સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ.મતલબ હું મારી માતાનાં કૂખમાંથી બહાર આવી ચુક્યો છું.રડું કે હસુ હજું તો આ મથામણ માં જ હતો ત્યાં એક સરસ મધુરો મીઠડો અવાજ સંભળાયો (અફકોર્સ લેડી ડોક્ટરનો જ....જોકે આજકાલનાં જેન્સ ડોકટરનાં અવાજ પણ થોડા મીઠડા તો લાગે જ હો). મારી મમ્મી અને લેબર રૂમમાં ઉભેલા આજના જમાનાનાં મારા પપ્પાને (આજનાં જ તે વડી...પેલાનાં પપ્પાઓ એમનાં વડીલોથી ડરતા અને શરમાતા તો લેબરરુમમાં ઉભા રહેવાનું તો શક્ય જ ક્યાંથી). આ મસ્ત મીઠડા અવાજે કહ્યું.
”IT’S A BOY”.
પૃથ્વી પર મનુષ્ય તરીકે અવતરણ ને એમાંય તે પુરુષ તરીકે.અફસોસ મનાવું કે હરખ એ જ મોટો અવઢવ આ નાના અમથા મગજ માં ચાલતો હતો ને ત્યાં અચાનક જ કોઈ મને અડ્યું ને મારું મગજ એકદમ શાંત થઈ ગયું.જોયું તો એ સ્પર્શ બીજા કોઇનો નઈ મારી માં નો હતો.આહ!કેટલો પ્રેમાળ સ્પર્શ.કોઈ આટલું ઋજુ આટલું પ્રેમાળ કોઈ કેવી રીતે હોઈ શકે.હવે ખબર પડી કે ઈશ્વર પણ મનુષ્ય દેહે કેમ અવતર્યા.
ઈશ્વરની લિલા વિશે વિચારતો જ હતો ને ત્યાં જ મારી માં એ મને હાથમાં લીધો, ધારી ધારી ને જોયો (ક્યાંક હું મારા પપ્પા જેવો તો નથી લાગતો ને) ને પછી કપાળ પર એક મોટું ચુંબન કર્યું .હજું તો હું આ ચુંબનનાં લાળરુપી પ્રેમમાં તરબતોળ થઈ નાતો હતો ત્યાં જ મળ્યું મને અમૃતને સમકક્ષ “ધાવણ”.ધાવણ એમાં ખાલી દુધ, વિટામિન,પ્રોટીન જ થોડી હોય છે એમાંતો હોય છે માં નો પ્રેમ.આ ધાવણ ધાવતા ધાવતા ક્યારે હું સુઈ ગયો એનો મને ખ્યાલ જ ન રહ્યો.જ્યારે જાગ્યો ત્યારે એક દાઢી વાળો ચહેરો મારી નજર સામે આવ્યો.આ એ જ ચહેરો કે જેને મારા જન્મવાનો થોડો અફસોસ થયો છે.અફસોસ મારા જન્મ નો નઈ મારા દિકરા તરકેનાં જન્મનો.ને એમ પણ અફસોસ થાય જ ને એમને દીકરી સ્વરૂપમાં ઘરમાં ખિલખીલાટ જોઈતો હતો નહિ કે દિકરાનાં સ્વરૂપમાં ખળબળાટ. દિકરીનાં સ્વરૂપમાં કલબલાટ જોઈતો હતો નહિ કે મારા સ્વરૂપમાં કકળાટ.કકળાટ જ ને વડી.આજના સમયમાં દીકરાનો ઉછેર દીકરીનાં ઉછેર કરતા પણ મુશ્કેલ બની ગયો છે.દિકરો....આમ તો કુળનો દિપક કહેવાય પણ ક્યાંક ને ક્યાંક આ કુળનાં દિપકની જયોત એ મિલાવટી થઈ ગઈ છે.ને આમાં વાક જેટલો પુરુષ નો છે એટલો જ તેના જીવનમાં રહેલી તમામ સ્ત્રીઓ (ખાસ તો તેની માં અને પત્ની)નો એ ખરો. માત્ર દિકરીને જ દિકરા સમોવડી નથી કરવાની સાથે સાથે દિકરાને પણ દિકરી માફક પ્રેમાળ અને હુંફાળ બનાવાનો છે. એ રડે તો તેને રડવા દો ને હસે તો હસવા દો.આંખ નીચી કરીને શરમાય તો શરમાવા દો ને આંખ કાઢીને ગુસ્સે થાય તો એ ય થવા દો.લાગણીઓને ક્યારેય જાતીભેદ હોતો જ નથી.આ તો આપણા સમાજે ઠોકી બેસાડેલી અણી વગરની બુદ્ધિ ખુલ્લી છે જેણે કશું જ જોડ્યું નથી માત્ર એક ખરાબ નિશાન છોડ્યું છે ને એય નિશાન પુરુષની દિવાલ પર. શારીરિક શક્તિનો ધણી એવો પુરુષ લાગણીની બાબત માં કંગાળ જોવા મળે છે.( જોકે એ હોતો નથી બસ પુરુષ નામનો મુખોટો એને કંગાળ કરી મુકે છે)
આજનાં માં-બાપને છોકરો શું ભણશે એના કરતા કેવું ભણશે એ વિચારવું પડે છે, કેવી નોકરી મળશે એના કરતા નોકરી મળશે કે નહિ એ વિચારવું પડે છે, કેવી છોકરી મળશે એના કરતા છોકરી મળશે કે નહિ એ વિચારવું પડે છે, આવા તો કેટલાય પ્રશ્નો મારા પપ્પા નાં દિમાગ માં આવેલા જ્યારે એમણે પેલી વાર સાભળેલું,
“IT’S BOY”