ધ બેલ વીચ
જો તમારામાં કોઇની સાથે બદલો લેવાનું ખુન્નસ ખદબદતું હોય અને તમે એવા સ્થળે ત્રિશંકુ જેવી સ્થિતિમાં પહોંચી ગયા હોવ જ્યાંથી તમે આગળ ન જઇ શકો તો તેવામાં તમે શું કરો તમે એ જ કામ કરશો જે કેટ બેટ્ટસે કર્યુ હતું. તે એક વૃદ્ધા હતી અને તેને વિશ્વાસ હતો કે તેની સાથે જહોન બેલે વિશ્વાસઘાત કર્યો હતો જેણે તેની જમીનની ખરીદી કરી હતી.તેને એ પણ ખાતરી હતી કે એ જ નરાધમે તેને અને તેની લાડકી બાર વર્ષની પુત્રી અને અન્ય સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા.કેટ જયારે મરણપથારીએ હતી ત્યારે તેણે એ હુંકાર કર્યો હતો કે તે જહોન બેલ અને તેના પરિવાર સાથે બદલો લેશે જેણે તેમની દુર્ગતિ કરી હતી.તેના મોત બાદ કેટે તેની વાતને સાચી પુરવાર કરી હતી.બેલ પરિવારનો ત્યારબાદ દુર્ભાગ્યનો સમય શરૂ થઇ ગયો હતો કારણકે તેમની સાથે અનેક ભયંકર ઘટનાઓ ઘટી હતી જે કોઇ પ્રેતાત્મા દ્વારા કરાઇ હોવાની ચર્ચા હતી.કેટે તેના પરિવારનાં સભ્યોની નાકને તોડી નાંખી હતી એટલું જ નહિ તેમને લાગતું હતું કે તેમના શરીરમાં કોઇ ટાંકણીઓ ભોંકી રહ્યું છે.તેમનાં કીચનનાં વાસણો અચાનક જ તેમની તરફ ફંગોળાઇને આવતા હતા અને તેમને સતત કોઇ તીણાં ઉંચા સુરનાં અવાજ સંભળાતા હતા.તેમનાં વાળ ખેંચાતા હતા અને એવા અસ્તિત્વનો આભાસ થતો હતો જે તેમની પાસે સતત હાજર રહેતું હતું.તેમનાં પરિવારમાં આ પ્રકારનાં અનુભવ જહોન અને તેની લાડકી પુત્રી બિસ્ટીને વધારે પ્રમાણમાં થતા હતા.તેની પત્ની અને તેના અન્ય સંતાનોને પણ ઘણીવાર અમુક પ્રકારનાં વિચિત્ર અવાજો સંભળાતા હતા.જો કે જહોન અને તેની પુત્રી માટે દુઃસ્વપ્ન સમાન બાબતો વધારે પ્રમાણમાં જ ઘટતી હતી કેટ તેમને શારીરિક અને માનસિક એમ બંને રીતે ભયંકર પ્રમાણમાં રંજાડતી હતી.આ પરિવાર સાથે બનતી ઘટનાઓ ત્યારબાદ તો ટેન્નેસીનાં એ નાનકડા શહેર આદમ્સમાં ઘરેઘરનો ચર્ચાનો વિષય બની ગઇ હતી.ત્યાંનાં લોકો પણ આ પરિવારની સાથે બનતી ઘટનાઓથી ભયભીત હતાં આ ઘટનાઓની ચર્ચા ત્યારબાદ તો અન્ય શહેરોમાં પણ ચર્ચાસ્પદ બની હતી અને લોકો દુરદુરથી એ શહેરની મુલાકાત લેતા હતા.આ વાત ત્યારનાં અમેરિકાનાં થનારા રાષ્ટ્રપતિ જનરલ એન્ડ્રુ જેક્સન સુધી પહોંચી હતી અને તેઓ ત્યારે તેમનાં કેટલાક મિત્રોને લઇને આ પરિવારની મુલાકાતે આવ્યા હતા અને તેઓ જાતે જ કેટ બેટ્ટસની આત્મા અને તેની ભૂતાવળ સમાન બાબતોની તપાસ કરવા માંગતા હતા અને તેમને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તે સીધા સાદા અને સપાટ રોડ પર તેમની ગાડી અચાનક જ ખોડાઇ ગઇ હતી અને ઘોડાઓને ચાબૂકો મારવા છતાં તેઓ એ ગાડીને એક તસુભાર પણ આગળ ચલાવી શક્યા ન હતાં.