મુબારક બેગમ
હિન્દી ફિલ્મોનાં કેટલાક નોંધપાત્ર ગીતોની યાદી જ્યારે તૈયાર કરાય ત્યારે એક ગીત અચુક તેમાં સ્થાન પામે તેવું છે અને તે ગીત છે કભી તન્હાઇયોંમે યું હમારી યાદ આયેગી... સંગીતની સ્હેજ પણ સમજ ધરાવતા કે સારૂ સંગીત સાંભળવાની જેમને ઇચ્છા હોય તેમણે ક્યારેક યુટ્યુબ પર આ ગીત સાંભળવા જેવું છે ગમે તેવા વ્યક્તિની આંખો ભીની કરી દે તેવું આ ગીત છે અને આ ગીતને અવાજ આપનાર ગાયિકાનું નામ છે મુબારક બેગમ.ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગંદી પોલિટિક્સને કારણે તેમને જોઇએ તેવી તક મળી ન હતી તેમ છતાં જેટલા ગીતો તેમણે ગાયા છે તેમાં અનેક એવા ગીતો છે જેને આજે પણ જુની પેઢીનાં લોકો ગણગણતા હોય છે.પાંચ જાન્યુઆરી ૧૯૩૬માં જન્મેલ મુબારક બેગમને ભારતીય ફિલ્મ સંગીતનાં સૌથી પ્રતિભાશાળી ગાયિકાઓમાં એક ગણવામાં આવે છે તેમની પાસે પોતાની પ્રતિભાને માર્કેટિંગ કરવાની કોઇ ખુબી ન હોવાને કારણે તેઓનાં અવાજનો યોગ્ય રીતે ઉપયોગ થઇ શક્યો ન હતો.તેઓ ૧૮ જુલાઇ ૨૦૧૬માં નિધન પામ્યા હતા.૧૯૫૦થી ૬૦નાં ગાળામાં તેમણે ફિલ્મોમાં પોતાનો અવાજ રેલાવ્યો હતો.ગઝલ અને નાતનાં તેઓ મીઠડા ગાયિકા હતા.આમ તો તેમણે પોતાની કારકિર્દીનો આરંભ ઓલ ઇન્ડિયા રેડિયો પર કર્યો હતો.તેમણે ગાયિકીની શરૂઆત ૧૯૪૯માં કરી હતી.તેમને પ્રથમ તક નાશાદે પોતાની ફિલ્મ આઇયેમાં આપી હતી.તેમણે જે ગીતને સૌપ્રથમ પોતાનો અવાજ આપ્યો હતો તે ગીત હતુ...મોહે આને લગી અંગડાઇ, આજા આજા...આ જ ફિલ્મમાં તેમણે લતા સાથે એક યુગલ ગીત પણ ગાયું હતું.જો કે મુબારક બેગમને જે ગીતે સૌથી વધારે પ્રસિદ્ધિ અપાવી તે ગીત કેદાર શર્માની હમારી યાદ આયેગી જે ૧૯૬૧માં રિલીઝ થઇ હતી તેનું હતું અને તે ગીત હતું કભી તન્હાઇયોમે યુ હમારી યાદ આયેગી....હતું.આ ગીતને સંગીત આપ્યું હતું સ્નેહલ ભાટકરે.મુબારક બેગમનો જન્મ રાજસ્થાનનાં ઝુંઝનુંમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો.જો કે પ્રતિભાશાળી હોવા છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે વધારે ટકી શક્યા ન હતા કારણકે તેઓ માત્ર સંગીતને સમર્પિત હતા તે એ સિવાયની સંગીત વિશ્વની પોલિટિક્સને સમજી શક્યાં ન હતા અને તે કારણે જ ફિલ્મ સંગીતમાં વધારે પ્રદાન આપી શક્યાં ન હતા.૨૦૧૬માં તેમનાં મૃત્યુ પહેલા તેમણે એક ઇન્ટર્વ્યુમાં તેમનાં ફેવરિટ ગાયક તરીકે પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામઅલીનું નામ આપ્યું હતું.