નિતુ : ૭૮(વાસ્તવ)
નિતુએ ધ્રુજતા હાથે ફોન પકડ્યો અને અનંતનો નમ્બર કાઢ્યો. પરંતુ ડાયલ કરવો કે ના કરવો એ વાતે અટવાય. તેણે કૃતિ સામે જોયું, તેણે હકારમાં માથું હલાવ્યું અને કરુણાએ કહ્યું, "નીતિકા! હવે વધારે વિચાર ના કર. હિમ્મત કરીને અનંતને બધું સાચું કહી દે અને એ જે કહે એ કર."
"હું અનંતને કેવી રીતે કહીશ?"
"કમોન દી. બી બ્રેવ. તારાથી થઈ જશે અને અનંતભાઈ કોઈ પારકો તો નથી. એ આપણો ભાઈ જ છેને."
"હા... ભાઈ છે... પણ આવી સેન્સિટિવ વાત...?"
કરુણા કહેવા લાગી, "નીતિકા! ખરો નિર્ણય લેવા માટે જે કરવું પડે એ કરવું જોઈએ. હિમ્મત રાખ અને અનંતને બધી વાત કરી એની સલાહ લે. એ જાણે તો છે જ ને કે તું કોઈ પ્રોબ્લેમમાં છે. બસ તારે હવે પ્રોબ્લેમ શું છે એ જ તો કહેવાનું છે! એ જો કહે કે તું વિદ્યા વિરુદ્ધ ના જા તો ના જતી. તું એટલીસ્ટ એની વાત તો માનશેને?"
"ઠીક છે." નિતુએ સ્વસ્થ થઈ ફોન પર પકડ મજબૂત કરી અને નંબરને ડાયલ કરી ફોન સ્પીકર પર રાખ્યો.
થોડીવાર રિંગ વાગી અને પછી ફોન ઉંચકતા અનંત બોલ્યો, "હાય નિતુ, કેમ છે?"
"ઠીક છું, ભાઈ."
"હમ... કોઈ કામ વગર તો તું મને ફોન કરવાનું જ ભૂલી ગઈ છે. બોલ, શું કામ પડ્યું તારા ભાઈનું?"
"ભાઈ... મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે."
"હા, તો બોલ, શું કહેવાનું છે?"
"તને યાદ છે મેં તને મારા એક પ્રોબ્લેમ વિશે જણાવ્યું હતું?"
"હા... યાદ છે."
"અનંત, તે મને કહ્યું હતું કે હું મારા પ્રોબ્લેમનાં મૂળ સુધી જાઉં. આજે મારી પાસે એક કારણ છે કે જ્યાં હું મારા એ પ્રોબ્લેમનાં મૂળ સુધી જઈ શકું છું અને એનો સંપૂર્ણ નાશ કરી શકું છું."
"અચ્છા. તો પછી રાહ શેની જુએ છે? જો તને તારી સમસ્યાનો અંત મળી ગયો હોય તો રાહ જોવાનો કોઈ અર્થ નથી. જસ્ટ ડુ ઈટ."
"પણ મારુ મન ખચકાય છે."
"એટલે?"
"અનંત, આપણી લાઈફમાં કોઈ એવું આવે કે જેનાથી આપણને શરૂમાં કોઈ ફેર ના પડતો હોય. બાદમાં એનાથી તકલીફ થાય અને સમય જતા જો એ તકલીફ ગમવા લાગે તો?"
"તું શું કહી રહી છે મને કંઈ નથી સમજાતું!" ગૂંચવાયેલા નિતુના શબ્દ સાંભળી તે બોલ્યો.
નિતુએ કહ્યું, "જેનાથી મને અત્યાર સુધી ફેર ન્હોતો પડતો એ મારો પ્રોબ્લેમ બની ગયો. પણ હવે ખબર નહિ, એ તકલીફને દૂર કરવાની વાત મને નથી ગમતી. એણે મારા પર ઉપકાર કર્યા છે અને જ્યારે એને તકલીફમાં મુકવાની વાત છે તો મને ડર લાગે છે."
"એવા તે કેવા ઉપકાર એણે કર્યા છે, કે એની આપેલી તકલીફ પણ તને ગમવા લાગી. કોણ છે એ?"
"મારો પ્રોબ્લેમ... મારી બોસ છે."
અનંત ચોંકી ગયો. તે બોલ્યો, "એક મિનિટ, આ તું શું બોલે છે! યુ મીન કે તને તારી બોસ, વિદ્યા મેડમથી તકલીફ છે?"
"હા, ભાઈ."
"નિતુ, જો હવે તારે જે છે એ બધું મને સ્પષ્ટ કહેવું પડશે. તું બોલીશ કે આખી વાત શું છે?"
