સખત અકળાટ! બહાર ધોમધકતો તાપ અને ભીતર સખત અકળાટ.પણ આટલા વર્ષો પછી શાનો અકળાટ.આજે વીસ વર્ષ ને ઉપર એ આખા બે માસ વીતી ગયા એને મળ્યે એની સાથે છેલ્લી કોફી પી ને.આમ તો જોકે કોફી તો મેં પીધી હતી બાકી એ તો ચા નો સખત શોખીન.જોકે એ હતો પણ તો ચા જેવો જ ને.ક્યારેક સખત ગરમ તો ક્યારેક સખત મીઠો. દુધમાં ચા પત્તિ નાખી ને માત્ર બે મિનિટ ગરમ થવા દીધું હોય એવો તેનો વાન અને સ્વભાવ.....સ્વભાવ તો ક્યારેક આદુ જેવો તીખો તો ક્યારેક ઈલાયચી જેવો મધુર.એટલે થાય એવું કે ચા પીવો તો એની આદત પડે ને નાં પીવો તો માથું દુ:ખે. મારુ એની સાથેનું જોડાણ પણ બસ કંઈક આવું જ.છેલ્લી વારની એ મુલાકાતમાં એની અને એની ચા બંનેની મારા જીવનમાં અહેમિયત સમજાઈ જ ગઈ હતી. પણ નિયતિની આગળ આપણું ક્યાં ચાલે જ છે.એટલે જ તો ત્યારપછી હું પણ ચાની બંધાણી થઈ ગઈ.એ તો નાં મળ્યો પણ એની ચા તો મળી. એ સમયે આટલી હિંમત જ ક્યાં હતી કે હાથમાં હાથ નાખી સરસ મજાનાં ફોટા પડાવી આખી દુનિયાને કહી શકીએ,ત્યારે તો હતો માત્ર નિર્દોષ પ્રેમ.બીજાને તો શું એકબીજાને પણ લાગણી જતાવવા અને બતાવવામાં એ કેટ કેટલા સંબંધોમાં પૂર્ણ વિરામ મુકાઈ જતા.પહેલી વાર જ્યારે એને જોયો ત્યારે 35 ડીગ્રી તાપમાનમાં એ હિમાલય જેવી ઠંડી લાગી હતી.આછો સફેદ ખાદીનો કુર્તો, ના બઉ મોટા કે ના બઉ નાના રેશમી વાળ,ઘેરા ભૂરા રંગના ચશ્માં ને એની આરપાર બે ચમકતી પણ ધીર ગંભીર આંખો જે સતત વાતો કરતી હોય પછી ભલે ને એ શાંત કેમ નાં હોય.કેટલાય દિવસો સુધી એને નીરખ્યા કર્યો.પેલી વાર સાંભળેલો એનો અવાજ ને એના અવાજ માં સાભળેલું મારું નામ.હજું એ ક્યારેક ક્યારેક સંભળાઇ જાય છે તેનોએ જ ધીર ગંભીર પણ મીઠડો અવાજ. છેલ્લી મુલાકાતમાં આજ તો કર્યું હતું મેં. સાચું કઉ તો કરાવ્યું હતું.એના અવાજ માં અનેકો વાર મારું નામ બોલાવડાયું હતું.બીજી ક્યાં કોઈ વાત જ કરી શક્યા હતા.પહેલી મુલાકાત અને એ છેલ્લી મુલાકાત આ બંને વચ્ચે જ તો હતી મારી જીંદગી, મારી લાગણીઓ, મારો પ્રેમ.આજે માત્ર આ હાડમાંસ નાં આ શરીર માં એક સ્ત્રી માત્ર આ પૃથ્વી પરની તેની ફરજો બજાવી રહી છે એ છેલ્લી મુલાકાતના દિવસે સાંભળેલા અવાજનાં સહારે. પણ આજે કેમ આટલો અકળાટ છે?આ અવાજ જે દુરથી સંભળાતો ને હું પણ દુરથી સાંભળતી એ કેમ આટલો નજીક થી સંભળાય છે.અત્યાર સુધી તો માત્ર મારું હદય એનામય જ્યારે આજે તો મારું આખેઆખું અસ્તિત્વ જ એની તરફ જવા ધસમસે છે.આ ધરની દિવાલો પણ જાણે એના જ રંગે રંગાઈ હોય તેમ સતત મને ભેટવા એને આલિંગનમાં લેવા ખેેંચી રહી છે.એવું આલિંગન કે જે મેળવવા કોણ જાણે કેટલીએ રાતો ઉજાગરા કરી સ્વપ્નને હકીકત સમજી આ મન ને વાાળ્યું હતું. એને તો ક્યાં ખબર જ હતી કે કોઈ એને સાંગોપાંગ પામવા માટે આટલી હદે વિચારોનું ઘોડાપુર ચલાવતું હશે.ઈશ્વરને ધુુપ, દીપ, પ્રસાદ ની લાલચ ને જો એ ના મળે તો આપઘાત સુધીની એ ધમકી આપવામાં આવી હતી.પણ આ તમામ બાબતોથી અજાણ એ ત્યારે પણ હતો ને આજે પણ છે.એને મેળવવા માટે કરેલા તમામ પ્રયત્નો પર પુર્ણવિરામ તો એ છેલ્લી મુલાકાતમાં જ મુકાઈ ગયું હતું અને જો આ જ સત્ય હોય તો આ અકળાટ શાનો?
આ વિચારો નો વંટોળ મને ઘેરી રહ્યો હતો ને ત્યાં જ
એક ફોન આવ્યો.