Nitu - 72 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 72

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 72

નિતુ તેની પરમિશન વિના કેબિનમાં જઈને વિદ્યા સામે ઉભી રહી. તેને દરેક વખતે માન આપતી વિદ્યાએ તેની સામે જોવાની તસ્દી પણ ના લીધી અને પોતાનું બેગ ખોલતી તે બોલી, "શું કહેવા માટે આવી છે નિતુ?"

"મેડમ, હું..."બેગમાંથી બહાર કાઢેલી ફાઈલ ટેબલ પર પછાડી તે બોલી, "વિદ્યા, તું મને મારા નામેથી બોલાવી શકે છે."

"મેડમ તમને..."

"બહાર તે મને વિદ્યા જ કહ્યું હતુંને? આખી ઓફિસ સામે તું મને વિદ્યા કહી શકે તો અહીં તો આપણે એકલા છીએ! અહીં તું મને મારા નામથી નહિ બોલાવી શકે?"

"સોરી."

"યુ ડોન્ટ નીડ ઈટ નીતિકા. એનું કારણ તું પણ જાણે છે અને હું પણ જાણું છું."

"મેડમ તમે નવીનને આ રીતે જોબ પરથી હટાવવા અંગે કહ્યું તો હું શું કરું? કોઈને ડિસ્ટર્બ થયું હશે, એનો અર્થ એવો નથીને કે એણે કોઈ એવો ગુન્હો કરી નાખ્યો હોય જેના લીધે તમે એને ડિસમિસ કરી દ્યો. એણે આ બધું મારા માટે કર્યું અને મારે ખાતર તમે પ્લીઝ એને લેટ ગો કરો."

"નિતુ હું આખી કંપની હેન્ડલ કરી રહી છું. તારે ખાતર જો હું નવીન સામે કોઈ એક્શન નહિ લઉં તો આગળ જતા કોઈ બીજું આવી કરતૂત કરશે. મારી ઓફિસ ધર્મશાળા બની જાય એ હું કેમ સહન કરું?"

"તો એમાં વાંધો શું છે? સ્ટાફનું કોઈ મેમ્બર જો એની ખુશીઓની, એના સુખ- દુઃખની વહેંચણી કરે તો એમાં શું પ્રોબ્લેમ છે?"

"શિસ્ત."

"જી?"

વિદ્યા ફાઈલોને ત્યાં જ છોડી નીતિકા પાસે આવી અને આગળ બોલી, "જો હું કડક રીતે ના વર્તુ તો આ ઓફિસમાં શિસ્તનું કોઈ પાલન જ નહિ કરે. છોડને, જે થયું એ હવે જવા દે. હું તારી સાથે શું કામ વધારાની લપ કરું છું. નવીન માટે આવી છે તું?"

નીતિકાએ કહ્યું, "હું કહેવા આવી હતી કે... " તે રોકાઈ અને એક ઊંડો શ્વાસ લઈ તે બોલી, "હા."

"શું હું જાણી શકું કે તને નવીન પ્રત્યે આટલો દયાભાવ કેમ જાગે છે?"

"એના માટે નહિ, તમે જે કર્યું છે એ ખોટું છે અને હું એ જ કહેવા માટે આવી છું. તમે ઓફિસમાં એટલીસ્ટ એટલી તો છૂટ આપી શકોને કે કોઈ માણસ પોતાની લાગણીઓ ખુલીને વ્યક્ત કરી શકે. આમ મુર્જાયેલા માણસો ક્યાં સુધી સારી રીતે કામ કરશે? તમે તમારા નિયમોમાં બાંધીને એના તરફ આશાવાદી નહિ બની શકો.

