Raay Karan Ghelo - 33 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 33

Featured Books
Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 33

૩૩

પાટણનો દુર્ગપતિ

 

બીજે દિવસે હજી તો પ્રભાતની ઝાંખી પણ થઇ ન હતી, ત્યાં રણશિંગા ફૂંકાયા. શંખનાદ થવા માંડ્યા. હાથી મેઘનાદે ગાજ્યા. સોઢલજી સૌને મોખરે હતો. તે દરવાજા પાસે આવીને અટક્યો. તેણે તરત દરવાજો ઊઘાડવાનો હુકમ કર્યો. સેંકડો જોદ્ધાના ભયંકર રણનાદથી મેદાન ગાજી ઊઠયું. દરવાજો ઊઘડ્યો. પુલ નંખાયો. માધવ મહામંત્રી અને બીજા અનેક સરદારો, તુરુક સામે ઘોડાદળ લઈને ઊપડ્યા. સોઢલજી ત્યાં યુદ્ધને નાકે સેંકડો પાયદળને મોખરે ઉઘાડી તલવારે ઊભો હતો. તે જયમૂર્તિ સમો ભાસતો હતો. તેણે  પોતાના સેંકડો ચુનંદા તીરંદાજોની હાર ગોઠવીને, વ્યવસ્થિત મારો શરુ કર્યો.

બંને બાજુના સૈન્યો આગળ વધતાં ગયાં. હાથોહાથનું સામસામેનું ભેટંભેટા યુદ્ધ શરુ થયું. હજી તો સૂર્યોદય થયો ન થયો ત્યાં તો અનેક રણમાં પડવા માંડ્યા. ઘા ઝીલતા, ઘા મારતા, ઘા ચૂકવતા, ઘાને ઘાથી અફળ કરતા, આગળ વધતા, પાછળ હઠતા, ચક્રાવે ચડતા, પડખે પડતા, એક પછી અનેક વીરો અને દળ ઉપર દળ સામસામે આવવા મંડ્યા. થોડી વારમાં તો રણભૂમિનો સીનો બદલી ગયો. હોકારા પડકારાથી મેદાન ગાજવા મંડ્યું. રણહાકના પડઘા આકાશમાંથી ઊઠવા લાગ્યા.

વીરો મરવા માટે આગળ દોડવા મંડ્યા. માધવ મંત્રી સૌને મોખરે હતો. તે મરણિયો બન્યો હતો. તેણે હજારોનો સંહાર શરુ કર્યો હતો. તેની આસપાસ ચારેતરફ તુરુકના ટોળાં હતાં. તે લશ્કરગાહને વીંધી આરપાર નીકળી જવા માગતો હતો. તેને સોઢલે વાત કરી હતી. તેને મનમાં શંકા થઇ ગઈ. વખતે તેમ થયું હોય તો? તેને મનમાં થયું કે આનું પ્રાયશ્ચિત, કેવળ મરણ જ હોઈ શકે. તે મહામંત્રી હતો. એની ફરજ પહેલેથી જ રાજાને ભગાડી મૂકવાની હતી. તે તુરુકના દળ દિલ્હીમાં જોઇને આવ્યો હતો. એણે દીર્ઘદ્રષ્ટિ રાખી તેનું આ ફળ હતું. એણે હવે રણમાં પડવું ઘટે. 