તેમની પુત્રીને પાર્કિન્સનની બિમારી થઇ હતી અને તેઓ ૨૦૧૫માં મોતને ભેટ્યા હતા ત્યારબાદ મુબારક બેગમની તબિયત પણ લથડી હતી અને તે પણ ૨૦૧૬માં આ દુનિયાને અલવિદા કરી ગયા હતા.તેઓનું પાછલું જીવન ભારે ગરીબીમાં વિત્યું હતું તેઓ જોગેશ્વરીની બહેરામબાગની ચોલમાં એક રૂમમાં રહેતા હતા.તેમનાં પરિવારે જણાવ્યું હતું કે આખી ઇન્ડસ્ટ્રીઝમાં માત્ર સલમાન ખાન જ હતો જેણે આ પરિવારને મદદ કરી હતી.તેણે જ મુબારક બેગમની હોસ્પિટલની સારવાર માટેનું બિલ ચુકવ્યું હતું.જો કે મુબારક બેગમની કારકિર્દીની વાત કરીએ તો તેમણે ૧૭૮ ગીતોને અવાજ આપ્યો હતો.તેમનાં જાણીતા ગીતોની વાત કરીએ તો મુજકો અપને ગલે લગાલો એ મેરે હમરાહી (હમરાહી ૧૯૬૩) શંકર જયકિશન, કભી તન્હાઇયોમે (હમારી યાદ આયેગી) સ્નેહલ ભાટકર, નિંદ ઉડ જાયેગી તેરી ચૈનસે સોને વાલે( જુઆરી ૧૯૬૮), વો ના આયેંગે પલટકર(દેવદાસ ૧૯૫૫) એસડી બર્મન, હમ હાલે દિલ સુનાયેંગે સુને કે ના સુને ( મધુમતી ૧૯૫૮) સલિલ ચૌધરી, વાદા હમસે કિયા દિલ કિસી કો દિયા ( સરસ્વતીચંદ્ર), બેમુરવ્વત બે વફા બેગાનાએ દિલ આપ હૈ ( સુશીલા ૧૯૬૬) સી અર્જુન, એ દિલ બતા હમ કહાં આ ગયે ( ખુની ખજાના ૧૯૬૫), કુછ અજનબી સે આપ હૈ (શગુન ૧૯૬૪), યાદ રખના સનમ ( ડાકુ મન્સુર ૧૯૬૧), શમા ગુલ કરકે ના જાઓ યુ ( આરબ કા સિતારા, ૧૯૬૧), સાંવરિયા તેરી યાદ મે રો રો મરેંગે હમ ( રામુ તો દિવાના હૈ, ૧૯૮૦), હમે દમ દઇકે સૌતન ઘર જાના (યે દિલ કિસકો દું ૧૯૬૩), યે મુંહ ઔર મસુર કી દાલ ( અરાઉન્ડ ધ વર્લ્ડ, ૧૯૬૭) વગેરેને સામેલ કરી શકાય.મુબારક બેગમને આમ તો ગુજરાત સાથે પણ કનેકશન છે કારણકે તેઓ નાના હતા ત્યારે જ તેમના પિતાની સાથે અમદાવાદ આવી ગયા હતા.આમ તો તેમના પિતા ફ્રુટનો ધંધો કરતા હતા પણ તેઓ સારા તબલાવાદક પણ હતા અને ઉસ્તાદ થિરકવા ખાન પાસે સંગીત શીખ્યા હતા.તેમના પિતાને મુબારકની પ્રતિભાનો ખ્યાલ હતો અને તે કારણે જ તેમને શાસ્ત્રીય સંગીતની શિક્ષા અપાવી હતી.તેમણે ઉસ્તાદ રિયાઝુદ્દીન ખાન અને ઉસ્તાદ શમદ ખાન સાહેબ પાસે ટ્રેનિંગ લીધી હતી.તેઓ જ્યારે સંગીતની તાલિમ લેતા હતા ત્યારે તેઓ નુરજહાં અને સુરૈયાથી બહુ વધારે પ્રભાવિત હતા અને તેમની શૈલીને અપનાવી હતી જો કે ફિલ્મોમાં જ્યારે તેમણે ગાવાનું શરૂ કર્યું ત્યારે તેમની પોતાની આગવી સ્ટાઇલનો જ પ્રભાવ તેમની ગાયિકીમાં જોવા મળ્યો હતો.