Nitu - 63 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 63

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નિતુ - પ્રકરણ 63


નિતુ : ૬૩ (આડંબર)


નિતુની  નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો સતત તરવરતી હતી અને તેના ડ્રાઈવરનાં શબ્દો તેનાં કાનમાં ગુંજી રહ્યા હતા. તેણે નવીનને પૂછ્યું, "એક વાત ક્હે, કાલે મારા ગયા પછી મેડમ આવેલાં?"

"હા...એ...  આવ્યા તો હતા પણ..."

"પણ શું?"

"એ કશું બોલ્યા વિના જતાં રહેલા." જાણી જોઈને તે જુઠ્ઠું બોલ્યો. નિતુને મન વિચાર આવ્યો, "આ કેવી રીતે શક્ય છે? જસ્સીએ તો કહ્યું હતું કે નવીન વિદ્યાનો માણસ છે. તો તે કશું બોલે નહિ... અને અચાનક એણે નવીન પર આટલો ગુસ્સો કર્યો. શું કારણ રહ્યું હશે? નવીન ખોટી વાત તો નથી કરી રહ્યોને... કે પછી નવીન અને મેડમ બન્ને ભેગા મળીને કોઈ નાટક કરી રહ્યા છે!"

"કશું કહ્યા વિના ચાલ્યા ગયા! તો પછી આવ્યા 'તા શું કામ?"

"મને ગઈ કાલથી જ એનું બિહેવિયર બદલાયેલું લાગે છે. તમે એ નોટિસ કર્યું? છેલ્લા થોડાં સમયથી એ એકદમ પ્રેમાળ બની ગયા હતા. કોઈને તેની ભૂલ છતાં ટપારતા નહોતા અને બે દિવસથી સતત કોઈને કોઈ  વાતે ગુસ્સો કરી લે છે. એટલે જ મેં તેનું કામ બંધ કરી દીધું."

નવીનથી મનમાં રહેલા શબ્દો અનાયાસે બોલી જવાયા અને તે ચમકી, "કેવું કામ?"

નવીન હડબડી ઉઠ્યો, "એ તો... આ... આપણું પ્રોજેક્ટનું."

"કોઈ વાત જો તમારે મને કરવી હોય તો કરી શકો છો. છુપાવવાની જરૂર નથી."

"ના, હું શું કામ કંઈ છુપાવું?"

"જો નવીન, હું પણ હાલ ઘણીબધી મુસીબતોનો સામનો કરી રહી છું. તારી પાસે કોઈ એવી વાત હોય જેનાથી મને હેલ્પ થાય તો પ્લીઝ કહી દે."

"એવું કશું છે નહિ. તમારી હેલ્પ થઈ શકે એવું કંઈ હોત તો હું જરૂર તમારી હેલ્પ કરેત."

"નવીન હું જાણું છું કે તું એક સારો વ્યક્તિ છે. પણ મેડમે તો તને કંઈ નથી કહ્યુંને?"

"એ મને શું કહેવાના?"

"એવી કોઈ વાત જે એણે માત્ર તને કરી હોય... કે... તું સમજે છેને?"

"એ તો ભૂલથી મારે કહેવાય ગયું. તમે ખોટો શક કરો છો."

નવીન એટલો આસાનીથી માને એમ નહોતો અને નિતુ એનાથી સુપેરે અવગત હતી. નવીનનાં મનમાં એના માટે લાગણીઓ જન્મે છે એનો ખ્યાલ તેને આવી ગયો એ નવીન નહોતો જાણી શક્યો. અહિં તેને એક એવો મોકો મળ્યો હતો જેને તે ગુમાવવા નહોતી માંગતી. અંતે તેણે તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું, "હા... આજકાલના કામથી હું એટલી થાકી જાઉં છું કે શું બોલું છું એનું જ ભાન નથી રહેતું. તમારી વાત સાચી છે, હું અમસ્તા જ તમારા પર શક કરવા લાગી. વળી તમે શું છુપાવવાના! તમે તો દરેક વખતે મને સાથ જ આપ્યો છેને. તમારી જેવા માણસ પર મારે શક કરવો જ નહોતો જોઈતો."

તેનાં શબ્દો નવીનને અસ્વસ્થ કરી રહ્યા હતા. તેણે નવીનના હાવભાવમાં કોઈ ફેર બદલ થાય છે કે નહિ એ ચકાસતા આગળ કહ્યું, "તમે તો નાનામાં નાની વાત મારી સાથે શેયર કરી દ્યો છો, આ ઓફિસનું પણ એટલું ધ્યાન રાખો છો. ઈનફેક્ટ મને તો એવું લાગે છે કે તમારાથી વધારે ડ્યુટીફુલ અને લોયલ માણસ આ ઓફિસમાં કોઈ હોઈ જ ના શકે."

પોતાના જૂઠ્ઠા વખાણ તે સહન નહોતો કરી શકતો. ઉપરથી તેના પર વધારે ભાર મૂકવા નિતુએ તેના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને આગળ કહ્યું, "થેન્કયુ સો મચ નવીન, કે તું આખી ઓફિસમાં મને સપોર્ટ કરે છે. હું આ વાત ક્યારેય નહિ ભૂલું."

તેનાં પર ચલાવેલું નિતુનું ઈમોશનલ તીર અંતે નિશાન પર લાગી ગયું. તેનાં વહેણમાં વહેતો નવીને હિમ્મત કરી કહ્યું, "મેડમ..."

"હા..."

"મેડમ હું તમારી સાથે એક વાત કરવા માંગુ છું...  જો તમે ગુસ્સે ના થાવ તો..."

"હોતું હશે! હું તમારી કોઈ વાતથી શું કામ ગુસ્સે થાવ?"

"મારે ઘણા સમયથી તમને એક વાત કરવી હતી પણ કઈ રીતે કરવી એ સમજાતું નહોતું."

"એમાં શું? તમારે કોઈ જાતનો ડર રાખ્યા વગર મારી સાથે જે વાત કરવી હોઈ એ કરી શકો છો."

"તમને યાદ છે એકવાર મેડમ આપણી કેબિનમાં આવેલા અને તમારી સાથે વાત કરવા માટે એણે મને બહાર મોકલી દીધો હતો."

"હા... એ મને યાદ છે."

"તે દિવસ સાંજે મને મેડમે એની કેબિનમાં બોલાવેલો અને એક કામ સોંપેલું."

"કેવું કામ?"

"મેડમ જો તમે ગુસ્સો ના કરતાં અને મને માફ કરી દેજો, પણ મને એનું કામ કરવું નહોતું ગમતું. હું મારા ઈન્ક્રીમેન્ટની લાલચમાં એનું કામ કરતો હતો. પણ તમારી સાથે કામ કરતા કરતા મને સમજાયું કે હું આડકતરી રીતે તમને નુકસાન પહોંચાડી મારું ઈન્ક્રીમેન્ટ કરવા જઈ રહ્યો હતો, જે સદંતર ખોટું છે." નવીનનાં ચહેરા પર પસ્તાવો ભારોભાર દેખાતો હતો.

"મિસ્ટર નવીન!..." ક્ષણિકના અંતરાળ બાદ તે બોલી, "તમે ગોળ ગોળ વાતો ના કરો, તમે કહેવા શું માંગો છો એ સ્પષ્ટ કરશો?"

"મેડમ, એક્ચ્યુલી, હું... એટલે, મને મેડમે એક કામ સોંપેલું. શું કામ? એ હું નથી જાણતો. તમારી અને મેડમ વચ્ચે શું ચાલી રહ્યું છે એની મને ખબર નથી. પણ તે દિવસે મેડમે... મેડમે મને..." તે અટક્યો.

જિજ્ઞાસાથી તેણે પૂછ્યું, "તમને શું...?"

"મેડમે મને તમારા પર અને કરુણા પર નજર રખવાનું કહ્યું હતું."

"નજર રખવાનું?" અજાણ બનતા તેણે પૂછ્યું.

"હમ..."

"શું કામ?"

"એ હું નથી જાણતો."

"કંઈક તો કહ્યું હશેને?"

"ના, મેડમે મને એટલું કહ્યું હતું કે, જયારે જયારે તમે બનેં ફોન પર વાત કરો કે મળો ત્યારે હું એને ઇન્ફોર્મ કરું અને તમારી બંને વચ્ચે શું વાત થાય છે? જો એ જાણી શકું તો એ પણ એને જણાવી દઉં."

હકીકતની તો એ પહેલેથી માહિતગાર હતી. છતાં નવીનના મોઢેથી તમામ વાતો બહાર નીકળી જાય એ માટે તે ઈમોશનલ તીર ચલાવ્યે જતી હતી. આંખોમાં થોડાં આંસુ ભરી તેણે બીજું તીર છોડ્યું, "ઓહ ગોડ નવીન. હું તો તમને સારા સમજતી હતી અને તમે અમારા પર નજર રાખી રહ્યા હતા."

"જુઓ મેડમ મારો આવો ઈરાદો ક્યારેય નથી રહ્યો." તેને શાંત કરતાં તે બોલ્યો.

"એકવાર માટે હું તમારા પર વિશ્વાસ કરી શકું. પરંતુ આવું કરવાની ફરજ શું કામ પડી? અમારા પર નજર શું કામ રાખતા હતા તમે? તે તો મારી સારી એવી ફ્રેન્ડ છે. અમે મળીયે એ મેડમને પસંદ નહોતું?"

"નીતિકા મેડમ, હું એકદમ સાચું બોલી રહ્યો છું. આવું કરવા પાછળ મેડમની શી મંશા હતી એ હું નથી જાણતો! મને બસ જેટલું કહેવામાં આવ્યું એટલું મેં કર્યું. પણ મારો વિશ્વાસ કરો કે આવું બધું કરવામાં મને કોઈ રસ નહોતો. છેલ્લા થોડા સમયથી તો મેં મેડમ સાથે તમારી વિષે વાત કરવાનું જ બંધ કરી દીધું છે. મને લાગે છે કે એટલે જ મેડમ આજે અચાનક મારા પર બરાડી ઉઠ્યા."

