ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 28
શિર્ષક:- સાચા સંત
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
પોતાના આ આખાય પુસ્તકમાં સ્વ અનુભવને આધારે સ્વામીજીએ જીવનની ઘણી બધી વાસ્તવિકતાઓ છતી કરી. દેશમાં ઘણાં બધાં સાધુ સંતો થઈ ગયા અને થતા રહ્યા છે. પણ એક સાચા સંત થવું એ બધાને માટે શક્ય નથી. અમુક લોકો તો એવા પણ મળે છે જીવનમાં કે જેમણે સંન્યાસ નથી લીધો, સંસારી જીવન વિતાવે છે, પરંતુ મનથી એક સંતને પણ શરમાવે એટલાં પવિત્ર હોય છે અને એક સંત જેવું જ જીવન વિતાવે છે.
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ…28 ."સાચા સંત."
પાટડીથી પગે ચાલીને બજાણા ગયો. અહીં દશ દિવસ ધર્મપ્રચાર કર્યો. ખૂબ આનંદ આવ્યો. અહીંથી ફરતો ફરતો પીંપળી ગામમાં સવા ભગતને મળવા ગયો. તે પ્રજાપતિ જ્ઞાતિના હતા, સુંદર ભજનો રચતા. તેમનાં કેટલાંક ભજનો પ્રસિદ્ધ પણ થયાં હતાં. તેઓ વેદાન્તી હતા. મારા મગજમાં વેદાન્તની વાતો ઊતરતી નહિ, તોપણ હું બધું સાંભળતો. ત્રણ-ચાર દિવસ તેમને ત્યાં રહ્યો. ઘરસંસારી હોવા છતાં તેઓનો વ્યવહાર, વાણી બધું સારું લાગ્યું.સંતપરંપરા મોટા ભાગે ઘરબારી લોકોમાંથી થઈ છે. બધી જ જ્ઞાતિઓમાંથી ઉત્તમ કોટિના સંતો થયા છે. તેમણે વેશ બદલ્યો નથી કે પરંપરાનો આજીવિકાનો ધંધો પણ બદલ્યો નથી. કામધંધો કરતાં કરતાં અને સંસાર ચલાવતાં ચલાવતાં તેમણે હરિભજન કર્યું છે, કરાવ્યું છે અને સૌને અપનાવ્યા છે. ત્યાગી ગણાતા ફક્કડ સાધુઓમાં જે અહંભાવ, ક્રોધ વગેરે દેખાય છે તે આ સંતોમાં નથી હોતો, કદાચ હોય તો ઘણો ઓછો હોય છે. દીનતા, આધીનતા અને નમ્રતાના ગુણો દ્વારા તેમના સંતપણાનો વિકાસ થયો હોય છે એટલે તેમની સાત્ત્વિકતા આપોઆપ અસરકારક થઈ જતી હોય છે. શ્રી સવા ભગત તથા તેમનો પરિવાર મને સારો લાગ્યો.
સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશમાં તે વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ હતી. કેટલાંક ગામડાંઓમાં ભ્રમણ કરીને હું દ્વારિકા પહોંચ્યો. બિકાનેરની ધર્મશાળામાં થોડા દિવસ રહીને બેટદ્વારિકા વગેરે તીર્થોનાં દર્શન કર્યાં. અહીંનો એક અનુભવ પ્રેરણાદાયી લાગ્યો. મારો થેલો લઈને હું જઈ રહ્યો હતો ત્યાં એક વૃક્ષ નીચે બેઠેલા વૃદ્ધે મને બોલાવ્યો. બાપુ.... આવો... આવો.... હું ગયો. તેમની પાસે બીજા વૃદ્ધ પણ બેઠા હતા. બન્ને જુદા જુદા કોથળા ઉપર બેઠા હતા. બન્નેની આકૃતિમાં ગરીબાઈ દેખાતી હતી. છતાં પૂરી અમીરીની ખુમારી પણ હતી. લગભગ બે કલાક સુધી તન્મય થઈને એ વૃદ્ધની સત્સંગભરી વાતો હું સાંભળતો રહ્યો. તે વૃદ્ધને પુત્ર, પુત્રવધૂ, બાળકો વગેરે હતું. પણ પોતે તદ્દન નિઃસ્પૃહ થઈને માત્ર જમવા પૂરતા જ ઘરે જતા હતા. તેમને કોઈની પ્રત્યે કશી ફરિયાદ ન હતી. લૂખાસૂકા ભોજન સિવાય કશી અપેક્ષા ન હતી. રામાયણની ચોપાઈઓ દ્વારા તેઓ બહુ જ પ્રભાવશાળી રીતે પોતાના વિચારો પ્રગટ કરતા. આ વૃદ્ધ સજ્જનમાં મને રોમેરોમે સંતના ગુણો દેખાયા. પણ તેમણે કોઈ વેશ ધારણ કર્યો ન હતો એટલે તથા કોઈ સંપ્રદાય કે મઠના મહંત ન હતા એટલે કોઈ તેમનાં દર્શને આવતું ન હતું. તે ભલા ને તેમની આછીપાતળી લીમડી ભલી. પૂર્ણ સંતોષ, પૂર્ણ તૃપ્તિ, પૂર્ણ ભલાઈથી ભરેલી વાણી સાંભળીને થયા કરે કે જાણે બેસીને સાંભળ્યા કરીએ. મારા અસંખ્ય અનુભવો છે કે જેણે સાચા સંતને શોધવા હોય તેણે વેશ-વંશ કે આડંબરનો મોહ છોડવો જ જોઈએ. બહુ પ્રસિદ્ધ થયેલા લોકોની પાસેનાં ટોળાં જોઈને પણ મુગ્ધ ન થવું. હીરાને ઓળખવો હોય તો હીરો ક્યાં પડ્યો છે તે તરફ ધ્યાન ન આપવું. એવું પણ બને કે હીરો ઉકરડામાં પડ્યો હોય અને મુગટમાં કાચ જડાઈ ગયો હોય. ઉકરડામાં પડેલો તોય હીરો એ હીરો છે અને મુગટમાં જડાયેલો હોય તોયે કાચ એ કાચ છે. ભારતમાં આપણે જો વેશ-વંશ તથા આડંબરપૂજાથી મુક્ત થઈ શકીએ તો નિસ્તેજ ધર્મ તેજસ્વી થઈ જાય.
આભાર
સ્નેહલ જાની