સામાન્ય ચોર મોટાભાગે કોઇ ચોક્કસ ઘર કે ઓફિસને નિશાન બનાવીને તક મળ્યે ચોરી કરી લેતા હોય છે જેના માટે ખાસ પ્લાનિંગની જરૂરત પડતી નથી પણ કેટલાક શાર્પ માઇન્ડવાળા ચોર જેમનું લક્ષ્ય પણ મોટુ હોય છે તે જ્યારે ચોરી કરે ત્યારે તે પોતાનાં કામને અંજામ આપવા માટે ફુલપ્રુફ પ્લાનિંગ કરીને કામને સફાઇથી અંજામ આપતા હોય છે જે તપાસ એજન્સીઓને પણ ચકરાવે ચડાવી દે છે.
ઘરેણા, દાગીના, રોકડ, માલમતા, અનાજ, કપડા, અમુલ્ય પેઇન્ટિંગની ચોરી થવાની વાતો સામાન્ય છે પણ જીવતી શાર્કને એકવેરિયમમાંથી ચોરવાની વાત કોઇ કલ્પના પણ ન કરી શકે પણ ૨૦૧૮નાં જુલાઇ મહિનામાં સેન એન્ટોનિયો એકવેરિયમમાંથી સોળ ઇંચની હોર્ન શાર્ક ગુમ થઇ હતી જ્યાં મોટાભાગે સંશોધકો વધારે પ્રમાણમાં આવતા હતા.બે પુરૂષ અને એક મહિલા કેમેરામાં કેદ થયા હતા જેમણે મિસ હેલન નામે ઓળખાતી શાર્કને ઉઠાવી હતી.આ ચોરીએ તપાસ એજન્સીને ચકરાવે ચડાવી હતી જેને ત્યારે પ્રથમ બ્રેક મળ્યો જ્યારે એકવેરિયમનાં કર્મચારીએ સર્વિલન્સ વીડિયોમાં એક વ્યક્તિની ઓળખ કરી હતી.ચોરીનાં એક મહિના પહેલા એન્થોની શેનને પોતાની જાતને એકવેરિયમ સોલ્ટનાં સપ્લાયર તરીકે ઓળખાવી હતી અને તેણે પોતાના સોલ્ટનાં પરિક્ષઁણની વાત કરી હતી અને તમામ એકવેરિયમની મુલાકાત લીધી હતી.એક શંકાસ્પદનાં ઘરની તલાશી દરમિયાન તેમને મિસ હેલનની સાથે અન્ય દરિયાઇ જીવો પણ મળી આવ્યા હતા.આખરે શેનન પર શાર્કની ચોરીનો આરોપ નક્કી કરાયો હતો.
સ્વીડનનાં માલામો શહેરનાં શુ સ્ટોર્સમાં જુતાની ચોરીઓનું પ્રમાણ વધી જતા પોલીસ સક્રિય થઇ હતી.મોટાભાગે ચોરોએ ડાબા પગનાં જુતાની જ વધારે ચોરી કરી હતી એવી જ ચોરીઓ ડેન્માર્કમાં પણ થઇ હતી ત્યાં ચોરોએ જમણા પગનાં જુતાની ચોરી કરી હતી.ચોરો બંને જગાએ ચોરી કરીને યોગ્ય જુતાની પેરને મેચ કરીને ત્યારબાદ બજારમાં મોટી કિંમતે વેચી નાંખતા હતા જો કે પોલીસને ક્યારેય એ ચોરોનો પત્તો લાગ્યો ન હતો.
ચીનનાં ગુઆંગજાઓ ફાઇન આર્ટસ એકેડેમીની ગેલેરીમાં કામ કરતા જિયો યુઆને કલાત્મક પેઇન્ટિંગની ચોરીનું કામ બહુ ખુબીથી અંજામ આપ્યું હતું.તેની પાસે ત્યાંની મોટાભાગની ગેલેરીઓની ચાવીઓ રહેતી હતી અને તે ખાલી સમયમાં પણ ત્યાં જઇ શકતો હતો તેેણે બે વર્ષનાં સમયગાળામાં ૧૪૦ જેટલા ચિત્રોની ચોરી કરી હતી અને એકવીસ મિલિયન ડોલરની રકમ ઉભી કરી હતી.તે જે પેઇન્ટિંગને ચોરતો ત્યાં તેની ડુપ્લીકેટને મુકી દેતો એ ડુપ્લીકેટ અસલ જેવીજ હોવાને કારણે કોઇને શંકા ગઇ ન હતી પણ એક દિવસ હોંગકોંગમાં એકેડેમીનાં ભૂતપુર્વ વિદ્યાર્થીએ ત્યાંનું ચિત્ર જોતા જાણ કરી હતી ત્યારે સમગ્ર વાતનો ભાંડો ફુટ્યો હતો.જિયો પર ભ્રષ્ટાચારનાં આરોપ નક્કી કરાયા હતા.
