Nitu - 71 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 71

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 71


નિતુ : ૭૧(નવીન તુક્કા) 



નિતુને પોતાના માટે કરેલા નવીનના આયોજનને જોઈને આનંદ થતો હતો. આભાર વ્યક્ત કરતાં તે બોલી, "થેન્ક યુ સો મચ નવીન. મને નહોતી ખબર કે તમે મારા માટે આટલું બધું કરી શકો છો."

"આ આટલું બધું નથી. આ તો થોડુંક જ છે."

"હા. તમારા માટે હોય શકે, મારા માટે નહિ. મારી સવાર તમે ઘણી સુંદર બનાવી દીધી છે. આપણી કેબીનને આ રીતે સજેલી જોઈને ખરેખર મન આનંદિત થઈ ગયું. ઈનફેક્ટ તમે તો એક નવી ઉર્જા ભરી દીધી છે."

ઉત્સાહ પૂર્વક તેણે પૂછ્યું, "સાચે?"

"હા. રિયલી, ઇટ્સ ટ્રુ મોર્નિંગ વાઈબ." તેણે બંને હાથની બે આંગળી ઝબકાવી પ્રેમથી જવાબ આપ્યો.

તેઓના સંવાદને કાચની આરપારથી નિહાળીને આખું ગ્રુપ આ અંગે ચર્ચા કરી રહ્યું હતું. પરંતુ ઓફિસમાં પ્રવેશી રહેલી વિદ્યાની ગાડીને જોઈને તેઓની ચર્ચામાં ભંગ થયો. દરેકનો શ્વાસ અધ્ધર ચડી ગયો. મેડમ નથી એવું માની તેણે નવીનને આ આયોજાન કરવા કહ્યું હતું. તેના પ્રવેશતા તેઓની સમજમાં ત્રુટિ રહી ગઈ એ સ્પષ્ટ થયું. અશોકે આશ્વર્યથી પ્રશ્ન કર્યો, "મેડમ તો બેંગ્લોર જવાના હતા! અહીં ક્યાંથી?"

નીચું માથું કરી કામ કરતી કરુણાની પેન રોકાઈ ગઈ અને તેણે પણ બારીની બહાર નજર કરી. વિદ્યાની ગાડી ઉભી રહી અને તે નીચે ઉતરી. ત્યાં હાજર તેના પિયૂને તેની બેગ લઈ લીધી અને તે ઓફિસમા પ્રવેશી. તે ગ્રાઉન્ડ ફ્લોર પરથી આવી રહી હતી અને ચિન્તાતુર અનુરાધા બોલી, "ઓહ ગોડ! હવે શું થશે?"

કરુણાએ નિતુને સચેત કરવા ફોન લગાવી દીધો. પરંતુ પર્સમાં રાખેલા ફોનની રિંગ બહાર સુધી નહોતી આવી શકતી. તેણે પર્સ પોતાના ટેબલ પર મૂક્યું હતું અને પોતે વિપરીત દિશામાં નવીન સાથે વાતોમાં વ્યસ્ત હતી. કરુણાનો પ્રયત્ન વ્યર્થ ગયો. સામે દરવાજો ખુલ્યો અને વિદ્યા કોરિડોરમાં આવી પહોંચી. કરુણાએ બીજીવાર ફોન લગાવ્યો પરંતુ માત્ર રિંગ વાગી રહી હતી. ટચુકડા કોરિડોર મારફતે પ્રવેશતી વિદ્યાએ કરુણા તરફ એકવાર જોયું અને આગળ ચાલતી થઈ.

વિદ્યાનાં અચાનક આગમનથી ડઘાઈને ઉભેલા અનુરાધા એન્ડ ગ્રુપના સભ્યો ત્યાંજ સ્થિર બની રહેલા. વિદ્યા તેઓને એકસાથે ઉભેલા જોઈને અટકી. તે તેઓની સામે તાકી રહી અને આખું ગ્રુપ ગભરાયેલી હાલતમાં વિદ્યા સામે તાકી રહેલું. બાજુમાં ઉભેલા પિયૂનને કહ્યું, "બેગ મારી કેબિનમાં મૂકી દે." અને "જી" કહી તે ચાલ્યો ગયો.

વિદ્યા તેઓની પાસે જઈને પૂછવા લાગી, "શું વાત છે! આજે બધાં સાથે મળીને ઉભા છોને કંઈ!"

