૨૩
એકલવીર!
માધવ પવનવેગે પાછો ફરી રહ્યો હતો. તેના ઉપર નિષ્ફળતાની કાલિમા લટકતી હતી. પણ તે સૌને વેળાસર ચેતાવી દેવા માગતો હતો. સુરત્રાણ તીડનાં ટોળાં જેટલું સેન લઈને આવશે એ ચોક્કસ હતું. ઉલૂગખાન ને મલેક નુસરતખાન એની પાછળ જ નીકળવાના એ નક્કી હતું.
એણે અજયગઢ આબુનો પંથ લીધો હતો. પણ ત્યાંથી ફંટાઈને એ મુહડાસા તરફ જવા નીકળ્યો, એ ત્યાંના દુર્ગપતિને ચેતાવી દેવા માગતો હતો. માધવ મજલ દરમજલ કરતો ઝડપથી મુહડાસા પહોંચ્યો.
મુહડાસાના બત્તડદેવને પોતાના બળ ઉપર ઘણો વિશ્વાસ લાગ્યો. માધવે વિચાર્યું કે જો બધાને ભડકાવવામાં આવશે, તો પાટણના કિલ્લામાં માણસો સમાશે નહિ. પણ દિલ્હીનો આ તુરુષ્ક બાદશાહ જેવોતેવો નથી એનો કાંઇક ખ્યાલ બત્તડદેવને આપવા માટે આપવા માટે, માધવ બત્તડને પોતાને એકાંતમાં મળ્યો.
‘બત્તડદેવજી! હું દિલ્હીથી આવું છું. મારી વાંસોવાંસ બાદશાહનું સેન આવી રહ્યું છે. એનો રસ્તો આ જ છે.’
‘ભલે રહ્યો પ્રભુ! બત્તડ જીવતાં આંહીંથી કોઈ મારગ કઢાવી રહ્યો!’
‘બત્તડદેવજી! આ તો મોટું સેન આવી રહ્યું છે. તીડનાં ટોળાંની જેમ એ આવવાના.’
‘તો તીડનાં ટોળાંની જેમ જ મરવાના!’
‘પણ આ તો સામે હજારોનું સેન હોય, ને તમે પાંચસો-સાતસો મેદાનમાં હો, એવી વાત થવાની છે બત્તડદેવ! હું દિલ્હીમાં જોઇને આવ્યો. ત્યાં પાયદળનો પર નથી. ઘોડાંનો પાર નથી. હાથીઓનો પાર નથી. વળી મીનજનિકનો પાર નથી!
‘એ શું છે?’ બત્તડે પહેલી વખત જરાક દરકાર બતાવી.
‘એમાંથી મોટા મોટા પથરા આવવાના. તમારો કિલ્લો આખો પથરાથી ભરાઈ જશે. એક તસુ જમીન ચાલવાની નહિ રહે. એવી એ ભયંકર કરામત છે. કે’ છે આગ પણ વરસાવે છે!’
‘વરસાવે ભા! બધું વરસાવે. એનું કામ વરસાવવાનું. આપણું કામ દરવાજા ઉઘાડા મૂકીને દોડવાનું. વરસાવવાવાળા કાંઈ દેવ તો નહિ હોય? એય માણસ હશે નાં? માણસના મોતે એ મરશે. એટલે પાણા વરસવા બંધ થશે. એમાં મોટી શી શેખ મારવાની હતી પ્રધાનજી?’
‘તો બત્તડજી! મારે તમને એક વાત કરવાની છે.’
‘શી?’
‘સુરત્રાણ દેખાય કે તરત પાટણમાં સંદેશો મળવો જોઈએ.’
‘એ તો તરત મળે પ્રભુ! છ કોશ આઘે કોઠા ઉપર અમારો વાઘોજી બેઠો છે. જેવાં સુરત્રાણના માણસ દીઠાં કે એ પાટણ ઉપર ખંખેરી મૂકશે. એની પાસેની રણપંખણીને આટલા પંથકમાં તો કોઈ પહોંચી રહ્યો!’
‘ખરેખર? ત્યારે તો વાઘોજી સમાચાર દેવા આવે તો મને મળ્યા વિના પાછા ન ફરે, કહેજો. ને જો હું તમને કહું, આપણે જોતા એ જુદ્દ જુદાં હતાં. આ જુદ્ધ જુદાં છે.’
‘જુદ્ધ બધાં એકનાં એક પ્રભુ! જુદ્ધમાં અમારે જશ લેવાનો છે એટલું હું જાણું. તમારે બત્તડજી કાંઈ કહેવાપણું નહિ રાખે. સુરત્રાણ ભેગો આવ્યો હશે તો તો એને જ આંહીં તળ રાખ્યે છૂટકો છે એમ સમજો ને!’