માધવ મંત્રી આ વાતના દોર ઉપાડી ગાંડી લડાઈ કરતો આગળ વધી ગયો હતો. તે સૌથી જુદો પડી ગયો હતો. તેની આસપાસ સેંકડો સૈનિકો હતા. કેસરીજી ગલઢો ગલઢો માધવનું પડખું રાખી રહ્યો હતો. માધવે લશ્કરગાહમાં પ્રવેશ કર્યો. તે સીધો નુસરતખાનના તંબૂ ઉપર જવા માગતો હતો. પણ જરાક જ આગળ વધ્યો ત્યાં તો સેંકડો તુરુકોથી એ ઘેરાઈ ગયો. મોટું ઘમસાણી યુદ્ધ શરુ થયું, ‘અલ્યા! આ તો રાજાની બેગમ પછી લેવા આવ્યો છે, મારો એને. મારી નાખો!’ માધવે એ વેણ સાંભળ્યું, એના મનમાં હજારો અગ્નિની જ્વાળા પ્રગટી, તે સમજી ગયો. મહારાણીબા સપડાઈ ગયાં હતાં. તેના દિલમાં વ્યથાનો કોઈ પાર રહ્યો નહિ. તે ઘોડા ઉપરથી નીચે કૂદી પડ્યો. બે હાથે તલવાર લઈને જેમ આવે તેમ ઝીંકવા જ મંડ્યો. પણ સંખ્યાબળ સમે અધિક હતું. બે પળમાં તો એ ઘેરાઈ ગયો. કેસરીજીએ એની આગળપાછળથી ઘણાને ફેંકી દીધા. માધવ જરા છૂટો થયો તે લશ્કરગાહ વીંધીને બહાર ગયો. 

પણ એટલામાં તુરુકે તો ઠેર ઠેર આગ લગાડી દીધી હતી. પાછો ફરવાનો કોઈ માર્ગ જ રહેતો ન હતો. સોલંકી સેન બે ભાગમાં વહેંચાઇ ગયું. સોઢલજીનું સેન દરવાજે ઊભું હતું. જ્યારે આગળવધતું માધવનું સેન ચારે તરફથી ઘેરામાં મુકાઈ ગયું હતું. માધવે ચારે તરફ દ્રષ્ટિ કરી. ચારે તરફ તીર, પથરા, અગ્નિ વરસી રહ્યાં હતાં. એ ભાન ભૂલ્યાની જેમ જુદ્ધ કરતો ગયો. આગળ વધતો જ ગયો. અને એમને એમ લશ્કરગાહની પણ પછવાડે જઈ પહોંચ્યો. 

તેણે મથામણ ઘણી કરી. પણ લશ્કરગાહની સમીપમાં તો હવે જવાય તેવું જ ન હતું. તે ત્યાંથી ભાગ્યો. એટલામાં તો તુરુકનું સેન દરવાજા પાસે પહોંચીને સોઢલજી સાથે હાથલડાઈમાં પડ્યું હતું. બહારનું જુદ્ધ પાટણની અંદર પ્રવેશ કરતું હતું. દરવાજાના મુખ પાસે મડદાં ખડકાતાં હતાં. ત્યાં સોઢલજી અણનમ ઊભો હતો. એની તલવાર એની પોતાની જ હતી. ચારે તરફ વિજયી જોદ્ધાની છટાથી એ ફેરવી રહ્યો હતો. જે કોઈ પ્રવેશવા માગતા હોય તે તેની તલવાર વટાવીને જ જઈ શકે. 

પણ તુરુક કાંઈ ગાંડી હેતુહીન લડાઈમાં માનતા નહિ. એમણે તો ઠેર ઠેર નિસરણીઓ મૂકીને, દરવાજો અંદર મૂકીને અંદર પ્રવેશ કરવા માંડ્યો. દરવાજે જુદ્ધ ચાલતું રહ્યું. પણ ત્યાં તો છેક રાજમહાલય પાસે મહા અગ્નિ પ્રગટ્યો. આમ ઉપર આગ દેખાવા માંડી. હજારો નારીઓનાં અગ્નિસનાન જોઇને તુરુક પણ ઘેલા જેવો થઇ ગયો. ઠેર ઠેર ચોકમાં-ચૌટામાં-ઘરોમાં તુરુક સૈન્યે લૂંટ શરુ કરી દીધી. જે આવ્યું તે લૂંટવા જ મંડ્યા. લૂંટ શરુ થતાં જ, જુદ્ધનો રસ ઊડી ગયો. તુરુકો બધા લૂંટમાં જે  મળે તે ઉપાડી જવા માંડ્યા. સોના, રૂપા, માણેક, મોતી, હાર, કિનખાબ, વસ્ત્રો બધાંના ઢગ થવા મંડ્યા. 