સ્વાતિ બોલી, "ના બસ એમ જ. અમે તો આવ્યા એટલે હજુ અહીં જ ઉભા હતા."

"હમ, મને લાગ્યું તમે બધા મને પહેલા ગુડ મોર્નિંગ કહેશો." વિદ્યાનું આવું કહેતા જ દરેક લોકો વારાફરતી તેને ગુડ મોર્નિંગ કહેવા લાગ્યા. તેઓની સ્થિતિ જોઈ વિદ્યાનાં મનમાં અજાણ્યો શક આકાર લઈ રહ્યો હતો, તે થોડું હસી અને આગળ બોલી, "આજે તમારા બધાનું મોર્નિંગ ફિક્કું કેમ લાગી રહ્યું છે? તમે બધા ટેંશનમાં હોય એવું કેમ વર્તાઈ રહ્યું છે?"

અશોક બોલ્યો, "મોર્નિંગ ફિક્કું નથી. આ અચાનક તમને જોયાને... ના એટલે... તમે બેંગ્લોર જવાના હતાને, તો પછી..."

"મારી ફ્લાઈટ ત્રણ પચ્ચીસની છે, એટલે હું અહીં આવી છું."

"અચ્છા, અમને એવો વ્હેમ રહી ગયો કે તમે કદાચ મોર્નિંગની ફ્લાઈટથી જવાના છો. એટલે તમને જોઈને અમને આશ્વર્ય થયું." ભાર્ગવે વાત સંભાળતા કહ્યું. પરંતુ વિદ્યાને તેની વાત સન્તોષકારક ના લાગી અને કશુંક અણસાજતું હોવાનો શક થયો. તેણે ચારેય બાજુ ઓફિસનો માહોલ ચકાસ્યો. બાકીના લોકો પોતાનું કામ કરી રહ્યા હતા અને તેમાંથી કામ કરતા કરતા અમુક લોકો તેની સામે ડોકિયું કરી રહ્યા હતા. તે પાછળ ફરી તો કરુણા હજુ ફોનમાં વ્યસ્ત હતી અને તેની નજર વિદ્યા સામે જ હતી. તેણે ઓફિસની દીવાલ પર ટાંગેલી ઘડિયારમાં જોયું અને મનોમન કહેવા લાગી, "હજુ તો નવને ત્રીસ થઈ છે. એટલે મેનેજર શાહ આવ્યા નહિ હોય. એટલે જ આ લોકો આટલી છૂટથી લટાર મારી રહ્યા છે."

"શાહ તો હજુ નહિ આવ્યા હોયને?" વિદ્યાએ પ્રશ્ન કર્યો.

અશોક બોલ્યો, "ના, મેડમ એ હજુ નથી આવ્યા." તે જાણતી હતી કે તેના ગ્રુપમાં સૌથી કમજોર કડી અનુરાધા હતી. જે ડરને માર્યે હંમેશા સાચું બોલતી. વિદ્યાએ તેને પૂછ્યું, "અનુરાધા! નીતિકા આવી ગઈ?"

"હા એ એની કેબિનમાં છે." વિદ્યાએ તેની કેબીન તરફ જોયું. દરવાજાની એકબાજુએ બનાવેલી નાનકડી પટ્ટાવાળી કાચની દીવાલની આરપાર તેને આછું એવું નિતુ અને નવીનનું પ્રતિબિંબ દેખાયું. તુરંત એના નેણ ભેગા થયા અને મનોભાવ બદલાયા. સફેદ દીવાલનો રંગ કાચની આરપાર રોજ કરતા આજે અલગ રંગનો દેખાઈ રહ્યો હતો. તેની બેગ મૂકીને આવતા પિયૂનને તેણે અટકાવ્યો અને કહ્યું, "સામે જા અને નીતિકાની કેબિનનો દરવાજો ખોલ."

ત્યાં ઉપસ્થિત લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈ જાતના સવાલ જવાબ વિના પિયૂને નીતિકાની કેબિનનો દરવાજો ધડામ દઈને ખોલી નાખ્યો. ડેકોરેટ થયેલી નીતિકાની કેબીન જોઈને વિદ્યાનાં હોશ ઉડી ગયા. અચાનક દરવાજો ખુલ્યો એટલે નીતિકા અને નવીનની નજર બહાર પડી અને સામે જ તેને વિદ્યા દેખાય. કેબીનનું દ્રશ્ય જોઈને તેનો ગુસ્સો સાતમે આસમાને પહોંચ્યો. બંને બહાર આવ્યા અને કશું બોલ્યા વિના ઉભા રહ્યા.