૧૯૫૦થી ૬૦નાં ગાળા દરમિયાન મુબારક બેગમે જે ફિલ્મોમાં ગીતો ગાયા તેમાં બસેરા (૧૯૫૦), ડોલતી નૈયા ( ૧૯૫૦), ફુલો કે હાર (૧૯૫૧), મમતા (૧૯૫૨), મોરધ્વજ ( ૧૯૫૨), શીશા (૧૯૫૨), ચાર ચાંદ(૧૯૫૨), ધરમ પત્ની (૧૯૫૩), અમીર (૧૯૫૪), ઔલાદ (૧૯૫૪), ચાંદની ચૌક (૧૯૫૪), ગુલબહાર (૧૯૫૪), હારજીત (૧૯૫૪), શબાબ (૧૯૫૪), બારાદરી (૧૯૫૫), દેવદાસ (૧૯૫૫), તાતર કા ચોર (૧૯૫૫), રંગીન રાતે (૧૯૫૬), ગેટવે ઓફ ઇન્ડિયા (૧૯૫૭), મધુમતી (૧૯૫૮), હમારી યાદ આયેગી, યે દિલ કિસકો દુ (૧૯૬૩), બેનઝીર (૧૯૬૪), ફરિયાદ (૧૯૬૪), આરઝુ (૧૯૬૫), મહોબ્બત ઇસકો કહેતે હૈ (૧૯૬૫), નિંદ હમારી ખ્વાબ તુમ્હારે (૧૯૬૬), સુશીલા (૧૯૬૬), તીસરી કસમ (૧૯૬૬), અરાઉન્ડ ધ વર્લ્ડ (૧૯૬૭), સરસ્વતીચંદ્ર (૧૯૬૮), સુબહ જરૂર આયેગી (૧૯૭૭), ગંગા માંગ રહી બલિદાન (૧૯૮૧) અને પાંચ કૈદી (૧૯૮૧)નો સમાવેશ થાય છે.૧૯૫૨માં તેમણે કમાલ અમરોહીની દાયરામાં જમાલ સેનનાં હાથ નીચે દિપ સંગ જલું મે આગ મે જેવું ગીત ગાયું હતું.આ ઉપરાંત ક્લાસિકલ ગીતોમાં દેવતા તુમ હો મેરા સહારા, જલી જો શમા ઝમાને કો હો ગયા માલુમ અને સુનો મોરે નયના સુનો મોરે નયના જેવા ગીતો સામેલ છે.
તેમનો અવાજ અલગ જ પ્રકારની મીઠાશ ધરાવતો હતો તેમ છતાં તે સમયની એ ગ્રેડની હિરોઇનો સાથે ગાવાની તેમને તક ન મળી તે અંગે તેમણે એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે કેટલીક ગાયિકાઓ ચાહતી ન હતી કે તેમને સફળતા મળે અને એ કારણે જ તેમને ગીતો મળવા ઓછા થઇ ગયા હતા.તેઓ એ જ એવા પ્રયાસો કર્યા હતા જેના કારણે તેમને ગીતો મળવા ઓછા થઇ ગયા હતા.તેમણે કહ્યું હતું કે તેઓ સામે ચાલીને ઘણાં સંગીતકારો પાસે કામ માંગવા ગયા હતા પણ કોઇએ તેમને કામ આપ્યું ન હતું.તેમનાં જણાવ્યાનુસાર માત્ર હૃદયનાથ મંગેશકરે તેમને સહાય કરી હતી.જાવેદ અખ્તરે તેમને નાનો ફ્લેટ અપાવવામાં મદદ કરી હતી.તેમાંય તેમને પીઠની ઇજા થયા બાદ તો તેઓ વધારે હલનચલન કરી શકતા ન હોવાને કારણે તેમને કામ મળતું બંધ થઇ ગયું હતું.તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સારા ગાયિકા ગણાતા હતા તેમ છતાં તેમનાં પરિવારને ગરીબીનો સામનો કરવો પડ્યો હતો તેમનો પુત્ર શોફરનું કામ કરતો હતો અને પુત્રીને પાર્કિન્સનને કારણે મોત મળ્યું હતું.
