ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 27
શિર્ષક:- તાંત્રિક સામે.
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ…27."તાંત્રિક સામે."
જીવનની મૂળશક્તિ લક્ષ્યપૂર્ણ આશા છે. અન્ન વિના તથા પૈસા વિના પણ માણસ અશક્ત થઈ જાય છે. પણ લક્ષ્ય વિનાનો માણસ તો સાવ અશક્ત થઈ જતો હોય છે. મને નવું લક્ષ્ય મળ્યું હતું, ધર્મપ્રચારનું. હવે મને મારું પોતાનું ભારરૂપપણું લાગતું ન હતું. ગાંધીજીએ ગામડાંઓમાં કાર્ય કરવાનું કહેલું એટલે હું પણ ગામડાંઓમાં વિચરણ કરતો, માર્ગ પણ પૂછતો નહિ કોઈ ગામ તો આવશે ને ? જે આવશે તે જ મારું કાર્યક્ષેત્ર, પૈસાનો લોભ હતો નહિ. માત્ર અન્નવસ્ત્રના બદલામાં કાંઈક કરી છૂટવાની આત્મવૃત્તિ માત્ર હતી. મારાં પ્રવચનોનો ખૂબ સારો પ્રભાવ પડતો. નાની ઉંમર અને ત્યાગવૃત્તિ પ્રભાવને વધારી દેતાં. પ્રવચનની સમાપ્તિમાં કાંઈક થોડાઘણા પૈસા આવતા તેનો ઉપયોગ ત્યાં ને ત્યાં જ ગરીબો માટે કે બાળકો માટે કરી નખાવતો. લોકો કહેતાઃ આવા સાધુ તો કદી આવ્યા જ નથી. ઉઘરાણાં કરીને ગાંઠે બાંધનારા તો ઘણા આવ્યા છે. હવે મને મારી ઉપયોગિતા તથા જીવનની સાર્થકતા દેખાવા લાગી હતી. કર્મઠતાનો માર્ગ ગાંધી વિચારધારામાંથી મળ્યો હતો એટલે હું ખાદી પણ પહેરવા લાગ્યો હતો.
એક દિવસ સાંજના સમયે પાટડી પહોંચ્યો, જાળેશ્વર મહાદેવના મંદિરમાં ઉતારો કરવા ગયો પણ પૂજારીએ કહ્યું, 'ટ્રસ્ટીઓનો ઑર્ડર નથી. અહીં માત્ર દંડી સ્વામીઓને જ ઉતારો અપાય છે' વગેરે. થોડી વાતચીત પછી પુજારી ઉતારો આપવા તૈયાર થયા પણ એક શરતે. સવારે મુખ્ય ટ્રસ્ટી (બ્રાહ્મણ) મહાદેવની પૂજા કરવા આવે તે પહેલાં મારે વિદાય થઈ જવું, જેથી તેમને ખબર ન પડી જાય કે હું અહીં ઊતર્યો હતો. પુજારીને નોકરી સાચવવી હતી.એક રૂમમાં ઉતારો આપ્યો. પછી પૂજારીને પૂછીને દર્શર્નીય મંદિરો વગેરેને નિહાળવા હું નીકળ્યો. સાંજે જમવાનો તો પ્રશ્ન હતો જ નહિ સૌથી પ્રથમ એક ઉપાશ્રયમાં ગયો. અહીં જૈન સાધ્વીઓમાં એક બહેન વિદુષી હતાં તેમની સાથે કંઈક ધર્મચર્ચા કરી. પછી બીજા એક-બે મંદિરોમાં થઈને છેવટે મુરલીધર કે બંસીધર એવા નામવાળા એક મંદિરમાં ગયો.
‘કથાનો વિખવાદ’
અહીં કથાના પ્રશ્ને છેલ્લા એક માસથી વિખવાદ ચાલતો હતો. કોઈ યુ.પી. તરફના બ્રાહ્મણ સાધુએ એક-બે મહિના કથા કરી હતી. તે પછી પૂર્વેશ્વર નામના એક સોની ભક્ત (જેમનું મૂળ નામ પૂંજીરામ હતું) પોતાના શિષ્યોના આમંત્રણથી કથા કરવા આવ્યા હતા. પણ પેલા બ્રાહ્મણ સાધુનું કથન હતું કે વ્યાસપીઠ ઉપર માત્ર બ્રાહ્મણથી જ બેસી શકાય. સોની તો શૂદ્ર કહેવાય. તેમનાથી તો વ્યાસપીઠ ઉપર બેસાય જ નહિ. લોકો સોની ભક્ત તરફ હતા, પણ પેલા યુ.પી.ના સાધુથી બહુ ડરતા હતા. તેમને વિદાય થવા ઘણી વાર ગામના ઘણા આગેવાનોએ ખૂબ સમજાવ્યા હતા, પણ તેમનો રુઆબ બહુ ભારે હતો. ચીડિયા બના દૂંગા, સારે ગાઁવકો નષ્ટ કર દૂંગા, શાપ દૂંગા' વગેરે રૂઆબભર્યાં વાક્યોથી લોકો થથરી જતા. એક મહિનાથી કથા બંધ હતી. તેઓ બહાર નીકળતા નહિ. સંડાસ પણ કાગળમાં કરી માર્ગ ઉપર ફેંકી દેતા. આવું હોવા છતાં તે ખસતા ન હતા. સોની ભક્ત કોઈ લાકડાની લાટીવાળાને ત્યાં ઊતર્યા હતા. હું આ કશું જાણતો ન હતો. હું તો સહજ રીતે ફરતો ફરતો પેલા સાધુ પાસે પહોંચ્યો હતો. મંદિરના મેડા ઉપર તેઓ એક આરામખુરશીમાં બેઠા હતા. જટાઓવાળો ચહેરો. ત્રિશૂળ, સર્પની કાંચળી અને તાંત્રિકો પાસે હોય તેવી વસ્તુઓ તેમની પાસે હતી. તે મોટા તાંત્રિક છે તેવો ભય સૌમાં વ્યાપ્ત હતો.