"આ બધું શું ચાલી રહ્યું છે?" રોષે ભરાયેલી વિદ્યા બોલી.

"મેડમ એ તો..." નિતુ ખ્યાલ બાંધી રહી હતી કે શું જવાબ આપવો? પરંતુ વિદ્યાએ તુરંત કહ્યું, "મને ખબર છે કે આ તારું કામ નથી. સો પ્લીઝ ક્વિટ નીતિકા, નવીન હું તને પૂછી રહી છું."

"ખુ... ખુ... ખુશી માટે..."

"ખુશી માટે! આખી કેબીનનું ડેકોરેશન કઈ ખુશીમાં કરાવ્યું છે તે?"

ડરતાં તે બોલ્યો, "મેમ.., નીતિકા... મેડમ કામમાં બરાબર ધ્યાન નહોતા આપી શકતા એટલે.., એની ઉદાસી તોડવા મેં..."

ગુસ્સામાં લાલ બનેલી વિદ્યા મોટા અવાજે બોલી, "મિસ્ટર નવીન કોટડીયા, તમને શું આ કોઈ પીકનીક સ્પોટ દેખાય છે? કે બરાબર ધ્યાન નથી અપાતું. તમે શું અહીં એન્જોય કરવા માટે આવો છો?"

"એક્ચ્યુલી મેડમ મેં વિચાર્યું, કે... મૂડ સારું થઈ જાય તો કામ કરવાની મજા આવે." ઢીલા અવાજે તે બોલ્યો.

"તમારા વિચારને તમારી સુધી સીમિત રાખતા શીખો. આ મારી ઓફિસ છે, તમારા બાપનો બગીચો નથી. હવે મને સમજાય છે કે તમે બધા આમ અહીં કેમ ઉભા છો! તમને બધાને એમ થતું હતુંને, કે મેડમ તો આજે આવવાના જ નથી, એટલે આપણને રોકટોક કોઈ કરશે જ નહિ. મારી ગેરહાજરીનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં હતા. પણ સરપ્રાઈઝ મળી ગઈ તમને લોકોને, કે મારી ફ્લાઈટ સાંજની છે અને હું અચાનક ઓફિસમાં આવી ગઈ."

તેણે પાછળ ફરીને કરુણા સામે એક નજર નાંખી, તે કોઈ જાતના હાવભાવ વિના અણનમ બેઠી હતી અને પછી નીતિકા સામે જોઈ તે આખી વાતનો તાગ પામી ગઈ. તેણે પૂછ્યું, "કોનું પ્લાનિંગ હતું આ?"

કોઈએ જવાબ ના આપ્યો. તેણે વધારે રોષ ઠાલવતા ફરીથી પૂછ્યું, "હું પૂછું છું કોનું પ્લાનિંગ હતું આ બધું?"

અશોક બોલવા જતો હતો એ જોઈ એની પહેલાં નવીને ધીમેથી કહ્યું, "મેં બધું સેટ કર્યું હતું."

"તમે?!"

"મેડમ ઉદાસને બદલે ખુશ રહે એના માટે મેં જ આ બધું ડેકોરેશન કરાવ્યું છે. આમાં બીજાને કોઈને કંઈ લેવા દેવા નથી. ઈવન, નીતિકા મેડમને પણ આ અંગે કોઈ જાણકારી નહોતી. એની જાણ બહાર મેં આ બધું ડેકોરેશન કરાવ્યું છે."

"લૂક મીસ્ટર નવીન, આ મારી ઓફિસ છે અને અહીં મન ફાવે એવું વર્તન હું નહિ ચલાવી લઉં. કોઈ પણ એક્સ્ટ્રા ન્યુસન્સ વિના રોજનું કામ થવું જોઈએ. કોઈને મનવવા રીઝવવા માટે તમે નથી આવતાં. ધીસ ઇઝ ટુ મચ. યુ આર ફાયર."

નવીનને નોકરી પરથી કાઢવાનાં વિદ્યાના નિર્ણયને સાંભળી નિતુ બોલી, "એક્સ્ક્યુઝમી મેમ. તમે આટલી વાત માટે એને આ રીતે જોબ ના છોડાવી શકો."

"મેં નિર્ણય લઈ લીધો છે નીતિકા. તું વચ્ચે ના બોલ તો વધારે સારું."