ત્યારે જેકસનને આ કેમ થયું તેનું કારણ સમજાયું અને તેમણે કહ્યું હતું કે આ એ જ ચુડેલનું કામ છે અને આશ્ચર્યની વાત એ છે કે તેમને અવાજ સંભળાયો હતો કે તમારી વાત સાચી છે હવે તમે આગળ વધો આગળ વધો આપણી મુલાકાત હવે રાત્રે થશે અને તરત જ તેમની ગાડી ચાલી પડી હતી.તેમને ત્યારે આશ્ચર્ય એ વાતનું હતું કે ત્યારે રસ્તા પર કે આસપાસ એવું કોઇ ન હતું જેમણે તેમની સાથે વાત કરી હતી.જો કે કેટે આવેલા અતિથિઓ સાથે એવો કોઇ ખરાબ વ્યવહાર કર્યો ન હતો જે તે જહોનનાં પરિવાર સાથે કરતી હતી અને જેકસન અને તેમની સાથે આવેલા લોકોને પણ એ વાતની ખાતરી થઇ ગઇ હતી કે બેલની એ ચુડેલ તેમની સાથે એ વર્તન કરી રહી નથી જે તેમની સાથે સવારે થયું હતું.તેમને એના અસ્તિત્વની ખાતરી થઇ ગઇ હતી અને તેઓ ત્યાંથી નિકળી ગયા હતા. આમ તો આત્માઓને મોત આવતું નથી કારણકે તે અમર હોય છે આથી કેટનો આત્મા બેલનાં જીવનનાં અંતિમ સમય સુધી તેની સાથે રહ્યો હતો પણ તેના મોત માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહિ.૧૮૩૦નાં ઓક્ટોબરમાં જહોન બેલને હાર્ટ એટેક આવ્યો હતો અને તે બિમાર પડી ગયો હતો અને લાંબો સમય સુધી પથારીવશ રહ્યો હતો એક દિવસ તેનાં પરિવારે જોયું કે તેનો પલંગ ઉથલી ગયો છે અને તે ઉંધા મોઢે નીચે પડેલો છે ત્યારે તેના પુત્રને લાગ્યું કે તેના પિતાને દવાને કારણે આમ થયું છે અને તેણે જ્યારે દવા જ્યાં મુકી હતી તે ટેબલની દરાજમાં જોયું તો તેને લાગ્યું કે તેની આશંકા સાચી હતી ત્યારે જ કેટનો ખતરનાક અને વિજયનાં ઉલ્લાસવાળો અવાજ સંભળાય છે કે તેણે જ તેની દવામાં ઝેર મેળવી દીધું હતું અને જ્યારે ડોક્ટરે પણ એ દવાની તપાસ કરી ત્યારે જણાયું હતું કે તે ઝેરી હતી.જો કે કેટને તેના મોતથી જ સંતોષ થયો ન હતો લોકો જ્યારે તેને દફનાવવા કબ્રસ્તાનમાં ગયાં ત્યારે ઘણાંએ કેટનો ત્યાં કોઇ ગીત ગાતી હોય તેવો અવાજ સંભળાતો હતો અને જ્યારે તમામ લોકો કબ્રસ્તાનમાંથી બહાર નિકળી ગયા ત્યારે પણ તે જાણે કે ત્યાં ગાતી હોય તેવું લોકોને લાગ્યું હતું.ઉલ્લેખનીય વાત છે કે આ વાત એટલી પ્રચલિત બની હતી કે હોલિવુડને પણ તેમાં રસ પડ્યો હતો અને તેના પરથી જ ધ બ્લેર વીચ પ્રોજેક્ટ અને ધ અમેરિકન હોંટિંગ જેવી હોરર ફિલ્મોની રચના થઇ હતી અને આ એક એવો કિસ્સો છે જેમાં કોઇ આત્મા સીધેસીધું કોઇનાં મોતને માટે જવાબદાર મનાઇ હતી.