જેરી રામરેટન પર જ્યારે તેની ગર્લફ્રેન્ડે બળાત્કારનો આરોપ લગાવ્યો ત્યારે તે સમસમી ઉઠ્યો હતો અને સિમોના સુમસારને સબક ભણાવવાનું નક્કી કર્યુ હતું અને તેણે સંખ્યાબંધ ચોરીઓનો આરોપ તેના પર લગાવ્યો હતો.સિમોનાએ ત્યારે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું પણ તેની ધરપકડ કરાઇ હતી અને તેની પાસે જામીન માટે એક મિલિયન ડોલરની રકમ માંગવામાં આવી હતી જે તેની પાસે ન હતી.આ ગાળા દરમિયાન તે પોતાની દિકરીથી દુર થઇ ગઇ હતી અને તેણે ઘર અને હોટલ પણ ગુમાવ્યા હતા.જ્યારે તેના પર કેસ શરૂ થવાનો હતો તે પહેલા એક વ્યક્તિએ આવીને જેરીનાં ષડયંત્રનો ખુલાસો કર્યો હતો.પોલીસે તેના ફોન રેકોર્ડની તપાસ કરી ત્યારે જણાયું કે જે સાક્ષીઓ સિમોનાં વિરૂદ્ધ અદાલતમાં આવ્યા હતા તેમની સાથે તે સંપર્કમાં હતો.ત્યારબાદ સિમોનાને છોડવામાં આવી હતી અને જેરી પર દસ જેટલા આરોપ નક્કી કરાયા હતા.કવીન્સ ડીસ્ટ્રીકટનાં એટોર્ની રિચાર્ડ બ્રાઉને જણાવ્યું હતુ કે તેમની કારકિર્દીમાં આ બદલો લેવા માટે આટલી હદે પ્લાનિંગ કરાયું હોવાનો આ પહેલો કેસ હતો.
વર્ષ ૨૦૦૦માં હોંગકોંગ ખાતે શાસ્ત્રીય સંગીતનાં ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કારણકે અહી ફિલહાર્મોનિકનો કોન્સર્ટ થવાનો હતો અને તે માટે ૩૧ ડોલરની ટિકીટો પણ વેચવામાં આવી હતી.આ કાર્યક્રમને વખાણવામાં આવ્યો હતો જો કે ત્યારે ફિલહાર્મોનિક જુથ યુરોપનાં પ્રવાસે હતું અને તેમનાં નામે હોંગકોંગમાં કાર્યક્રમ યોજાઇ ગયો હતો.જો કે ફિલહાર્મોનિકમાં કામ કરનારા કેટલાક ફ્રીલાંસ કલાકારોએ હોંગકોંગમાં પરફોર્મ કર્યુ હતું.જ્યારે આ વાત પ્રકાશમાં આવી ત્યારે ખાસ્સો હંગામો મચી ગયો હતો.સરકાર અને આયોજકોનો દાવો હતો કે કાર્યક્રમમાં ફીલહાર્મોનિકનાં કલાકારો હાજર રહ્યાં હતા.
અકીમ મોન્સાલવેટેજ, એડવર્ડ બ્યામ અને ડેરિક ડંકલીએ બેન એફલેકની ધ ટાઉન જોયા બાદ એ જ રીતે ચોરી કરવાનો પ્લાન કર્યો હતો. તેમણે પણ લેટેકસનાં માસ્ક બનાવ્યા હતા,ન્યુયોર્ક પોલીસનો યુનિફોર્મ તૈયાર કર્યો હતો અને ચોરી કરવા માટે પણ એ જ રીત અપનાવી હતી જો કે તેમની નાનકડી ભૂલને કારણે તેમનો પર્દાફાશ થયો હતો.તેઓ ત્યાં એક ફોટોગ્રાફ છોડી ગયા હતા અને પોલીસ મોન્સાલવેટેજ સુધી પહોંચી ગઇ હતી અને તેમને ત્રીસ વર્ષની જેલની સજા થઇ હતી.