સોઢલજી હજી દુર્ગ પાસે ઊભો હતો પણ એણે જોયું કે એને યુદ્ધ આપ્યા વિના જ તુરુકો તો અંદર પેસી ગયા હતા. લૂંટફાટ ચલાવી રહ્યા હતા. એ લડાઈમાં નહિ, લૂંટમાં માનતા હતા. 

એટલે તે રહ્યાસહ્યા યોદ્ધાઓ સાથે રાજમહાલયને રક્ષવા દોડ્યો.

પણ ત્યાં તો એણે માધવ મંત્રીનો અવાજ સાંભળ્યો: માધવ લશ્કરગાહ પછવાડેથી પણ એક વખત ફરી દોડ્યો હતો, ‘સોઢલજી! લશ્કરગાહમાં કાંઈક છે એ ચોક્કસ. હું ત્યાં સુધી જઈ આવ્યો. અંદર જવા મથ્યો પણ જવાય તેવું નથી, તમને કહેવા આવ્યો છું, આપણે ત્યાં દોડીએ!’

સોઢલજી તરત જ બહાર દોડ્યા. માધવ મહામંત્રી પણ બહાર દોડ્યો. અનેક સૈનિકો બહાર દોડ્યા. પણ જ્યાં એ બહાર ગયા ત્યાં તો લશ્કરગાહને ફરતી મજબૂત ચોકી ગોઠવાઈ ગઈ હતી. લૂંટના ગાડાં ત્યાં આવતાં હતા. એની ચારે તરફ સૈનિકો ફરવા માંડ્યા હતા. તીરો, અગનગોળા ને પથરાઓનો વરસાદ પડી રહ્યો હતો. 

તે છતાં બંને જણા મરણિયા બન્યા. પણ એટલામાં એમને ઘેરી વળતા સૈનિકોના માથાવાઢ ઘા પડવા મંડ્યા.

 એમાં એ ક્યારે પડ્યા, ક્યારે ઊગર્યા, કોણે ઉગાર્યા, એ કશાનું બેમાંથી એકેને ભાન રહ્યું નહિ.

બીજી પ્રભાતે તે જાગ્યા ત્યારે તો મંડળીના મંદિરમાં પડ્યા હતા. તેમની સાથે સેંકડો સૈનિકો હતા. સૌ સોમનાથ જવાની વાતો કરતા હતા. તુરુક પાટણને લૂંટીને ત્યાં જ રહ્યો હતો. અને ત્યાંથી પોતાની સેનાના ત્રણ ભાગ કરીને ત્રણ દિશામાં ધસ્યો હતો. એક ભાગ સ્તંભતીર્થ જઈ રહ્યો હતો. બીજો મોઢેરક ભણી જતો હતો. ત્રીજો સોમનાથ જતો હતો. ઉલૂગખાન સોમનાથ જતો હતો. માધવ મહેતાએ એ સાંભળ્યું. એના ઘા ઉપર હજી પાટાપીંડી હતાં. તે મંદિરમાં ગયો. જઈને મહાદેવને પ્રણામ કર્યા. બહાર આવીને એણે બધાને સોમનાથ ભણી તત્કાળ ઊપડવાની આજ્ઞા આપી. 

સૌએ એ વાતને જયઘોષથી વધાવી લીધી. 

તરત જ ઝડપી દોડથી એ બધા સોમનાથ જવા ઊપડ્યા.

સોઢલજી એ બાજુ જઈ રહ્યો હતો. પણ એના મનને નિરાંત ન હતી. તુરુકના તંબુમાંથી મહારાણીબાને છોડાવું તો સોઢલજી ખરો – એ વાતે એના મગજને દીવાનું બનાવી દીધું હતું. 

પણ તે પોતાની વાત અત્યારે તો પોતાના મનમાં રાખીને સૌની સાથે સોમનાથ ભણી ચાલી નીકળ્યો. 

