Raay Karan Ghelo - 39 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 39

Featured Books
Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 39

૩૯

બાગલાણને પંથે

 

સોઢલજી બે પળમાં આવી પહોંચ્યો. તેને દૂરથી જ લાગ્યું કે કાંઈક થયું છે. એણે આવતાં જ ઝડપથી સાંઢણી ઝોકારી. ઊતરવાને બદલે એ ઉપરથી કૂદી પડ્યો. ચાલવાને બદલે દોડતો હોય તેવી રીતે એ વડ પાસે આવ્યો, એ આવ્યો અને એણે જે દ્રશ્ય ત્યાં જોયું, એ દ્રશ્ય જોઇને જેમ વીજળી પડવાથી માણસ ઠૂંઠું બની જાય તેમ એ સંજ્ઞાહીન ઠૂંઠું થઇ ગયો! પહેલાં તો એ કાંઈ સમજ્યો નહિ. સમજતાં વાર લાગી. પછી એ સમજ્યો. મહારાણી જેવા મહારાણીબા છેક આંહીં સુધી પહોંચીને, મહારાજનો સાથ છોડી ચાલી નીકળ્યાં હતાં. તેને શું બોલવું તે સૂઝ્યું નહિ. તે પછી મૂઢ જેવો થઇ ગયો. પછી તેણે ભીની આંખે મૂંગા મૂંગા સિંહભટ્ટ સામે જોયું. 

પણ ભટ્ટની આંખોમાંથી ચાલી રહેલી આંસુની અવિરત ધારા એ એક જ પ્રત્યુત્તર હતો. બીજો કોઈ જવાબ આપવાની કોઈનામાં શક્તિ ન હતી. 

બહુ મહેનતે થોડી વાર પછી સોઢલજી બે વેણ બોલ્યો: ‘સિંહભટ્ટ! આ શું બન્યું? શું થયું?’

સિંહભટ્ટે જવાબ વાળ્યો: ‘રાતે ભાગતાં તલવારનો ઝાટકો પડી ગયેલો એમ લાગે છે. મહારાણીબા તે વખતે અરેરાટીનું એક વેણ બોલ્યાં નહિ અને તેથી કોઈને ધ્યાન રહ્યું નહિ. આંહીં પહોંચતાં તો વખત જ રહ્યો નહિ! વૈદરાજ આવ્યા. પણ ઈશ્વરની ઈચ્છા જુદી હતી.’

‘એ રજપૂતાણી અરેરાટીનું વેણ ક્યાંથી બોલે? એ છાની રહી. બોલી નહિ એટલે તો બધાં આંહીં હતાં.’ સોઢલજી બોલ્યો. 

સોઢલજી આંસુ સારતો મહારાણીબાને હાથ જોડીને નમી રહ્યો.

દેવળદેવીનું છાનું કરુણ રુદન સાંભળીને સોઢલજીને કાંઈનું કાંઈ થઇ અગ્યું. તે તેની પાસે ગયો, ‘બહેન! બા, બહેન તમે ધીરજ નહિ રાખો તો બાપુને શું થશે? આપણે ચાલો બાપુને જઈને વાત કરીએ!’

સોઢલજીને તરત યાદ આવ્યું કે આહીં હવે વધુ વખત થોભવામાં તો મોટું જોખમ રહ્યું હતું. હજી રાજકુમારી એમની સાથે હતી. મહારાણીબાને જલ્દી સંસ્કારવિધિ કરીને હવે ઊપડવું જ જોઈએ. તુરુકનો ભય આંહીંથી છેક ગયો ન હતો. તે ચોક્કસ પાછળ પડવાનો.*

*નુસરતખાન આ બળવાથી એવો ગભરાઈ ગયો હતો કે એણે પછી કોઈ પણ જાતની તપાસ કરવી જ માંડી વાળી, જલદી દિલ્હી ઊપડી ગયો, એવો ઉલ્લેખ છે. 