"છતાં હું બોલીશ. એવું તે એણે શું કરી નાખ્યું કે તમે એને જોબ પરથી હટાવી નાખો. તમે આમ ખોટી રીતે નિર્ણય ના લ્યો."

"મારો નિર્ણય અફર છે અને વધારે આર્ગ્યુમેન્ટ કરવાની કોઈ જરૂર નથી."

"પણ મને લાગે છે કે જરૂર છે. કારણ કે તેણે જે કર્યું એ મારા માટે કર્યું છે." પહેલીવાર નીતિકા વિદ્યા સામે બોલી રહી હતી. જેની સામે બોલવાની કોઈનામાં હિમ્મત નહોતી એવી વિદ્યા સામે દલીલો કરતી નીતિકાને ઓફિસનો સ્ટાફ આશ્વર્યથી જોઈ રહ્યો હતો.

વિદ્યા ગુસ્સમાં બોલી, "મેં મારી ઓફિસમાં અમૂક નિયમો બનાવ્યા છે અને એનાથી ઉપરવટ જવાનો કોઈને અધિકાર નથી."

"પણ માણસને ખુશ રહેવાનો અધિકાર તો છે જ. એણે થોડું ડેકોરેશન કર્યું એમાં તમારી ઓફિસને કોઈ નુકસાન તો નથી થયુંને?"

"તું મારા વિરોધમાં બોલી રહી છે! નીતિકા, હું તને છૂટ આપું છું એનો ગેરલાભ ના ઉઠાવ."

"આ ગેરલાભ ઉઠાવવાની રીત નથી. તમે નવીનને એનો પક્ષ રાખવાનો મોકો પણ નથી આપ્યો અને માત્ર આ ઓફિસમાં ફૂલો લાવવાથી તમે એને નોકરીમાંથી કાઢી મુકશો?"

"મારી પાસે તારી સાથે ફાલતુ વાતો કરવાનો સમય નથી." કહેતી વિદ્યા શાંત થઈ. પરન્તુ નિતુએ પોતાની આપા ખોઈ થોડા ઊંચા સ્વરે કહી દીધું, "તમને આ બધી ફાલતુ વાત લાગે છે? એક નજીવી બાબતમાં તમે નવીનને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય લીધો, ઈટ્સ નોટ ન્યુસન્સ. ઈટ ઈજ કમ્પ્લીટલી નોનસેન્સ મિસ વિદ્યા."

વિદ્યાને આ રીતે તુકારો કરવાનું અશોભનિય ખરું, પણ એક સાથે અત્યાર સુધોનો તમામ ગુસ્સો જાણે નીતિકા એના પર રેડી દેવા તૈય્યાર હતી. વિદ્યાએ આકરી ભાષા અપનાવતાં કહ્યું, "બસ. હવે તું તારી હદ વટાવી રહી છે. મેં તને માફ કરી એટલામાં તું મારી સામે બોલવાને લાયક બની ગઈ! હું આ નહિ ચલાવી લઉં. જો આજે હું નવીનને જતો કરીશ તો કાલે કોઈ બીજું આવી કરતૂત કરશે. કોઈ મારી ઓફિસમાં મોલેસ્ટ એટમોસ્ફિયર સર્જે એવું હું નહિ સાખું. તું... "

આગળ બોલવા માટે વિદ્યાએ પોતાની આંગળી ઊંચી કરી, પણ જાતે અટકી જઈને પોતાની કેબીન તરફ ચાલવા લાગી. એક ક્ષણ માટે કેબીનના દરવાજે અટકી અને અંદર જતી રહી. ગુસ્સામાં લાલ પીળી થતી નીતિકા સામે બધાની નજર હતી. કરુણા તેની પાસે આવી અને તેને શાંત કરતાં "નીતિકા, શું કરી રહી છે તું?" એટલું બોલતી તેના બનેં હાથ એના હાથમાં લીધા. તે લગભગ રડમસ બની ગયેલી. પોતાના હાથ છોડાવી તે ઝડફથી વિદ્યાની કેબીન તરફ ગઈ.

નિતુ તેની પરમિશન વિના તેની કેબિનમાં જઈને તે વિદ્યા સામે ઉભી રહી. તેને દરેક વખતે માન આપતી વિદ્યાએ તેની સામે જોવાની તસ્દી પણ ના લીધી અને પોતાનું બેગ ખોલતી તે બોલી, "શું કહેવા માટે આવી છે નિતુ?"