નિતુ : ૭૯(વાસ્તવ)
નિતુ એ આજ નવો માર્ગ પકડવાનો હતો. વિદ્યાની આનાકાની છતાં તેને ઈન્કાર કરી તે કરુણા સાથે ઘેર જવા નીકળી. બંને સહેલીએ રીક્ષા પકડી. ઓફિસથી થોડે દૂર પહોંચી નિતુએ રીક્ષાવાળાને રોકવા કહ્યું.
રિયર મિરર મારફતે પાછળ જોતા રીક્ષાવાળાએ પૂછ્યું, "શું થયું મેડમ?"
"આ રસ્તે આગળથી રાઈટ સાઈડ લઈ લેજો."
"પણ તમારા ઘેર જવા તો સીધું જવું પડે છે."
"અમારે થોડું કામ છે, તમે રાઈટ સાઈડ લઈ લ્યો."
તેણે જમણી બાજુ રીક્ષા આગળ ચલાવી મૂકી. તે બોલવા લાગ્યો, "શું વાત છે મેડમ? રોજે કાં તો તમે ઘરે જાઓ છો, કાં તમારા ઘરની આગળ પેલાં લેક ગાર્ડન સુધી. આજે અચાનક શું કામ આવી ગયું?"
તે બંને ચુપચાપ એની વાત સાંભળી રહી હતી. તેણે ફરી કાચમાં જોયું અને તેઓના ચેહરા જોઈ સમજી ગયો કે આ સવાલ નહોતો કરવાનો. તેણે પૂછ્યું, "મેડમ, તમારું કામ જલ્દી પતી જાય એમ હોય તો તમારી રાહે ઉભો રહીશ."
નિતુએ તેને જવાબ ના આપ્યો. કરુણાએ પૂછ્યું, "એની સાથે વાત તો બરાબર થઈ ગઈ છેને?"
"એણે કહ્યું એ ઘરે જ છે. જોઈએ ત્યાં જઈને, શું વાત થાય છે."
"એણે એડ્રેસ મોકલ્યું છે?"
"લોકેશન સેન્ડ કર્યું છે. કહેતો હતો કે ઘરે જ છે, આપણે ત્યાં જઈને તેને મળીયે."
નીતિકાએ પોતાના હાથમાં ફોન રાખી તેમાં આવતા દિશા સૂચન પ્રમાણે રીક્ષાવાળાને ચલાવતા રહેવા કહેતી ગઈ. દસેક કિલોમીટરનું અંતર કાપી, શહેરની છેવાડની સોસાયટીમાં બંને પહોંચી. સંધ્યાનું તેજ ઢળી ચૂકયું હતું અને શેરીઓની તથા ઘરોની બહાર રાખેલી લાઈટોનાં પ્રકાશ છવાયેલા હતા. અલગ- થલગ મકાનોની ખુલ્લી અને મોભાવાળા લોકોને સાજે એવી સોસાયટી હતી.
રીક્ષામાંથી ફોન જોતી બંને બહાર ઉતરી.
"આ જ છે?" કરુણાએ પૂછ્યું.
"હા, લાગે તો છે!" કહી તેણે ફોન પર્સમાં રાખ્યો અને પાછળ ફરી કે રીક્ષા ચાલક બોલ્યો, "હું અહીં જ છું. તમે તમારું કામ પતે એટલે આવી જજો."
બંને ધીમા ડગે ચાલી અને આંખોની સામે દેખાતા એક મકાનનાં દરવાજે જઈ ડોર બેલ વગાડી. ભીરો અનુભવ કરતી બંને દરવાજો ખોલવાની રાહે હતી. થોડીવાર બાદ ફરી બેલ વગાડવા જતી હતી એટલામાં દરવાજો ખુલ્યો. સામે એક કોઈ ત્રીસ- બત્રીસ વર્ષનો યુવાન પ્રોફેશનલ કપડાં પર એપ્રોન બાંધીને ઉભો હતો.
"જી?" તેણે દરવાજો ખોલી પૂછ્યું.
થોડી થોથરાઈને નિતુ બોલી, "આ... નિકુંજભાઈનું ઘર છે?"
બંનેની સામે જોઈ તે બોલ્યો, "મિસ નીતિકા ભટ્ટ?"
"હા, હું છું."
"ઓહ... આવો" કહી આવકારો આપતો તે બંનેને અંદર લઈ દરવાજો બંધ કરી દીધો.
