ભાગવત રહસ્ય-૧૭૭
તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મનુ થયેલા.તેમના વખતમાં કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામનરૂપે અવતરેલા.
દેવ અને દૈત્યોના યુદ્ધ પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા. શુક્રાચાર્યની સેવાથી દૈત્યોનું બળ વધવા લાગ્યું..પ્રત્યેક ઇન્દ્રિયથી સંયમનું પાલન કરે તે શુક્રની ઉપાસના છે.ઇન્દ્રથી હારેલો બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી પુષ્ટ થયો.શુક્રાચાર્યે બલિરાજાને કહ્યું –તે પ્રમાણે તેણે વિશ્વજીત યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી સર્વજીત રથ નીકળ્યો.
શુક્ર એટલે શક્તિ-તત્વ. શુક્રાચાર્યની સંયમ અને બ્રહ્મચર્યથી સેવા કરવાથી દૈત્યો બળવાન થયા.
સર્વ વિષયોનો સંયમરૂપી અગ્નિમાં (યજ્ઞમાં) હોમ કરી બલિરાજા જીતેન્દ્રિય થયો.શુક્રાચાર્યે પોતાનું
બ્રહ્મતેજ બલિરાજાને આપ્યું ”તમે જ્યાં જશો ત્યાં તમારી જીત થશે. તમને કોઈ હરાવી શકશે નહિ”
બલિરાજાએ દેવોનો પરાભવ કર્યો અને સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું. બલિરાજા ઇન્દ્રની ગાદી પર બેઠો.
શુક્રાચાર્ય વિચાર કરે છે-બલિરાજા જો સો અશ્વમેઘ યજ્ઞ કરે તો –સ્વર્ગનું રાજ્ય કાયમ માટે તેને મળે.
યજ્ઞ કરવા ભૃગુકચ્છ (હાલના ભરુચ) માં આવ્યા .અનેક અશ્વમેઘ યજ્ઞો કર્યા છે.
બલિરાજાએ સ્વર્ગ જીતી લીધું એટલે દેવો પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા.
બૃહસ્પતિએ કહ્યું કે –બલિરાજા જયારે ભૃગુવંશી બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે નાશ પામશે.
આ બાજુ દેવોની માતા અદિતિને બહુ દુઃખ થયું કે તેમના પુત્રો દરિદ્ર થયા,તેઓ સંતાપ કરવા લાગ્યા.
કશ્યપ ઋષિએ સંતાપનું કારણ પૂછ્યું.એટલે અદિતિએ સર્વ વાત કહી. અદિતિએ કશ્યપ પાસે માગ્યું કે-
મારા છોકરાઓને સ્વર્ગનું રાજ્ય પાછું મળે તેવું વરદાન આપો.
કશ્યપે કહ્યું- દૈત્યો હાલમાં પવિત્ર જીવન ગાળે છે-માટે પ્રભુ તેમને મારે નહિ.
શક્તિથી નહિ પણ યુક્તિથી ભગવાન દેવોને સુખી કરશે.
એટલે વામન-ચરિત્રમાં યુદ્ધની કથા નથી.ભગવાન પણ બલિરાજાને મારતા નથી.
કશ્યપ પછી પયોવ્રત બતાવે છે. અને કહે છે-કે દેવી,તમે વિધિપૂર્વક વ્રત કરો તો પ્રભુ તમારે ત્યાં
પુત્રરૂપે આવશે. વિષયાકાર વૃત્તિનો વિનાશ અને કૃષ્ણાકાર વૃત્તિઓ સ્થિર થાય તે માટેનું વ્રત છે.
અદિતિએ વ્રત કર્યું છે.પતિ પત્ની બાર દિવસ માત્ર દૂધ પર રહી –આદિ નારાયણનું આરાધન કરે છે.
સત્સંગથી ગૃહસ્થાશ્રમ સફળ થાય છે.સત્સંગથી મન શુદ્ધ થાય છે.ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની બંને
એકાંતમાં બેસી કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે-કિર્તન કરે તો યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે-તે આનંદ ગૃહસ્થને ઘરમાં મળી શકે છે.શાસ્ત્રમાં ગૃહસ્થાશ્રમમાં વખાણ કર્યા છે-નિંદા કરી છે-કામ વાસનાની.
મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે-કે-ગૃહસ્થાશ્રમીનો આનંદ અનેક વખત યોગીઓના આનંદ કરતા પણ શ્રેષ્ઠ હોય છે.પરમાત્માના જેટલા અવતાર થયા છે-તે ગૃહસ્થ ને ત્યાં જ થયા છે-કોઈ સન્યાસીને ત્યાં થયા નથી.
સાધુ-સન્યાસીઓ બ્રહ્મ નું ચિંતન કરી બ્રહ્મ રૂપ થશે-પણ ગૃહસ્થાશ્રમી પરમાત્માને ગોદમાં બેસી રમાડશે.
સાધુ સન્યાસી જેના ઘરનું ખાય છે-તેને પોતાનું થોડું પુણ્ય આપવું પડે છે. જયારે ગૃહસ્થાશ્રમી કોઈનું
મફતનું ખાતો નથી. ગૃહસ્થાશ્રમનું લક્ષ બરાબર નહિ સમજવાથી ગૃહસ્થાશ્રમ બગડે છે.
ગૃહસ્થાશ્રમ બગડે છે કુસંગથી.
કશ્યપ-અદિતિનો ગૃહસ્થાશ્રમ દિવ્ય હતો.પવિત્ર જીવન ગાળી તપશ્ચર્યા કરતા હતાં.તેથી પ્રભુ ને થયું કે-
હું એમના ઘેર જન્મ લઉં. આજ પણ કોઈ પત્ની અદિતિ જેવું પયોવ્રત કરે અને પતિ કશ્યપ બને તો આજ પણ ભગવાન તેને ત્યાં જન્મવા તૈયાર છે. અદિતિ એટલે અભેદબુદ્ધિ-કશ્યપ એટલે બ્રહ્માકાર વૃત્તિ.
બ્રહ્માકાર વૃત્તિમાંથી બ્રહ્મ પ્રગટ થાય છે.
- - - - - - - -- - - - - -- - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - - - - -- - - - - -- - - -