એડી ટિપ્ટોન મલ્ટીસ્ટેટ લોટરી એસોસિએશનમાં આઇટી મેનેજર હતો અને બાર વર્ષ તેણે કામ કર્યુ હતુ.તેણે ઘણી યુએસ લોટરી ગેમ્સ માટે કોડ લખ્યા હતા.તે લોવા ખાતે પાંચ બેડરૂમનું આલિશાન મકાન ધરાવતો હતો અને વર્ષે એક લાખ ડોલરની રકમ પગાર પેટે મેળવતો હતો પણ તેને એટલેથી સંતોષ ન હતો એટલે તેણે કંપની સાથે ચિટીંગ ચાલુ કર્યુ હતું તે પોતાના પરિવારનાં સભ્યોને વિનિંગ નંબર આપી દેતો હતો અને તેમની પાસેથી ખાસ્સુ કમિશન મેળવતો હતો.જો કે તેની પોલ પકડાઇ ગઇ હતી.બ્રાઝીલ સેન્ટ્રલ બેંકની ફોર્ટાલેઝા બ્રાન્ચમાંથી ૭૦ મિલિયન ડોલરની ચોરી થઇ હતી જેને વિશ્વની સૌથી મોટી ચોરી ગણવામાં આવે છે.આ ચોરી માટે ચોરોએ ખાસ્સુ પ્લાનિંગ કર્યુ હતું તેમણે બેંકની નજીક જ ઘર ભાડે લીધુ હતું.તેમણે ત્યાં લોકોને બતાવવા માટે ગાર્ડનિંગનો વ્યવસાય ચાલુ કર્યો હતો તેમણે ઘરને કલર કરાવ્યું હતું અને પોતાની વાન પર પણ લોગો લગાવ્યો હતો.તેમની ગાર્ડનિંગ સર્વિસની જાહેરાત પણ પ્રસિદ્ધ કરી હતી અને પાસેના તમામ વિસ્તારોમાં તેમણે પ્રમોશન પણ કર્યુ હતું.અહી સ્થાપિત થયા બાદ ટોળકીએ પછીનાં ત્રણ મહિના ૮૦ મીટર લાંબી સુરંગ ખોદવાનું કામ કર્યુ હતું.આ સુરંગમાં તેમણે વીજળી અને એસીની સુવિધા પણ કરી હતી.તેઓ ત્યાંથી માટી લઇ જતા પણ લોકોને શંકા ગઇ ન હતી કારણકે તેમનો ધંધો જ ગાર્ડનિંગનો હતો.તેઓ આ સુરંગ દ્વારા વોલ્ટમાં પહોચ્યા હતા અને ૭૦ મિલિયન ડોલરની રકમ ઉઠાવી હતી.તેમણે ત્યાંથી નવી નોટોને બદલે જુની નોટો ઉઠાવી હતી.આ ચોરીને સફળતાપુર્વક પાર પાડવામાં આવી હતી અને પોલીસનાં હાથમાં ક્યારેય કોઇ આવ્યું ન હતુ તો ચોરીની રકમ પણ ક્યારેય મળી ન હતી જો કે કહેવાય છે કે આ ચોરીનો માસ્ટરમાઇન્ડ મૃત હાલતમાં મળ્યો હતો અને અન્ય કેટલાક શંકાસ્પદો પણ શકની બિના પર પકડાયા હતા પણ તેમને છોડી મુકવા પડ્યા હતા.
સ્વીડનનાં સ્ટોકહોમમાં આવેલ જી૪એસ કેશ ડેપોમાંથી જ સ્ટોકહોમનાં મોટાભાગનાં એટીએમને કેશ પુરી પડાતી હતી આથી એક ગેંગે તેને લુંટવાનો પ્લાન બનાવ્યો હતો તે માટે તેમણે ૨૩ સપ્ટેમ્બરનો દિવસ પસંદ કર્યો હતો કારણકે સ્વીડનમાં ૨૫મી સપ્ટેમ્બરે દરેક કામદારને તેનો માસિક પગાર ચુકવી દેવાય છે.આથી ડેપોમાં ૨૩મીએ ભારે માત્રામાં રકમ હતી.આ માટે ગેંગે એક હેલિકોપ્ટર ચોર્યુ હતું અને ત્યાંથી તેઓ ડેપોની છત પર ગયા હતા અને કેટલાક માસ્કધારીઓ હેલિકોપ્ટરમાંથી નીચે કુદી ગયા હતા.તેમણે વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો.આ ચોરી માટે તેમણે બારીક પ્લાનિંગ કર્યુ હતું પોલીસને રોકવા માટે મોટાભાગના રસ્તાઓને બંધ કરાયા હતા.આ લુંટનાં આરોપીઓ પણ ફરાર થવામાં સફળ રહ્યાં હતા અને સાથોસાથ રકમ પણ ગાયબ થઇ ગઇ હતી.
