14. લેણીયાત કે દેણીયાત
એક જૂની લોકકથા.
એક શેઠ હતા. ખૂબ અમીર અને વ્યવહારકુશળ વેપારી. આમ તો તેઓ ખૂબ બુદ્ધિશાળી, સાહસિક વેપારી હતા પણ એક વાત, જેને ખામી પણ કહી શકીએ એ એવી હતી કે તેઓ વેપાર કે બીજે વ્યવહારમાં પણ બધી બાબતોમાં નાણાકીય ફાયદો જ જુએ. એ માટે અંગત સંબંધો, પોતાની જિંદગી કે બધું ગૌણ, પ્રથમ તો આર્થિક ફાયદો જ.
આવા શેઠને સંતાન પણ લેણીયાત નહીં, દેણીયાત જ જોઈતું હતું. લેણીયાત એટલે સરવાળે પોતાની પાસેથી લે, દેણીયાત એટલે લે તે કરતાં વધુ આપે. શેઠને સંતાન પણ એવું કમાઉ જ જોઈતું હતું. પોતે ખર્ચી કરી ભણાવે ગણાવે, ઉછેરે અને કોઈ વળતર ન મળે, વૃદ્ધાવસ્થામાં સાચવે એવી સ્થિતિ ન હોય એવો પુત્ર ન હોય એમ સારું એવું તેઓ માનતા હતા.
છતાં, શેર માટીની ઈચ્છા કોને ન હોય?
આમ વખત જતાં શેઠના સંસાર પર પણ દેવ ની મહેરબાની થઈ.
શેઠને ઘેર પારણું બંધાયું. પહેલું પુત્રસંતાન જન્મ્યું.
શેઠે અમુક ગૂઢ વિદ્યાઓમાં કુશળ વિદ્વાન પુરોહિતને પોતાને ઘેર બોલાવ્યા. શેઠે પૂછ્યું કે આની કુંડળી તો જે હોય તે, એ શિક્ષણ, ભરણપોષણ પછી મને હું ખરચું તે કરતાં વધુ આપશે કે માગશે?
પુરોહિત બે ઘડી શેઠ સામે જોઈ રહ્યા. છતાં, સારી એવી દક્ષિણા મળતી હતી અને તેમને પોતાની વિદ્યા પણ અજમાવી જોવાનું મન થયું.
તેમણે પારણામાં સૂતેલા સાવ નાના પુત્ર પર પાણીની અંજલિ છાંટી મંત્ર ભણી તેને બોલતો કર્યો અને પૂછ્યું "લેણીયાત કે દેણીયાત?"
પુત્ર કહે "લેણીયાત."
શેઠે પૂછ્યું "કેટલાનો?"
પુત્ર કહે "દસ લાખનો."
શેઠે પુત્રના નામે ધર્મશાળા બાંધવા દસ લાખ રૂપિયા અપાવ્યા ને પુત્રનો તરત જ મોક્ષ થયો.
એકાદ વર્ષ રહીને બીજો પુત્ર જન્મ્યો. ફરી શેઠે પૂરોહિતને બોલાવ્યા. તેમણે મંત્ર ભણી પૂછ્યું "લેણીયાત કે દેણીયાત?"
એ પણ કહે "લેણીયાત.’
વચ્ચેથી જ શેઠે પૂછ્યું “કેટલાનો?”
દૈવી શક્તિથી થોડી વાર વાચા મેળવેલા પુત્રે કહ્યું “પંદર લાખનો."
શેઠે ગામની શાળા માટે એ રકમ લખાવી દીધી અને એ પુત્રનો પણ થોડા જ વખતમાં મોક્ષ થઈ ગયો.
આમ છ છ પુત્રો જનમ્યા પણ બધા જ કોઈ ને કોઈ રકમના લેણીયાત નીકળ્યા અને દર વખતે શેઠે કોઈ ને કોઈ સારાં કાર્યમાં તેઓ માગતા હતા તે રકમનું દાન કરી તેમનો મોક્ષ કર્યો.
શેઠની છાપ દાનેશ્વરી તરીકે પ્રખ્યાત થઈ ગઈ પણ હજી તેઓ નિઃસંતાન રહ્યા હતા. શેઠાણી પણ શરીરને મનથી હવે થાકી ગયેલાં પણ શેઠ સમજે તો ને? એમને તો સંતાન હોય તો દેણીયાત જ જોઈતું હતું. એ સિવાય ભલે નિઃસંતાન રહેવું પડે. એ તેમની ક્રૂર કહો તો એમ, અલગ વિચારસરણી હતી.
એમ ને એમ શેઠની ઉંમર થતી ગઈ. આખરે તેમણે વિચાર્યું કે એક એક કરી છ, બધા પુત્રો જન્મ્યા, વિધાતાને કરવું તે બધા લેણીયાત નીકળ્યા. હવે આવો મોટો વિકસિત ધંધો કોને આપવો?
સાતમો પુત્ર જન્મ્યો. શેઠનું મન આ વખતે તો રખેને આ પુત્ર પણ લેણીયાત નીકળે તો તો શું કરવું એમ વિચારતું હતું. એમ હોય તો હવે તેનો મોક્ષ કરવા માનતું ન હતું. છતાં ડરતાંડરતાં શેઠે પુરોહિત દ્વારા અંજલિ છંટાવી તેને બોલતો કરી પૂછ્યું "લેણીયાત કે દેણીયાત?"
આ વખતે પુત્ર કહે "દેણીયાત."
શેઠે હાશકારો મૂક્યો.
રાજી થતાં શેઠે પૂછ્યું, " કેટલાનો?"
પુત્ર કહે "પચાસ લાખનો."
શેઠે શ્વાસ હેઠો મૂક્યો. તેઓ ખુશ થઈ ગયા.
આખરે દેણીયાત સંતાન પાક્યું ખરું.
શેઠે તેને સારી રીતે ઉછેર્યો.
પુત્ર તો યુવાન થયો. શેઠનાં વહાણો લઈ પરદેશ વેપાર કરવા ગયો. પહેલી જ ખેપમાં પરદેશથી સારું એવું કમાઈને લાવ્યો એમ વહાણોની આગળથી આવેલા ગુમાસ્તાઓ વધામણી લાવ્યા. શેઠ ખૂબ ખુશ થયા.
શેઠે મુનીમોની મદદથી નફો આંક્યો. પચાસ લાખ.
શેઠ આનંદભેર પુત્રને લેવા સામા ગયા તો કહેવાયું, પુત્ર છેક સુધી આવીને તેમનાં બંદર નજીક, અધરસ્તે જ અવસાન પામેલો.
***