હું થોડી વાર બેઠો હોઈશ ત્યાં તો તેમને પ્રાર્થના કરવા ગામના લોકો ભેગા થવા લાગ્યા. પચાસેક માણસો તેમને ખૂબ પ્રાર્થના કરીને હવે વિદાય થવા આજીજી કરતા હતા પણ તે જવા તૈયાર ન હતા.
ભારતમાં જે રીતેનો ધર્મપ્રચાર થાય છે તે રીતે તો પ્રજા વધુ દુર્બળ, વહેમીલી તથા અનિશ્ચિત ભૂમિકાવાળી બને છે, ખરેખર તો ધર્મથી પ્રબળતા આવવી જોઈએ. વહેમ, શંકા-કુશંકાની જગ્યાએ સ્પષ્ટતા તથા દઢતા આવવી જોઈએ.પણ ચમત્કારોના વંટોળિયામાં પ્રજાને ઉડાડનારા પ્રજાનું હિત કરવાની જગ્યાએ અહિત જ કરે છે.
યુ.પી.ના તાંત્રિક બ્રાહ્મણ સાધુનો રુઆબ એક તરફ અને બીજી તરફ નગરલોકોની આજીજી. હું મૌન થઈને સમસમી ગયેલો. ચુપચાપ બધું સાંભળી રહ્યો હતો. નગરજનોની દુર્બળતા અથવા ધર્મભીરુતા પેલા તાંત્રિકના રુઆબને પાનો ચડાવતી હતી.
પૂર્ણવિજયી મદોન્મત્ત સેનાપતિની અદાથી તેમણે મારી સામું જોયું અને બોલ્યા, 'ક્યોં સત્યાનંદજી, દેખો કૈસા ચલ રહા હૈ ?' હવે મારો વારો આ મેં ખૂબ જ દૃઢતાથી કહ્યું. બહોત બૂરા ચલ રહા હૈ.' મારા ઉત્તરથી તેમને ઠેસ વાગી. તે વખતે મારા શરીરમાં જાણે હનુમાનનો પ્રવેશ થયો હોય તેમ હું ધ્રૂજવા લાગ્યો અને લાંબા સમયથી આક્રોશને રોકી રાખેલો તે ધોધમાર બહાર નીકળવા માંડચો. હું ઊભો થઈ ગયો અને ધોધમાર હિન્દીમાં તાડૂકવા લાગ્યો.
ઇન કબૂતરોં કો આપ ડરા રહે હૈં, જિન્હોંને દો-દો તીન-તીન મહિને તક આપ કી સેવા કી હૈ. અબ ઇનકો ચીડિયા બનાના ચાહતે હૈં ? સબસે પહેલે મુઝે હી ચીડિયા બના દો, બનાવ..બનાવ...દેખતે ક્યા હો ? મેં તેમનું ત્રિશૂળ પકડી લીધું અને તેમને ઝકઝોળી નાખ્યા. દશ-પંદર મિનિટ સુધી ધારાપ્રવાહ હું હિન્દીમાં બોલતો રહ્યો. તેમણે આવી કલ્પના પણ નહિ કરેલી. તે ડઘાઈ ગયા. લોકો પણ મારા રૌદ્ર રૂપને જોઈ રહ્યા. મારો અનુભવ છે કે બધા નહિ પણ કેટલાક ગુજરાત બહારના આવા હલકા સાધુઓ ગુજરાતને લૂંટે છે, તેના ભોળપણ કે શ્રદ્ધાભાવનો દુરુપયોગ કરે છે, ખાય છે અને પાછી નિંદા પણ કરે છે. પ્રજાએ પાત્ર-કુપાત્ર, સાચા અને જૂઠાનો ભેદ સમજવો જોઈએ.