‘પણ બત્તડજી! તમે જેટલો થાય એટલો ટકાવ રાખજો મરવા-મારવાની ઉતાવળ કરતા નહિ. આપણે પાટણને તૈયારીનો વખત આપવાનો છે. ખરું, ઉપયોગી કામ એ છે, લડાઈ લંબાવવાનું.
બત્તડદેવને માધવની એ વાત બહુ ગળે ઉતરી નહિ. એને થયું કે મરવા-મારવાની વાત ટાળવાની હોય તેઓ એ જુદ્ધ શાનું? એ તો છોકરાની ઘોલકી રમત થઇ.
તેણે બે હાથ જોડ્યા: ‘જુઓ પ્રભુ! હું મારી પેટછૂટી વાત કહી દઉં. આ કોટકિલ્લો મારો છે. હું જન્મ્યો ત્યારથી એની છાયામાં રમ્યો છું. એનો એક પથ્થર સાજો હશે, ત્યાં સુધી આહીંથી હું ખસવાનો નથી. અને સુરત્રાણ જેટલું સેન લાવતો હોય તેટલું ભલે લાવે. આંહીંના અમર કિલ્લાનું એક માણસ જીવતું હશે ત્યાં સુધી એનું સેન આગળ વધવાનું નથી. બસ? અને મારા તો આંહીં રાઈ રાઈ જેવડા કટકા થઇ જશે, ત્યાર પછી, ઈ ગગો મુહડાસાનો દરવાજો દેખશે. એની પહેલાં નહિ!’
માધવ મહેતો આ એકલવીરને મનમાં નમી પડ્યો. બીજે દિવસે એ પાટણ તરફ ઊપડી ગયો. એ જાણતો હતો કે આ વીર બત્તડદેવનો એની સાથે છેલ્લો મેળાપ હતો. અસંખ્ય વીરોની ભૂમિ ગુજરાતને પોતાના જ જમાનામાં કષ્ટ જોવાનો વખત આવ્યો અને પોતાના જમાનામાં આ મહા સંકટ આવ્યું. એ વિચારે એ કાંઈક ખિન્ન થઇ ગયો હતો પણ બત્તડદેવના શબ્દો સાંભરતા એને આનંદ આનંદ થઇ જતો હતો.
એને પોતાને પણ લાગતું હતું કે છેવટે મજા તો મરવામાં જ છે. અને મરવાના સમયે જે જીવતો રહે છે, એના જેવો મૂરખો પણ બીજો કોઈ નથી. માધવના ગયા પછી થોડે દિવસે એક વખત બત્તડદેવ પોતાના નાનકડા કોટ કાંગરાના કિલ્લા ઉપર ઊભીને નમતી સંધ્યાના ઢળતાં સૂરજકિરણોને જોઈ રહ્યો હતો. દૂરદૂર સુધી ચાલી જતી નાની મોટી ડુંગરમાળાઓ નિર્જન બની જતી હતી. પશુઓ સીમમાંથી પાછાં ફરતાં હતાં. પંખીઓ ઉતાવળે માળા તરફ વળી રહ્યાં હતાં. માણસો ઘર ભેગાં થવાની ઉતાવળમાં હતાં. ક્યાંય સુધી પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિ નાખતો બત્તડ ત્યાં ઊભો હતો. પાસે કેટલાક નાનામોટા સૈનિક ઊભા હતા.
‘ભા! હંમીર હવે આવી રહ્યો.’ બત્તડ ચારે તરફ નજર કરતો બોલ્યો: ‘આવવું હોય એ આટલા દી વાટ જુએ? માધવ મહેતે મફતના ભડકાવી માર્યા. એય જાણે નાં, આ મારગે મફતના ભડકાવી ભેખડે ભરાવું? બીજી ચૌદે દશ મોકળી પડી છે. કાં મુગલાનાં ટોળામાં ગોઠવાઈ ગયો! ને કાં મારગે ઉતરી ગયો!’
બત્તડદેવનું વાક્ય પૂરું થયું ન થયું, ત્યાં એક સૈનિક વધારે ઝીણવટથી આઘે સુધી નજર નાખતો, આગળના ભાગમાં અગ્યો.
‘કેમ શું જુઓ છો?’
‘કોક ઓઢી આવતો લાગે છે! માર માર કરતો આવે છે!’
‘કઈ દશમાં?’ બત્તડદેવ પણ ઊભો હતો ત્યાંથી આઘે ગયો. બીજા સૈનિકો પણ ઓઢીની દિશામાં જ જોઈ રહ્યા.
‘છે તો આપણો જ જણ,’ બત્તડ બોલ્યો: ‘કોણ હશે?’
‘દશ તો આણીકોરની છે, એટલે કોઈક પાટણ જાવાવાળો લાગે છે.’
