Nitu - 64 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 64

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 64

નિતુ : ૬૪(નવીન)


નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછો થયો હતો. વિદ્યા તેને કેમેરાથી જોઈ શકતી હતી પરંતુ સાંભળી શકતી નહોતી. તેનાં પર નજર રખનાર એકમાત્ર માણસ નવીન તેનાં પક્ષે આવ્યો એની તેને ખુશી હતી.

લંચનો સમય થઈ ગયો હતો અને રોજની માફક સમગ્ર સ્ટાફ કેન્ટીનમાં લંચ માટે પહોંચી રહ્યો હતો. ટેબલ પર બેસતાં અશોકભાઈએ ભાર્ગવને પૂછ્યું, "અરે! આ નવીન હજુ સુધી નથી આવ્યો?"

"એ તો આવી ગયો. ત્યાં જૂઓ..." તેણે નિતુનાં ટેબલ તરફ જઈ રહેલાં નવીન તરફ ઈશારો કરતાં કહ્યું.

"એ બાજુ ક્યાં જાય છે?" કરુણાએ પૂછ્યું.

ભાર્ગવે જવાબ આપતા કહ્યું, "નિતુ પાસે."

"નિતુ પાસે?" આશ્વર્ય સહ અશોકે પૂછ્યું.

"હા, કહેતો હતો કે કંઈક વાત કરવા માટે જવું છે."

"લાગે છે લંચ પણ ત્યાં જ કરશે." હસતાં અશોક બોલ્યો. કરુણા ઝીણવટ પૂર્વક આખી ઘટનાનું અવલોકન કરી રહી હતી, જાણે તેના મનમાં કોઈ સવાલ જન્મી રહ્યા હોય.

નિતુ રોજે અનુરાધા અને સ્વાતિની સાથે લંચ માટે બેસતી. જસ્સી તેની પાસે લંચ લઈને આવી. ડીસ નિતુ સામે મૂકી કે નિતુએ હસીને "થેન્ક યુ જસ્સી!" કહ્યું.

તેને મનોમન ખુશ જોઈને અનુરાધા પૂછવા લાગી, "શું વાત છે નીતિકા? આજે ખુશ દેખાઈ રહી છેને કંઈ!"

"અરે ના, બસ એમ જ."

"જો તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું અહીં બેસી શકું?" નવીને ત્યાં આવીને પૂછ્યું.

"ઓહો નવીન... બેસને." નિતુએ તેને આવકારતાં કહ્યું અને પછી જસ્સીને કહ્યું, "જસ્સી, નવીનની ડીસ પણ અહીં જ લઈ આવજે."

"જી!" કહી તે નવીન માટે ડીસ લેવા જતી રહી.

"સો નવીન, કેવું લાગે છે?" નવીન બેઠો કે અનુરાધાએ પૂછ્યું.

આશ્વર્યથી તેણે જાણે ના સમજાયું હોય એમ પૂછ્યું, "કેમ?"

અનુરાધા બોલી, "સવાર સવારમાં મેડમે સ્વાગત કર્યું એના પછી હવે તને કેવું લાગે છે?" અને તે ત્રણેય મંદ મંદ હસવા લાગી.

"સાચું કહું તો મારો તો શ્વાસ અધ્ધર થઈ ગયેલો. મને આવું એક્સપેક્ટ જ નહોતું કે મેડમનો સવાર સવારમાં મારી સાથે આ રીતે સામનો થશે."

તેઓને માટે આ એક હસીનો વિષય બની ગયો. નવીને આગળ ઉમેર્યું, "થેન્ક ગોડ કે નિતુ ત્યાં આવી."

હસતાં હસતાં તેઓ થોડા સિરિયસ થઈ ગયા, અનુરાધાએ ઉદ્ગારયું, "જી!?"

નવીન પોતાનું વાક્ય સુધારતા ફરી બોલ્યો, "આઈ મીન, નીતિકા મેમ જો સમયસર ના આવ્યા હોત તો ખબર નહિ મેડમ કેટલો સમય મારી ધૂળ કાઢેત."

"બાય દી વે મિસ્ટર નવીન, આજે અચાનક અમારી સાથે લંચ લેવાનું મન કેમ થયું?" સ્વાતિએ પૂછ્યું.

