આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છે જે આપણને એ યાદ અપાવે છે કે કંઇક વસ્તુ આપણી પકડની બહાર છે.રહસ્ય આપણને હંમેશા ધ્રુજાવી દેતું હોય છે.આથી રહસ્યકથાઓ હંમેશા આપણને ગમતી હોય છે.શેરલોક હોમ્સ કે એવા જાસુસો ક્યારેય જુના કે વાસી થતાં નથી.તેવામાં આજે આપણી આસપાસનાં વિશ્વમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની આસપાસ રહસ્યનું આવરણ ચઢેલું હોય છે દા.ત.આજે પણ આપણે સુભાષબાબુનાં મોતનું રહસ્ય શોધી શક્યા નથી હાલમાં એક બાબાની ચર્ચા થઇ હતી અને કહેવાયું હતું કે તે અસલમાં સુભાષ બાબુ હતાં પણ તે વ્યક્તિ પણ મોતની નિદ્રામાં પોઢી ગઇ હોવાને કારણે આપણે એ સત્યથી વંચિત રહ્યાં અને રહસ્ય અણનમ જ રહ્યું તેવું જ પેશ્વા નાનાજી માટે કહેવાયું હતું તેમનો અંતિમ કાળ હજી પણ રહસ્યનાં ગર્ભમાં ઢબુરાયેલ છે.આવી જ કેટલીક ઘટનાઓ અને વ્યક્તિઓની અહી ચર્ચા કરાઇ છે જેની આસપાસ રહસ્યનું આવરણ ઘેરાયેલું છે.
૧૮૫૯નાં દાયકામાં જ્યારે ડાર્વિને પોતાની ઓન ધ ઓરિજિન ઓફ ધ સ્પિસિસ પબ્લિશ કરી ત્યારે તેનો સૌથી વધારે વિરોધ ચર્ચ અને તેના પ્રતિનિધિઓ તરફથી થયો હતો.કારણકે ડાર્વિનની થિયરીએ તેમના સિદ્ધાંતોેને પડકાર્યા હતા. આ પ્રતિનિધિઓમાં વિલ્બરફોર્સ દ્વારા થયો હતો.તે ઓક્સફોર્ડનાં બિશપ હતા.આ બંને વચ્ચે ૧૮૬૦માં જાહેરમાં જોરદાર ચર્ચા ગોઠવાઇ હતી પણ ડાર્વિન બિમાર હોવાને કારણે તે જઇ શક્યા ન હતા અને તેમણે થોમસ હક્સલીને મોકલ્યા હતા.જો કે ત્યારે કોઇને વિજેતા જાહેર કરાયા ન હતા પણ ત્યારે બિનસત્તાવાર રીતે કહેવાતું હતું કે હક્સલીએ બાજી મારી હતી. પણ આ ચર્ચાથી વિલ્બરફોર્સ વિખ્યાત થયા હતા તેઓ એક વિચારક હતા અને લેખક તરીકે પણ જાણીતા હતા. તેઓ ૧૮૭૩માં મોતને ભેટ્યા હતા અને ત્યારે તેમણે એક કવિતા લખી હતી આજ સુધી તેનો અર્થ કોઇને સમજાયો નથી.
Sweetest of sound, in orchestra heard,
Yet in orchestra never have been,
Bird in light plumage, yet less like a bird,
Nothing in nature has ever been seen,
On earth I expire, in water I die,
Yet I run, swim and fly,
If I cannot be guessed by a boy or a man,
A girl or a woman I certainly can!”
આ કાવ્યનો અર્થ શોધવાનાં અનેક પ્રયાસો થયા હતા પણ આજે પણ તેનો ઉત્તર કોઇને મળ્યો નથી.