હજી એમની વચ્ચે વાત ચાલી રહી હતી, ત્યાં તો એ દરવાજા પાસે જ ઓઢીએ આવીને સાંઢણી ઝુકાવી દીધી.પંખણીની જેમ એ આવી હતી. પળ બે પળમાં તો એના ઉપરથી માણસ ઉતર્યો તેવો જ બુરજ ઉપર દોડતો આવ્યો. એણે આંહીં માણસોને જોયા હતાં.
‘બત્તડજી! બત્તડજી! ક્યાં ગયા બત્તડજી?’ તે ઉતાવળે બોલતો દોડતો આવ્યો.
‘અરે! આ તો આપણા સોઢલજી! કેમ સોઢલજી! કેમ? શું છે? કેમ આટલા હાંફો છો? શું થયું છે?’
‘અરે! બત્તડજી!’ સોઢલજી ઉતાવળે બોલવા માંડ્યો: ‘તુરુકનાં ટોળેટોળાં ધસ્યાં આવે છે. હજારો ઘોડાં છે. સેનનો પાર નથી. અગનગોળા ફેંકતા આવે છે. મુલક લૂંટતા આવે છે. બાલતા હવે છે. માણસોને પકડતા આવે છે. ટોળેટોળાં આવે છે!’
‘પણ છે ક્યાં? કેટલાક છે? તમે ક્યાં જોયા?’
‘ગણાય એટલા નથી બત્તડજી! ઈલદુર્ગ માથે ત્રાટક્યા છે. હું ધોડતો તમને એ કહેવા આવ્યો છું!’
‘ઈલદુર્ગ આવી ગયા છે?’
‘આવી ગયા!’
‘જમણી બાજુ કાળો ઝંડો ફરકે છે. ડાબી બાજુ લાલ ઝંડો ફરકે છે. સુરત્રાણનો ભાઈ ભેગો છે. એનો બનેવી ભેગો છે. એનો ભાણેજ ભેગો છે. મોટું લાવલશ્કર લાગે છે. હજારો ઊંટ છે. એક અઠવાડિયામાં તમારે ત્યાં નગારાં વાગશે!’
‘ભલે આવતા ભા! આંહીં અમે એટલા માટે જ ઊભા છીએ! ભગવાન સોમનાથે જુદ્ધ દેખાડ્યું ખરું. મનમાં થાતું ‘તું કે કાં તો ખાટલો ઢાળવો પડશે, ત્યાં તો આવ્યું બાપ! ભલે આવ્યું. આવ્યું ઈ આંખ માથા ઉપર!’
‘અરે! પણ બત્તડદેવ! તમને ખબર લાગતી નથી. એની પાસે સાત સાગર જેટલાં માણસ છે. આંહીં તમારી પાસે માંડ ત્રણ હજાર સૈનિક હશે. એ આગ વરસાવે એવી ગાડીઓ ભેગી લાવ્યો છે!’
‘કાંઈ ફકર નહિ સોઢલદેવજી! ક્યાં બે વખત મરવાનું છે? આંહીં જો ગગાને તળ ન રાખું તો બત્તડદેવ નામ નહિ! કાલે વાઘોજી ખબર લાવશે. આપણે તૈયારી કરી લ્યો!’
‘આપણે બીજી શી તૈયારી કરવાની છે?’ પડખેથી કોક બોલ્યો: ‘ત્રણ ત્રણ તલવાર બધાયને આપી દીધી છે. કેસરિયાં કપડાં વહેંચી માર્યા છે. દરવાજા કાંઈ બંધ રાખવા નથી. ગામના માણસ તો બધાંય આડાંઅવળાં ભાગી ગયા છે. બીજી તૈયારી શી કરવાની છે? બાયડી છોકરાં બોલી ગ્યાં છે કે તમે ત્યાં મરશો, તો અમે જીવતાં રે’શું; પેઢી દર પેઢી વેર લેતા આવશું; પણ જો જીવતા આવશો, તો જ અમારે મરવાનું છે!’
બત્તડદેવજીની પડખે ચારે તરફ સોઢલજીએ જોયું. નફકરા વીર મરણિયાઓની એક ટોળી ત્યાં જ ઊભી હતી. સુરત્રાણના હજારોના સેનનો જાણે આંહીં કોઈ ભય જ ઊભો થયો ન હતો!
એક પળભર તો સોઢલજી પણ ડગી ગયો. એને થઇ આવ્યું કે હું પણ આંહીં જ મરુ. પાટણના રેતમેદાન કરતાં આંહીં હરિયાળા ડુંગરા તો છે. પણ એને કરણરાયની મૂર્તિ નજરે ચડી આવી.
