Aaspaas ni Vato Khas - 15 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 15

Featured Books
Categories
Share

આસપાસની વાતો ખાસ - 15

15. એક ગોઝારી જગ્યા

 અહીંથી હાઇવે પસાર થવાનો હતો. જો થઈ જાય તો ગામનાં નશીબ ઊઘડી જાય. પણ એ થઈ શકતું ન હતું. થોડા ટુકડા માટે ત્યાંની જમીન કેમેય કરી સંપાદન થઈ શકતી ન હતી. 

 

કારણ શું? એ જગ્યા ગોઝારી  ગણાતી હતી. કોઈ દિવસે પણ ત્યાં જવાની હિંમત ન કરે એવું હતું.  એ જગ્યા વિશે જાતજાતની વાતો વહેતી રહેતી હતી. રાત્રે તો દૂરથી કેટલાકે ઝાંઝરનો  અવાજ સાંભળેલો તો કેટલાકે માણસ જેવડી આગ દૂરથી જોયેલી.  ભડકા થતા દેખાય અને ધુમાડો જરાય નહીં! ચિત્રવિચિત્ર અવાજો પણ સંભળાય. રાત્રે તો ખૂબ દૂરથી પણ બિહામણું લાગે. એ જગ્યાની ચારે બાજુ ગીચ ઝાડીઝાંખરાં હતાં. ગાંડા બાવળની કાંટ  પાસે ઊંડા ખૂંપી જવાય એવા કાદવની મોટી પટ્ટી હતી. ક્યારેય ન સુકાતી એની માટી ખૂબ ગોઝારી ગણાતી  હતી.  તેમાં કહે છે ઢોર, ખાસ તો ઉનાળામાં ભેંસો જઈને ખૂંચી ગયેલી પણ એનાં હાડપિંજર પણ હાથ આવેલ નહીં. કહે છે કોઈ માણસો ત્યાંથી પસાર થવા ગયા તો અંદર તરફ ખેંચાઈ ગયેલા અને ન ખૂંચ્યા ન કોઈ પ્રાણીએ ફાડી ખાધા હતા છતાં તેમની લાશ પણ મળેલી નહીં. તેમનું કોઈ નામ નિશાન રહેલું નહીં. રાતના ક્યારેક દૂર સુધી ત્યાંથી આવતી ચીસો સંભળાતી. ગામને હાઇવે સાથે જોડતો રસ્તો  ત્યાં  આવીને જ અટકેલો. સહેજ વળાંક લઈને બીજો કોઈ રસ્તો કરી શકાય એવું ન હતું.

 

રસ્તો કરવા જગ્યા લેવા સરકારના હુકમ પછી સર્વેયરો આવ્યા પણ અંદર  ન જઈ શક્યા.   નજીકમાં સૂકાં પાંદડાં પર સાપ ચાલતો જોયો.  એ જમીનની વચ્ચે એક લીલથી ગંધાતું તળાવ જેવું  હતું. કોઈ સર્વેયરે તેમાં માનવ કાયા જેવું તરતું જોયું. આગળ તો સૂકાં ગીચ  વૃક્ષોથી સતત અંધારું રહેતું હતું. તેઓ પણ કોઈ ભયાનક અનુભવ થતાં ચાલ્યા ગયેલા એમ ગામમાં વાતો થવા લાગી.

 

એવામાં સરકારમાંથી નીમેલો એક યુવાન વૈજ્ઞાનિક ત્યાં આવ્યો. તેણે નજીક જઈ આ જગ્યાનો  અભ્યાસ કર્યો.

 

એક ધોળે દિવસે કોઈક રીતે લાકડાના તરાપા  જેવું બનાવી તે અમુક સાધનો અને દોરડાં વગેરે લઈ તે એ જ જમીન પર થઈ તળાવ નજીક ગયો.  જતી વખતે તેને પણ ગીચ ઝાડીમાં દિવસે પણ ઝાંઝર જેવો અવાજ સંભળાયો. પાંદડાં પર કોઈ ચાલતું હોય એવું પણ સહેજ જ દૂર લાગ્યું.

 

સાથેના એક બે કર્મચારીઓનાં છાતીનાં પાટિયાં બેસી ગયાં. છતાં, એ તો સાવચેતીપૂર્વક તે તળાવની નજીક તો ગયો જ.

 

તળાવ ખૂબ ગંધાતું હતું. ત્યાં તેણે કપડાં  ઉપર તેલ લગાવી મશાલ  સળગાવી જોરથી તળાવમાં ફેંકી. એ સાથે એકદમ આગ લાગી અને પરપોટા સાથે ગોરા પગ અને ચૂંદડી દેખાઈ. સાથેના માણસોએ બૂમ પાડી કે આ તો ચુડેલ છે, દિવસે ઊંધી પાણીમાં પડી રહે છે. તેણે રસ્સી સાથે ડાળીઓ બાંધી એ ઊંધા પગો તરફ ફેંકાવી.  પગમાં રસ્સી ભરાવીને  એને ખેંચી અને એ પગ સાથે શરીર બહાર આવ્યું.  એ તો કોઈએ પ્લાસ્ટિકની જુની મોટી ઢીંગલી ફેંકેલી.

 

"આ સળગ્યો તે મિથેન ગેસ છે. ગામ આખાની મુખ્ય ગટર અહીં આવે છે. કહોવાયેલો જૂનો મળ અને સૂકાં પાંદડાં આ ગેસ બનાવે છે. સફાઈ કરો, રસ્તો કરતા જાઓ." તેણે કહ્યું. 

 

હવે સમજાયું. એ જમીનની બાજુની જમીનવાળો પોતાની અને સાથે એ જમીન વેંચવા તૈયાર ન હતો.

 

એ જમીનની બાજુવાળાએ પોતાની જમીનને નુકસાન થશે કહી  વ્યર્થ ધમપછાડા કર્યા પણ વૈજ્ઞાનિક અડગ રહ્યો. આખરે સરકાર ફરીથી હરકતમાં આવી. એ જમીન સાફ થતાં જોયું કે  એની નજીક એ બાજુવાળાએ પોતાની જમીનમાં જગ્યા વાળી લીધેલી અને એ બેય જમીનનો ઊંચા ભાવે અજાણ્યા શહેરીઓને સોદો કરી લીધેલો. પોતાની જમીનમાંથી રસ્તો જતો અટકાવવા એણે જ  આ બધી લીલા કરેલી.

 

એને યોગ્ય સજા થઈ અને વૈજ્ઞાનિકનું ગામે તથા સરકારે સન્માન કર્યું.

 

આખરે એ જ ગોઝારી જગ્યાએ રસ્તો થયો. આજે વાહનોથી ચોવીસ કલાક ધમધમે છે.

**