"બસ એમ જ. મારે મેડમનું થોડું કામ હતું એટલે થયું કે લંચ સાથે વાત પણ થઈ જશે."

અનુરાધાએ પૂછ્યું, "આઈ થિન્ક કે તમે બન્ને એક જ કેબિનમાં કામ કરો છોને?"

"જી..."

"ઓલ રાઈટ, તો એવું તે શું કામ હતું કે આખો દિવસ કેબિનમાં સાથે હોવા છતાં અહીં આવવું પડ્યું ?" અનુરાધાએ પૂછ્યું.

"તમે લોકો શાંતિથી લંચ કરશો." તેઓની વાતને અટકાવતા નિતુ બોલી. એટલામાં જસ્સી આવી અને નવીન માટે લંચની ડીસ રાખીને બોલી, "બીજું કંઈ લાવું સર?"

"ના."

"ઠીક છે." કહેતી તે ચાલી ગઈ.

અનુરાધાએ ફરી કહ્યું, "ભૈ આમેય રોજે અમે ત્રણ જાણી જ બેઠી હોઈ, એક ખુરશી ખાલી જ રહે છે. તું ઈચ્છે તો કાલે પણ આવીને બેસજે. અમને શું વાંધો? મેં તો એટલા માટે કહ્યું હતું કે ત્યાં અશોકભાઈનું એક લંચ પાર્ટનર ઓછું થઈ જશે."

કરુણા સામેનાં ટેબલ પર બેસીને તેઓની આ હસી મજાકને જોઈ રહી હતી. નિતુને સમજ હતી કે કોઈ કામથી નહિ, પણ માત્ર તેની સાથે બેસીને જમવા માટે જ તે ત્યાં આવ્યો છે. તેણે એક નજર કરુણા તરફ કરી તો તેનું ધ્યાન તેનાં તરફ જ હતું. નેણ ઊંચકાવી તેણે ઈશારાથી પૂછ્યું, "શું થયું?"

સામે બેઠેલી કરુણાએ નકારમાં માથું ધુણાવતા જવાબ આપ્યો અને જમવામાં લાગી ગઈ.

સાંજે ફરી બંને સહેલી એ જ ગાર્ડનમાં ભેગી થઈ. આજ કાલ આ રોજનું બની ગયું હતું. આજુ બાજુની સોસાયટીમાં રહેતી બંને સહેલી ઘર જતી વેળાએ રસ્તામાં આવતાં આ ગાર્ડનમાં ભેગી થતી અને પછી ઘરે જતી. તેની પાસે આ એકમાત્ર જગ્યા હતી કે જ્યાં બંને ખુલ્લીને વાતો કરી શકે.

વોલ્ક પાથ પર ચાલતા ચાલતા કરુણાએ નિતુને ચેતવતાં કહ્યું, "તને ખ્યાલ છેને કે નવીન તારી નજીક આવવાનાં પ્રયત્નો કરી રહ્યો છે."

તે બોલી. "રિલેક્સ કરુણા, હું બધું જાણું છું. મને તેમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. છતાં એક વાત છે, ભલે તે ગમે તેમ વિચારે. પણ મારાં વિશે તેનાં મનમાં કોઈ આગળનાં વિચાર નથી એ હું જાણું છું. એક નજીવી લાગણીને લઈને તમે બધાં અમારા વિશે કોણ જાણે શુંનું શું વિચારો છો! તેને મારા પ્રત્યે થોડું આકર્ષણ છે બસ, થોડાં દિવસ હું એના પર ધ્યાન નહિ આપું એટલે એ બધું ભૂલી જશે."

તેની વાત સાંભળતા કરુણા થંભી અને નિતુ તેના માટે થંભી. તે કહેવા લાગી, " હોપ સો નિતુ! તેની સૌથી નજીક તું જ હોય છે. એટલે તને વધારે ખ્યાલ હશે. બાકી નવીન એટલો ખરાબ પણ નથી. તું વિચાર કરી શકે છે."

નિતુએ તેના તરફ જોયું તો કરુણા હસી રહી હતી, તેના બાવડાં પર ચીટકો ભરતા તે બોલી, "નવીનને લઈને તું બહુ મજાક કરવા લાગી છે હા!..." અને બંને હસી પડી.

