૩૪
ઝાલોરગઢને રસ્તે
એ વખત ઝાલોરગઢના કોટકિલ્લા ઉપર સંધ્યા સમયનો આછો અંધકાર પથરાઈ રહ્યો હતો.
દૂરદૂરની ધૂસરભરેલી દિશાઓ ઝાંખી થવા માંડી હતી. પશુઓ ઘર ભણી વળી ગયાં હતાં. રડ્યાંખડ્યાં પંખીઓ ઉતાવળી ગતિએ બોલતાં બોલતાં, માળા તરફ જતાં નજરે પડતાં હતાં.
અંધારપછેડો લઈને કોઈ ઝપાટાબંધ આવી રહ્યું હોય તેમ, થોડી જ વારમાં આખો પ્રદેશ છુપાઈ જવા માંડ્યો. ઝાડ, પાણી, પંખી, ડુંગર, નદી, મેદાન, બધાં એક પછી એક પોતાનું વ્યક્તિત્વ લુપ્ત કરી રહ્યાં હતાં.
ઝાલોરગઢના કોટકિલ્લા ઉપર કાન્હડદે દેખાયો. તે થોડી વાર ત્યાં કાંઈક જોતો હોય તેમ ઊભો રહ્યો.
ત્યાં ઊભા રહીને એક દિશા તરફ એણે કેટલીય વાર સુધી ઝીણી નજર કર્યા કરી. છેવટે એક વ્યથાભર્યો ઉદ્ગાર એના મોંમાંથી આવતો અવાજ સંભળાયો: ‘રાયકરણજીને શી ખબર કે એના વંશવેલામાં આવા પાકશે? શું સમય આવ્યો છે? સુરત્રાણની છાવણી ત્યાં પડી છે. અને આંહીં અમે. નિર્માલ્ય જેવા આ કોટકાંગરા ઉપર ઊભા છીએ.’
ઉતાવળે, વેગભરેલે, ઉશ્કેરાયેલા પગલે, તે આમથી તેમ આંટા મારવા માંડ્યો. એના દરેક પગલામાં અધીરતા બેઠી હતી. એના હ્રદયમાં મોટું રણજુદ્ધ ચાલી રહ્યું હતું. અજવાળું હોય તો ત્યાં બેઠેલી વ્યથા દેખીને ભલભલાનાં હ્રદય હલી જાત!
કેટલીય વાર સુધી, તે આમ ટેલતો રહ્યો. ટહેલતાં ટહેલતાં વચ્ચે વચ્ચે અટકીને એ વારંવાર પેલી દિશા તરફ તૃષાભરેલી નજરે જોઈ લેતો હતો.
અંધારું હવે ઘટ્ટ બન્યું હતું. અને એ દિશામાં દૂર દૂર ચોકીદારોએ સળગાવેલી તાપણીઓ દેખાતી હતી.
એ સળગતાં અગ્નિ તરફ એ જોઈ રહ્યો: પછી એ જાતને જ ઉપાલંભ આપતો હોય તેમ પોતે જ સાંભળી શકે એટલા ધીમા સ્વરે બોલી ઊઠ્યો: ‘રાયકરણજીને શી ખબર કે એના સગા ભાઈની ઝાલોરગઢની રાજગાદીએ આવાં પણ આવશે? ત્યાં સુરત્રાણનો સેનાપતિ સૂબો ઉલૂગખાન કળ્યો છે, ને આંહીં ઝાલોરગઢમાં જાણે એક ચાલ્યો જાય એમ? એક વેંત ભરીને નાક કાપી લઈને એ ચાલ્યો જાય એમ? રજપૂતોની શી પામર દશા આવી છે ભગવાન સોમૈયાને ઉપાડીને લઇ જનાર સુરત્રાણના સૂબાને રોકવાની કોઈનામાં જાણે શક્તિ નથી? અરે કાન્હડદે! આના કરતાં તો તું જન્મ્યો ન હોત!’
‘પ્રભુ!’ નીચેથી કોઈ આવી રહ્યું હતું તેનો અવાજ એને કાને પડ્યો. એની સ્વગોક્તિ બંધ થઇ ગઈ.
‘કોણ? કોણ છે? કાંધલજી?’
‘ના પ્રભુ! એ તો હું. હું સોલ્હાજી!’