મુબારક બેગમે શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી હતી પણ તેઓ ભણી શક્યા ન હતા આ કારણે તેમને વાંચતા લખતા આવડતું ન હતું.એક વખત તેમને બપ્પીદાએ ગાવા માટે બોલાવ્યા હતા જ્યારે તેઓ તેમને ત્યાં પહોંચ્યા ત્યારે બપ્પીદાએ તેમને ધુન સંભળાવી અને ત્યારબાદ ગીતનાં બોલ લખીને તેમને કાગળ આપ્યો ત્યારે તેઓએ કહ્યું કે તેમને વાંચતા આવડતું નથી ત્યારે બપ્પીદાએ પુછ્યું કે વાંચતા આવડતું નથી તો ગીતો કેવી રીતે ગાવ છો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ગીતને યાદ કરીને તેમનાં હૃદયમાં ઉતારી લે છે અને ત્યારબાદ તેને ગાય છે આ કારણે જ મુબારક બેગમનાં ગીતો દિલમાં ઉતરી જાય છે.જો કે આ ગાયિકા પોલિટિક્સ જાણતી ન હતી તે કારણે તેને ઘણું સહન કરવું પડ્યું તેના ગીતો પણ અન્યોને મળ્યા હતા.તેમણે એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે ફિલ્મ જબ જબ ફુલ ખીલેનું પરદેસિયોં સે ના અંખિયા મિલાના તેમનાં અવાજમાં રેકોર્ડ કરાયું પણ જ્યારે રેકોર્ડ પ્રસિદ્ધ થઇ ત્યારે તેમનાં સ્થાને લતા મંગેશકરની અવાજનો ઉપયોગ કરાયો હતો.આમ એક અનમોલ રતન આપણે ગુમાવી દીધું છે.
સજ્જાદ હુસૈન
જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સરસ્વતીનો દરજ્જો અપાય છે અને જેને લિજેન્ડ કહેવાય છે તે લતા મંગેશકર પણ જેને પોતાના ગુરૂ તરીકે ઓળખાવતા હતા તે સજ્જાદ હુસૈનનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એવા મુઠ્ઠીભર કલાકારોમાં સામેલ છે જેને મૌલિક કલાકાર તરીકે સન્માન અપાય છે.૧૫ જુન ૧૯૧૭માં જન્મેલા સજ્જાદે ૧૯૯૫ની ૨૧મી જુલાઇએ દુનિયાને અલવિદા કરી હતી.તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી ઉત્તમ સંગીતકારોમાં સ્થાન અપાય છે અને ખાસ વાત એ છે કે તેઓ એવા સંગીતકાર હતા જેઓ પોતે પંદરથી વીસ જેટલા વાદ્યો જાતે વગાડી શકતા હતા એટલું જ નહિ મેન્ડોલિનનાં તો તેઓ ખરા અર્થમાં ખાં સાહેબ હતા.તેમનાં ગીતોમાં મેન્ડોલિનનાં સુર તેમનાં જ છે.એટલું જ નહિ તેમની આ પ્રતિભાનો ઉપયોગ તેલુગુ ફિલ્મ મુથયલા મુગ્ગુમાં જોવા મળ્યો છે જે ૧૯૭૫માં રિલીઝ થઇ હતી આ ફિલ્મમાં તેમનાં મેન્ડોલિનનો ઉપયોગ પંદર મિનિટ માટે કરાયો હતો અને સિંહલા ફિલ્મનાં મ્યુઝીક ડિરેક્ટરે ૧૯૫૯માં ફિલ્મ દૈવા યોગ્યામાં કર્યો હતો જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જેને સૌથી વધારે મૌલિક કલાકાર ગણાવાય છે તેવા સજ્જાદનો સંગીત સાથે કોઇ નાતો ન હતો.