વાતાવરણમાં પરિવર્તન થઈ ગયું હતું. તેઓ ઢીલા પડી ગયા હતા. લોકોને ડર હતો કે મને તેઓ મૂઠ-બૂઠ ન મારી દે. તેઓ ચુપચાપ રૂમમાં ચાલ્યા ગયા. સભા વીખરાઈ ગઈ. હું પણ પાછો પોતાના ઉતારે આવી ગયો, પણ લોકોમાં જિજ્ઞાસા થઈ કે આ નવા છોકરા જેવા સાધુ કોણ છે ? લોકોએ કલ્પનાના ઘોડા દોડાવવા માંડ્યા. ચમત્કારોમાં રાચતી પ્રજા પ્રત્યેક ઘટનાને ચમત્કાર બનાવી દેતી હોય છે. કોઈએ કલ્પના ચલાવી. 'અરે આ તો સાક્ષાત મુરલીધર ભગવાન પોતે રૂપ ધરીને આવ્યા હતા. જોયું નહિ તેમનું તેજ કેવું હતું ?”
રંગોળી પુરાઈને વાત આખા ગામમાં ફેલાઈ ગઈ.પેલા સોની ભક્તને પણ ખબર પડી. તેમણે રાતે ને રાતે દર્શન કરવાની ઇચ્છા બતાવી. અમે મળ્યા. બધા જ કહેતા હતાઃ 'તમે તો મુરલીધર ભગવાન જ છો."
દુર્બળ પ્રજાને આપત્તિઓમાંથી છોડાવનાર વ્યક્તિને આ જ પ્રમાણે લોકો ભગવાન માની બેસતા હશે. ઉદ્ધારક વીર કે જ્ઞાની પુરુષ આ જ રીતે અંતે ભગવાન થઈ જતા હશે. પણ આ પ્રકારથી તો પ્રજાની દુર્બળતા કાયમની થઈ જાય છે. કારણ કે ફરી પાછી આપત્તિ આવે ત્યારે કોઈ ને કોઈ ભગવાન આવીને સારું કરી જશે તેવી આશા તેમને અકર્મણ્ય, સાહસહીન અને કાયર બનાવવામાં નિમિત્ત થતી હોય છે.
વહેલી સવારે મારે વિદાય થઈ જવાનું હતું કારણ કે મહાદેવના ટ્રસ્ટી પૂજા કરવા આવે અને મને જુએ તો પૂજારીની નોકરી જાય.
હું રવાના થવા તૈયાર થયો, ત્યાં તો મુખ્ય ટ્રસ્ટીનો સંદેશો આવ્યો કે મહારાજને જવા દેશો નહિ. મારે ત્યાં ભિક્ષા લઈને જ જાય.' તેમને પણ ખબર પડી ગઈ હતી કે જાળેશ્વર મહાદેવમાં આવેલા એક બ્રહ્મચારીજીએ પેલા સાધુને ખૂભ ધમકાવ્યા છે.તે પણ પ્રસન્ન થઈ ગયા હતા અને પૂજારીએ પોતાનો નિયમ તોડ્યાનું તેમને દુઃખ ન હતું.
અધૂરામાં પૂરું પેલા તાંત્રિક સાધુ પરોઢિયે ચુપચાપ ચાલ્યા ગયા હતા. સર્વત્ર આનંદ હતો. સૌથી વધુ ખુશ પેલા સોની ભક્ત હતા. થેલો પાછો મૂકીને સહેજ લટાર મારવા હું નગરમાં નીકળ્યો. ચારે તરફ પ્રજા મારા પ્રત્યે અહોભાવથી જોઈ રહી છે. કોઈ કેળાં તો કોઈ બીજી વસ્તુ લેવા આગ્રહ કરી રહ્યું છે.
મને નવાઈ અને દુઃખ થાય છે. પ્રજા કેટલી બીકણ તથા અંધશ્રદ્ધાળુ છે ! એક ગુંડાટાઇપ સાધુ આખા ગામને મહિના સુધી ધમકાવતો રહે, સૌ ડરતા રહે અને કશું કરી શકાય નહિ. મારા જેવો એક અત્યંત સામાન્ય માણસ આવા સાધુની ચમત્કારિક શક્તિને ચેલેન્જ આપે, ખખડાવે, ધમકાવે અને ખોટા રૂપિયાની માફક પેલો ભાગી જાય આમાં કઈ મોટી ધાડ મારવાની હતી ? આવું કામ તો ગામમાંથી કોઈ પણ કરી શકે. પણ તે ક્યારે કરી શકે જ્યારે તેને સાચો ધર્મ શિખવાડ્યો હોય ત્યારે. અંધશ્રદ્ધા, વહેમ, ચમત્કારો વગેરે દ્વારા ધર્મ નહિ પ્રજાની અધોગતિનો જ પ્રચાર કરાવાતો હોય છે.
આભાર
સ્નેહલ જાની