ભાગવત રહસ્ય-૧૭૮
શંકરાચાર્યે શતશ્લોકીમાં કહ્યું છે-કે –લોકો ચામડીની મીમાંસા કરે છે-
પણ આ દેહ જેનાથી સુંદર દેખાય છે-તે આત્માની કોઈ મીમાંસા કરતુ નથી.
જગત બગડ્યું નથી પણ જગતમાં રહેતા મનુષ્યોની આંખ-મન-બુદ્ધિ બગડ્યા છે.
દૃષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરશે. “ભાગવત- જગતને જોવાની આંખ અને દૃષ્ટિ આપે છે.”
એક વખત જનકરાજાના દરબારમાં અષ્ટાવક્ર મુનિ પધાર્યા.તેમનાં આઠ અંગ વાંકાં જોઈ બધા હસવા લાગ્યા. અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા.
જનકરાજાએ તેમને પૂછ્યું કે-અમે બધા તો તમારું વાંકુ શરીર જોઈ હસીએ છીએ-પણ તમે કેમ હસો છો?
અષ્ટાવક્ર બોલ્યા-મેં માન્યું હતું કે જનકરાજાના દરબારમાં બધા જ્ઞાનીઓ વિરાજે છે-પરંતુ અહીં તો બધા
ચમાર ભેગા થયા છે.આ તો ચમાર લોકોની સભા છે,તમે બધા શરીરનો વિચાર કરો છો.
તમે બધા મારા આ શરીરને શું જુઓ છો ?આ શરીરમાં શું સારું છે ? તે મળમૂત્રથી ભરેલું છે.
મારા શરીરમાં રહેલા આત્માને જુઓ.તમે આકૃતિ જોઈ ને હસો છો પણ મનુષ્યની કૃતિ જોવી જોઈએ.
આકૃતિ પૂર્વજન્મના પ્રારબ્ધથી મળે છે. પરમાત્મા કૃતિને જુએ છે.મનુષ્ય આકૃતિને જુએ છે.
આ અષ્ટાવક્ર મુનિએ જનકરાજાને જે ઉપદેશ કર્યો તે –અષ્ટાવક્ર ગીતા -તરીકે પ્રખ્યાત છે.
એક મહાત્મા પાસે સોનાના ગણપતિ અને સોનાનો ઉંદર હતો. શરીર વૃદ્ધ થયું.
મહાત્માએ વિચાર્યું-મૂર્તિ માટે ચેલાઓ ઝગડો કરશે. તો લાવ મૂર્તિઓ વેચી ભંડારો કરું.
તેથી તે વેચવા લઇ ગયા.ગણપતિની મૂર્તિ દસ તોલા ની થઇ પણ ઉંદરની મૂર્તિ અગિયાર તોલાની થઇ.
સોની એ કહ્યું-ગણપતિના હજાર અને ઉંદરના અગિયારસો.મહાત્મા કહે-ગણપતિ તો માલિક દેવ છે-તેના ઓછા કેમ આપે છે ? સોની કહે હું તો સોનાની કિંમત આપું છું. માલિકદેવની નહિ.
કિંમત સોનાની મળે છે-આકારની નહિ.
જ્ઞાની પુરુષો આકારને જોતાં નથી. સૃષ્ટિને નિરાકાર ભાવે જુએ છે.આકારમાંથી વિકાર ઉત્પન્ન થાય છે.
જેની આંખમાં પૈસો હોય તે જ્યાં જાય ત્યાં તે પૈસાને જ જોશે.
એક શેઠ કાશ્મીર ફરવા ગયા.ત્યાં તેમણે પુષ્કળ ગુલાબના ફૂલ જોયાં.
શેઠના મનમાં એવો ભાવ જાગ્યો નહિ કે –ગુલાબમાં મારા શ્રીકૃષ્ણ વિરાજે છે.
પણ ગુલાબના ફૂલો જોયા પછી શેઠને થયું-કે અહીં ગુલકંદની ફેક્ટરી ખોલી હોય તો વ્યાપાર સારો ચાલે.
દૃષ્ટિને ભગવદમય બનાવશો તો દૃષ્ટિ જ્યાં જશે ત્યાં પરમાત્મા દેખાશે.
ગોપીની દૃષ્ટિ પરમાત્મામાં જ હતી-તે જ્યાં જાય ત્યાં લાલાજી જ દેખાય છે.
ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી-બાધક છે આસક્તિ-
સંસારની કોઈ વસ્તુમાં સાચું સુખ નથી.સાચો આનંદ એક શ્રીકૃષ્ણમાં જ છે.
સંસારમાં સાચું સુખ છે-એવું જ્યાં સુધી માનશો ત્યાં સુધી મન ભક્તિમાં લાગશે નહિ.
સંસારના વિષયોમાં જો સાચું સુખ હોય તો-બધું છોડીને મનુષ્યને નિંદ્રાની જરૂર શા માટે પડે ?
વિષયોનો છોડીને મનુષ્યને નિંદ્રાની ઈચ્છા થાય છે-
તે બતાવે છે કે-વિષયોમાં સુખ નથી.જેમ અન્નની જરૂર રોજ છે-તેમ સત્સંગની જરૂર પણ રોજ છે.
અદિતિ શબ્દ શાસ્ત્રોમાં વારંવાર આવે છે.અદિતિ એટલે અભેદ-બુદ્ધિ.-બ્રહ્માકાર વૃત્તિ.
બ્રહ્માકાર મનોવૃત્તિથી માયાનું આવરણ દૂર થાય છે.
અંદરનું નિરાકાર અને બહારનું સાકાર સ્વરૂપ એકત્ર (ભેગું) થાય ત્યારે વામનજી ભગવાન પ્રગટ થાય છે.
અદિતિએ પયોવ્રત કર્યું. અદિતિ અને કશ્યપની વૃત્તિ નારાયણકાર બની ગઈ છે ત્યારે નારાયણ પધાર્યા છે.
અદિતિ સગર્ભા થયાં છે.નવમાસ પરિપૂર્ણ થયા છે.અદિતિ તન્મય થયા છે.
પ્રભુના દર્શનની આતુરતા જાગી છે.આતુરતા જાગે ત્યારે ભગવાનનો અવતાર થાય છે-દર્શન થાય છે.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - -