૪૦
અજિત દુર્ગનો અજિત સ્વામી!
મહારાજ કરણરાય તો બાગલાણ પહોંચી ગયા હતા.
બાગલાણના અજિત દુર્ગનો અજિત સ્વામી રાજા પ્રતાપચંદ્ર મહારાજ કરણરાયને બાગલાણમાં આવેલ જોઇને આનંદમાં આવી ગયો હતો. લડાઈ તો જિતાય, ને લડાઈ તો રાજા હારે, પણ રજપૂતી ટેકનો આ છેલ્લો આધાર પોતાના દુર્ગમાં હતો, એને એ કાંઈ જેવુંતેવું માન ન સમજતા. પોતાના દુર્ગ વિષેનું એનું અભિમાન એનું જ હતું. એ દુર્ગ કદી નમે નહિ. આ એની ભાવના હતી. એણે મહારાજને બાગલાણ દુર્ગની ખૂબીઓ બતાવી. ગમે તેટલા મીનજનિકો અને અગનગોળા લઈને તુરુક આંહીં આવે, પણ અંદર જો કોઈ ન ફૂટે, તો આ કિલ્લાને સાત વર્ષ સુધી પણ કોઈ જીતી શકે તેમ ન હતું. આંહીં બેસીને મહારાજ કરણરાય, ગુજરાતને એક કરવાનો પ્રયત્ન કરી શકે. બળવો દોરી શકે. નવસારિકા સુધી પોતે કોટ મૂકી શકે – વહેલું મોડું ભૃગુકચ્છ ને સ્તંભતીર્થ ઘેર આણી શકે. ગુજરાતમાં ડુંગરી દુર્ગ ન હતા, એટલે આવો અણનમ દુર્ગ જોતાં, રાજા કરણરાયને પણ નવાં નવાં સ્વપ્નાં આવવા માંડ્યાં.
પ્રતાપચંદ્ર ને રાજા કરણરાય એ દુર્ગ ઉપર બેસીને નમતી સંધ્યા વખતે, સુખદુઃખની અનેક વાતો, ગાઢ મિત્રોની માફક કરતા. લાગે કે રજપૂતી ટેકના આ છેલ્લા બે ખડકો આંહીં બેઠા છે. એ બંને નહિ હોય, પછી રજપૂતી કોને શોધવા એ વિચારમાં પડી જશે. પણ મહારાજના દિલમાં એક વસવસો હતો. હજી વાઘોજી વિકોજીના સમાચાર આવ્યા ન હતા. હજી સિંહભટ્ટ ક્યાંય દેખાયો ન હતો. હજી સોઢલજીનો પણ પત્તો ન હતો. પાટણના જુદ્ધના, તુરુકના, એણે મૂકેલા નાઝિમના, નાઝિમ સામે છૂટીછવાઈ બળવાની તૈયારીના, એ બધા સંચાર મહારાજને કોઈન ને કોઈ મારફત આંહીં મળતાં રહ્યા હતા. પણ મહારાણીબાના સમાચાર આવ્યા ન હતા. દેવળના સમાચાર આવ્યા ન હતા. સોઢલજીના કે સિંહભટ્ટના સમાચાર ન હતા. મહારાજનું મન એમનાં વિના કોઈ વાતમાં બેસતું ન હતું. હરપળે એમનાં આવવાની રાહ જોતા આંહીં બેઠા હતા.