ધ બર્નિની હોન્ટિંગ
બધા એકાકી લોકો આખરે જાય છે ક્યાં અને મારો સંબંધ કોની સાથે છે આ પ્રકારનાં સવાલ રોઝ બર્નિનીને એક સફેદ કપડામાં તેના દાદરની આસપાસ ફરતા એક નાના છોકરા દ્વારા પુછવામાં આવતા હતા અને એ છોકરો તેનાં બે સંતાનોમાંથી ન હતો.તે આ દુનિયા સાથે પણ સંબંધ ધરાવતો ન હતો.આ ભૂતિયા અનુભવને ત્યારબાદ પેરાનોર્મલ રિસર્ચર્સોએ ધ બર્નિની હોન્ટિંગ નામ આપ્યું હતું.આ ઘટનાનો આરંભ જો બર્નિની અને તેનો પરિવાર ન્યુ ઇંગ્લેન્ડનાં તેમને વારસામાં મળેલા મકાનમાં ૧૯૭૦નાં પાછલા ગાળામાં રહેવા ગયા ત્યારે થયો હતો.પતિ પત્ની અને તેમનાં બે બાળકો પરિવારનાં સભ્યો હતા.જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારબાદ જ તેમને આ મકાનનો ઇતિહાસ અને તેની સાથે સંકળાયેલા રહસ્યોની એકબાદ એક જાણ થઇ હતી.તેમને થયેલા ખતરનાક ભૂતિયા અનુભવોને કારણે તેમને બહાર મદદની ગુહાર લગાવવી પડી હતી.તેમને તેમનો પહેલો ભૂતિયા અનુભવ ૧૯૭૯નાં મે મહિનાની એક સાંજે થયો હતો જ્યારે એક નાનકડી છોકરી તેમનાં ઘેર આવી જેણે તેનું નામ સેરેના હોવાનું જણાવ્યું હતું જો કે તેમને આ પહેલા તેમનાં પરિવારમાં કોઇ સેરેના નામની છોકરી હોવાનું યાદ આવ્યું નહિ એટલે તેમને એ ખબર ન પડી કે આ સેરેના નામની છોકરી કેમ આવી છે.સેરેનાની પ્રથમ મુલાકાત બાદ તેમની પુત્રી ડેઇઝી ગળાનાં કાકડાને કઢાવવા માટે ડોકટર પાસે ગઇ હતી અને જ્યારે તેના પર ઓપરેશન કરાયું ત્યારે કેટલીક સમસ્યાઓ ઉભી થઇ હતી અને તેનું હૃદયનાં ધબકારા બંધ પડી ગયા હતા અને તે બેહોશ થઇ ગઇ હતી.ત્યારે તો બર્નિની પરિવારને સેરેનાની મુલાકાત અને ડેઇઝીનાં મૃત્યુસાદૃશ અનુભવનો કોઇ મેળ છે તેવું લાગ્યું ન હતું.નવેમ્બરમાં એક રાત્રે જોની દાદીને પણ હાર્ટ એટેક આવ્યો હતો અને તે મોતને ભેટ્યા હતા.જો કે તેમને આ ઘટનાઓને સેરેના સાથે કોઇ સંબંધ છે તેનો અંદેશો ત્યારે આવ્યો જ્યારે જોની પત્નીની ચીસ સાંભળીને તેઓ જાગી ગયા હતા જેણે જણાવ્યું હતું કે કોઇ તેનું ગળું દબાવતું હોય તેવું તેને લાગ્યું હતું.પરિવારનાં છોકરાઓને આ પ્રકારનો અનુભવ ૧૯૭૯નાં છેવટનાં ગાળાથી માંડીને માર્ચ ૧૯૮૧ દરમિયાનનાં ગાળામાં થયો હતો જ્યારે એક સફેદ કપડામાં સજ્જ નાનો બાળક રોઝને દેખાયો હતો.તે બાળક દાદરની પાસે ફરતો હતો અને તેનો દેખાવ પણ સેરેના જેવો જ હતો જો કે તે છોકરો ક્યારેય છોકરાઓને ડરાવતો ન હતો અને સંશોધકોએ પણ તેની અનુભૂતિ શાંત હોવાનું લાગ્યું હતું.જો કે સેરેના આ પરિવારનાં સભ્યોને ચેતવણી આપવા માંગતી હતી જ્યારે આ બાળક કોઇ વસ્તુની શોધ કરતો હતો.આ છોકરો જોને પણ દેખાયો હતો તેને પણ લાગ્યું હતું કે તે બાળક કશુંક ખોળી રહ્યો છે.