવતો તો એની માહિતી ક્યાંથી લાવ્યો?"
"બીજા રીક્ષાવાળા પાસેથી."
"હમ... કાલે જો એ ના આવે તો એનો સમ્પર્ક કરીને કોઈ બહાનું કાઢી અહીં બોલાવજે."
"ઠીક છે, મેડમ." કહીને તે બહાર જતો રહ્યો. વિદ્યાએ લેપટોપ ખોલ્યું અને કરુણા પર નજર રાખવા લાગી.
બે દિવસથી સતત નીતિકા આ કાર્ય કરી રહી હતી. છતાં નિકુંજને કે મિહિરને કોઈ ફેર નહોતો પડતો. આજે નિકુંજની પહેલા નિતુ કાફેની બહાર નીકળી ગઈ હતી. નિકુંજને આ વાતે થોડું કૌતુક થયું. તે ઘરે પહોંચ્યો તો ત્યાં પણ કોઈ નહોતું. તેણે વારંવાર ઘરની બહાર નજર કરી. અંતે સૂતા પહેલા તેણે બારીમાંથી બહાર ડોકિયું કર્યું. નિતુ ન દેખાઈ.