"નવીન, શું મેં કોઈ એવું કામ કર્યું છે જે તમને કે મેડમને નથી ગમતું?"

"ના... ના... કેવી વાત કરો છો?"

"મેં હરેક સમયે તમને બચાવ્યા છેને! મેડમે અનેકવાર તમને ખરી ખોટી સંભળાવી છે પણ મેં તમને કોઈ દિવસ કશું નથી કહ્યું. શું મારી આ સારીપાઈનો તમે હજુ મને આવો બદલો આપશો?"

"મેડમ પ્લીઝ, તમે મારી સાથે આ રીતે વાત ના કરો."

"હું તમને મારા આસિસ્ટન્ટ તરીકે નહિ પણ એક સારા ફ્રેન્ડ તરીકે માનતી હતી. પણ આજે તમે કંઈ કહેવા જેવું જ નથી રાખ્યું."

"જો મારા મનમાં હજુ ખોટ હોત તો હું તમને આ બધી વાત જ ના કરેત. મારો વિશ્વાસ કરો, આજ પછી હું તમારી વાતો મેડમને નહિ કહું. ભલે મને ઈન્ક્રીમેન્ટ ના મળે. હું મારા સ્થાને બરાબર છું. પણ તમે મને એક ફ્રેન્ડ માનો છો એ મારા માટે એક મોટી વાત છે. હું મેડમના પક્ષે કામ નહિ કરું."

"તમે સાચું બોલી રહ્યા છોને?" કહી તેણે બે આંસુડાં સાર્યા કે નવીન એક કહ્યાગરાં બાળક માફક તેના તરફ ઝૂકી ગયો. ભાવુક થતાં તે બોલ્યો, "મેડમ પ્લીઝ તમે રડો નહિ. વાંક મારો છે હું મારી ભૂલ સ્વીકારું છું અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહિ કરું એ પણ પ્રોમિસ કરું છું. મારો વિશ્વાસ કરો. તમે... તમે રડો નહિ... તમે પાણી પીય લ્યો."

તે સહસા ઉભો થયો અને બાજુમાં પડેલી પાણીની બોટલ ઉપાડી. બોટલ ઊંચકાવી તેણે હલાવી, "અરે! આમાં તો પાણી જ નથી. તમે પ્લીઝ રડતા નહિ હું તમારા માટે પાણી લઈને આવું છું."

તે બહાર નીકળ્યો કે નિતુ ખુરશીને અઢેલી આરામથી બેસી ગઈ અને મનોમન હસવા લાગી. ફોન હાથમાં લીધો અને કરુણાને મેસેજ કર્યો, "બોલ નિશાન પર ગયો છે, નવીનની વિકેટ પડી ગઈ. તે હવે આપણી ટીમમાં છે."

નવીન એની ભોળપમાં નિતુ અને વિદ્યા વચ્ચેનાં આ દાવ-પેચને નહોતો સમજી શકતો. તેની ભોળપનો ફાયદો ઇન્ક્રીમેન્ટની લાલચ આપી પહેલા વિદ્યાએ ઉઠાવ્યો અને હવે નિતુએ શરૂઆત કરી. જોકે પોતાની કેબિનમાં બેઠેલી વિદ્યા ચાલી રહેલા આ આડંબરથી વાકેફ હતી અને તેના આ નાટકને પોતાનાં  લેપટોપની સ્ક્રીન પર જોઈ રહી હતી. એ સમજી ગઈ કે નવીન હવે એના કોઈ કામનો નથી. પણ એનાંથી વિશેષ કંઈક તેના મનમાં ચાલી રહ્યું હતું. કેબિનમાં સ્થિત સીસીટીવી તરફ નિતુએ નજર કરી જાણે જાણતી હતી કે વિદ્યા અત્યારે એને જ જોઈ રહી છે.

એ સમયે નિતુ અને વિદ્યા એકબીજીને અપ્રત્યક્ષ રૂપે નિહાળી રહ્યા હતા. વિદ્યાએ લેપટોપની સ્ક્રીન નીચે ઢાળી દીધી અને મનોમન કહેવા લાગી, "દાવ તો તમે બંને સહેલીએ સારો ખેલ્યો છે. નવીન મારે માટે કામ નહિ કરે એનો મને અફસોસ નથી. એ તો એક નાનકડું પ્યાદું હતું જેને તે તારી તરફેણમાં લીધું છે. પણ તું એ નથી જાણતી કે તે ફેંકલા બોલે વિકેટ નથી લીધી, એ નોબોલ હતો. તે ભોળા નવીનનાં મનમાં જન્મેલી તારા પ્રત્યેની લાગણીઓને છંછેડી છે. આ બોલ બાઉન્સ બેક થશે. મારી ઈચ્છા

તો એટલી જ હતી કે તું મારાથી અલગ ન થાય. પણ હવે નવીનની લાગણી સાથે રમીને તારા કુંડાળામાં તું જ ફસાઈ જઈશ નિતુ."