‘સોલ્હાજી! તમે છો? કાંધલજી ક્યાં છે? એને બોલાવો. આજ આ પાટણનો દુર્ગપતિ આવ્યો છે, એણે સમાચાર આપ્યા. કોઈ જવાના છો કે મારું નાક મારે હાથે કરીને કાપી દેવાનું છે?’
‘પ્રભુ! હમણાં કાંધલજીને આવ્યા બતાવું. એ શોધવા નીકળ્યા છે!’
‘શોધવા નીકળ્યા છે? કોને શોધવા નીકળ્યા છે?’
સાથે ત્રણ-ચાર સાથીદારો હોય તો ઠીક પડે. રાત્રિ માનીને કાંધલજી પોતે સાથીદાર શોધવા ગયા.
‘શોધવા ગયા છે? અરે! આ તમે શું બોલો છો? આ દશા આવી ગઈ છે? એ આંહીં મુકામ રાખીને પડ્યો છે એ ખબર આપણને ઊડતાં મળ્યા હતા. પાટણના દુર્ગપતિએ હવે પાકે પાયે વાત કરી. અને એની ભેગા ભગવાન સોમૈયા છે. આ વાત છે. પછી જવામાં વાર શી? રજપૂત આવે ટાણે શોધવા પડે છે, સોલ્હાજી? આ કેવો જમાનો આવ્યો છે? ઉલૂગખાનની પાસે જવું એમાં શોધવાનું શું છે?’
‘પ્રભુ! આમ નિરાશ થવાથી શું વળવાનું છે? હજી સુધી તો પૂર્વજોના પ્રતાપે આ કોટકિલ્લાની એક કાંકરી ખરી નથી!’
‘પણ એ હવે કેટલા દી સોલ્હાજી?’
‘કેમ કેટલા દી? અભિમાનની વાત નથી, પણ આ ખાતરી કાંધલજી કે મારી ચોકી, પ્રભુ! અમારાં જીવતાં કોઈ લઇ રહ્યો. એક લાખનું સેન લઇ ઊતરે. પણ સોલ્હાજીની ને કાંધલજીની ચોકી પ દે તે ન જ પડે. એની હું ખાતરી આપું છું, મહારાજ!’
‘સોલ્હાજી! તમારી સૌની વીરતા મારાથી અજાણી છે એમ? પણ દેશ આખો રોળાયો છે. પાટણ જેવું પાટણ પડ્યું. ઘેલો કરણરાય કોણ જાણે ક્યાંય ભાગી ગયો. સુરત્રાણનો સૂબો ઠેઠ ભગવાન સોમનાથ સુધી જઈ આવ્યો અને અત્યારે આપણા દેખતાં જ ભગવાન સોમૈયાને ગાડે ઘાલીને એ દિલ્હી લઇ ચાલ્યો છે. આપણને કહેવા સારુ આ સોઢલજી ઠેઠ પાટણથી આવ્યા છે. જો આંહીં કોઈ જાગે તો? પણ આહીં? આપણે મન મનાવી રહ્યા છીએ કે આપણા અજીત ઝાલોરગઢ પાસે એ નીકળ્યો નથી. એક ઢેફાવા આઘે સકરાણમાં એ છાવણી નાખીને પડ્યો છે. આપણી છેલ્લી ચોકીએથી એની ચોકીદારીનાં તાપણાં એ દેખાય! સોલ્હાજી! એણે વેંત ભરીને આપણું નાક કાપી લીધું છે. આપણને રજપૂત નહિ માન્યાં હોય, ત્યારે જ આંહીં પડખેથી, આમ ભગવાન સોમૈયાને ગળે ઘાલીને નીકળ્યો હશે નાં? એને ખાતરી હશે કે આંહીં તો હવે બધાએ ચૂડલા પહેર્યા છે... ત્યારે જ આ હિંમત...’ એનું વાક્ય અધૂરું રહી ગયું. નીચેથી મોટો સિંહનાદ જાણે સંભળાયો.
‘ઝાલોરના રજપૂતને ઈ કોણ બેટો ચૂડલો પહેરાવવાવાળો નીકળ્યો છે? કોણ છે ઈ ભા? કાન્હડદેભા! કોની વાત કરો છો? કોણ ચૂડલો પહેરાવવા આવ્યો છે?’