જો કે તેમનાં પિતાને સિતારનો શોખ હતો અને નાનપણમાં જ્યારે તેમનાં કાને આ સિતારનાં સુર પડ્યા ત્યારે તેમને પણ સંગીતનો શોખ જાગ્યો હતો અને સિતારની સાથોસાથ અન્ય વાદ્યો તરફ પણ જુકાવ વધ્યો હતો અને તેઓ વીસેક જેટલા ભારતીય અને વિદેશી વાદ્યો વગાડતા શીખી ગયા હતા.તે જ્યારે મેન્ડોલિન શીખતા હતા ત્યારે ઘણાં ધુરંધરો એ તેમને કહ્યું હતું કે આ વાદ્ય પર શાસ્ત્રીય ધુન વગાડી શકાય જ નહિ પણ સજ્જાદને પોતાના પર ભરોસો હતો અને તેમણે પ્રેકટીસ ચાલુ રાખી હતી અને આખરે તેઓ મેન્ડોલિનનાં ઉસ્તાદ બન્યા હતા અને તેમણે તેના પર સરોદ, સિતાર અને વીણા પર જે રીતે શાસ્ત્રીય ધુન છેડી શકાય છે તેમણે મેન્ડોલિન પર પણ એ કમાલ કરી બતાવ્યો હતો. જો કે તેઓ સંગીત માટે મુંબઇ કેવી રીતે આવ્યા તે પણ રસપ્રદ વાત છે.એક દિવસ તેઓ પોતાના એક પરિચિતને ત્યાં ગયા હતા અને ત્યાં તેમણે ૧૯૩૬માં આવેલી દેવદાસની રેકોર્ડ જોઇ હતી અને તેમણે તેના પર એક ગીત સાંભળ્યું જેના બોલ હતા દુખ કે અબ દીન બીતત નાહી... અને આ ગીત તે સમયનાં મહાન ગાયક કે.એલ.સાયગલે ગાયું હતું.આ ગીત સજ્જાદને બહુ ગમી ગયું હતું અને તેમણે પણ સંગીતકાર બનવાનો નિશ્ચય કર્યો હતો.પોતાનું આ સપનું સાકાર કરવા તેઓ પોતાના ભાઇ નિસાર હુસૈન સાથે મુંબઇ આવ્યા હતા.અહી તેમણે સોહરાબ મોદીની મિનર્વા મુવીટોનમાં ત્રીસ રૂપિયે મહિનાનાં પગાર પર નોકરી શરૂ કરી હતી.તેમણે મીર સાહબ અને રફીક ગઝનવીનાં આસિસ્ટંટ તરીકે પણ કામ કર્યુ હતું તો શૌકત હુસૈન રિઝવી સાથે તેઓ મેન્ડોલિન વગાડતા હતા.૧૯૪૦માં સજ્જાદની મુલાકાત કંપોઝર મીર અલ્લાહબખ્સ સાથે થઇ હતી અને તેઓ મેન્ડોલિન પર તેમની મહારતથી ભારે પ્રભાવિત થયાં હતા તેમણે સજ્જાદને પોતાને ત્યાં કામે રાખી લીધા હતા થોડો સમય તેમની સાથે કામ કર્યા બાદ તેઓ સંગીતકાર હનુમાન પ્રસાદનાં સહાયક બન્યા હતા અને તેમનાં સહાયક તરીકે તેમણે ફિલ્મ ગાલી (૧૯૪૪)નાં બે ગીતો કંપોઝ કર્યા હતા.આ બંને ગીતને અવાજ ગાયિકા નિર્મલા દેવીએ આપ્યો હતો જે સુપરસ્ટાર ગોવિંદાનાં માતા છે.ઘણાં સંઘર્ષ બાદ આખરે સજ્જાદને ૧૯૪૪માં ફિલ્મ દોસ્તમાં કામ કરવાની તક મળી હતી આ ફિલ્મમાં પાંચ ગીત હતા અને પાંચેય ગીત નુરજહાંએ ગાયા હતા.આ ફિલ્મનું એક ગીત તે સમયે સુપરહીટ સાબિત થયું હતું જેના બોલ હતા...બદનામ મુહબ્બત કૌન કરે ઔર ઇશ્ક કો રૂસવા કૌન કરે...