શહેરોના સંકડાયેલા મકાનની દ્રષ્ટિએ થોડી વિશિષ્ટ જગ્યામાં, પણ સાધારણ એવું મકાન હતું. જોવામાં લાગતું કે પૈસાદાર નહિ હોય તો પણ એક મિડલ ક્લાસ માણસથી થોડે ઉપર નિકુંજનું સ્થાન હશે. મકાનની ચોમેર દ્રષ્ટિ નાંખતી બંને લિવિંગ એરિયામાં આવી પહોંચી. લિવિંગ રૂમ અને કિચન બંને અટેચ્ડ હતા. તેણે બેસવા કહ્યું અને કિચનમાં જઈ પાણીના ગ્લાસ ભરેલી ટ્રે લઈ આવ્યો.
અજાણ્યા ઘરમાં મૂંગા મોઢે બંને જે થઈ રહ્યું હતું એ જોતી હતી. થોડું પાણી પીયને ગ્લાસ તેણે પાછા આપ્યા. પેલો માણસ ટ્રે માં ગ્લાસ પાછા લઈ જતો રહ્યો. કિચનમાં આવી તેણે ગેસ સ્ટવ બંધ કર્યો અને એપ્રોન ઉતારી વાળ સરખા કરતો લિવિંગ રૂમમાં પરત ફર્યો. બંને સહેલીનું ધ્યાન તેના તરફ જ હતું, તેને અણસાર આવ્યો કે તે રસોઈ બનાવી રહ્યો છે.
તે લિવિંગ રૂમમાં આવ્યો એટલે કરુણાએ પૂછ્યું, "એક્સ્ક્યુઝમી, આ નિકુંજભાઈ...?"
તે આવી તેઓની બાજુમાં બેસી બોલ્યો, "હા, હું પોતે."
બંનેને એ કોઈ કામવાળો લાગતો હતો, પરંતુ ભૂલનો અહેસાસ થઈ ગયો. ગેરસમજ દૂર કરતા કરુણા બોલી, "ઓહ... સોરી અમે તમને..."
એની વાત પુરી થાય એ પહેલા નિકુંજ બોલ્યો, "ઈટ્સ ઓકે. આમેય આપણે પહેલીવાર જ મળીયે છીએ, આઈ થિન્ક."
"તમે એકલા રહો છો?" કરુણાએ પૂછ્યું.
"હા. એકલો રહું છું."
"જી. મારુ નામ નીતિકા છે અને આ કરુણા, મારી ફ્રેન્ડ."
"ઓકે. તો તમે જ મને સવારે ફોન કર્યો હતો, કે મારુ કોઈ કામ છે."
"હા. થોડી હેલ્પ જોઈતી હતી એટલે થયું કે તમને મળીને વાત કરું."
"ઓકે. બોલો, શું હેલ્પ કરી શકું છું તમારી?"
"નિકુંજભાઈ, અમે બંને ટાઈમ્સ માર્કેટિંગમાં કામ કરીયે છીએ. ત્યાંથી તમારા વિશે ખબર પડી, કે તમે પહેલા ત્યાં જ કામ કરતા હતા."
તેણે કોઈ ઉત્તર ના વાળ્યો. નીતિકા આગળ બોલી, "જો તમે અમને થોડો ટેકો આપો તો..."
"એક મિનિટ!" તેને અટકાવતા નિકુંજે કહ્યું, "તમને મારો ફોન નંબર ક્યાંથી મળ્યો?"
"એ બસ મળી ગયો." કરુણાએ કહ્યું.
"મળી ગયો મીન્સ વોટ?"
"એ છોડોને, હું તમને બધી વાત વિસ્તારથી કરું છું. એ પહેલા મારે જાણવું છે કે તમે જોબ કેમ છોડી? કારણ કે મેં જેટલાને પૂછ્યું એમાંથી કોઈને એ વાતની ખબર નથી."
"શું લેશો? ચા કે કોફી?"
કરુણા બોલી, "નથીંગ... અમે..."
અધ્વચ્ચે તે બોલ્યો, "તો પછી ઠંડામાં કંઈ ચાલશે?"
નિતુએ કહ્યું, "નિકુંજભાઈ તમે વાતને ફેરવવાની કોશિશ ના કરો. અત્યારે અમે કંઈ લેવાના મૂડમાં નથી. તમે અમારી વાતનો જવાબ આપી શકશો? અમારે વિદ્યા વિશે જાણવું છે."