તેણે સિંહભટ્ટને કહ્યું: ‘ભટ્ટજી! રાતે ભાગતાં કોઈ તુરુકડાનો ઘા પડી ગયો. લોહી વધુ વહી ગયું. આપણને ધ્યાન ન રહ્યું. મહારાણીબાનો જીવનદીપ બુઝાઈ ગયો. જે થવાનું હતું તે થઇ ગયું. પણ આપણે માથે હજી જોખમ છે. આપણાથી આંહીં થોભી શકાય તેમ નથી... આપણે તરત ઊપડવું જોઈએ!’

‘તમે ઊપડો અને હું થોભું. મહારાણીબાના અંત્યેષ્ટિ સંસ્કાર કરીને હું પછી આવું. ‘તમે મહારાજને ખબર કરો!’ 

સોઢલજી ઊંડા વિચારમાં પડી ગયો. તેના હ્રદયની અંદર કરુણતાનાં હજારો મોજાં અથડાઈ રહ્યાં હતાં. ખરી રીતે તો એને  મોટેથી રડવાનું મન થયું હતું. આ વડને  ભેટીને ત્યાં પોતાનું હ્રદય ઠાલવી નાખવાની વ્યથા એને પીડી રહી હતી. પણ હવે એકે પળ ગુમાવવા જેવી ન હતી. તેણે કઠણ હ્રદય કરીને તરત જ સિંહભટ્ટને કહ્યું: ‘ભટ્ટજી! તમે કુંવરીબા સાથે પહેલાં ખંખેરી મૂકો! હું પાછળ રહું.’

દેવળદેવી ડૂસકાં ખાતી બોલી: ‘સોઢલજી, માને છોડીને મારે ક્યાંય જવું નથી. હું તો મા પાસે જ બેસી રહીશ. મા... એ મા!...’ અને એ રડી પડી.

સોઢલજીની આંખમાં આંસુ આવી ગયાં. બધાનાં મન પોચાં થઈને અંદર ને અંદર મોટેથી રડવા લાગ્યાં. પણ સોઢલજી સમો વરતી ગયો. એક વહાણ છેક કિનારે આવીને ભાંગ્યું હતું. એણે દ્રઢતાથી કહ્યું: ‘એમ કરો બહેન! માનો અગ્નિસંસ્કાર થાય પછી તમે જાઓ!’

દેવળને એમાં કાંઈ સમજણ પડી નહિ. એ તો મા પાસે વધારે વખત રહેવાનું મળ્યું એટલું જ સમજી. તેણે માથું ધુણાવીને હા પાડી.

તરત વિકોજી વાઘોજી ઊપડ્યા. થોડી વારમાં જ કેટલાય ભીલડાને માથે ચાંદરણના ભારા ઉપડાવીને બેય જણા આવી ગયા. 

ત્યાં ચંદન-ચેહ ખડકાણી. પાટણની મહારાણી કરણરાયની જીવનસંગાથિની, પાટણના મહારાજ્યની છેલ્લી મહારાણી, ત્યાં ગુજરાતને સીમાડે એ ચંદન-ચેહમાં સૂતી. આંખમાંથી આંસુ નીંગળતે ભગ્ન હ્રદયે સોઢલજી, સિંહભટ્ટ, વાઘોજી, વિકોજી ત્યાં આસપાસ ઊભા રહ્યા.

નાનકડી દેવળે પોતાની માતાને રડતાં રડતાં અગ્નિ મૂક્યો.

ત્યાં ઊભાં રહેલાં ભીલનાં જૂથ એ જોઇને બે હાથે મોં ઢાંકીને રડવા માંડ્યા.

વાતાવરણ અત્યંત કરુણ બની ગયું.

પણ થોડી વાર પછી સોઢલજી સિંહભટ્ટ પાસે ગયો. ‘સિંહભટ્ટ! તમે, વિકોજી, વાઘોજી, રાજકુમારીબા હવે ઝપાટાબંધ ઊપડો...’

‘હમણાં જ ઊપડીએ, સોઢલજી!’

‘હું મહારાણીબાના ફૂલ ભેગાં કરીને આવું છું.’

સોઢલજી મહારાણીબાની અંત્યેષ્ટિ સુધી રોકાઈ પડ્યો અને રડતી રાજકુમારીને લઈને સિંહભટ્ટ તરત જ બાગલાણને પંથે પડ્યો.