‘આવો! આવો! કાંધલજી! આંહીં તમારી જ રાહ જોવાય છે. તમારે રજપૂત ગોતવા નીકળવું પડ્યું’તું...?’
એટલામાં કાંધલજી ઉપર આવ્યો. તેની સાથે બીજા ચાર જણ પણ આવ્યા. કાન્હડદે એમનાં તરફ જોઈ જ રયો. જાણે પાંચે એક આકૃતિના હોય એવા દેખાતા હતા. કાંધલજીને કેમ ગોતવા નીકળવું પડ્યું. તે હવે સમજતાં કાન્હડદેના અંતરાત્માને આનંદ થઇ ગયો.
‘કાંધલજી! રજપૂતોને આવે ટાણે ગોતવા નીકળવા પડે એવો જમાનો શું ઝાલોરમાં પણ આવ્યો છે? સોલ્હાજીને હું એમ પૂછતો હતો!’
‘તે એમ કેમ પૂછવું પડ્યું ભા?’ કાંધલજી આગળ આવ્યો. એની ભરપટ છન્નુ તસુની ઊંચાઈ પાસે સૌ વામનજી જેવા લાગવા માંડ્યા. એનો ઊંચો, સશક્ત, પડછંદી કદાવર દેહ, કોટકિલ્લા ઉપરનાં અખંડ રક્ષણહાર સમો શોભી રહ્યો. એની આંખમાંથી નર્યો અગ્નિ વરસતો હતો. લોહદંડ જેવા એના બે હાથ જાણે હમણાં એક મુષ્ટિપ્રહારે ડુંગરાનું શિખર તોડી પાડશે એવા લાગતા હતા. તેણે બે હાથ જોડ્યા: ‘મહારાજ! કાંધલજીને કાંઈ જેવાતેવા રજપૂતોનો ખપ ન હતો, એટલે ગોતવા પડ્યા. આ જુઓ ચાર જણા આવ્યા છે તે. છે એકમાં મીનમેખ?’
કાન્હડદેએ આવનારાની સામે જોયું. એ ચારે પણ શરીરે મહા કદાવર અલમસ્ત મલ્લ હતા. એમની પાસે ઊભેલા માણસ વેંતિયા જેવા થઇ જાય એવી કદાવર એમની દેહ હતી. નર્યા લોહમાંથી ઘડેલી પ્રતિમાઓ જેવા એ દેખાતા હતા.
‘બોલો કાંધલજી! હવે શું કરવું છે?’
‘પ્રભુની જે આજ્ઞા હોય તે.’
‘તો તમે ઊપડો!’
‘ઉપડું. પણ સુરત્રાણના સુબાને મળવા હું જાઉં?’
‘હા, એને પણ તમે મળો. એને કહો કે અમારે આંગણેથી તું સોમૈયાને લઈને જાય ને અમે બેઠા બેઠા જોયા કરીએ, એ વાત નહિ બને. તમારો સંઘ દિલ્હી નહિ પહોંચે. અમારી આવતી એકોતેર પેઢી અમને ફિટકાર આપે એવી વાત છે. અમે રાજા નથી રહ્યા એ તો ઠીક, પણ હવે તો જાણે અમે રજપૂત પણ નથી રહ્યા!’
‘પ્રભુ!’ કાંધલે બે હાથ જોડ્યા.
‘શું કહેવું છે કાંધલજી!’
‘એમ બાપ કીધે બોર નહિ આપે. એ તો એ ચમત્કાર દેખશે તો જાણશે કે, આ આપણને ઠેઠ સુધી પહોંચવા નહિ દીએ!’
‘શું ચમત્કાર?’
‘એ તો હવે જેવો સમો, પ્રભુ!... આંહીં એની વાત કર્યે શું? હું ઉપડું જ છું!’
કાન્હડદેને એ બે હાથ જોડીને નમ્યો. ‘તમે પણ ગયા હતા નાં કાંધલજી? પાટણનો દુર્ગપતિ નીચે છે, તેને બોલાવો. એ આ વાત કહેવા માટે જ આવ્યો હતો, એટલે એને હૈયે ધરપત થાય.’
‘હાં, હાં, સોઢલજી આવ્યા છે એની વાત કરો છો? એમને તો હું મળ્યો.’ તેણે જવા માટે પગ ઉપાડ્યો.
‘પણ કાંધલજી! જુઓ, આપણે અત્યારે લડાઈ વોરવી નથી હો. ઉતાવળા ન થતા.’