પોતાની પાસે ચાંગદેવનો સંદેશો હતો, એણે જલ્દી પહોંચવું જોઈએ. તેણે બત્તડજીને ખભે હાથ મૂક્યો: ‘બત્તડજી! આમ આવો તો!’
બત્તડજી ને સોઢલજી એક તરફ ગયા.
‘શું? કેમ શું છે સોઢલજી?’
‘હું દેવગિરિના વિખ્યાત જોશી પાસે ગયો હતો. ચાંગદેવ પાસે. એનો સંદેશો ભયંકર છે. તમે આવો તો આપણે મહારાજને સમજાવીએ!’
‘શું સમજાવવાના છે?’ બત્તડને નવાઈ લાગી. સોઢલજી ગંભીર થઇ ગયો.
‘બત્તડદેવ! આપણે થોડાક કપાઈ મરીએ તેનો વાંધો નથી. પણ પાટણનું છાયાછાત્ર ઢળી જશે, તો પછી થઇ રયું. ચાંગદેવ કહે છે, હમણાં નમતું જોખશો તો વંશવેલો વૃદ્ધિ પામશે. રાજ રહેશે. શહેર બચશે. પા સૈકા પછી પાછા ચડિયાતા દ’ન આવશે. પણ જો સામનો કરશો, તો સર્વનાશ થાય – રાજ ન રહે. કરણરાય ન રહે. કોઈ ન રહે. કોઈ ન રહે તેવું નિર્માણ છે!’
‘કોણ આ કહે છે?’
‘ચાંગદેવ. એના જેવો કોઈ જોશી નથી. કોઈને કાંઈ કહેતો જ નથી. કહે છે એ ફરતું નથી. એણે આ કહ્યું છે. મહારાજ હમણાં નમતું જોખે ને પછી ઊભા થાય...’
બત્તડદેવનો હાથ તલવાર ઉપર જ ગયો. તે મોટા કડક અવાજે બોલી ઊઠ્યો: ‘સોઢલજી! પાટણનો રાજા નમે એના કરતાં ભલે ઝેરનો વાટકો પી જાય.’
‘અરે! પણ બત્તડજી...’ સોઢલજી બોલવા જતો હતો, પણ બત્તડદેવે તેને અટકાવી દીધો, ‘તમે આંહીંથી ઝટ રવાના થઇ જાઓ સોઢલજી! ભૂલેચૂકે જો આમાંથી કોઈ જાણશે, કે તમે મહારાજને આવી નમવાની વાત કહેવા માટે જઈ રહ્યા છો, તો તમને આંહીં તળ રાખશે. મારી પાસે વાત કરી તે ભલે કરી. આંહીંનો દુર્ગ તો અમારાં મડદાં થાય પછી જ તુરુકને હાથ જાશે. આંહીં એકે જીવવાનો નથી. અમે એમ જીવવામાં માનતા નથી. અમે પાટણના રક્ષક છીએ ને અમારે અમારું કામ કરવાનું છે. તમારે ત્યાં એ આવે, પછી તમતમારે જે ભેદભાવ રમવા હોય તે રમ્યા કરજો!’
સોઢલજીને લાગ્યું કે બત્તડજીએ તુરુકનું સેન જોયું નથી, એટલે આ બધી વાતો કરી રહ્યો છે. પણ પોતાને તો જલ્દી પાટણ જવાનું હતું. એટલે તેણે બત્તડને ચેતવ્યો. ‘બત્તડજી! મીનજનિકમાંથી આગગોળા તુરુક વરસાવશે, તો તમે માટી રેતીના કોથળે કોથળા તૈયાર કરાવો.’
‘અમારે કાંઈ કરવાપણું નથી. સોઢલજી! સામે સમંદર જેટલું સેન હશે, તો એને કાપીને પણ અમારે તો આગગોળાવાળાને જ ઠામ કરવાના છે. એ બધી વાત થઇ ગઈ છે. અમે આંહીં બધું પરવારીને જ બેઠા છીએ. આંહીં હવે કોઈને મરણનો ભે નથી, કે જીવવાનો મોહ નથી. તુરુકને મારવા સિવાય બીજું કોઈને કાંઈ કામ નથી. તમે ઊપડો.’
સોઢલજીએ બત્તડનું આ એકલરંગી રૂપ નવું જ જોયું. એને ગયા વિના છૂટકો ન હતો. એનું મન અંદરથી પોકાર કરી રહ્યું હતું કે, ‘અલ્યા! આ માણસે તો આંહીં મરણને, જીવન કરતાં પણ મોટું બનાવી દીધું છે. રહેવાની ખરી મજા તો આને પડખે જ છે!’
પણ તેને તો પાટણ જવાનું હતું.
તે બત્તડને ભેટી મળીને એકદમ પાટણ તરફ જવા માટે ઊપડ્યો.