૧૯૭૦નાં નવેમ્બરમાં નોર્વેની ઇઝદેલેન ખીણ વિસ્તારમાં કેટલાક પર્વતારોહકો પોતાનાં અભિયાન પર હતા જ્યાં તેમને એક વિકૃત થઇ ગયેલો મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેની આસપાસ ઉંઘની કેટલીક ગોળીઓ વિખેરાયેલી મળી આવી હતી.આ ઉપરાંત ગેસની બોટલ પણ હતી.તેની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી હતી અને ત્યારબાદ તેનો સંબંધ બર્ગેનની ટ્રેનમાં મળી આવેલ સુટકેસ સાથે જોડવામાં આવ્યો હતો.જો કે તેના વસ્ત્રો પરનાં તમામ લેબલ કાઢી નાંખવામાં આવ્યા હતા.તેની પાસેથી ૫૦૦ જર્મન માર્કનું ચલણ મળી આવ્યું હતું.તેની પાસેથી ડોકટરનું એક પ્રસ્ક્રિીપશન મળી આવ્યું હતું.જો કે તેના પર પણ કોઇ નામ કે તારીખનો પત્તો ન હતો.આ ઉપરાંત એક ડાયરી મળી આવી હતી જે સાંકેતિક ભાષામાં લખાયેલી હતી.તેનું પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે તેની દાંતની સર્જરી લેટિન અમેરિકામાં થઇ હોવાનું જણાઇ આવ્યું હતું.તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ મહિલાએ નકલી નામે યુરોપનાં અનેક દેશોમાં પ્રવાસ કર્યો હતો.સાક્ષીઓનાં જણાવ્યા પ્રમાણે તે અલગ અલગ વિગ ધારણ કરતી હતી અને ટુંક સમયમાં જ હોટલ બદલી નાંખતી હતી અને એક કરતા વધારે ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતી હતી.પોલીસ એ તારણ પણ પહોચી હતી કે આ રહસ્યમય મહિલા જાસુસી સાથે સંકળાયેલી હતી.નોર્વેના ઇતિહાસમાં સૌથી જોરદાર તપાસ અભિયાન આ મહિલા કોણ હતી તે જાણવા ચલાવાયુ હતું.પણ એક દેશની તમામ એજન્સીઓ પણ આ મહિલા કોણ હતી તેનો પત્તો મેળવી શકી ન હતી.આ પ્રકારનો જ અન્ય એક કેસ ૧૯૪૮માં મળી આવ્યો હતો જેને તમાન સુડ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં પણ એક વ્યક્તિનાં લેબલ વિનાના કપડા, રેલ્વે સ્ટેશન પર છોડી દેવાયેલ બેગ અને સાંકેતિક ભાષામાં લખાયેલી ડાયરી મળી હતી અને આ કેસ પણ વણઉકલ્યો જ રહ્યો હતો.
વર્ષ ૨૦૦૩માં ચિલીનાં એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક ચર્ચ પાસેથી રહસ્યમય કંકાલ મળી આવ્યું હતું.જે માત્ર છ ઇંચનું હતું.તેનો દેખાવ વિચિત્ર હતો અને તે કોઇ એલિયનનો હોવાનું લાગતું હતું.જો કે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે કોઇ છોકરાનો કંકાલ હતો જે દાયકાઓ અગાઉ મોતને ભેટ્યો હતો.તેના વિશે કહેવાયું હતું કે તે છ વર્ષનો હતો.સંશોધકોનાં મતે તે પ્રોગેરિયાનો ભોગ બન્યો હશે.જેના કારણે ગર્ભમાં જ તેની વયમાં વધારો થયો હશે.જો કે આ કંકાલનો ભેદ આજે પણ ઉકેલાયો નથી.
જ્યારે અમેરિકામાં સિવિલ વોર ચાલતું હતું ત્યારે ઘણાં નાગરિકો યુદ્ધ સ્થળેથી દુર પશ્ચિમ તરફ કુચ કરી ગયા હતા અને શહેરોનો નાશ કર્યો હતો પણ જો તેઓ કેન્સાસ તરફથી ગયા હોય અને ત્યાં તેમણે બેન્ડર્સ દ્વારા ચલાવાતા મોટેલમાં ઉતારો કર્યો હોય તો તેમાંથી ઘણાનાં મોત તે પરિવારનાં હાથે થયા હતા કહેવાય છેકે આ બેન્ડર્સ ૧૮૭૦માં ત્યાં સ્થાયિ થયા હતા તેમનાં પરિવારમાં ચાર વ્યક્તિઓ હતી જેમાં જહોન બેન્ડર સિનિયર, મા બેન્ડર, જહોન જુનિયર અને કેટ કરીને પુત્રી હતી. આ લોકોનાં સાચા નામ શું હતાં અને તેમની વચ્ચે કયો સંબંધ હતો તે એક રહસ્ય છે.