‘મહારાજ! એમ કહો કે નામોશી લેવી નથી. લડાઈ તો આવી રહી છે.’ આપણે દિલ્હી દરબારમાં બાદશાહને ખુલ્લંખુલ્લા આહ્વાન આપ્યું છે, એ તમારાથી ક્યાં અજાણ્યું છે? આપણે બાદશાહને કહીને આવ્યા છીએ કે તમારામાં શક્તિ હોય તો ઝાલોરગઢ લેવા આવો! એટલે તમે સૂબાને એ પણ કહી શકો કે અમે તો દિલ્હીમાં આશ્વાસન આપીને આવ્યા છે. એ વખતે બાદશાહ સાથે અમારી વાતચીત નક્કી થઇ ગઈ છે. બાદશાહે કોલ આપ્યો છે. આ અમારી તૈયારીનો સમય છે. બાદશાહે છ મહિનાની મુદ્દત આપી છે. વેણ આપ્યું છે. તમે લડવા આવવાના હો, ત્યારે તો અમે લડવા માટે બેઠા જ છીએ, પણ વચ્ચે આ લડાઈ તમે સળગાવશો તો તમે બાદશાહનો કોલભંગ કર્યો કહેવાશે. દિલ્હીમાં બન્યું તે બધું અથેતિ જણાવજો ને!’
કાન્હડદેએ કહી તે વાત, એમ બની ગઈ હતી કે એક વખત બાદશાહ અલાઉદ્દીનને સમાચાર મળ્યા કે ભારતભરમાં મારો સામનો કરનાર કોઈ રહ્યો નથી. બધા નમવા તૈયાર છે. બે દી વહેલા કે મોડા એટલું જ. બાદશાહે એ વખતે મૂછે તાવ દેતાં અભિમાનમાં કહ્યું: ‘હવે કોઈ સામનો કરનાર રહ્યો નહિ!’
એ વખતે દરબારમાં કાન્હડદે બેઠેલો. આ વેણ સાંભળતાં જ એ ધગધગી ઊઠ્યો. એ ઊભો થઇ ગયો: ‘જહાંપનાહ! સામનો તો શું પણ દિવસે તારા દેખાડનારા પણ મલી આવે. સવાલ સમય આપવાનો છે. તૈયારીનો સમય!’
‘પણ સામો થનાર છે કોણ?’
‘હું અને મારો ઝાલોરગઢ!’ કાન્હડદેએ અતિશય હિંમતથી કહ્યું.
‘કાન્હડદે! વાત ભારી પડી જાશે હો!’
‘તો નવખંડમાં નામના રહી જાશે જહાંપનાહ! દેહ તો આવે છે જ જાવા માટે!’
‘ત્યારે વખત આપ્યો,’ બાદશાહે પણ ઉશ્કેરાઈને કહ્યું: ‘જાઓ કરો તૈયારી. છ મહિના આપ્યા.’
‘પણ તૈયારી વખતે કોઈ ઉશ્કેરણી ન આવવી જોઈએ એ પહેલી શરત!’
‘ન આવે. બાદશાહી કોલ છે. કરો તૈયારી જાઓ!’
કાન્હડદેએ કુરનિસ બજાવી. તરત ઘોડે બેસીને ત્યાંથી ચાલી નીકળ્યો.
કાંધલજીને આ કોલની જાણ હતી. સૂબાને આ કોલની યાદ આપવાની હતી. માને તો ભલે, પણ ન માને તો સૂબો તળ રહે એમ કાંધલજી માનતો હતો. બાકી સોમૈયાને લઈને એ જાય, એ વાત કાંધલજી સહન કરે તેમ ન હતો.
સોઢલજીએ દેવડાની આ સોમનાથ ભક્તિ પાટણમાં જોઈ હતી. એ જ વાત એને વધુ અસર કરે તેમ હતી એટલે એણે પાછો કાંધલજીને વધારે તૈયાર કર્યો. સવારે કાંધલજી ત્યાં જવાનો હતો.
પ્રભાતનું પહેલું કિરણ ફૂટ્યું. બાદશાહી છાવણીમાં એ વખતે પાંચ સાંઢણીસવારો આવ્યા. એમની કદાવર સાંઢણીઓ અને એવા જ કદાવર એમનાં દેહ જોઇને સૌને નવાઈ લાગી. અવ જબરા દેહ એમણે કદી જોયા ન હતા.