આ ફિલ્મનાં સંગીતને ખાસ્સી પ્રસંશા સાંપડી હતી અને તમામે એકી અવાજે કહ્યું હતું કે સજ્જાદે એકદમ ઓથેન્ટિક અને ઓરિજિનલ સંગીત આપ્યું છે.જો કે આ ફિલ્મમાં કામ કરતી વખતે જ સજ્જાદને નુરજહાં સાથે કોઇ વાતે માથાકુટ થઇ હતી અને તેમણે સોગંદ ખાધા હતા કે તે ક્યારેય નુરજહાં સાથે કામ નહિ કરે..આમ થવાનું કારણ નુરજહાંનાં પતિ શૌકત હુસૈન રિઝવી હતા જે ફિલ્મનાં નિર્માતા પણ હતા અને તેમણે એવી વાતો કરી હતી કે આ ફિલ્મ નુરજહાંનાં અવાજને કારણે હીટ થઇ હતી તેમણે સજ્જાદનાં સંગીતની ઉપેક્ષા કરી હતી એટલે જ તુનકમિજાજી સજ્જાદે જાહેર કર્યુ હતું કે તે નુરજહાં સાથે ફરી ફિલ્મ નહિ કરે.જો કે સજ્જાદ લતાનાં ફેન હતા અને તેમણે ઘણી વખત કહ્યું હતું કે લતા જેટલી સુરીલી ગાયિકા તેમણે જોઇ નથી.લતા પણ સજ્જાદને સન્માન આપતા હતા અને હંમેશા કહેતા હતા કે તેમને તેમની સાથે કામ કરવા મળ્યું નથી પણ જેટલું કામ કર્યુ છે તે તેમની પ્રતિભા પુરવાર કરવા માટે પુરતું છે.સજ્જાદને ઇન્ડસ્ટ્રીમાં વધારે કામ નહિ મળવાનું કારણ તેમનો ગુસ્સૈલ સ્વભાવ હતો તેમને ઇન્ડસ્ટ્રીનાં દુર્વાસા કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કારણકે તેમનાં ગુસ્સાનો શિકાર ઇન્ડસ્ટ્રીનાં જાણીતા લોકો થયા છે.કિશોર કુમાર અને તલત મહેમુદને તેઓ તેમના મ્હો પર ખરી ખોટી સંભળાવી શકતા હતા.જો કે તેમ છતાં તેમણે ઇન્ડસ્ટ્રીનાં પ્રતિભાશાળી ગાયકો સાથે ઉત્તમ કામ આપ્યું છે.લતા ઉપરાંત તેમણે સુરૈયા અને આશા ભોંસલે સાથે પણ કામ કર્યુ હતું.તેમનાં ઉત્તમ ગીતોમાં ફિલ્મ રૂસ્તમ સોહરાબનાં ગીતો ગણાવી શકાય જે ૧૯૬૩માં આવી હતી.આ ફિલ્મમાં સુરૈયાએ યે કૈસી અજબ દાસ્તા હો ગઇ હૈ ગાયું હતું તો લતાનાં મોસ્ટ ફેવરિટ ગીતોમાંનું એક એ દિલરૂબા પણ સામેલ હતું તો રફી, મન્નાડે અને સાદાત ખાનનાં અવાજમાં ફિર તુમ્હારી યાદ આઇ એ સનમને ગણાવી શકાય.૨૦૧૨માં એક મુલાકાતમાં લતાએ તેમને પોતાના સૌથી ફેવરિટ કંપોઝર ગણાવ્યા હતા.તેમનાં ગીતો ઇન્ડસ્ટ્રીમાં સૌથી મુશ્કેલ ગીતો મનાય છે જેને ગાવામાં અચ્છા અચ્છા ગાયકોને પરસેવો પડી જતો હતો.ઇન્ડસ્ટ્રીમાં અનિલ વિશ્વાસને જેમ ઉત્તમ અને મૌલિક સંગીતકાર ગણાવાય છે તે રીતે જ સજ્જાદને પણ મૌલિક સંગીતકાર તરીકે ઓળખવામાં આવે છે.જો કે સંગીત જગતનાં તે દુર્વાસા મનાતા હતા કારણકે ગુસ્સે થયા બાદ તેઓ ગમે તે હોય તેના વિશે તે વિવાદાસ્પદ ઉચ્ચારો કરતા ખચકાતા ન હતા.