મોટાભાગનાં લોકો પોતાની સાથે પોતાની તમામ માલમત્તા લઇને નિકળતા હતા અને આ જોઇને જ બેન્ડર્સ ફેમિલીનાં મનમાં તેમને લુંટી લેવાનાં ખ્યાલ આવ્યો હતો.આ માટે તેમણે ખુની સકંજો ગોઠવ્યો હતો અને લુંટવાનું અને તેમને મોતને ઘાટ ઉતારવાનું ચાલુ કર્યુ હતું જેના કારણે આ વિસ્તારમાં મૃતદેહો ભારે પ્રમાણમાં મળતા થયા હતા. જો કે ત્યારે તો સ્થાનિક આદિવાસી સમુદાય પર શંકાની સોય તકાઇ હતી.પણ એક ્વ્યક્તિ અને તેના બાળકનું મોત થયા બાદ આ મોત માટે બેન્ડર્સ ફેમિલી શંકાની પરિઘમાં આવ્યું હતું.પણ કશું બને તે પહેલા તો આ પરિવાર ગાયબ થઇ ગયો અને ત્યારબાદ તેમનાં રૂમની તલાશ કરતા જે મળ્યું હતું તે ચોંકાવનારૂ હતું કારણકે ત્યાં અનેક મૃતદેહ દટાયેલા મળી આવ્યા હતા.આથી લોકોએ ગુસ્સામાં આવીને આ આખા મકાનને તોડી ફોડી નાંખ્યું હતું.ત્યારે તેમના પર તે સમયે અધધ કહેવાતું ત્રણ હજાર ડોલરનું ઇનામ જાહેર કરાયુ હતું.પણ આ પરિવારનું કોઇપણ સભ્ય ક્યારેય દેખાયું ન હતું.તેમના વિશે અનેક લોકવાયકાઓ ચાલી હતી જે અનુસાર તેઓ ઝડપાઇ ગયા હતા કે તેમને આત્મહત્યા કરી હતી.કેટલાક કહેતા હતાં કે તેઓ અલગ અલગ નામે પકડાયા હતા તો કેટલાકનાં મતે તેઓ ભાગી છુટવામાં સફળ રહ્યાં હતા.જો કે ખરેખર શું બન્યું હતું તે આજદિન સુધી જાણવા મળ્યું નથી.
૧૮૨૦નાં પાછલા સમયગાળામાં સ્કોટલેન્ડનાં એડિનબર્ગમાં વિલિયમ હેર અને વિલિયમ બર્ક વચ્ચે મૈત્રી થઇ હતી.તેમણે એડિનબર્ગ યુનિવર્સિટીને મૃતદેહ વેચવાનો ધંધો ચાલુ કર્યો હતો અને એ માટે તેઓ પોતાના ભાડુઆતને મોતને ઘાટ ઉતારતા હતા.એક અંદાજ પ્રમાણે તેમણે સોળ જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા પણ હેરનાં બોર્ડિંગ હાઉસમાં તેના ભાડુઆતનું મોત થતા વાત પોલીસ સુધી પહોંચી હતી જો કે પોલીસ ત્યાં પહોંચે ત્યાં સુધી તો તેમણે મૃતદેહને સગેવગે કરી દીધો હતો પણ ત્યાં જ તેમના આ ગુનાહિત કૃત્યોની ઘટમાળનો અંત આવ્યો હતો.હેરે પોતાનો ધંધો છોડી દીધો હતો અને બુર્કને મોતની સજા થઇ હતી. જો કે ત્યારબાદ હેર ક્યારેય જોવા મળ્યો ન હતો.પણ એડિનબર્ગની એક ગુફામાં એક છોકરાને નાની ઢીંગલીઓનું કલેકશન મળી આવ્યું હતું જેની સંખ્યા સત્તર હતી જેનો આકાર આંગળી જેટલો હતો અને તે ઢીંગલીઓ સાથે કોફિન પણ હતા. ત્યારે આ ઢીંગલીઓનો સંબંધ બુર્ક અને હેર સાથે સાંકળવામાં આવ્યો હતો આ ઢીંગલીઓ કોણે બનાવી હતી અને તેનો શો અર્થ હતો તે આજે પણ રહસ્ય છે આ સત્તરમાંથી આઠ ઢીંગલીઓ આજે પણ એડિનબર્ગનાં નેશનલ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુકાયેલી છે.