એ સીધા સૂબાના તંબૂ ઉપર જઈને ઊભા રહ્યા. અંદર શબ્દ મોકલ્યો: ‘ઝાલોરગઢના કાન્હડદેના માણસો આવ્યા છે!’
એ જ વખતે અંદરથી સિહપાતલા જે ઉલૂગખાન સાથે આવ્યો હતો, તે બહાર આવ્યો. બાદશાહનો એ ભાણેજ હતો.
કાંધલજી સામે એ જોઈ રહ્યો, ‘આવો ઊંચો કદાવર પડછંદ માણસ?’
એનો કદાવર સશક્ત તાડ જેવડો પડછંદી દેહ, જાણે નાનકડો ડુંગર ઊભો હોય તેવો લાગતો હતો. સિહપાતલાની નજરને એ દેહ આકર્ષી રહ્યો. આવો માણસ એણે ક્યાંય જોયો ન હતો. એની એ ઊંચાઈ ભયાનક અને ભવ્ય લાગતી હતી.
‘અમે ઝાલોરથી આવ્યા છીએ. મહારાજ કાન્હડદેનો સંદેશો લાવ્યા છીએ.’ કાંધલજી બોલ્યો.
‘કાન્હડદેવનો સંદેશો? શું છે સંદેશો?’
‘નામવર! એ સેનાપતિ ઉલૂગખાનને આપવાનો છે!’
કાંધલજીની ભરપટ ઊંચાઈ, કદાવર જબરદસ્ત શરીર અને એવી જ લોહથંભ જેવી એની કાયા. સિંહપાતલાને લાગ્યું કે આ ઉલૂગખાન પાસે નજર કરવા જેવા માણસો છે. તેણે કહ્યું: ‘હું હમણાં આવું...’
પણ એને અંદર જતો કાંધલજીએ રોક્યો. ‘જુઓ, અમારી એક મુશ્કેલી છે. અમારાં આ પાંચ જણનાં માથાં ઝાલોરના ગઢપતિ કાન્હડદેવજી સિવાય, બીજા કોઈને નમતાં નથી. એટલે એ વાત કબૂલ હોય તો અમે સંદેશો આપવા આવીશું. નહીંતર તમે સંદેશો લઇ જાઓ ને જવાબ લઇ આવો.’ કાંધલજીના આ શબ્દે સિહપાતલાને વધારે આશ્ચર્યમાં નાખ્યો. આ આવા, એક સરખી ઊંચાઈના પાંચ જણા છે કોણ? એમની વાત ઉલૂગખાનને કરવા જતાં હવે તો વખતે મફતની ઉપાધિ થાય તેવું હતું એટલે હવે એણે અહીંયાં જ પતાવવામાં ડહાપણ જોયું. તે બોલ્યો:
‘બાદશાહી છાવણીમાં આવો ને, બાદશાહી સૂબાને માન ન આપે એવા કોઈ બે માથાળા, આંહીં હજી સુધી આવ્યા નથી. તમારી વાત તો નવી નવાઈની છે.’
‘તે હશે!’ કાંધલ દેવડો બોલ્યો, ‘પણ એમાં ફેર પડે તેમ નથી. આ માથું નમવાનું નથી. એ તો છેવટે કેવળ ધરતીને જ નમવાનું. હું ઝાલોરપતિનો સંદેશો લાવ્યો છું.’
‘પણ ઝાલોરપતિ છે કોણ?’
‘ઝાલોરપતિ કોણ છે?’ કાંધલે કડકાઈમાં કહ્યું. ‘એ પણ સમજાવવું પડશે? તમારા કરતાં તમારા સેનાપતિ સૂબાને એ વધારે ખબર હશે. તમે થોડા જ વખત પહેલાં અહીયાંથી નીકળ્યા હતા તે વખતની વાત ભૂલી ગયા લાગો છો. રાય ઘેલડા કરણના પાટણ ઉપર જવા માટે આંહીંથી રસ્તો લેવા કોણ આવ્યું હતું? આભૂષણ, શણગાર, સોના, રૂપા કોણ લાવ્યું હતું? જે માણસે એ ફેંકી દીધું, એ ઝાલોરપતિ કાન્હડદે!’