બાગલાણના અજિત દુર્ગમાંથી તેમણે એક પ્રેરણા મેળવી. હવે તો ગમે તે થાય, એમણે મરતાં સુધી અણનમ રહેવાનું છે. બાગલાણની ઉત્તરમાં એરંડપલ્લીનો નર્મદા તાપીના જળ વહાવતો પ્રદેશ હતો. ત્યાંથી મોટી સેના લાગતાં, બંને નદીના જળ કિલ્લા સમા અઆડે ઊભાં હતાં. વળી એ બાજુથી આવવાના બે ઘાટ હતા, શૈલઘાટ અને રાહુદઘાટ. એ સિવાય કોઈ પ્રાણી પણ એ બાજુથી ફરકી ન શકે. જ્યારે પશ્ચિમ તરફ તો ગાઢ જંગલ હતાં. દંડકારણ્યની એ જંગલમાં તઃઈને સેન લઈને આવનારો કોઈક જ માઈનો પૂત નીકળે. જ્યારે કરણરાય માટે ગુજરાત સાથેના સંબંધનો એ એક મહાન ધોરી મારગ હતો. વિશ્વાસુ ભીલોનાં ટોળાં એ માર્ગને રક્ષે, એટલે એનો બાગલાણનો કિલ્લો. તુરુકના હલ્લા માટે ગમે તે પળે તૈયાર. ગુજરાત સાથેનો મહારાજનો સંબંધ દંડકારણ્ય દ્વારા સાચવી રખાય.
પણ તુરુક આંહીં આવવાનો પ્રયત્ન જરૂર કરવાનો, એ વાત કરણરાયના ધ્યાનમાં હતી. પોતા માટે રાજા પ્રતાપચંદ્ર મુશ્કેલીમાં મુકાઈ જાય એવી એની ઈચ્છા ન હતી. પણ મહારાણીબા નો પત્તો લાગ્યા વિના આંહીંથી ખસવું પણ મુશ્કેલ હતું. રાજા પ્રતાપચંદ્રે નવસારિકા તરફ વિશ્વાસુ ભીલો મોકલ્યા હતા. તેમણે આપેલા સમાચાર ભયાનક હતા. વાસુદેવપુરનો* ચૌલુક્ય ખીલજીના ઈલકાબના મોહમાં તણાતો હતો. એમ થાય તો બાગલાણનો નવસારિકા સાથેનો સંબંધ જોખમમાં મુકાઈ જાય.
*વાસુદેવપુર – વાંસદા પાસે એ વખતે વીરદેવ ચૌલુક્ય હતો. તેને અલાઉદ્દીન ખીલજીથી માન મળ્યાનો ઉલ્લેખ છે. જુઓ ચૌલુક્યચંદ્રિકા, પૃષ્ઠ ૧૪૩
પછી તો અજિત દુર્ગને આધારે જ એ ટકી શકે.
દુર્ગ અજિત હતો. આંહીં પ્રતાપચંદ્ર પાસે ચાર હજાર તીરંદાજો હતા. સો હાથી હતા. ભીલોનું અનિયમિત બળવાન સૈન્ય હતું. એની ડુંગરમાળાને રક્ષણ આપતાં ભયંકર જંગલો પડ્યાં હતાં. પણ દેવગિરિ ડગ્યા પછી એની એ તરફની એક દિશા ખુલ્લી થઇ ગઈ હતી. એટલે એણે પોતાની કિલ્લેબંધીને વધુ મજબૂત કરી મૂકી હતી. તેના દુર્ગને સાત સાત તો કિલ્લા હતા, અને નવસારિકાથી દેવગિરિ સુધીના સો કોશ માર્ગનો ખરી રીતે એ જ સ્વામી હતો. એ ધારે તો દેવગિરિ અને ગુજરાત બંનેને આ દુર્ગમાં બેઠાં હંફાવી શકે.
બાગલાણના આ અજિત દુર્ગના કિલ્લા ઉપર માત્ર પચીસ જ તીરંદાજો ઊભા હોય, પછી સામેનું આખું સેન, ચારસો ગજ નીચે તળેટીમાં ઊભેલું, એક કોડી કિંમતનું પણ ન રહે. દરવાજો તૂટે ને છેલ્લી ગઢી ઉપર પહોંચવું હોય, તોપણ સેંકડો પગથિયાંની હાર ઉપર માત્ર એક જ માણસ જઈ શકે તેવું હતું. અને એક છેલ્લે એ પહોંચે ત્યારે ઊભેલો માણસ, એને જરાક જ ધક્કો મારે અથવા તો એ જરાક જ ભૂલ કરે કે નીચે સેંકડો ગજની પાણીખીણમાં કોણ જાણે ક્યાંયે અદ્રશ્ય થઇ જાય. છેવટના દુર્ગમાં ખડકમાંથી કાપેલા અનેક ધાન્ય ભંડારના કોઠારો હતા. ત્યાં નિર્મળ પાણીનાં સરોવર હતાં. ત્યાં બેસીને કરણરાય દૂર દૂર સુધી ફેલાયેલાં દંડકારણ્યના જંગલોને ઘણી વખત જોઈ રહેતા.