માધવ મહામંત્રી અને સોઢલજી છેવટે સોમનાથ પહોંચી ગયા. પણ માધવ ત્યાં રણમાં પડ્યો. ત્યાં તુરુકનો વિજય થયો.

એટલે સોઢલજી બધી વ્યથાને મનમાં રાખીને પોતાની સાંઢણી ઉપર માર માર કરતો ત્યાંથી એકલો ચાલી નીકળ્યો.

એના મનમાં અનેક અગ્નિકુંડ ભર્યા હતા. એની વ્યથા ને વેદનાનો કોઈ પાર ન હતો. માધવ મહેતા પાસેથી એણે સાંભળ્યું, તે પછી મહારાણીબા ને સિંહભટ્ટ તુરુકના કબજામાં હોવા વિષે એને લેશ પણ શંકા ન હતી. વાઘોજીની શંકા સાચી ઠરતી હતી. 

પણ હવે શું થાય? એ એકલો રહ્યો હતો. એ મનમાં ને મનમાં બળીઝળી રહ્યો. બધે જ તુરુક વિજય મેળવતા ચાલ્યા. તુરુકોએ સોમનાથ લૂંટ્યું. સ્તંભતીર્થ લૂટ્યું. બીજા પણ અનેક નગરો લૂંટ્યા. લૂંટની સાંઢણીઓ અને ગાડાં ભરીભરીને લૂંટ ઉપાડી. એમણે પાટણમાં સેન રાખ્યું, ગુજરાતમાં એક નિઝામ રાખ્યો. 

ગુજરાતમાં એક મહાન બળવો ઉપાડવાની હવે તક હતી. સોઢલજીએ મોકલેલા વાઘોજી વિકોજી ભીલદળ ભેગાં કરી રહ્યા હતા, પણ સોઢલજીને ક્યાંય આરામ ન હતો. એ એકલો જાણતો હતો કે પાટણની મહારાણી તુરુકદલમાં છે. એ વ્યથા અસહ્ય હતી. ઘણી વખત અરધી રાતે એ જાગી જતો. એને સમુદ્રમાં પડવાનું, ઝેર પીવાનું, કટારી નાખવાનું, ડુંગરા ઉપરથી ભેરવજપ કરવાનું મન થઇ આવતું. એણે મહારાજને બાગલાણ મોકલ્યા હતા. અને એણે જ મહારાણીબા ને તુરુકને સ્વાધીન ન કર્યા?

માધવ મહેતો સોમનાથના રણમાં પડ્યો. એ ભાગ્યશાળી હતો. પોતાને એ ભાગ્ય ન મળ્યું. બાગલાણમાંથી મહારાજનો દુર્ગધ્વજ અણનમ ઊડતો રહે, એ જોવાની સોઢલને ઉત્કટ ઈચ્છા હતી. એણે સાંભળ્યું કે સેંકડો શસ્ત્રધારીઓ ત્યાં જઈ રહ્યા છે. 

પણ એ પોતે શું મોં લઈને મહારાજને મળવા જાય? મહારાજ કરણરાયના મનમાં તો હજી શંકા શંકાસ્વરૂપે જ હોવી જોઈએ. મહારાણી ને સિંહભટ્ટ ને દેવલ કરી રીતે ક્યાં હતાં, એ એમને માટે કોયડો બની ગયો હોવો જોઈએ. એણે સાંભળ્યું કે કરણરાયને પણ બાગલાણનો દુર્ગ હવે ખાવા દોડે છે. 

સોઢલ એકલો ગાંડાની જેમ તુરુકની છાવણીની આસપાસમાં ક્યાંક ને ક્યાંક પડ્યો રહેતો. એવામાં એણે સાંભળ્યું કે તુરુક મેદપાટને રસ્તે નહિ, ઝાલોરગઢને રસ્તે પાછો ફરવાનો છે. 