જ્યારે જોએ ફલોરબોર્ડને ઉથલાવ્યું ત્યારે તેને ત્યાંથી વર્જિન મેરીનો ચંદ્રક મળી આવ્યો હતો જ્યારે તેમણે આ અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે જોનાં પિતા કાર્લોસને બે સંતાનો હતા જે આ ઘરમાં મોતને ભેટ્યા હતા.આ બાળકોમાં એક હતી સેરેના જે માત્ર પાંચ વર્ષની વયે અને બાળક જર્યોજિયો આઠ વર્ષની ઉંમરે મોતને ભેટ્યો હતો.આ મામલે જયારે તપાસ કરાઇ ત્યારે જણાયું હતું કે આ મોત થોડા અકદુરતી હતાં કારણકે એક પછી એક બે બાળકોનાં મોત સામાન્ય બાબત ન હતી ત્યારે આ મોત માટે કાર્લોસનાં નાનાં ભાઇ તરફ આંગળી ચિંધાઇ હતી અને એક દિવસ જોને પેલા બાળકે કહ્યું પણ હતુંકે તેને મદદ માત્ર તેનો ભાઇ જ કરી શકે તેમ છે.જ્યારે ઘરમાં આ પ્રકારનાં ભૂતાળવા અનુભવો વધી ગયા ત્યારે બર્નિનીએ આધ્ચાત્મિક મદદ લેવાનો નિર્ણય કર્યો હતો આ માટે તેમણે બે પાદરીઓનો સંપર્ક કર્યો હતો અને તેમને તેમનાં ઘેર આવીને ઘરને પવિત્ર કરવા માટે ગુહાર લગાવી હતી.તેઓ તેમનાં ઘેર આવ્યા હતા અને પ્રાર્થના કરી હતી અને પવિત્ર જળનો છંટકાવ કર્યો હતો ત્યારબાદ પેલી આત્માઓ થોડી શાંત પડી હતી પણ તે લાંબો સમય ચાલ્યું ન હતું.ત્યારબાદ જે આત્મા તેમનાં ઘેર આવી હતી તે જાણે કે સીધી જહન્નમમાંથી આવી હતી તે તેની જાતને મિનિસ્ટર ઓફ ધ ગોડ ગણાવતી હતી.આ આત્મા પુરૂષની આત્મા હતી તે કાળી ટોપી પહેરેલો હતી અને તેનાં પગ પ્રમાણમાં ઘણાં પહોળા હોવાનું તેમને જણાયું હતુ.તે આત્મા આવવાની સાથે ઘરમાં ત્રાસનું વાતાવણ સર્જાઇ ગયું હતું કારણકે ઘરમાં ક્યારેક વસ્તુઓ અચાનક જ ઉડવા માંડતી હતી ક્યારેક પુસ્કતોનાં કબાટ આમ તેમ સરકી જતા હતા તો ક્યારેક તો સીધા શારિરીક હુુમલાની ઘટનાઓ પણ બનવા માંડી હતી.બાળકોને ઘણીવાર ઇજા થતી હતી તો રોઝને તો એ આત્માનાં ઝેરને કારણે શરીરમાં અગનનો અનુભવ થતો હતો.એક વખત તો રોઝને ફ્રીઝનું બારણું જ માથામાં ઠોકાયું હતું જો કે આ તો ત્યારબાદ બનેલી ઘટનાની વિસાતમાં કશું જ ન હતું.એક સાંજે રોઝ પોતાની પથારીમાં સુતી હતી ત્યારે અચાનક જ પથારીમાં અધ્ધર થઇ હતી અને ઉંચેથી નીચે પાછી પટકાઇ હતી.બીજી રાતે જોને તેના કામ પરથી પાછો બોલાવવો પડ્યો હતો કારણકે રોઝનો પલંગ જમીનથી અધ્ધર ખોડાઇ ગયો હતો અને તે જાણેકે ક્રુસ પર લટકાવી હોય તે દશામાં લટકાયેલી હતી.એક વખત તો તેમનાં કિચન ટેબલમાં એક છરી આપોઆપ જ અંદર સુધી ખુંપી ગઇ હતી.ત્યારબાદ આ પરિવારે ઘરને છોડી દીધું હતું અને ફરી સ્પીરીચ્યુઅલ હેલ્પની શરણ લીધી હતી.બીજી વાર એક્સોર્સિઝમ એ ભૂતાવળને દુર કરવા માટે કરાયું હતું.ત્યારે ફિઝિકલ રિસર્ચ ફાઉન્ડેશનને પણ ત્યાં હાજર રહેવાનું આમંત્રણ અપાયું હતું.