બેલ્જિયમનું એન્ટવર્પ હીરાની રાજધાની કહેવાય છે કારણકે વિશ્વમાં સૌથી વધારે હીરાનું વેચાણ અહી જ થાય છે.૨૦૧૭માં જ અહી ૪૬ બિલિયન ડોલરનો વ્યવસાય થયો હતો.એક માઇલના ક્ષેત્રફળમાં ફેલાયેલ આ માર્કેટ પ્લેસમાં વિશ્વનાં ધનાઢય વેપારીઓ આવતા હોય છે.આટલી ચમકદમક હોય ત્યાં ચોરોની પણ નજર મંડાયેલી હોય તે સ્વાભાવિક છે અને ૨૦૦૩માં અહી સૌથી મોટી લુંટ થવા પામી હતી ચોરોએ લગભગ સો જેટલા ડિપોઝીટ વોલ્ટને ખાલી કર્યા હતા અને ૧૦૦ મિલિયનની આસપાસની કિંમતી મત્તા ઉઠાવી હતી.આ લુંટનો માસ્ટર માઇન્ડ હતો લિયોનાર્દો નોટારબાર્ટોલો.તેણે આ લુંટની તૈયારીઓ ત્રણ વર્ષ પહેલા જ આરંભી હતી અને તે આ શહેરમાં આવ્યો હતો.તે ઇટાલિયન હીરા વ્યવસાયી તરીકે સર્કલમાં પ્રવેશ્યો હતો.નોટારબાર્ટોલોએ આ ચોરી માટેની પ્રેરણા તેને અહીનાં જ એક વ્યાપારી દ્વારા મળી હોવાનું જણાવ્યું હતું.તેણે આ માટે ચોરોની એક ખાસ ટીમ બનાવી હતી જેમાં તમામ પ્રકારનાં નિષ્ણાંતો સામેલ હતા અને તેમણે પોતાના ભોંયરામાં ચોરી માટે આ જ બિલ્ડિંગની નકલ ઉભી કરી હતી.ચોરીનાં એક દિવસ પહેલા નોટારબાર્ટોલોએ વોલ્ટનાં મોશન કેમેરા પર હેરસ્પ્રે છાંટયો હતો અને લાઇટ ડિટેકટર પર ટેપ લગાવી દીધી હતી.જ્યારે વોલ્ટનાં બોલ્ટ કાપ્યા ત્યારે તેમણે ચુંબકનો ઉપયોગ કર્યો હતો જેનાથી એલાર્મ શાંત રહ્યું હતું.ત્યારબાદ વોલ્ટમાં ઘુસીને તેમણે દરેક બોકસને ડ્રીલ વડે ખોલ્યું હતું.તેમણે ૧૦૦ મિલિયન ડોલરની કિંમતનાં હીરા અને ઘરેણાની ચોરી કરી હતી.આમ તો આ લુંટ માટે બારીકીથી પ્લાનિંગ થયું હતું પણ તેમ છતાં ગેંગ મેમ્બરે ત્યાં અડધો ખાધેલો સેન્ડવીચનો ટુકડો ત્યાં જ છોડી દીધો હતો જેના પરથી પોલીસે ગેંગનું પગેરુ મેળવી લીધુ હતું.ગેંગનાં ત્રણ સભ્યો ઝડપાયા હતા જેમને જેલની સજા કરાઇ હતી.જો કે પોલીસનાં હાથમાં મોટાભાગના હીરા આવ્યા જ નથી.નોટારબાર્ટોલો જ્યારે ૨૦૦૯માં છુટ્યો ત્યારે તેની પાસે બે પાઉન્ડનાં રફ ડાયમંડનો જથ્થો મળ્યો હતો જો કે તે હીરા તેણે ખરીદ્યા હોવાનો દાવો કર્યો હતો અને પોલીસ તેની વિરૂદ્ધ કશું પણ સાબિત કરી શકી ન હતી.