દુર્ગને પહોંચવાના ઘાટ પણ એવા જ અટપટા અને અણનમ હતા. ઉત્તર તરફથી તો શૈલઘાટ ને રાહુદઘાટ સિવાય ગાડાં કે બળદ પણ આવે તેમ ન હતું. આ બે ઘાટ રક્ષે એટલે કિલ્લો એ તરફથી અજિત. રાજાને ખાતરી થઇ ગઈ કે આંહીં બેઠાં ગુજરાતમાં એક મહાન બળવો ઊભો થઇ જશે. આ શક્યતા હતી.
એ સોઢલજીના આવવાની રાહ જોતો ત્યાં બેઠો રહ્યો.
દિવસો જતા ગયા. સિંહભટ્ટ, વાઘોજી, વિકોજી, કોઈ હજી દેખાયા નહિ. સોઢલજીનો પત્તો મળ્યો નહિ. પણ રાજા પ્રતાપચંદ્રે કરણરાયની મહેમાની કરવામાં હદ કરી નાખી. જે એનું સ્વપ્ન હતું. તે કરણરાયનું સ્વપ્ન હતું. એટલે એણે તમામ અણનમ દુર્ગોમાં કરણરાયને ફેરવ્યા. જંગલો બતાવ્યાં. પોતાના દુર્ગની ખાનગીમાં ખાનગી બાતમી આપી. એક ઠેકાણે ખડકમાં એવો મારગ કોતર્યો હતો કે તેમાં પેઠેલો માણસ બહાર નીકળી જાય, તોપણ ઘેરો ઘાલેલું લશ્કર તેના વિષે કાંઈ જ જાણી શકે નહિ! અને એ નિરાંતે છટકી જઈ શકે. બાગલાણના અજિત દુર્ગમાં કરણરાય આવ્યો છે એ ખબર રામચંદ્રને પડી હતી. પણ રામચંદ્ર હજી દિલ્હીથી ધ્રૂજતો હતો.
પણ એનો યુવરાજ શંકરદેવ, જુદી માટીમાંથી ઘડાયો હતો. તે વેર લેવા થનગની રહ્યો હતો. પ્રતાપચંદ્રે જ એને પ્રેરણા આપી હતી.
રાજા પ્રતાપચંદ્રને પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવાની, શંકરદેવમાં શક્યતા લાગી. શંકરદેવ ને કરણરાય બે મળે, અજિત બાગલાણનો દુર્ગ ઊભો હોય, તો દિલ્હીના સુરત્રાણને હમ્ફાવવાનો એ માર્ગ હતો. દિલ્હીનો સુરત્રાણ અજિત છે, એ ભ્રમણા એક વખત ભાંગી જાય તો ઘણા ઊભા થાય. એણે શંકરદેવમાં પોતાનું સ્વપ્ન ફળવાની શક્યતા જોઈ.
એક વખત એણે શંકરદેવને આ જંગલોમાં બોલાવ્યો પણ હતો. એ વખતે શૈલઘાટને માર્ગે, કરણરાય જંગલના રસ્તાઓ જોવા નીકળ્યો હતો.
રાજાએ એક સુંદર અસવારને જતો જોયો. એની બહાદુરી અને હઠીલાઈભરેલી મોટી આંખે રાજાને આકર્ષણ કર્યું. એને લાગ્યું કે એ આ જંગલનો સ્વામી હોવો જોઈએ. એના રૂપાળા ચહેરા ઉપર વધુ આકર્ષણ તો એક અકથ્ય વેદનાનું હતું. એનું રૂપ જાણે હરપળે રડી રહેલું જણાતું હતું. મહારાજને આ મોહક જુવાન કોણ છે, તે જાણવાનું મન થયું. તેમણે પ્રતાપચંદ્રને પૂછ્યું:
‘પ્રતાપચંદ્ર! આ કોણ? આ જંગલનો સ્વામી છે?’
