પારલૌકિક શક્તિઓ અંગેની ચર્ચા પ્રાચીન સમયથી ચાલી આવે છે આપણાં પુર્વજો માનતા હતા કે કે વાણીમાં એ શક્તિઓ રહેલી છે પણ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરતા આવડવું જોઇએ.આથી જ કેટલાક ગ્રંથો, મંત્રોને પવિત્ર માનવામાં આવે છે કારણકે એવું માનવામાં આવે છે કે તે પારલૌકિક શક્તિઓ ધરાવે છે.આ માન્યતા માત્ર ભારતમાં જ છે તેવું નથી પ્રાચીન કહેવાતી તમામ સંસ્કૃતિઓમાં આ વિચાર ચાલ્યો આવે છે.પ્રાચીન સંસ્કૃતિઓમાં ગ્રીકની સંસ્કૃતિનો સમાવેશ થાય છે અને ઇસ્વીસન પુર્વે બીજી સદીમાં જેનું અસ્તિત્વ હતું તે ગ્રીક મેજિકલ પાપયરી એવી જ શક્તિ ધરાવતું હોવાની માન્યતા છે.આ હસ્તપ્રતમાં લખાયેલા મંત્રો વડે એ મસ્તક હીન રાક્ષસને જાગૃત કરી શકાય છે જે બીજા વિશ્વનો દરવાજો ખોલી શકે છે.આ રાક્ષસ રાક્ષસી પ્રાણીઓથી તમારી રક્ષા કરી શકે છે.આ મંત્રો તમને ભવિષ્યનું દર્શન કરવાની શક્તિ પણ પ્રદાન કરી શકે છે.આ માટે એક શુદ્ધ બાળકની જરૂર રહે છે જેના દ્વારા ભવિષ્યની ઝાંખી થઇ શકે છે.આ પ્રાચીન ગ્રંથમાં મિથ્રાસ દેવીનું આહ્વાન કરવાની રીત પણ દર્શાવાયેલી છે.
અઢારમી સદીમાં ફ્રાંસમાં અસ્તિત્વ ધરાવતું બ્લેક પુલેટ એવું પુસ્તક છે જેમાં જાદુઇ વસ્તુઓનાં નિર્માણની રીત દર્શાવાઇ છે આ પુસ્તક નેપોલિયનનાં લશ્કરમાં ફરજ બજાવતા એક અધિકારીએ લખ્યું હતું.જ્યારે નેપોલિયન ઇજિપ્ત પર કુચ કરી ગયો હતો અને ત્યારે આરબોએ તેમના પર હુમલો કર્યો તે સમયે માત્ર એ ફ્રેન્ચ અધિકારી જ જીવતો રહ્યો હતો.તેના કહેવા મુજબ એક પ્રાચીન સમયનો તુર્કીશ વ્યક્તિ પિરામીડમાંથી બહાર આવ્યો હતો અને તેને પિરામીડનાં ગુપ્ત કક્ષમાં લઇ ગયો હતો.તેણે જ તેની તબિયત દુરસ્ત કરી હતી જે માટે તેણે પ્રાચીન ગ્રંથનો સહારો લીધો હતો જે ટોલેમીની લાઇબ્રેરીનાં વિનાશમાંથી બચી જવા પામ્યું હતું.આ ગ્રંથમાં જાદુઇ વીંટીઓ અને અન્ય વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય તેની વિગતો હતી.આ જ ગ્રંથમાં બ્લેક પુલેટનો ઉલ્લેખ હતો જે એક જાદુઇ મરઘી હતી અને તે સોનેરી ઇડા આપતી હતી.આ પુસ્તકમાં દાવો કરાયો છે કે જો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરાય તો વ્યક્તિ બેસુમાર દોલતનો માલિક બની શકે છે.આ ઉપરાંત અન્ય બે પ્રાચીન ગ્રંથોનો પણ તેની સાથે ઉલ્લેખ કરાય છે જે રેડ ડ્રેગન અને બ્લેક સ્ક્રી આઉલ તરીકે ઓળખાય છે.આ ત્રણેય ગ્રંથોમાં પ્રાચીન જાદુકલાના રહસ્યોનું આલેખન કરાયું છે.