"વિદ્યા એકદમ શાંત થઈ ગઈ. તેને આ જ શબ્દો નિકુંજે ભૂતકાળમાં કહેલા એ યાદ આવ્યું. જાણે નિકુંજનો અવાજ તેને કાને અથડાયો અને તે હળવું હસી પડી. નિતુ તેના આ સ્મિતને જોઈ રહી હતી. બાજુમાં રહેલ બેલ પર હાથ રાખી વિદ્યાએ બેલ વગાડ્યો અને બહાર ઉભેલો એક ચપરાસી અંદર આવ્યો.

"જી બેનબા?"

"બહાર નવીન ઉભો હોય તો એને જઈને ક્હે, એની જોબ નથી ગઈ, એ એના કામે વળગે."

"ભલે" તે રજા લઈ બહાર ગયો અને આશ્વર્યથી નિતુ વિદ્યા સામે જોઈ રહી.

બહાર ઉભેલું અનુરાધા એન્ડ ગ્રુપ એજ સ્થિતિમાં ઉભેલું અને વિદ્યા અને નીતિકા વચ્ચે થયેલી તકરાર અંગે મંત્રણા કરી રહ્યું હતું.

અશોકભાઈ બધાને કહી રહ્યા હતા, "આવું આ ઓફિસમાં ક્યારેય નથી થયું. વિદ્યા મેડમ સામે આ રીતે બોલવાની હિમ્મત અચાનક નીતિકામાં જાગશે એની આશા નહોતી."

અનુરાધા બોલી, " એ તો ઠીક, એણે પાછું મેડમને બધાની સામે ગુસ્સેથી વાત કરતા એનું નામ લઈને બોલાવ્યા!"

અશોકભાઈએ ફરી કહ્યું, "રામ જાણે અંદર બંને વચ્ચે શું વાત થતી હશે.

"ચપરાસી ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, "નવીન સાહેબ, મોટા મેડમે કહ્યું છે કે તમે તમારું કામ કરો. તમારી નોકરી હેમખેમ જ છે."

આ સાંભળી બધાને શાંતિની અનુભૂતિ થઈ. સ્વાતિ બોલી, "થેન્ક ગોડ, નવીન તારી જોબ બચી ગઈ."ભાર્ગવ કહેવા લાગ્યો, "હા યાર સાચે, થોડીવાર માટે તો અમને બધાને લાગ્યું કે મેડમે ખરેખર તને ડિસમિસ કરી દીધો."

તે હળવેથી બોલ્યો, "આ બધું નીતિકા મેડમને લીધે થયું છે. ખબર નહિ એણે મેડમ સાથે શું વાત કરી, પણ એણે જ મારી જોબ બચાવી છે."

વિદ્યાએ નવીનને એની નોકરી બક્ષી એ બદલ નિતુએ તેને "થેન્ક્સ!" કહ્યું.

 વિદ્યા બોલી, "નિતુ, શું તું મારી વાતનો સાચો જવાબ આપીશ?" તેણે હકારમાં માથું ધુણાવ્યું એટલે વિદ્યાએ પૂછ્યું, "શું તું મારી સાથે પરાણે સંબંધ રાખે છે?"

"આ કેવો સવાલ કરો છો તમે?" આશ્વર્યસહ તે બોલી.

"તું ના તો મને સારી રીતે બોલાવે છે કે ના આજકાલ પહેલાની જેમ વાત કરે છે. હું જોઈ રહી છું કે તું નવીન તરફ ઝૂકી રહી છે. તારામાં આવતો બદલાવ હું નોંધી રહી છું."

"ના એવું કશું નથી. નવીન મારા આસિસ્ટન્ટની સાથોસાથ એક સારો એવો દોસ્ત છે બસ. બીજું અમારી વચ્ચે કશું નથી."

"આ બધું તું મારુ મન રાખવા કહી રહી છેને?"

"મેડમ, હું એ કહું છું જે હકીકત છે."

"તો પછી એણે તારા માટે આજે આખી કેબીન સજાવી દીધી, કેમ? આવું એક સામાન્ય દોસ્ત કરે?"