ધ ક્વીન મેરી હોન્ટિંગ
ઘ કવીન મેરી નામનાં જહાજે દાયકાઓ સુધી પહેલા તો બીજા વિશ્વયુદ્ધમાં યુદ્ધ જહાજ તરીકે અને ત્યારબાદ એક લક્ઝરી જહાજ રૂપે કામગિરી બજાવી હતી.જ્યારે તે યુદ્ધમાં કામગિરી બજાવતું હતું ત્યારે તેના રંગને કારણે તેને ધ ગ્રે ઘોસ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું.આમ તો તે યુદ્ધમાં ઘાયલ થયેલા અને બિમાર સૈનિકોને કાંઠે પહોંચાડવા ઉપરાંત ઉમરાવોને સહેલગાહે લઇ જવાની કામગિરી બજાવતું હતું અને આ જહાજ પર અનેક લોકોએ દમ તોડ્યો હતો.આ કારણે અનેક લોકોને આ જહાજનાં અમુક સ્થળોએ આત્માઓનાં અસ્તિત્વનો અંદેશો થતો હતો.આ જહાજ પર જે કેટલાક લોકો મોતને ભેટ્યા હતા તેમાં એક નામ હતું જહોન હેન્રીનું જે આ જહાજ પર કામ કરતો હતો જેણે આ જહાજ પર કામ મેળવવા માટે તેની ઉંમર અંગે ખોટુ બોલીને કામ મેળવ્યું હતું અને એક દિવસ જહાજ પરથી ભાગતા સમયે નીચે પડ્યો હતો અને જહાજની નીચે કચડાઇ ગયો હતો.આ જહાજનાં તેર નંબરનાં રૂમની આસપાસ કોઇનાં ચાલવાનાં અવાજો સંભળાતા હતા અને ક્યારેક તેજ પ્રકાશ પણ જોવા મળતો હતો આ એ જ રૂમ હતો જ્યાં તે છોકરો મોતને ભેટ્યો હતો.એન્જિન રૂમનો દરવાજો ક્યારેક ખુબ જ ગરમ થઇ જતો હોવાનાં અને આ રૂમમાં વિચિત્ર પ્રકાશનો પણ અનુભવ લોકોને થયો હતો.આ જહાજનાં પુલ એરિયામાં એક છોકરી પણ દેખાતી હોવાની વાત લોકો કરતા હતા.આ છોકરી થર્ડ કલાસમાં સફર કરતી હતી અને પાણીમાં મજા કરવા માટે પડી હતી પણ એકદમ જ પાણીનું મોજુ આવ્યું હતું અને તે બેનિસ્ટરની નીચે પડી હતી અને તેની ગરદન તુટી ગઇ હતી.આ છોકરી ત્યારબાદ પુલ એરિયામાં દેખાતી હતી અને તે પોતાની માતાને અને તેની ઢીંગલીને ખોળતી હોવાનું જણાયું હતું.જો કે તે માત્ર એકલી ન્હોતી જે અહી મોતને ભેેટી હતી એક એક ત્રીસ વર્ષની યુવાન અને એક સાંઇઠ વર્ષની આધેડ મહિલા પણ આ પુલમાં મોતને ભેટી હતી.આ મહિલાઓની આત્મા પણ આ વિસ્તારમાં સમયાંતરે જોવા મળતી હતી.જો કે યુધ્ધનાં સમયે એકવાર સૈનિકોને ભોજન પસંદ પડ્યું ન હોવાને કારણે તેઓ રસોઇયા પર ગુસ્સે ભરાયા હતા અને તેને જીવતો જ ઓવનમાં ભુંજી નાંખ્યો હતો.આ રસોઇયાની ચીસો પણ આ જહાજ પર ગુંજતી સંભળાતી હતી.એકવાર એક પેસેન્જરે જહાજ પરનાં સ્ટુઅર્ડને પૈસા આપીને રાત્રે તેને ત્યાં એક મહિલા સાથે સુવાની ગોઠવણ કરી હતી જો કે સવારે પેલો વ્યક્તિ ગુમ હતો ત્યારે સ્ટુઅર્ડે તેની તપાસ કરી ત્યારે પેલી મહિલાનો પણ કોઇ અત્તોપત્તો ન હતો અને પેલા પુરૂષનાં પણ કોઇ સગડ મળ્યા ન હતા એટલું જ નહિ તે જે લગેજ લઇને આવ્યો હતો તે પણ ગુમ હતો.ત્યાંથી માત્ર લોહીનાં કેટલાક ડાઘા જ મળ્યા હતા.ક્વીન મેરી પર ઓછામાં ઓછા ૪૯ મોતની નોંધ મળે છે.એક વાર જ્યારે યુદ્ધનો સમય ચાલતો હતો ત્યારે તે એક દુશ્મન જહાજ સાથે અથડાયું હતું અને તેના વચ્ચેથી બે ટુકડા કરી નાંખ્યા હતા ત્યારે તેના પર સવાર ૩૦૦ જેટલા લોકો સમુદ્રમાં પડ્યા હતા અને ભુખીા શાર્કોનો કોળિયો બની ગયા હતા.ધ ઇન હાઉસનાં સાઇકીકનાં દાવા અનુસાર આ જહાજ પર ઓછામાં ઓછા ૧૫૦ આત્માઓ રહેતા હતા.પીટર આ જહાજ પર સમયાંતરે જતા હતા અને તેઓ ઘણી આત્માઓ સાથે સંવાદ સાધવામાં સફળ રહ્યાં હતા.આ કારણે જ કવીન મેરી જહાજને અમેરિકામાં સૌથી ભૂતિયા જહાજ તરીકે ઓળખવામાં આવે છે.