ધ કી ઓફ સોલોમન ધ કિંગ અથવા કેલ્વીકુલા સાલોમોનીસ એ મધ્યયુગીન પ્રાચીન પુસ્તક છે જે કિંગ સોલોમને લખ્યું હોવાનું મનાય છે જો કે હાલમાં જે ગ્રંથનું અસ્તિત્વ હોવાનું મનાય છે તે ગ્રંથ ચૌદમી કે પંદરમી સદીમાં લખાયો હતો.આ ગ્રંથની ઘણી હસ્તપ્રતો સચવાઇ છે.આ ગ્રંથ પણ જાદુઇ શક્તિઓ ધરાવતું હોવાની માન્યતા છે અને પહેલી સદીમાં સોલોમને જાતે તેનો ઉપયોગ કરીને અશક્ય લાગતા કામો કર્યાનું પણ મનાય છે.ઇતિહાસકાર ફલેવિશ જોસેફસનાં જણાવ્યાનુસાર એક યહુદી એલેઝારે સોલોમનનાં પુસ્તકની મદદ વડે શેતાનનો સંપર્ક કર્યો હતો.અરેબિયન નાઇટસમાં પણ સોલોમનની જાદુઇ વિંટીઓનો ઉલ્લેખ જોવા મળે છે.આ પુસ્તકનું લેખનકાર્ય યહુદીઓ દ્વારા થયાનું માની શકાય તેમ નથી કારણકે તેમાં જે સંદર્ભો છે તે ઘણાં પ્રાચીન સમયનાં સેમેટિક કે બેબિલિયોન સસ્કૃતિનાં સમયગાળાના છે.આ ગ્રંથ યુરોપમાં નોસ્ટીક ચેનલ દ્વારા આવ્યો હશે જેમાં કબાલાહનું મિશ્રણ પણ જોવા મળે છે.આ ગ્રંથનો ઉપયોગ મોટાભાગે તો ખજાનાઓની શોધ માટે અને પારલૌકિક શક્તિઓનાં સંપર્ક માટે થતો હોવાની માન્યતા છે.આ ગ્રંથમાં શુદ્ધ જાદુ અને કાળા જાદુ બંનેના તત્વો જોવા મળે છે.ધ પિકાટ્રીક્સ એ પ્રાચીન ગ્રંથ છે જેમાં જયોતિષીય જાદુનો ઉલ્લેખ છે.આમ તો આ ગ્રંથ મુળ અરબીમાં લખાયો હતો જેનું નામ ગયાત અલ હકીમ હતું.આ ગ્રંથ અગિયારમી સદીમાં લખાયો હતો અને ચારસો પાનોનો વિશાળ ગ્રંથ છે જેમાં જયોતિષનાં સિદ્ધાંતો આલેખાયેલા છે.આ ગ્રંથમાં તારાઓ અને ગ્રહોની પાસે રહેલ જાદુઇ શક્તિઓ અંગે કહેવાયું છે.આ ગ્રંથમાં લોહી, શારીરિક અવશેષો, મગજનાં હિસ્સાની સાથોસાથ હશીશ, અફીણ અને માદક છોડવાનો ઉપયોગ કરવાની રીત દર્શાવાઇ છે.આ તમામ વસ્તુઓની મદદથી તમે જાદુઇ આયનો તૈયાર કરી શકો છો જે તમને અદ્ભૂત શક્તિઓ પ્રદાન કરી શકે છે.
સોળમી સદીમાં લખાયેલો ગાલ્ડ્રાબોક નામનાં પ્રાચીન ગ્રંથમાં જાદુની ઘણી રીતોનું આલેખન કરાયું છે.આ એક એેવી વસ્તુ છે જેને ધારણ કરનાર વ્યક્તિને ઘણી જાદુઇ શક્તિઓ પ્રાપ્ત થાય છે.આ શક્તિ વડે વ્યક્તિ કોઇને પણ વશમાં કરી શકે છે અને તેના શત્રુઓમાં ભયનો સંચાર કરી શકે છે અને તેમને નિદ્રામાં મોકલી શકે છે.આ ગ્રંથમાં ૪૭ જેટલા જાદુનો ઉલ્લેખ છે જેમાં કેટલીક શારિરીક સમસ્યાઓનો ઉપચાર કરવાથી માંડીને કોઇને પાદીને હેરાન કરવાનો જાદુ પણ દર્શાવાયો છે.એક જાદુમાં દર્શાવાયું છે કે કઇ રીતે પોતાના શત્રુમાં આહાર તરફ દુર્ભાવ પેદા કરી શકાય જેનાથી તે આખો દિવસ ખાવાથી દુર રહી જાય છે.આ ઉપરાંત અન્યોના પ્રાણીઓને મોતને ઘાટ ઉતારવાનાં જાદુનો પણ ઉલ્લેખ છે.આ ઉપરાંત તમારા ઘરને અવાંચ્છિત મહેમાનોથી રક્ષા, ચોરોને પકડવા અને કાયદાકીય કેસોમાં સફળતા માટેનો જાદુ પણ તેમાં દર્શાવાયો છે.