૧૯૪૪માં આવેલી દોસ્તમાં સજ્જાદે સંગીત આપ્યું હતું અને આ ફિલ્મનાં ગીતો નુરજહાંએ ગાયા હતા અને તે સમયે તે ગીતો દેશમાં ખાસ્સા લોકપ્રિય થયા હતાં.નુરજહાંનાં પતિ શૌકત રિઝવી જે એ ફિલ્મનાં નિર્માતા હતા તેમણે ફિલ્મની સફળતાનો શ્રેય નુરજહાંનાં અવાજને આપ્યો હતો અને આ વાત સજ્જાદને એટલી ખટકી હતી કે તેમણે ત્યારે જાહેરાત કરી હતી કે તેઓ હવે ફરી નુરજહાં સાથે કયારેય કામ નહિ કરે.૧૯૫૧માં આવેલી સૈયા દરમિયાન તેમને ગીતકાર ડીએન મધોક સાથે કોઇવાતે વાંકુ પડ્યું હતું તો ૧૯૫૨માં ફિલ્મ સંગદિલનાં ગીતનાં રેકોર્ડિંગ સમયે દિલિપ કુમાર સાથે પણ કોઇ વાતે ચણભણ થઇ હતી.એક સમય તો એવો આવ્યો હતો જ્યારે થોડા સમય માટે તે લતા પર પણ ખાસ્સા ગુસ્સે રહ્યાં હતા.તલત મહેમુદને તેઓ ગલત મહેમુદ અને કિશોર કુમારને શોર કુમાર તરીકે ઓળખાવતા હતા.તેઓ તો નૌશાદનાં સંગીત માટે પણ થોડો નીચો અભિપ્રાય ધરાવતા હતા અને એટલે જ એક વખત જ્યારે તેમની સાથે લતા એક ગીત રેકોર્ડ કરતા હતા ત્યારે તે તેમને જે જોઇએ તે પ્રમાણે ગાઇ શકતા ન હતા ત્યારે તેમણે લતાને પણ સંભળાવ્યું હતું કે આ નૌશાદ મિયાંનું સંગીત નથી.આ જ સ્વભાવને કારણે તેમણે શશધર મુખરજીની ફિલ્મીસ્તાનમાં કામ કરવાની ઓફર ઠુકરાવી હતી અને કે.આસિફ સાથેનાં મતભેદનાં કારણે તેમણે મુગલે આઝમનું સંગીત આપવાની તક પણ ગુમાવી હતી.સજ્જાદે ફિલ્મ સંગદિલમાં એક ગીત બનાવ્યું હતું યે હવા યે રાત યે ચાંદની ...આ ગીતની ધુન મદન મોહનને એટલી પસંદ પડી હતી કે તેમણે તેના પરથી જ ફિલ્મ આખરી દાવ માટે તુઝે ક્યા સુનાઉં મૈ દિલરૂબા તેરે સામને મેરા હાલ હૈ બનાવ્યું હતું અને આ વાતની જ્યારે સજ્જાદને ખબર પડી ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા હતા અને જ્યારે મદન મોહનનો તેમની સાથે ભેટો થયો ત્યારે તેમને ટોન્ટ મારતા કહ્યું હતું કે હવે તો પડછાયાઓ પણ ચાલવા લાગ્યા છેને... જો કે મદન મોહને તેમને એમ કહીને શાંત પાડ્યા હતા કે ઉસ્તાદ આખી ઇન્ડસ્ટ્રીમાં કોઇ સંગીતકાર જ એવો નથી જેની નકલ કરી શકાય મને સંતોષ છે કે મે તમારા ગીતની નકલ કરી છે અને આ સાંભળીને સજ્જાદની પણ બોલતી બંધ થઇ ગઇ હતી.જો કે આ સ્વભાવને કારણે જ લોકોએ તેમની ઉપેક્ષા કરવા માંડી હતી અને તેમને ખાસ કામ મળવાનું બંધ થઇ ગયું હતું એ કારણે જ તેમની ૩૪ વર્ષની કારકિર્દીમાં ગણીને માત્ર વીસ ફિલ્મોમાં તેમને કામ મળ્યું હતું.