ધ વિન્ચેસ્ટર મિસ્ટ્રી હાઉસ
અમેરિકાનાં જે સૌથી વધુ ભૂતિયા ઘરોની ચર્ચા થાય છે તેમાં ધ વિન્ચેસ્ટર મિસ્ટ્રી હાઉસ એક છે.આજે પણ અમેરિકામાં આ સ્થળે સૌથી વધારે પ્રવાસીઓ આવતા હોય છે.આજે તો એ મકાન એક ઐતિહાસિક સ્થળ બની ગયું છે.આ મકાન સેન જોસ કેલિફોર્નિયામાં આવેલું છે અને આ મકાનની ચર્ચાઓનો આરંભ વર્ષ ૧૮૮૩થી થયો હતો જે છેક સારાહ વિન્ચેસ્ટરની મોત સુધી વર્ષ ૧૯૨૨ સુધી ચાલતી રહી હતી.આ વિન્ચેસ્ટર પરિવાર એ જ છે જેનું નામ વિન્ચેસ્ટર રાયફલ સાથે જોડાયેલું છે.સારાહ પણ એ જ પરિવારનું ફરજંદ હતી.આમ તો તેમનો પરિવાર મુળે ન્યુ હેવનમાં રહેતો હતો પણ તેઓ ત્યારબાદ ત્યાંથી કેલિફોર્નિયા સ્થળાંતર પામ્યા હતા.જો કે આ સ્થળે તેણીએ પોતાની પુત્રી એની અને પતિ જહોનને ગુમાવ્યા હતા.જ્યારે તે વધારે ગમગીન હતી ત્યારે તેણે એક સમયે મીડિયમનો આશરો લીધો હતો અને તે મીડિયમે તેણીને જણાવ્યું હતુું કે તેના પતિ જહોનની આત્મા હાજર છે જેણે તેને જણાવ્યું હતું કે એના પરિવારને લાંબા સમયથી શ્રાપનો ભોગ બનવું પડ્યું છે કારણકે તેના પુર્વજે જે રાયફલની શોધ કરી હતી તેના વડે માર્યા ગયેલા લોકોની હાય તેમને લાગી છે.સારાહે ત્યારબાદ કેલિફોર્નિયાની વાટ પકડી હતી.અહી તેણે એક જમીન ખરીદી હતી અને તેના પર પોતાનાં વિક્ટોરિયન શૈલીનાં મકાનનું બાંધકામ આરંભ્યું હતું.જો કે અહી પણ તેના પતિની અને અન્યોની આત્માઓએ તેનો પીછો છોડ્યો ન હતો.તેણે એક બેલ ટાવર બનાવ્યો હતો જેને વગાડીને તે આત્માઓને બોલાવતી હતી અને એજ બેલનાં અવાજથી તેમને ત્યાંથી પાછી મોકલી શકતી હતી.તેણે આ માટે પોતાનાં મકાનમાં એક ખાસ ઓરડો બનાવ્યો હતો જેમાં રાત્રે તે જતી હતી અને ત્યાં તે આત્માઓ સાથે સંપર્ક સાધતી હતી.જો કે આ મકાનની બાંધણી જે રીતે કરાઇ હતી તેને જોઇને લોકોને સારાહની માનસિક સ્થિતિ પર શંકા જાગતી હતી કારણકે આ મકાન પણ કોઇ ભૂલભૂલૈયા કરતા કમ ન હતું.મકાનનાં દરવાજા અને બારીઓ જોડાયેલા હતા આ ઉપરાંત મકાનમાં ઘણાં બધા દાદર હતા અને આ દાદર પણ તેર પગથિયાવાળા જ હતા.તમામ દાદર કોઇ ઓરડા કે પરસાળ કે માળ પર ખુલતા ન હતા પણ આ તમામ દાદર સિલિંગ સુધી જઇને પુરા થઇ જતા હતા.દરવાજાઓ જ્યાં ખુલતા ત્યાં દિવાલો જોવા મળતી હતી.