"એની જાણ મને પણ નહોતી. એન્ડ પ્લીઝ નો ઈટ કે એણે આ બધું એટલા માટે કર્યું કે... હું છેલ્લા અમૂક સમયથી થોડી ટેંશનમાં હતી, તો એણે મારુ ટેંશન દૂર કરવા આ બધું કર્યું."

"તને કોઈ ટેંશન છે?" અધીરી થઈ તે બોલી, "નિતુ તે મને જાણ કેમ ના કરી? શું થયું? શેનું ટેંશન છે તને?"

"તમારું." તે મનમાં બોલી અને પછી વિદ્યાને કહ્યું, "ના એવું ખાસ કંઈ નહિ. બસ ઘરનું થોડું હતું."

"તો તારે મને કહેવું જોઈએને, શું થયું?"

વિદ્યાને વધારે અધીરી બનતા જોઈ તે બોલી, "મેં કહ્યુંને! એવું ખાસ કંઈ નથી. હું... મને બસ બે ઘડી શાંતિ મળી જશે તો હું બધું ઠીક કરી દઈશ. બસ નવીન મને એવી જ શાંતિની અનુભૂતિ થાય એ માટે આ બધાં ફૂલ લઈ આવ્યો. હી ઈજ જસ્ટ ફ્રેન્ડ મેમ."

"ઓલરાઈટ. તું મને નથી જ કહેવા માંગતી તો કશો વાંધો નહિ. વેલ મેં બીજા કોઈને નથી કહ્યું, માત્ર શાહને ખબર છે. પણ તને જણાવી દઉં કે હું બેંગ્લોરથી રિટર્ન થઈશ ત્યારે સીધી નથી આવવાની. હું મુંબઈ થઈને આવવાની છું. તો બની શકે કે ત્રણ દિવસને બદલે વધારે લેટ થઈ જાય."

તે કંટાળેલા સ્વરે મનમાં બબડી, "ના આવો તો ભી ચાલશે. કોને ખપ પડવાનો છે?"

"તે કંઈ કહ્યું?"

"ઠીક છે હું જોઈ લઈશ."

વિદ્યા તેના બંને હાથ પકડી બોલી, "નીતિકા, તું નવીન સાથે આગળ નહિ વધેને?"

તેના એકના એક સવાલે તે ત્રસ્ત થતી હતી. "મેમ! મેં કહ્યુંને એ મારો સારો એવો દોસ્ત છે બસ. તમે હજુ ત્યાંજ અટવાયા છો! હવે એના વિશે વધારે વિચારવાનું બંધ કરો." કૃત્રિમ હાસ્ય વેરતી તે બહાર ચાલવા લાગી.

"મારી એક સલાહ પણ લેતી જજે નીતિકા. કરેલી ભૂલ પર પસ્તાવાનો વારો આવે એ પહેલાં પોતાની સીમા ઓળખતા શીખી જજે. કોને પોતાની કેટલી નજીક આવવા દેવા અને પોતે બીજાની કેટલી નજીક જવું એનું તને હજુ ભાન નથી." તે કોઈપણ પ્રકારનો ઉત્તર આપ્યા વિના જ જતી રહી અને વિદ્યા ટેબલને ટેકવી એકચિત્તે એનો વિચાર કરતા ઉભી રહી.

તે બહાર આવી કે આખા ગ્રુપ સાથે નવીન ત્યાં જ હાજર હતો. નવીને તેને જોઈ કહ્યું, "આઈ એમ સો સોરી મેમ. મારા લીધે તમારે મેડમ પાસેથી આટલું બધું સાંભળવું પડ્યું."

"ઈટ્સ ઓકે નવીન. તે પણ જે કર્યું હતું એ મારા માટે જ કર્યું હતુંને!"

"તમારી અને વિદ્યા મેડમ વચ્ચે શું વાતચીત થઈ એ હું નથી જાણતો, પણ થેન્ક યુ સો મચ. તમે મારી જોબ બચાવી લીધી અને સાથે મને પણ મેડમના ગુસ્સાથી બચાવ્યો."