‘હાં, હાં, તમે રસ્તો ન આપ્યો એનું તમને અભિમાન લાગે છે. તમે ન આપ્યો તો મેવાડાવાળાએ આપ્યો!’
‘તે ભલે આપ્યો. અમારે એનો દખધોખો નથી. અમારે તો આ વાતનો દખધોખો છે. આજ તમે અમારે આંગણે પડ્યા છો. આંહીં શું કોઈ રજપૂતનું બુંદ રહ્યું નથી કે, અમારા દેખતાં, તમે સોમૈયા ભગવાનને અમારા મુલકમાંથી ઉપાડીને જશો? અમારા રજપૂતી બાદશાહે લિલામ આદર્યું છે એની આ વાત છે! અને અત્યારે તો અમારી ઉશ્કેરણી ન કરવાનો.ખુદ બાદશાહી કોલ છે એનું શું?’
‘આ...હા! આમ વાત છે? તો તો નામવર સૂબા – સેનાપતિ પાસે ચાલો... પણ રહો... હું જરા વાત કરી જોઉં.’
થોડી વાર પછી આવીને કાંધલને એ પાછળના મેદાનમાં લઇ ગયો. ત્યાં બાદશાહી સૂબો ઉલૂગખાન બેઠો હતો. એની નજરે કાંધલજીનો દેહ પડ્યો. એ પણ એની ઊંચાઈ જોતાં. આશ્ચર્યચકિત થઇ ગયો. આવડો, કદાવર માણસ!
ત્યાં તો કાંધલજીની પછવાડે, એક પછી એક, બીજા ચાર યોદ્ધાઓ દેખાયા. પાંચે જણા ત્યાં ઊભા અને એમની ભરપટ પડછંદ ઊંચાઈએ જાણે બીજા બધાને વામનજી બનાવી દીધા. એમની પડખે ઊભનારા તો વેંતિયા લાગવા મંડ્યા. ઉલૂગખાને કાંધલ તરફ જોયું પણ એ એમ ને એમ અણનમ ઊભો હતો. બાદશાહી સેનામાં જરાક સનસનાટી ફેલાઈ ગઈ. એટલામાં એક નવી નવાઈની વાત બની. ઉલૂગખાન ઉપર એક સમડી ઊડતી આવી. ઝીણી – તીણી ચીસ પાડતી, એ ઉપર ચક્કર મારી રહી.
ઉલૂગખાને જરાક ઉપર જોયું અને પછી કાંધલ તરફ દ્રષ્ટિ કરી. ‘શું છે તમારે કહેવાનું?’ એણે કાંઈ ન હોય તેમ પૂછ્યું.
‘નામવર! ઝાલોરપતિની સાથે બાદશાહે એક હોડ બકી છે, અને એ હોડ પૂરી થાય ત્યાં સુધીનો બાદશાહી કોલ અમને આપ્યો છે.
‘શું કોલ છે? અમને એ ખબર નથી!’
‘તમને ખબર નહિ હોય, તમે લડાઈમાં રોકાયા હશો. પણ જ્યારે દિલ્હીશ્વરે કાન્હડદેવજીને કહ્યું કે હવે ભારતભરમાં કોઈ મુકાબલો કરનારો રજપૂત રહ્યો નથી ત્યારે ઝાલોરપતિએ કહ્યું હતું કે, ‘નામવર! સમય આપો, ને ઝાલોરગઢ મુકાબલો ન કરે તો મારું માથું ડૂલ!’ અમે અત્યારે આંહીં શાહી સેનાનો મુકાબલો કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ. એ તૈયારી પૂરી ન થાય ત્યાં સુધી ઉશ્કેરણી પણ થવી ન જોઈએ. એ બાદશાહી કોલ છે.
‘હા...’ ઉલૂગખાને ગર્વથી કહ્યું, ‘આ ઊંચાઈનો એંકાર લાગે છે!’
‘એ તો જે હોય તે પણ અમારે ખુદ બાદશાહ સાથે આ પ્રમાણે કોલ થયો છે. ત્યારે તમે આંહીં અમારે આંગણે અમારું અપમાન થાય તેમ વર્તો, ઉશ્કેરણી કરો, તો બાદશાહી વચન ફોક કર્યું કહેવાશે. બાદશાહનો ખોફ તમારા ઉપર ઊતરશે કે પછી બાદશાહના કોલને કોઈ ગણશે નહિ. બાદશાહની બેઈજ્જતી થશે. વિચાર કરો.’