જો કે તેમની પ્રતિભાની કમાલ તો સિંહાલી ફિલ્મ દૈવાયોગયા જે ૧૯૫૯માં શ્રીલંકામાં રિલીઝિ થઇ હતી તેમાં જોવા મળ્યો હતો.આ ફિલ્મ પુનાનાં પ્રસાદ સ્ટુડિયોમાં તૈયાર થઇ હતી અને આ ફિલ્મનું સંગીત સજ્જાદે આપ્યું હતું જેના બે ગીત હાડા ગિલે અમા મિહિરે અને દોઇ દોઇયા પુથા તે સમયની શ્રીલંકાની સૌથી લોકપ્રિય ગાયિકા રૂકમણી દેવીએ ગાયા હતા અને આ ગીતો શ્રીલંકામાં બ્લોક બસ્ટર સાબિત થયાં હતાં.સજ્જાદની આખરી ફિલ્મ ૧૯૭૭માં આવેલી આખરી સજદા હતી જો કે તેઓ ૧૯૮૦ સુધી કોન્સર્ટોમાં સક્રિય રહ્યા હતાં.લતાએ એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે સજ્જાદને ખુશ કરવા બહું મુશ્કેલ હતું.જો કે તેમણે એ વાતે સજ્જાદની પ્રસંશા કરી હતી કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે તે શીખતી હતી તે દરમિયાન તેમની પ્રતિભા પર સજ્જાદે વિશ્વાસ દાખવ્યો હતો.તેમનાં સંગીત વિષે વાત કરતા લતા જણાવે છે કે તેમને ઘોંઘાટિયું સંગીત સ્હેજે પસંદ ન હતું અને તેઓ પરફેક્શનનાં ખાસ્સા આગ્રહી હતા અને તમામ વાદ્યો યોગ્ય રીતે સુરમાં રહે તેનું તે ખાસ ધ્યાન રાખતા હતા અને આ વાતમાં તેઓ ક્યારેય સમાધાન કરતા ન હતાં.આજે પણ તેમનાં ગીતો મધુર અને કર્ણપ્રિય હોવાનું લતાએ જણાવ્યું હતું.સજ્જાદે ૨૧ જુલાઇ ૧૯૯૫નાં રોજ અંતિમ શ્વાસ લીધા હતા જો કે તેમની અંતિમ ક્રિયામાં ઇન્ડસ્ટ્રીમાંથી માત્ર ખય્યામ અને પંકજ ઉધાસ જ હાજર રહ્યાં હતાં.નૌશાદ માટે તે ભલે ગમે તે અભિપ્રાય ધરાવતા હતા પણ નૌશાદે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તે અત્યંત પ્રતિભાશાળી હતા અને તેમને સંગીતની ઉંડી સમજ હતી પણ તેમનાં ગુસ્સાએ વાત બગાડી હતી.અનિલ વિશ્વાસે પણ તેમનાં માટે અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે તમામ માપદંડોએ હુસૈન મૌલિક સંગીતકાર હતા અને તેઓ ઇન્ડસ્ટ્રીનાં જિનિયસ મ્યુઝિક ડિરેક્ટકર હતાં.તેઓ અન્યોથી અલગ હતા અને તેમની દરેક ધુન બહુ મુશ્કેલ હતી પણ તેઓ કર્ણપ્રિય સંગીતનાં જનક હતા.
સજ્જાદે જે ફિલ્મોમાં સંગીત આપ્યું તેમાં ગાલી (૧૯૪૪), દોસ્ત (૧૯૪૪), ધરમ (૧૯૪૫), ૧૮૫૭(૧૯૪૬), તિલસ્મી દુનિયા (૧૯૪૬), કસમ (૧૯૪૭), મેરે ભગવાન (૧૯૪૭), રૂપલેખા (૧૯૪૭), ખેલ (૧૯૫૦), મગરૂર (૧૯૫૦), સૈયા ( ૧૯૫૧), હલચલ (૧૯૫૧), સંગદિલ (૧૯૫૨), રૂખસાના (૧૯૫૫), રૂસ્તમ સોહરાબ (૧૯૬૩), મેરા શિકાર (૧૯૭૩) અને આખરી સજદા (૧૯૭૭) ગણાવી શકાય તેમ છે.