"અને હું વિદ્યા વિશે કોઈપણ વાત કરવાના મૂડમાં નથી." ઝડપથી તેણે જવાબ આપી દીધો. એથી ક્ષણિક શાંતિ છવાઈ ગઈ. બંને સહેલીને આશ્વર્ય થઈ રહ્યું હતું. નિતુ બોલી, "અમને જાણ છે કે કેવી પરિસ્થિતિમાં તમે એ જોબ છોડી છે. સ્વાભાવિક છે તમારી પાસે વાત કરવાનું કોઈ કારણ ના હોય. મારી પાસે કારણ છે કે તમારે મારી સાથે વાત કરવી જોઈએ."
"ઓકે. તો તમે મને જણાવશો કે તમારા કારણમાં હું શું કામ રસ લઉં."
"જી!"
"મિસ નીતિકા ભટ્ટ. જો તમે મને પહેલા કહ્યું હોત કે તમે ટાઈમ્સ માર્કેટિંગ માંથી આવો છો કે વિદ્યા વિશે વાત કરવા આવો છો. તો હું તમને મારુ એડ્રેસ ના આપેત."
કરુણા કહેવા લાગી, "તમે મેડમનું નામ સાંભળી ગુસ્સો કરશો એવી ધારણા અમને હતી. એટલે અમે કંઈ ના કહ્યું. બાકી રહ્યું વાત કરવાનું તો તમે અમને ક્યા હેતુથી ઈન્કાર કરી રહ્યા છો?"
"હેતુ?... હૂહ... એ જ નથી મારી પાસે. તમારી સાથે વિદ્યા અંગે ચર્ચા કરવાનો કોઈ હેતુ છે જ નહિ. તો શું કામ હું એની ચર્ચા તમારી જોડે આદરું?"
નિતુએ કહ્યું, "અમારા હેતુ માટે. અમે છીએ. અમારા પર ઉપકાર કરો છો, એમ સમજીને એટલીસ્ટ હા કહી દો."
એક ઊંડો શ્વાસ લઈ પોતાની જાતને વધારાની વાતમાંથી મુક્ત કરતા તે બોલ્યો, "તમે કહ્યું નહિ, ચા, કોફી, ઠંડુ... શું લેશો?"
"જવાબ." નિતુએ કહ્યું.
નિકુંજ બોલ્યો, "એ મારી પાસે નથી. ઍનીથિન્ગ એલ્સ?"
"તમે અમારી કોઈ વાત સરખી રીતે સાંભળી પણ નથી અને સીધી ના કહો છો."
"સી... નીતિકા. વિદ્યા અંગે કે ટાઈમ્સ માર્કેટિંગ અંગે વાત કરવાનું મને પસંદ નથી. જો તમે મારી પાસે કોઈ આશા લઈને આવ્યા છો તો એ નિષ્ફ્ળ છે."
બંને ત્યાંથી નીકળી. દરવાજા બહાર પગ મુક્યો એટલે કશું બોલ્યા વિના નિકુંજે દરવાજો બંધ કરી દીધો. પગથિયાંથી નીચે ઉતરી કરુણા બોલી, "યાર નિતુ! આણે તો આપણી વાત સાંભળ્યા વિના જ ના કહી દીધી."
"એને કન્વિન્સ તો કરવો જ પડશે."
"કઈ રીતે? એ આપણને ઓળખતો નહોતો એટલે આપણે એના ઘર સુધી પહોંચ્યા. હવે આપણને જોઈને એ દરવાજો ખોલશે કે કેમ? એ..." નિસાસો નાખતા કરુણા બોલી.
વિચાર કરતાં નિતુએ આગળ જોયું અને ચાલવા લાગી. "ક્યાં જાય છે?" પૂછતી કરુણા તેની પાછળ ચાલી.
સામે પડેલી રીક્ષામાંથી તે ઉતર્યો અને કહેવા લાગ્યો, "મેડમ! રીક્ષા અહિંયા છે."
નિતુએ તેની સામે જોઈ પછી કરુણાને કહ્યું, "તું રીક્ષામાં બેસ, હું આવું છું."
તેણે ફરી પૂછ્યું, "પણ તું ક્યાં જાય છે?"