"હું તને બધું નહિ કહી શકું. બસ મારે તારી સલાહની જરૂર છે."
"બોલ, શું કરી શકું છું તારા માટે?"
"મારે મારા પ્રોબ્લેમને ખતમ કરવા માટે મારી બોસ વિરુદ્ધ યુદ્ધ કરવાનું છે."
"તો એમાં કંઈ ખોટું નથી. જો એનાથી તને ફાયદો થતો હોય તો કંઈ ખોટું નથી નિતુ."
"અનંત! એ એક રેપ્યુટેડ કંપનીની માલિક છે. ઘણા બધા લોકો કામ કરે છે. આપણે જે કરીશું એની અસર બધા કર્મચારી પર પડશે. મેં કંઈક વિચાર્યું છે. મારી કંપનીમાં પહેલા મારી જગ્યાએ એક માણસ કામ કરતો હતો નિકુંજ." તે સહેજ અટકી અને પછી આગળ બોલી, "નિકુંજ એક જ એવો વ્યક્તિ છે, કે જે વિદ્યાને ખોટી સાબિત કરી શકે છે."
"તો પછી તેને કન્વિન્સ કર."
"મને ડર લાગે છે. એક અણધારી ચિન્તા થાય છે મનમાં. તું મને હેલ્પ કર અને કહે કે હું શું કરું? તને ખબર છેને કે વિદ્યાએ મારા પર કેટલાં ઉપકાર કર્યા છે. એનાથી ઉપરવટ જવાનો મને ડર લાગે છે. જે સ્ત્રીએ મને પ્રેમ આપ્યો, મારી દરેક તકલીફમાં મારી સાથે રહી, એના વિરોધમાં હું કેવી રીતે જઈ શકું?"
"તું હજુ મને સ્પષ્ટતા કરવા તો નથી જ માંગતી કે હકીકત શું છે. ફાઈન, કોઈ વાત હશે જે તું મને કહેવા નથી માંગતી, કે પછી કહી નથી શકતી. પણ મને લાગે છે કે તારો પ્રોબ્લેમ મોટો છે. તને જો મારી જરૂર હોય ઓ હું અત્યારે જ ત્યાં આવવા માટે નીકળું છું."
"એની જરૂર નથી. હું ઈચ્છુ છું આ લડતમાં તું મારું માર્ગદર્શન કર."
અનંતે કહ્યું, "ઓલરાઈટ. તને જયારે મારી જરૂર પડે હું હંમેશા તારે માટે હાજર રહીશ. ભલે આ યુદ્ધ તું એકલી લડવા નીકળી પડી હોય, પણ તારો પથદર્શક બનીને હું તને રાહ જરૂર બતાવીશ નિતુ."
નિતુએ ખચકાટ અનુભવતા પૂછ્યું, "...તો શું મારે આ લડાઈ લડવી જોઈએ?"
"કેમ નહિ? તને તારી તકલીફમાંથી આઝાદી મળે તો જરૂર લડવી જોઈએ."
"એ મારાથી સિનિયર છે. મને જરૂર પડી ત્યારે હંમેશા એ મારી સાથે ઉભી રહી છે. તને પણ ખબર છે, કે કૃતિના લગ્ન એના વગર શક્ય જ ના હોત. એ સતત મારા પર પ્રેમ વરસાવી રહી છે અને હવે એની સામે પડવું.., શું એ યોગ્ય છે?"
"હમ્મ, એટલે તને હવે એની સાથે પોતીકા જેવું લાગે છે. આપણા પર એના ઉપકારનો બોજો તો છે, સાચી વાત છે તારી. જે તકલીફ આજે તને છે, તું સહી લઈશ તો ચાલશે. પણ વિદ્યા દ્વારા એ તકલીફ કાલે કોઈ બીજાને નહિ આપવામાં આવે એની ગેરેન્ટી તારી પાસે છે?"
નિતુ વિચારમાં પડી ગઈ. અનંતે આગળ કહ્યું, "મને સમજાય છે તું શું કહેવા માંગે છે. તારે વિદ્યાની વિરુદ્ધ તો જવું છે, પણ હિમ્મત નથી. કારણ કે તું એની ઋણી છે. નિતુ, ઋણ હોય અને સહન કરવું પડે તો સમજી શકાય. કર્ણને જાણ હતી કે દુર્યોધન ખોટો છે. છતાં એના કરેલા ઉપકાર અને ઋણ માટે તેણે દુર્યોધનને ક્યારેય ન્હોતો છોડ્યો. તો પછી અર્જુને તો જેટલાને માર્યા એ બધા એના પોતીકા જ હતા. પછી એણે કર્યું એ ધર્મ કઈ રીતે કહી શકાય?"