‘તો અમારે શું કરવાનું?’
‘તમારે? અમારું આંગણું છોડી દેવાનું.’
‘તે તો બરાબર. અમે તો કાલે જ જવાના છીએ.’
‘પણ અમારું નાક કાપતા જાઓ, તેનું શું? તમે ભગવાન સોમૈયાને આંગણેથી લઇ જાઓ, તો અમારા ઉપર કાળી ટીલી આવે, એનું શું?’
‘તે કાંઈ ન બને... હવે તો દિલ્હીમાં એનો ઉપયોગ થઇ જશે...!’
‘એમ...? ખરેખર ખાતરી છે?’ કાંધલે અત્યંત કડકાઈથી કહ્યું.
‘સામંતજી! તમે આહીં બાદશાહી છાવણીમાં છો એ ભૂલી જતા લાગો છો.’
‘હું કાંઈ ભૂલતો નથી. પણ આપણે લડાઈ નથી. બાદશાહી કોલ છે એ તમે ભૂલી જાઓ છો નામવર! રસ્તો તમે માગ્યો હતો. બાદશાહી પોશાક તમે જ આંહીં મોકલાવ્યા હતા. ઝાલોરપતિ અણનમ રહ્યા હતા. આ બધી વાત હજી ગઈકાલની છે. તમે જ કહ્યું હતું, રસ્તો ન આપો તોપણ ભલે, પણ પાછળ ઊઠવું નહિ. એટલું કબૂલ કરો. અમે કબૂલ કર્યું. અને તમે પણ કબૂલ કર્યું હતું કે પાછા ફરતાં તમારો રસ્તો છોડી દઈશું તે છતાં આજ તમે જ આ રસ્તે નીકળ્યા છો. અમે બાદશાહી હોડ ઉપાડી છે. બાદશાહે પણ અમારી તૈયારીમાં ખલેલ ન પહોંચાડવાનો કોલ આપ્યો છે. તમે એનો ભંગ કરો છો. આનો જવાબ શું છે? તમે બાદશાહી વેણની કિંમત ભલે બે બદામની માનતા હો તો ભલે.’
કાંધલની વાણી નક્કર ને અક્કડ હતી. તે આજ્ઞા આપતો હોય તેમ બોલી રહ્યો હતો.
‘પણ ત્યારે? અત્યારે હવે શું કરવું?’
‘બીજું કાંઈ નહિ... સોમૈયાને આંહીં રાખીને, તમે હદ છોડી જાઓ...’
‘એ કાંઈ ન બને...’ ઉલૂગખાને ટૂંકો જ જવાબ દઈ દીધો.
‘નામવર! વાત પછી ભારે પડી જશે હો. આખી વિજયયાત્રા રોળાઈ જશે.’
‘તમારા કહેવાથી? તમને બાદશાહી બળનો ખ્યાલ...’
પણ એટલામાં સમડીની તીણી ચીસ સંભળાણી. એક તીર છૂટ્યું.
ઉલૂગખાને ઊંચે જોઇને તીર ફેંક્યું હતું. સમડીને તીર વીંધી ગયું. પણ સમડી પોતાના જ માથા ઉપર પડતી હતી. એટલે તે જરાક આઘો ખસવા ગયો.
એટલામાં તો બીજું તીર ઉપર ગયું. ત્રીજું ગ્યું. ચોથું ગયું. સમડી આકાશમાંથી નીચે ન પડે તેમ, એને અદ્ધર ને અદ્ધર ફેરવનારી તીરંદાજી, ત્યાં સૈનિકોમાંથી શરુ થઇ ગઈ. ઉલૂગખાન કાંધલની સામે જોઇને હસી રહ્યો.
કાંધલના મોં ઉપર એક પ્રકારની કડકાઈ આવી ગઈ. એને ઉલૂગખાનનો જવાબ રુચ્યો ન હતો. એમાં બાદશાહી કોલનો ભંગ હતો. અને આ તીરંદાજી, બાદશાહી બળનો ખ્યાલ આપવા માટે જ જાણે થઇ રહી હોય, તેમ એને લાગવા માંડ્યું. એને આ વસ્તુ ખાઈ ગઈ. એને લાગ્યું કે આના જવાબમાં ઝાલોરના રજપૂતોનો પણ કોઈક ખ્યાલ તો આને આપવો જોઈએ. અને તરત આપવો જોઈએ. તે આસપાસ જોવા મંડ્યો. સમડીને અધ્ધર ને અધ્ધર રાખનારી, તીરંદાજી હજી ચાલી રહી હતી. અને ઉલૂગખાન બેઠો બેઠો હસતો હતો. કાંધલનો ચહેરો વધારે કડક થતો હતો.