મકાનમાં સીધો સુર્યપ્રકાશ આવતો હતો અને તે પણ બે સ્તરમાં આવતો હતો.ડબલ બેક હોલવે ધરાવતું આ મકાનની વિચિત્રતા એ હતી કે દાદરો ક્યારેક તો નીચે ફરસ પર જઇને પુરા થઇ જતા હતાં જ્યાં બીજુ કશું જોવા મળતું ન હતું.સારાહ કહેતી હતી એ પ્રકારની રચના એ બુરી આત્માઓને મુંઝવણમાં મુકવા માટે કરાઇ હતી જે રાયફલનો ભોગ બનીને ભટકતી હતી.તેને તેરનાં આંકડા પ્રત્યે પણ ખાસ લગાવ હતો.તેના દાદરનાં પગથિયા તેર રહેતા હતા, મકાનમાં કુલ તેર બાથરૂમ હતા, તેર બારીઓ હતી, કિચન સિન્કમાં હોલ પણ તેર જ હતાં, મોટા ભાગની બારીઓ પર કાચ પણ તેરની સંખ્યામાં જ હતા.ઘરની દિવાલોની સંખ્યા પણ તેર જ હતી આવું તો ઘણું બધું હતું.આ ઘરમાં માઉથ ઓર્ગન આપોઆપ વાગવા માંડતું હતું તો દરવાજાઓ એકાએક જ ધડાધડ બંધ થઇ જતા હતા, વિચિત્ર અવાજો સંભળાતા રહેતા હતા.ઘરમાં પ્રકાશ પણ નાચતો રહેતો હોય તેવું લાગ્યા કરતું હતું અને ઘરમાં અનેક સ્થળોએ ભયંકર ઠંડીનો અનુભવ થતો હતો તો ઘણાંને ઘરમાં ધુમ્મસ પણ જોવા મળતું હતું.આમ અમેરિકામાં આ ઘર ભૂતિયા ઘરોનો નમૂનો બની રહ્યું છે અને એ કારણે જ લોકો આ ઘરની મુલાકાત લેતા રહે છે.
અલ્કાત્રાજ જેલમાં ભયંકર ખુનીઓ, બળાત્કારીઓ, માફિયા ગેંગનાં સભ્યો, ગેંગ્સ્ટરોને સજા માટે મોકલાતા હતા પણ આ જેલ તેના ભૂતિયા અનુભવો માટે પણ એટલી જ કુખ્યાત છે.કેટલાક કહે છે કે આ જગાએ આ પ્રકારનાં અનુભવો થવાનું કારણ એ પણ છે કે અહીનાં મુળ આદિવાસીઓએ અહી એક એવા પોર્ટલની રચના કરી હતી જેના વડે તેઓ અન્ય લોકની આત્માઓને અહી બોલાવતા હતા.આ જેલનાં સ્ટાફે અહી અનેકવાર ચમકતી આંખો જોઇ છે જે કોઇ કેદીની હોવાનું લાગતું હતું.આ જેલમાં ભૂતિયા આકારો જોવા મળતા હતા તો ઘણીવાર અહી ચીસોનો અવાજ પણ સંભળાતો હતો.જેલનાં લોખંડનાં દરવાજા આપોઆપ જ ખુલતા બંધ થતા હોવાનું લોકોને જણાતું હતું.ઘણીવાર ભયંકર દુર્ગંધનો પણ કેટલાકને અનુભવ થતો હતો તો કેટલાકને અહી કોઇનાં ધ્રુસ્કાઓ પણ સંભળાતા હતા.આ જેલમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા જેનો આરંભ ૧૮૫૭માં થયો હતો જ્યારે ભૂસ્ખલનને કારણે ડેનિયલ પ્યુટર અને જેકોબ ઉન્ગર મોતને ભેટ્યા હતા.જેલમાં કેદીઓ વચ્ચે મારામારી કે કેદીઓ અને ગાર્ડ વચ્ચે મારામારીની ઘટનાઓ તો સમયાંતરે નોંધાતી જ રહેતી હતી.