‘મહારાજ! આ તમને મળવા માગે છે, પણ મળતાં શરમાય છે!’
‘પણ એ છે કોણ?’
‘મહારાજ નથી ઓળખતા? એ જ રામચંદ્ર એમનો યુવરાજ શંકરદેવ. એને નમવું ગમ્યું નથી. ને દેવગિરિ નમ્યું છે, એટલે શરમાય છે.’
પ્રતાપચંદ્રે તરત શંકરદેવને પાસે બોલાવ્યો. શંકરદેવને મનમાં લજ્જા આવી. કરણરાયને જોતાં જ એને થયું કે મુગટવિહોણો આ રાજા મહાન હતો. જ્યારે મુગટવાળા પોતે, એની સમક્ષ લઘુ હતા.
રાજા કરણરાયની અણનમ મુખમુદ્રા, વિપત્તિને ઘોળીને પી ગયેલું એનું વજ્જર. શંકરદેવ એ જોઈ રહ્યો. રાજા હજી રાજા જ હતો. એને લાગી આવ્યું કે આ માણસે ધાર્યું હોત તો એ પણ અત્યારે પોતાની પેઠે રાજમાં બેઠો હોત. એને પિતાનું વલણ હીણું ને ભયંકર લાગ્યું હતું. દેવગિરિ ઉપર દિલ્હીની તલવાર હવે હંમેશા લટકતી રહેવાની. શંકરદેવને એ વાત ખૂંચતી હતી. તેણે કરણરાયને માંથી બે હાથ જોડ્યા: ‘મહારાજ! તમારી ટેકને અમે નમીએ છીએ. તમે કાન્હડદેવજી, રણથંભોરવાળા હમીર, એ બધા રાજપૂતીને ઉજ્જવળ રાખી રહ્યા છો. દેવગિરિ જેવા મહાન દુર્ગ છતાં, અમે દગાફટકાથી એક કોડીના પણ રહ્યા નહિ!’
‘શંકરદેવ! જિંદગીમાં હારજીત તો ચાલ્યા જ કરે. રાજા પ્રતાપચંદ્રની આ દુર્ગમાળાએ મને નવું સ્વપ્ન આપ્યું છે. આપણે નાહકના નમતા આવ્યા છીએ.’
‘મહારાજ! અમે તો દગાનો ભોગ બની ગયા. પણ અમારા મનમાં એ વાત આંહીં બેઠી છે.’ શંકરે પોતાની છાતી સામે આંગળી ધરી: ‘એટલે હવે, અમે ખતમ થઇ જઈશું, પણ સહેલી રીતે નમીને નામોશી નહિ વોરીએ!’
‘પિતાજી છે ને હેમાદ્રી પંડિત છે ત્યાં સુધી એ વાત કરવી નકામી છે યુવરાજ!’ રાજા પ્રતાપચંદ્ર બોલ્યો. ‘પણ મહારાજ કરણરાય આહીં છે, તમે ત્યાં હો, અને આપણી અણનમ દુર્ગમાળા હોય, તો વખત આવ્યે, તુરુકને આંહીં રોકી દેવાય. એને દખ્ખણમાં જવાનો માર્ગ પણ આપણે જ આપીએ તો અપાય, હમણાં તો આપણે તક જોઇને બેસો યુવરાજજી!’
‘મહારાજ! અમે તમારા જ છીએ. તમે ગુજરાતમાં એક વખત ઊઠશો, તો અમે પડખે પાછા ઊભા જ છીએ.’
‘મારે પણ એ જ સ્વપ્ન છે શંકરદેવજી! ભગવાન સોમનાથ એ પાર પાડે!’