૧૯૭૬ અને ૧૯૭૭નાં ગાળામાં મિશિગનનાં ઓકલેન્ડ શહેરમાં ચાર બાળકોનું અપહરણ કરાયું હતું અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જેમાં બે છોકરા અને બે છોકરીઓ હતી.માર્ક સ્ટેબિન્સની વય બાર વર્ષની,જિલ રોબિન્સનની બાર વર્ષની, ક્રિસ્ટીન મિલિચની દસ અને ટીમોથી કિંગની અગિયાર વર્ષની હતી.માર્કને ગળે ટુંપો અપાયો હતો અને તેના બળાત્કાર કરાયો હતો.જિલનાં ચહેરા પર ગોળી મરાઇ હતી ક્રિસ્ટીનનું પણ ગળુ દાબવામાં આવ્યું હતું.જ્યારે ટીમોથીને પણ માર્કની જેમ મોતને ઘાટ ઉતારાયો હતો.તમામ બાળકોનું અપહરણ કરાયું હતું અને તેમને મોતને ઘાટ ઉતારતા પહેલા થોડા દિવસ બંધક રાખવામાં આવ્યા હતા.આ હત્યાકાંડે ત્યારે શહેરમાં હાહાકાર મચાવી દીધો હતો અને ત્યારે માતાપિતા બાળકોને એક સેકન્ડ પણ સુના રાખતા ન હતા.આ મામલે કેટલાક લોકોને પકડવામાં આવ્યા હતા પણ હત્યારો ક્યારેય ઝડપાયો ન હતો.
જો કે ૧૯૭૮માં આ પ્રકારની ઘટનાઓ બનવાની બંધ થઇ હતી.પણ આ કેસનું એક પાસુ ત્યારે ખુલ્યુ હતું જ્યારે ટીમોથીની માતાએ જણાવ્યું હતું કે તેણે અપહરણકારને કહ્યું હતું કે તે તેના છોકરાને છોડી દે જેથી તે તેનું ફેવરિટ કેન્ટકી ફ્રાઇડ ચિકન આરોગી શકે જ્યારે આ બાળકનો મૃતદેહ મળી આવ્યો અને તેનું પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે જણાયું હતું કે અપહરણકારે તે બાળકને ફ્રાઇડ ચિકન ખવડાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો હતો.
જર્મનીનાં ઇતિહાસમાં હિન્ટરકેઇફ હત્યાકાંડને સૌથી રહસ્યાત્મક માનવામાં આવે છે મ્યુનિક પોલીસ વિભાગે આ હત્યાકાંડ અંગે દાયકાઓ સુધી તપાસ કરી હતી પણ તેનો ક્યારેય ઉકેલ લાવી શક્યા ન હતા.આ હત્યાકાંડ ગ્રુબર પરિવાર સાથે સંકળાયેલ હતો જેમાં એન્ડ્રીયાઝ, તેની પત્ની કેઝિલા, તેની વિધવા પુત્રી વિકટોરિયા અને તેના પુત્રો નાની કેઝિલા અને જોસેફ તથા તેમની નોકરાણી મારિયા બ્રુૂમગાર્ટનર જે મ્યુનિકથી ચાલીસ માઇલ દુર હિન્ટરકેફનામનાં ફાર્મહાઉસમાં રહેતા હતા.૧૯૨૨નાં માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં કેટલીક રહસ્યમય પ્રવૃત્તિઓની પાડોશીઓને શંકા આવી હતી જેમાં જંગલ તરફથી કેટલાક લોકો આવ્યાનાં પગના ચિહ્નો જોવા મળ્યા હતા પણ પાછા ફરવાનાં કોઇ નિશાન એન્ડ્રીયાઝે જણાવ્યું હતું કે તેણે કોઇનાં ચાલવાનો અવાજ સાંભળ્યો હતો અને કેટલાક વિચિત્ર ન્યુઝપેપર તેને મળ્યા હતા.કેટલીક ચાવીઓ ગુમ થઇ ગઇ હતી.ત્યારબાદ એકત્રીસમી માર્ચે આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.લોકોએ તેમના ઘરની ચિમનીમાંથી ધુમાડો નિકળતો જોયો હતો અને પશુઓને પણ દાણ અપાતું હતું.પણ આ હત્યા આજે પણ રહસ્યનાં ગર્ભમાં સત્ય છુપાવીને બેઠી છે.