આ જેલ એટલી ખતરનાક હતી કે તેને તોડવાની વાતો માત્ર કલ્પના સમાન લાગતી હતી અને એ કારણે જ તેને હેલ્કાટ્રાજ પણ કહેવામાં આવતી હતી.આ જેલમાં જે કેટલાક ભૂતિયા અનુભવો થાય છે તેને ધ હોલ અને સ્ટ્રીપ સેલ તરીકે ઓળખવામાં આવે છે.આ એ ઓરડાઓ છે જે જેલનાં ભોંયરામાં આવેલા છે.સેલ બ્લોક ડી એવો ઓરડો છે જ્યાં એવા કેદીઓને રાખવામાં આવતા હતા જેમણે ગંભીર ગુનાઓ આચર્યા હોય.આ ઓરડામાં કેદીઓનાં કપડા કાઢીને તેને નગ્ન અવસ્થામાં કડકડતી ઠંડીમાં રાખવામાં આવતા હતા.આ ઓરડામાં માત્ર સિન્ક, ટોયલેટ રહેતા અને પ્રકાશ રહેતો પણ તે પણ બહુ આછો રહેતો હતો.કેદીને રાત્રે જ ધાબળો અપાતો અને સવારે તે લઇ લેવામાં આવતો હતો.જેલનાં ગાર્ડે ૧૯૪૦નાં વર્ષમાં દાવો કર્યો હતો કે તેને ૧૮૦૦નાં સમયગાળાનાં કેદીઓની આત્મા ત્યાં જોઇ હતી.આ આત્મા કેદીઓ પર જીવલેણ હુમલો કરતી હતી અને તેની આંખો ચમકદાર હોવાની વાત તેણે કરી હતી.જો કે કેટલાક માનતા હતા કે આ માત્ર ભ્રમણા માત્ર હોવાની શક્યતા છે.એક સાંજે એક કેદીએ ચીસાચીસ મચાવી દીધી હતી તેનો દાવો હતો કે કોઇ ચમકદાર આંખોવાળી આત્માએ તેના પર હુમલો કર્યો છે પણ જેલનાં ગાર્ડે તેના પર ધ્યાન આપ્યું ન હતું અને પેલો કેદી આ ઘટના બાદ બાદ શાંત થઇ ગયો હતો.આખી રાત ચીસો પાડ્યા બાદ સવારે તે શાંત થઇ ગયો જ્યારે ગાર્ડે તેના સેલનો દરવાજો ખોલ્યો ત્યારે તે મૃત અવસ્થામાં મળ્યો હતો.તેની આંખો ભયથી ફાટી ગઇ હતી અને તેના ગળા પર આંગળાનાં નિશાન મળ્યા હતા.આ કેદીનાં મૃતદેહની તપાસ કરાઇ ત્યારે જણાયું હતું કે ગળા પર જે આંગળાનાં નિશાન હતા તે તેણે જાતે પાડ્યા ન હતા.ક્યારેક તો આ પ્રેત કેદીઓ સાથે કતારમાં ઉભેલું જોવા મળતું હતું પણ અસંખ્ય કેદીઓની હાજરીમાં તે હવામાં ઓગળી જતો હોવાનું પણ નોંધાયું છે.આ પ્રકારની ઘટનાઓની શોધખોળ કરનારા નિષ્ણાંતોને આ જેલમાં ઘણાં સ્થળોએ ભયંકર ઠંડીનો અનુભવ થયો છે તો ઘણાં સ્થળોએ ઉન્માદનો એટેક આવતો હોવાનું પણ તેમણે નોંધ્યું હતું.કેટલાક કેદીઓએ પણ તેમનાં પર કોઇ ત્રાસ વર્તાવતું હોવાની ફરિયાદો કરી હતી.જો કે જેલની હોસ્પિટલ, વોર્ડન હાઉસ, સી સેલ બ્લોક અને ડી બ્લોક ઉપરાંત લાઇટ હાઉસ, થરેપી અને યુટિલિટી રૂમમાં આ પ્રકારનાં અનુભવો થતાં ન હતાં.