શંકરદેવ સાથે રાજા પ્રતાપચંદ્રે કરાવેલો પરિચય પછી વધતો રહ્યો. શંકરદેવ તૈયારી પણ કરતો રહ્યો. દરમ્યાનમાં કરણરાયને ગુજરાતના સમાચાર મળતાં રહ્યા, કે હવે ગુજરાત તો વધારે ને વધારે ભાગોમાં વિભક્ત થતું ચાલ્યું છે! નાના ઠાકરડાઓ પણ, દિલ્હી જેટલી દૂરની રિયાસતની તાબેદારીમાં, પોતાની વધારે સ્વતંત્રતા લાગે છે. હવા આવી બનતી જાય છે. વિભાગો મતભેદો વધતા જાય છે. ઉત્સાહ ઓસરતો જાય છે. ખુદ પાટણ પણ, આ રીતે તો ભુલાઈ જવાનું!
કરણરાય ઊંડી વેદનાથી આ બધું સાંભળી રહ્યો હતો. છતાં એણે હજી આશા તજી ન હતી. સોઢલજી, સિંહભટ્ટ આવ્યા પછી એ આ દિશાથી કાંઈક થાય તેમ માનતો હતો. બાગલાણનો આવો અણનમ દુર્ગ એની પાસે હોય છતાં પોતે ગુજરાતમાં કાંઈ જ કરવા શક્તિમાન ન થાય, એનું એને દુઃખ હતું. પણ ગુજરાતમાં જ્યાં દરરોજ નવા નવા વર્ગો ઊભા થતા જ હતા, અને દરેક વર્ગને, બીજા વર્ગનો દોષ જણાતો હતો. એવા સમાચાર આવતા હતા, ત્યાં હવે એનું કામ મુશ્કેલ બન્યું હતું.
સોઢલજી, સિંહભટ્ટ આવી જાય, તો પછી વિશળને સંદેશો મોકલાવીને એક વખત ગુજરાતને ઉભું કરવાની, રાજા કરણની મનોકામના હતી. પોતે પાટણ છોડ્યા પછી ઠીક વખત ગયો, છતાં કોઈનો પત્તો લાગ્યો ન હતો. પ્રતાપચંદ્રે ઠેકાણે ઠેકાણે તપાસ માટે પોતાના વિશ્વાસુ ભીલોને મોકલાવ્યા હતા.
પછી એક દિવસ અચાનક જ સોઢલજી દેખાયો પણ એના દિદાર જોઇને જ કરણરાય ઘા ખાઈ ગયો. જાણે કેવળ પ્રાણહીન માણસ હોય તેવો સોઢલજી તેજ વિનાનો જણાતો હતો. દેવળદેવીની આંખમાંથી નૂર ઊડી ગયું હતું. સિંહભટ્ટ લથડતે પગે એમની પાછળ આવી રહ્યો હતો. કરણરાયને મનમાં ધ્રાસકો પડી ગયો. ચોક્કસ કાંઈક અશુભ થયું છે. એણે કૌલાદેવીને ત્યાં જોઈ નહિ.
તેણે સોઢલજીને ઉતાવળે પૂછ્યું: ‘સોઢલજી શું છે? આમ કેમ?’
સોઢલજી કાંઈ બોલી જ શક્યો નહિ. તેની આંખમાંથી માત્ર આંસુધારા ચાલી રહી. પછી તેણે ગદગદ કંઠે કહ્યું: ‘મહારાજ! મહારાણીબા...’
કરણરાય અરધે વેણે સમજી ગયો. તેની આંખમાં આંસુ આવી ગયાં. દેવળના માથા ઉપર તેણે હેતથી હાથ મૂકી રાખ્યો. કેટલીયે વાર સુધી ત્યાં મૌનેભરેલો શોક ફેલાઈ ગયો.
બાગલાણનો અજિત દુર્ગ* વજ્જરને નરમ થતું જોઈ રહ્યો!
*બાગલાણના આ કિલ્લાને લેવા માટે અકબર બાદશાહે પ્રયત્ન કર્યા ત્યારે તેનેય લેતાં ઘણો વખત થયો હતો. સાત વરસ થયાં હતાં, એમ કહેવાય છે. આઈને અકબરીમાં બાગલાણનું વર્ણન છે.