સોળમી સદીમાં કોઇ અજાણ્યા લેખકે લખેલ આર્બાટેલ ડી મેગ્યા વેટરમમાં જાદુઇ શક્તિઓ મેળવવાની રીત દર્શાવાઇ છે.જો કે આ ગ્રંથમાં કોઇને નુકસાન પહોંચાડવાને બદલે મદદરૂપ થવાની રીતોનો ઉલ્લેખ વધારે પ્રમાણમાં કરાયો છે.આ ગ્રંથમાં સ્વર્ગની સાત દૈવિય શક્તિઓને જગાવવાની રીત દર્શાવાઇ છે.આ શક્તિઓમાં એક છે બેથેલ જેમને જાદુઇ ઔષધોનું જ્ઞાન છે તો ફેલેસ પાસે યુદ્ધમાં વિજય મેળવવાની શક્તિ છે.જોકે લેખક કહે છે કે જે પોતાની માતાની કુખે જાદુઇ રીતે જન્મ્યો હોય તે જ આ જાદુ યોગ્ય રીતે કરી શકે છે.આ ઉપરાંત તેઓ પિગ્મીઝ, નિમ્ફસ, ડ્રાયડસ, સિલ્ફસ અને સાગાની લોકોનાં અસ્તિત્વ અંગે પણ વિસ્તારથી જણાવે છે જે જાદુઇ શક્તિઓ ધરાવે છે.
તેરમી સદીમાં લખાયેલો આર્સ નોટોરિયામાં કોઇ જાદુઇ શક્તિઓનો ઉલ્લેખ નથી પણ તેમાં અભ્યાસ, સ્મૃતિઓનાં કમાન્ડ અને અઘરા ગ્રંથોને સમજવાની વાત કરાઇ છે.તેમાં ભૂમિતિ, અંકગણિત અને તત્વજ્ઞાનમાં કુશળતા લાવવા પર ભાર મુકાયો છે.ચૌદમી સદીનાં એક સાધુ જહોન ઓફ મોરિગ્નીએ આર્સ નોટોરિયાની મદદ વડે કેટલીક શક્તિઓ પ્રાપ્ત કરી હતી અને તેને શેતાની હોવાનું જણાવ્યું હતું.તેમણે આ પુસ્તકમાં રહેલા રહસ્ય પર લિબર વિસોનમ નામનું પુસ્તક લખ્યું હતું.સ્યુડોમોનાર્કીયા ડેડોનમ એ સોળમી સદીના ભૌતિક શાસ્ત્રી અને ડેમોનોલોજિસ્ટ જહોનન વેયરે લખ્યું હતું.તેઓ તેમના પુર્વ શિક્ષક જર્મન ઓક્યુલિસ્ટ હેનરિક કોર્નેલિયસ અગ્રીપ્પાથી પ્રભાવિત હતા.આ પુસ્તકથી સિંગ્મંડ ફ્રોઇડ ભારે પ્રભાવિત હતા અને તેને તેમણે ઓલટાઇમ ગ્રેટ પુસ્તકોની યાદીમાં સામેલ કર્યુ હતું.આ પુસ્તકમાં ૬૯ ઉદાર રાક્ષસોનો ઉલ્લેખ કર્યો છે.આ રાક્ષસો પાસે ઘણી અદ્ભૂત શક્તિઓ હતી.નેબેરિયસ એ કાગડાનું સ્વરૂપ ધરાવે છે અને તે વ્યક્તિને તમામ પ્રકારની કલાઓમાં પારંગત બનાવી શકે છે.ફોરાસ એ કોઇપણ છુપા ખજાનાને બહાર લાવી શકે છે અને ખોવાયેલી વસ્તુઓને પરત લાવી શકે છે.આ ઉપરાંત હાગેન્ટી એ શક્તિ છે જે ગમે તે પાણીને દારૂમાં બદલી શકે છે.શેક્સ ઘોડાઓને ગુમ કરી શકે છે અને લોકોની દૃષ્ટિ અને સાંભળવાની શક્તિ છિનવી શકે છે.ઇલિગોસ યુદ્ધનું પરિણામ અગાઉથી જાણી શકે છે.આ પુસ્તકમાં આ તમામને જાગૃત કરવાની રીતો અંગે વિસ્તારથી જણાવાયું છે.