એટલામાં ત્યાંથી એક ભિસ્તી નીકળ્યો. પાડા ઉપર પખાલ હતી. ભિસ્તી ત્યાંથી જઈ રહ્યો હતો. કાંધલની દ્રષ્ટિ તેના ઉપર પડી. તેણે હડપ કરતીકને સમશેર કાઢી. કોઈ કાંઈ સમજે કે શું થાય છે તે પહેલાં તો, એણે એક એવો જબરદસ્ત ઝાટકો માર્યો કે પાણીની પખાલ ને પાડો બંને સોંસરવા કપાઈ ગયાં!
‘અરે! અરે! અરે!’ ચારે તરફથી બુમરાણ પડી.
ત્યાં તો પેલી સમડી પણ પખાલીના પાણીમાં પડી ગઈ હતી. કાંઈ ન હોય તેમ કાંધલ બોલ્યો, ‘નામવર! તમે બતાવ્યું છે. અમે પણ બતાવ્યું છે. હવે ખ્યાલ કરીને કામ કરજો... મેં તમને સંદેશો આપી દીધો છે.’ અને તે ત્યાંથી અણનમ પાછો ફરી ગયો. કાંધલે પાછા ફરતાં મેદાનમાં એક મોટું ગાડું દીઠું: એમાં ભગવાન સોમનાથનું શિવલિંગ હતું. કાંધલ ને એના સાથીઓ એ તરફ ગયા. બે હાથે મસ્તક નમાવીને કાંધલજી ત્યાં ઊભો રહ્યો. એના અંતરમાં એક પ્રાર્થના ચાલી રહી હતી. અને એનું અંતર એક પ્રતિજ્ઞા બોલી રહ્યું હતું: ‘ભગવાન! પાણી તો છોડી શકતો નથી, પણ આજથી અન્ન છોડું છું, એ પ્રતિજ્ઞા તો લેવાશે, જો ભગવાનની આંહીં સ્થાપના થશે તો! નહિતર કાંધલને હે મારા પ્રભુ! તમારા ચરણમાં રાખજો...’
ઉલૂગખાનના માણસોમાં આ માથાભારે માણસની સનસનાટી ફેલાઈ ગઈ. પણ એના ઉપર હાથ ઉપાડવામાં એક નવી લડાઈનું જોખમ હતું. અને એ લડાઈ જેવાતેવા સાથે ન હતી.
જેણે આખી બાદશાહીને રસ્તો આપવાની નાં પાડી હતી તે કાન્હડદે સાથે એ લડાઈ હતી. ને વળી બાદશાહીનો કોલ વચ્ચે હતો.
અને કાન્હડદે સાથે એનો અજિત ઝાલોરગઢ હતો.
એટલે સૌ જોતા રહ્યા. ને કાંધલ પોતાના સાથીઓ સાથે ત્યાંથી ચાલી નીકળ્યો.
એનું કાર્ય નિષ્ફળ ગયું હતું. પણ એના હ્રદયમાં એને ખાતરી હતી કે એ ભગવાનની સ્થાપના આંહીં જ થવાની છે અને ઝાલોરપતિના હાથે.
તે ત્યાંથી જતો હતો ત્યારે એક ગભરાયેલો કાસદ ઉલૂગખાન તરફ જઈ રહ્યો હતો. તેની પાસે કાંઈક સમાચાર હતા. દિલ્હીમાં કાંઈક નવાજૂની હતી.
કાંધલ વધુ આત્મવિશ્વાસથી, ભગવાન સોમનાથને પ્રાર્થી રહ્યો.
‘હે સોમૈયા! હથીયાર અમે વાપરીએ – પણ દોરજે તું.’
અને એ અણનમ જોદ્ધો સાંજ પડતાં સુધી ત્યાં રહ્યો. પછી ઝાલોરગઢ તરફ ચાલી નીકળ્યો.