સોઢલજીના મનમાં હર્ષ વ્યાપી ગયો. એ રસ્તે તુરુક પાછો ફરે તો એને કાંઈક આશા પડી. કાન્હડદેવનો અજિતદુર્ગ ઝાલોરગઢ વચ્ચે પડ્યો હતો. ત્યાં કાંઈક નવાજૂની થાય – કોઈક વસ્તુ ફૂટી નીકળે, વખત છે, તુરુકની લૂંટ રણમાં જ રહી જાય. 

પણ એમ તુરુક જમાનાનો ખાધેલ હતો. અને વઝીર નુસરતખાન તથા સિપાહસાલાર ઉલૂગખાન જેવાતેવા સરદારો ન હતા. એમણે રસ્તો એવો લીધો કે બનતા સુધી કોઈ દુર્ગ આડે આવે નહિ. કોઈ સ્થળ પણ એવું આવે નહિ કે એમને લડાઈમાં ઉતરવું પડે. મુકામ કરતું કરતું એમનું બધું સેન ઝાલોરગઢ તરફ ચાલ્યું. લૂંટનો માલ, સેંકડો ગાડાં, હજારો સાંઢણીઓ, હાથી, ઘોડાં. પાયદળ, તમામ ઝાલોરગઢથી નવેક કોશ દૂર સકરાણમાં મુકામ નાખીને પડ્યાં.

ત્યાં બેચાર દિવસ આરામ લઈને પછી એ આગળ જવા માગતા હતા.

હજી દિલ્હી આઘે હતું. પણ મુખ્ય ભય ગયો હતો. એમની સાથે લાખોકરોડોની લૂંટનો માલ હતો. હવે કોઈ રુકાવટ ન હતી. બધા આનંદમાં હતા. લશ્કરમાં મોજશોખ ચાલતા હતા. 

આહીં એમનાં મુકામથી ઝાલોરગઢ કોઈ કોઈ વખતે આકાશ સ્વચ્છ હોય ત્યારે દેખાઈ જતો.

ઉલૂગખાન અને નુસરતખાન એમની તરફ તૃષ્ણાભરી, ઘૃણાભરી દ્રષ્ટિથી જોઈ રહેતા. 

એક વખતે એ પણ પડવાનો, એટલું જ આશ્વાસન અત્યારે હતું. એમને યાદ હતું કે પાટણ જવા માટે રસ્તો માંગ્યો, ત્યારે આ ઝાલોરગઢે ધરાર ના પાડી હતી.

એ જલ્દીથી આ પ્રદેશ છોડી જવા માગતા હતા. એટલામાં એમની પાછળ રખડતો સોઢલજી પોતાની સાંઢણી ઉપર ઝાલોરગઢ પહોંચી ગયો હતો. તે જઈને સીધો કાન્હડદેવને જ મળ્યો.

પાટણ પડ્યું એ વાતની કાન્હડદેવને કાંઈ ખાસ અસર ન થઇ. રાજ્યો પડતાં આવે, રાજાઓ મરતા આવે, વેર લેવાતાં આવે – એ પ્રણાલિકાના આ અણનમ યોદ્ધાને, એ વાત ન ખૂંચી, પણ બીજી એક વાત એને ખૂંચી રહી હતી. એ વિષે એણે ક્યારની તપાસ પણ માંડી હતી. પોતે આંહીં બેઠો હોય, ને સોમૈયા ભગવાનને સુરત્રાણ લઇ જાય એમ? એને દિલ્હી સાથે સંધિ હતી. વચન આપ્યું હતું. છ મહિના ઝાલોરગઢને કોઈ સતાવે નહિ એવી વાત એણે કરી હતી. તેની ભ્રુકુટી વાંકી થઇ ગઈ. છ મહિના પછી દિલ્હી ને ઝાલોર લડવાનાં હતાં. 

તે તરત સુરત્રાણના લશ્કરગાહને જોવા માટે દુર્ગ પર ચડ્યો.

સોઢલજી એને ઉપર જતો જોઈ રહ્યો. એને પોતાની વાત સફળ થતી લાગી.

કાન્હડદે જાગે, તો સિંહ જાગે.

અને પછી શું થાય એ કોને ખબર?