લાયબર જ્યુરાત્સુ હોનોરી તરીકે ઓળખાતા સ્વોર્મ બુક ઓફ હોનોરિયસ એ મધ્યયુગીન ગ્રંથ છે જે થિબ્સનાં હોનોરિયસે લખ્યું હોવાનું કહેવાય છે.આ વ્યક્તિ માયથોલિજિકલ હોવાનું કહેવાય છે પણ તેને કોઇ ઓળખી શક્યું નથી.આ પુસ્તકમાં દાવો કરાયો છે કે કેથોલિક ચર્ચ પર શેતાનનો કબજો છે અને તે જાદુની મદદ વડે માનવજાતિ પર કબજો કરી લેશે.આ પુસ્તકની માત્ર ત્રણ નકલો તૈયાર કરાઇ હતી.આ પુસ્તકમાં પણ ફરિસ્તા, રાક્ષસો અને અન્ય શક્તિઓનાં આહ્વાનની રીતો દર્શાવાઇ છે.આ શક્તિઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિ ગમે તે કાર્ય સરળતાથી કરી શકે છે તેવો દાવો કરાયો છે.
પંદરમી સદીમાં લખાયેલ બુક ઓફ અબ્રામેલિન ધ મેજને આજ સુધીનો સૌથી રહસ્યમય ગ્રંથ ગણાવાય છે.આ પુસ્તક એક યહુદી પ્રવાસી અબ્રાહમ વોન વોર્મ્સે લખ્યું હોવાનું કહેવાય છે.આ વ્યક્તિની મુલાકાત ઇજિપ્તની યાત્રા દરમિયાન જાણીતા જાદુગર અબ્રામેલિન અબ્રાહમ સાથે થયાનું કહેવાય છે.તેમણે પોતાની જાદુઇ શક્તિઓ તેમના પુત્ર લામેચને આપી હતી.અબ્રાહમની જાદુઇ રીત રસમને ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે.આ રીત કરવા માટે અઢાર મહિનાની શુદ્ધિકરણની વિધિમાંથી પસાર થવાનું રહે છે.આ વિધિ માત્ર પચ્ચીસ થી પચાસ વર્ષની વચ્ચે રહેલી વ્યક્તિ જ કરી શકે છે.મહિલાઓ આ વિધિ કરી શકતી નથી કારણકે તેમને વાતો કરવાની આદત હોય છે.જો કે કોઇ કુંવારી કન્યા આ વિધિ કરી શકે છે.આ વિધિ કરનાર વ્યક્તિને ફરિશ્તા તરફથી અદ્ભૂત શક્તિઓ પ્રદાન કરાય છે.તે વાતાવરણ પર કાબુ મેળવી શકે છે તે કોઇપણ રહસ્યનો ઉકેલ જાણી શકે છે.તે ભાવિ જોઇ શકે છે અને તે કોઇપણ ગુપ્ત દરવાજાને ખોલી શકે છે.આ ગ્રંથમાં શક્તિશાળી ચોરસ, ખાસ રહસ્યમય શબ્દોનો ઉલ્લેખ કરાયો છે.તેમાં કહેવાયું છે કે કેટલાક ખાસ પ્રકારના ચોરસમાં વિશિષ્ટ શક્તિઓ રહેલી હોય છે.આ પુસ્તકમાં કેટલીક વસ્તુઓ નહિ કરવાની પણ ચેતવણી અપાઇ છે.આ પુસ્તક દ્વારા એલિસ્ટર ક્રાઉલીએ વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત કરી હોવાનો દાવો કરાય છે.હર્મેટિક ઓર્ડર ઓફ ધ ગોલ્ડન ડોન એ ઓગણીસમી સદીમાં લખાયેલો ગ્રંથ છે જે એલિસ્ટર ક્રાઉલીએ લખ્યો હતો.