"તો સાચું તો કહ્યું. એમાં શું ખોટું છે? લગ્નની અને પ્રેમ કરવાની પણ એક ઉંમર હોય છે. એમને એમ ઘરડી થઈ જઈશ. પચ્ચીસી તો વટાવી ગઈ છે. થોડાં દિવસો પછી છવ્વીસની એજે પહોંચી જઈશ."

"અચ્છા... તો શું તું એમ ઈચ્છે છે કે નવીન પ્રપોઝ કરે તો હું એને હા કહી દઉં? ના રે ના... હું એવું વિચારી પણ ના શકું. મયંકનું સ્થાન કોઈ બીજું લે... એ મેં હજુ નથી વિચાર્યું. વાત રહી પ્રેમની, તો એની કોઈ ઉંમર થોડીને હોય છે."

"ભલે, હું તને આમ કરી જ લે એવી સલાહ નહિ આપું. તારે જે કરવું હોય તે કર. પણ એક વાત છે."

"શું?"

"વિદ્યા કરતાં તો નવીન સારો જ છે."

"તું મજાક બંધ નહિ કરે ને!" કહેતી નિતુ તેને ટાપસી મારવા ગઈ કે તુરંત પ્રતિક્રિયા આપતા કરુણાએ પોતાનો બચાવ કર્યો અને તેને ખીજવતી તે આગળ દોડવા લાગી. તે તેને પકડવા તેની પાછળ દોડી અને ગાર્ડનની બહાર નીકળતાં બંને કોઈ નાના બાળકોની જેમ વર્તી રહી હતી.

તેને આ રીતે મશકરી કરતાં જોઈ રહેલી, ગાર્ડનની એક બેન્ચ પર છુપાઈને બેઠેલી વિદ્યા પળવાર માટે ખુશ થઈ ગઈ. એ ખુશી જે એને કદાચ નિતુને ખુશ જોઈને મળતી હતી. તેણે પણ તે બનેંની માફક આ નિત્ય ક્રમ બનાવી નાખ્યો હતો. બંને સહેલી અહીં મળવા આવતી અને વિદ્યા તેને જોવા. આ પ્રેમ એટલે શું ગજબની વસ્તુ બનાવી છે આ કુદરતે! એ જાણવા છતાં કે પોતાનો પ્રેમ પોતાનાથી અલગ થઈ રહ્યો છે તેને ખુશ જોઈને આંખોમાં આંસુ અને અંતરમાં ખુશીની લહેર આવી જાય છે. આ બનેં ભાવનું ઐક્ય જ પ્રેમની ખરી તાકાત છે. નહિ તો દુનિયામાં દુઃખની અને હર્ષની લાગણી એકસાથે આપી શકે એવી કોઈ અન્ય તાકાત ક્યાં છે!

નિતુ પોતાનાથી દૂર જઈ રહી છે એ વિચારે વિદ્યાને ઊંડે સુધી હચમચાવી દીધી હતી. તેઓના ગયા પછી તે પણ આંસુ લૂછતી ચહેરા પરથી સ્કાર્ફ હટાવી ચાલતી થઈ. વિદ્યાને એટલો આત્મવિશ્વાસ હતો, કે નિતુ નવીનનો ક્યારેય સ્વીકાર નહિ કરે અને એ પણ માનતી હતી કે નવીન ગમે તેટલા ધમ-પછાડા કરે, તેના મનમાં નવીન કોઈ દિવસ નથી સમાવાનો. વિદ્યાએ હાલ પૂરતું તેની સાથે કોઈપણ પ્રકારની વાત કરવાનું ટાળ્યું. તેઓનો ક્રમ દરરોજ ચાલતો રહ્યો. બનેં ગાર્ડનમાં આવતી અને વિદ્યા છુપાઈને તેને નિહાળ્યા કરતી. તો સામે નવીન પોતાની લાગણીઓથી અજાણ હતો પણ બદલાતી મનોદશા અંગે તેણે મંથન શરુ કરી દીધું હતું. વિદ્યા અને નિતુ વચ્ચે શું ચાલી રહ્યું છે એનાથી તદ્દન અવજ્ઞ નવીન નિતુનાં જીવનમાં પ્રવેશવાની તૈય્યારી કરી રહ્યો હતો.