"વી આર ફ્રેન્ડ્સ. જો તું મારા માટે વહેલી સવારમાં આવીને આટલું બધું કરી શકે તો તારા માટે હું આટલું ના કરી શકું?"

"થેન્ક્સ મેમ."

સૌથી પાછળ એકલી ઉભેલી કરુણા તરફ તેની નજર પડી અને તે તેના તરફ ચાલી. અશોકે તેની પાસે આવી તેના કાનમાં કહ્યું, "બાય દી વે નવીન, હવે પછી યાદ રાખજે. ગુલદસ્તાનું કહીયે તો આખો રૂમ ના શણગારી દેતો!" અને બન્ને હસ્યાં.

કરુણા પાસે જઈને નિતુ ઉભી રહી. કરુણા બોલી, "મેં તને વોર્ન કરવા ફોન કર્યો પણ કદાચ તને રિંગ નહિ સંભળાય હોય."

"ધેટ્સ ઓલરાઈટ."

"શું કહ્યું એણે?"

"લાંબી ટ્રીપ પર જવાની તૈય્યારી કરી રહ્યા છે."

"હું નવીન અંગે ચર્ચા કરી રહી છું."

"એને એવું લાગે છે કે મારી અને નવીન વચ્ચે કોઈ સમ્બન્ધ છે. મને તો એ જ નથી સમજાતું, કે એને મારી સાથે આટલી તે શી પંચાત છે?"

કરુણા બોલી, "માત્ર એને નહિ. કોઈપણ જુએ એને એમ જ લાગશે. તને શું લાગે છે? આ નવીને તારા માટે જે ડેકોરેશન કરાવ્યું એ કોઈ સામાન્ય ફ્રેન્ડ કરાવે?"

કંટાળી ગઈ હોય એમ તે બોલી, "કરુણા પ્લીઝ, હું વિદ્યા સાથે આ બાબતે માથાફોડ કરીને આવી છું હવે તું ના કર."

"ફાઈન. જેવું તને પસંદ. પણ નીતિકા, નવીન અંગે હું તને જરૂર કહીશ. જો તું જવા જ માંગે છે, તો પછી વિચાર કરવાનો કોઈ અર્થ નથી અને જો નથી જવા માંગતી તો એ દિશામાં ભૂલથી પણ ના જોતી."

આખરે બધું થાળે પડ્યું અને રોજની જેમ ઓફિસ ચાલવા લાગી. વિદ્યાનો સમય થયો કે તે પોતાની ફ્લાઈટ પકડવા નીકળી ગઈ. તે ક્યારે પાછી આવવાની હતી એનું કોઈ ઠેકાણું નહોતું. સાંજ થઈ અને ઓફિસ સમય પત્યો એટલે પોત- પોતાના સમયે બધા નીકળવા લાગ્યા.

વિદ્યાની ગેરહાજરી કરુણાનાં મનમાં શાંતિનું રોપણ કરી રહી હતી. એમ વિચારી કે આજે તે અને નીતિકા સાથે જઈ શકશે તે મેઈન ગેટ પર પહોંચી. પરંતુ તે નિતુને મળે એ પહેલા નિતુ ઉભી હતી ત્યાં નવીન ગાડી લઈને આવ્યો અને દરવાજો ખોલી બોલ્યો, "હું તમને લિફ્ટ આપી શકું?" નિતુને કરુણાની વાત યાદ આવી, જવું કે નહિ એનો વિચાર મેલી તે સ્માઈલ આપતી તેની સાથે ગાડીમાં બેસી ગઈ. કરુણા એકબાજુ ઉભા રહીને આ જોઈ રહી અને પોતાની જાતને પૂછ્યું, "નીતિકા, આ શું કરી રહી છે તું?"