"ભાઈ હું એવી સ્થિતિમાં છું, કે આગળ શું કરવું એ નથી સૂજતું. એ અર્જુન હતો. હશે એની વાત. પણ મને વિદ્યાની સામે પડવું યોગ્ય નથી લાગતું."
"નિતુ આ વિશ્વમાં માણસાઈથી મોટુ કોઈ કામ નથી અને માણસાઈ એટલે બીજા લોકોને કરેલી વણમાગી મદદ. આજે જો તું વિદ્યા સામે લડીશ તો આવતી કાલે કોઈ બીજા સાથે થવા જનાર અન્યાયને તું આજે જ રોકી શકીશ. જો તું એને નહિ રોકે તો તારા પછી કોઈ બીજી વ્યક્તિ સાથે વિદ્યા અન્યાય કરશે. એ અન્યાયને થતાં પહેલા અટકાવવાનો વિકલ્પ છે તારી પાસે. તો તને આજે જે માણસાઈનું કામ કરવાનો મોકો મળ્યો છે એને છોડી દઈશ?"
ગળગળી થઈ તે બોલી, "મારી સામે વિદ્યા છે. જે હંમેશા મારી સાથે રહી છે અને હવે હું એને કઈ રીતે કંઈ કરી શકું?"
"તું માને છેને કે એણે તારી સાથે ખોટું કર્યું છે? એણે નિકુંજ સાથે પોતાના સ્વાર્થ માટે અન્યાય કર્યો છે?"
"હા."
"શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં લખ્યું છે નિતુ, જયારે અર્જુને આ જ સવાલ ભગવાનને પૂછ્યો (1:36), તને ખબર છે ભગવાને શું જવાબ આપ્યો? આતતાયીઓનો અંત કરવો એ ધર્મ છે. પછી તે કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય. પોતાના હક માટે લડવું એ ધર્મ છે, અન્યાય સામે અવાજ ઉઠાવવો એ ધર્મ છે અને ધર્મ એ જ કર્મ છે. તો શું તું તારા કર્મથી ભાગીશ? વિદ્યા ભલે ગમે તે હોય. પણ એ જો કંઈક ખોટું કામ કરી રહી છે તો એને ખોટી કહેવામાં કંઈ વાંધો નથી."
નિતુ ચુપચાપ બેસી એની વાત સાંભળતી રહી. અનંતે આગળ કહ્યું, "નિતુ, ભૂલને માફ કરી શકાય, અધર્મને નહિ. જેણે પોતાની વૃત્તિમાં ખોટી પ્રવૃત્તિને વણી લીધી છે એનો નાશ તો મૂળથી જ કરવો પડે. તું ભાવનાઓમાં વહી રહી છે. તારા ઈમોશન પર કન્ટ્રોલ રાખ અને ભાવનાને નહિ, વાસ્તવિકતાને અપનાવ. નિતુ તું તારું વાસ્તવ ઓળખ."
તે સજ્જડ થઈ અને કહ્યું, "તારી વાત એકદમ સાચી છે અનંત. હું મારા ઇમોશનને લીધે, મારા ડરને લીધે પીછેહઠ કરી રહી હતી. હું એને ખોટી સાબિત જરૂર કરીશ. ભલે તે વિદ્યા છે, પણ હું એનો સામનો કરીશ. થેન્કયુ અનંત. મને સાચી દિશા દેખાડવા માટે."
"હું હંમેશા તારી સાથે છું. તને જયારે જરૂર લાગે બસ મને યાદ કરી લેજે. તારો આ અનંત તારે માટે હંમેશા તૈય્યાર રહેશે."
"થેન્ક્સ. આગળ શું થાય છે એ હું જણાવીશ."
"ટેક કેર નિતુ. એન્ડ બેસ્ટ ઓફ લક." અનંતે ફોન રાખ્યો. તેણે નીતિકામાં આત્મવિશ્વાસ ભર્યો. તે નીડર બની ગઈ. કરુણા અને કૃતિ એનાં આ વિશ્વાસથી ખુશ થઈ.
કરુણા હાથ આગળ લંબાવતા બોલી, "આઈ એમ હેપી કે તું આગળ ચાલવા તૈય્યાર થઈ ગઈ."
એના હાથને નિતુએ બંને હાથે પકડ્યો અને કરુણાએ બીજો હાથ એના ઉપર રાખ્યો. કૃતિ આગળ આવી અને એણે પણ પોતાના બંને હાથ તેમના હાથ પર રાખી લીધાં. નીતિકા બોલી, "ચાલો, સાથે મળીને વિદ્યાની કાળી કરતૂતોને જન માનસ સામે ખુલી પાડીયે."
___________________
For absolution * The question asked by Arjuna defined in 36th shlok -1st aadhyay in Bhagvad Geeta.