૨૨
માધવનો જવાબ
ઉલૂગખાન અલાઉદ્દીનનો ભાઈ હતો. ગુજરાતની ચડાઈનો ભાર તેના ઉપર ને નુસરતખાન ઉપર પડ્યો હતો... બંનેએ વિચાર કર્યો હતો. માધવ પાસેથી મેળવવા જેવી હકીકત મેળવી લેવા પ્રયત્ન કરી જોવો. દાણો દાબતાં માધવ ડરતો લાગે, તો ગુજરાતની વજીરાત એને આપવાની લાલચ પણ દેવી. અત્યારે ઉલૂગખાન એટલા માટે જ માધવની સાથે આવ્યો હતો. થોડી વાર થઇ ત્યાં એક બીજો ઘોડેસવાર આવી પહોંચ્યો. નુસરતખાન પણ આવી ગયો.
માધવને વધારે વિશ્વાસ જેવું લાગે એટલે દેવગિરિથી પકડાયેલો એક ગુજરાતી ત્યાં આણવામાં આવ્યો હતો.
પણ આ બધો વખત માધવ વિચારમાં પડી ગયો હતો. મેદપાટનું એનું કામ નિષ્ફળ ગયું હતું, એ તો ઠીક. એ નિષ્ફળ જવાનું જ હતું, પણ આંહીં માટે એના મનમાં કંઈક કલ્પના હતી. કેટલીક આશાઓ હતી. પોતે ખંભાતના બંદરની વાત કરીને, સુરત્રાણને ઈરાનમાંથી ઘોડા જલ્દી પહોંચાડી દેવાનું કહેશે. એ રીતે એને મોગલોના સામનામાં મોટી મદદ આપશે. આવી કાંઈક વાતો એના મનમાં એણે ગોઠવી રાખી હતી.
પણ એ બધી એમને એમ રહી ગઈ. અલાઉદ્દીન તો જેમ દેવગિરિ પહોંચ્યા પછી કહ્યું હતું કે હું લડવા માટે આવ્યો છું. તમે લડો અથવા નમો ને ધન આપ્યો. તેના જેવો જ એનો અત્યારનો દરબાર સંવાદ થઇ ગયો. એની વાત સ્પષ્ટ હતી.
અમારે ગુજરાત ઉપર જવું છે; ખંભાયત કેવું છે તે કહો. રસ્તો ટૂંકો હોય તો બતાવો.’
જો બતાવો, તો શરૂઆતમાં માન-અકરામ આપે. કામ પૂરું થયે ફેંકી દે.
જો ન બતાવો તોપણ કાંઈ નહિ. એમને લડવાવાળાને લડવા જતાં કોણ રોકવાનું હતું? આંહીં તો આ વાત હતી.
માધવ વિચાર કરી રહ્યો. આમાં શું રસ્તો હતો? લડાઈ સિવાય બીજા રસ્તાની આવા સાથે કલ્પના કરનાર પણ મૂર્ખ જ હતો.
એવા મૂરખા થઈને મરવા કરતાં, સારી રીતે મરવામાં કાંઈક ગૌરવ તો હતું. માણસ માણસની રીતે મરશે તો દુનિયા એને જીવ્યો તો માનશે.
માધવે નિર્ણય કરી લીધો. ઉલૂગખાન સાથે સમાધાનની કોઈ વાત કરવાની જ ન હતી. લડાઈ શરુ થઇ ગઈ હતી, એમ જ માનવાનું હતું.
પરિણામ ભગવાન સોમનાથને હાથ હતું. સોમનાથ પાસે એનું મરણ થાય એટલું જ એને બ્રાહ્મણ માટે પૂરતું હતું.
કારણ કે સમય જ બદલાઈ ગયો હતો. એને હાથે ગુજરાતને રોળવાનું જાણે કે, કાલદેવનું નિર્માણ હતું. પોતે તો માત્ર એક સોગઠું હતો. રમનારો કોઈ બીજો જ હતો. બ્રાહ્મણ સંસ્કૃતિમાં દિલમાં છેવટે આ નબળું તત્વજ્ઞાન જાગ્યું, એ નબળાનું સબળાનું જેનું હોય તેનું, પણ અત્યારે તો એ એક જ આધાર હતો. બીજો કોઈ ઉપાય એને દેખાતો ન હતો.
હા, બીજો એક ઉપાય હતો. બધા ભેગા થઈને એક જબરજસ્ત સામનો ઉપાડે તો.
પણ એ તો સાહજિક રજપૂતી દેશભાવનાથી પ્રેરાઈને, એક પછી એક ભેગા થાવા દોડે તો થાય તેમ હતું, વાવંટોળની માફક આવતો સુરત્રાણ વખત રહેવા દે તેમ ન હતું.
ઉલૂગખાન નુસરતખાને માધવને કહ્યું: ‘વજીરજી! અમે તમને બાદશાહતના થંભ માનીએ છીએ. તમારી પણ ગુજરાતમાં ઘેલા જેવા રાજાને હાથે કાંઈ થોડી બેઈજ્જતી નહિ થતી હોય! તમે દિલ ખોલીને વાત કરો. બોલો તમે કેમ આવ્યા હતા?’
‘મેં એ બાદશાહ સલામતને કહી દીધું. કાશ્મીર દેશથી મારે ઘોડાં લાવવાના છે. આ નગર વચ્ચે આવ્યું. આંહીં રોકાયો. કાલે મારે નીકળવાનું છે!’
‘અરે! હોય કાંઈ? હજી તમે આ શહેરમાં શું જોયું છે? અમરે તો તમને ગુજરાતની વજીરાત સોંપવી છે. એ રીતે તમને માન આપવાનું છે!’
માધવ સમજી ગયો. પોતે નજરકેદમાં હતો. આ બધી સફાઈ ભરી વાતો હતો.
‘જુઓ, હું તમારા લાભની વાત કહું.’
‘શું?’
‘તમારે ત્યાં મોગલોનાં ધાડાં ને ધાડાં આવે છે.’
‘તે તો આવે. ચાલીસ વર્ષથી આવે છે!’
‘એ કોઈક વખત ભારે પડી જશે. તમે દેવગિરિને પાદર બેઠા હશો, ને આંહીં દિલ્હી ખોવાઈ જશે.’
‘તે જોવાનું બાદશાહ સલામતને છે. અમારે તો એમનો હુકમ ઉઠાવવાનો છે.’
‘તમને મોગલોની અડચણથી ઘોડાં મળતાં નથી, એમ મેં સાંભળ્યું છે. સાચું?’
‘હા, સાચું.’ ઉલૂગખાને હિંમતથી જવાબ આપ્યો.
‘ત્યારે હું તમને ખંભાત બંદરેથી ઘોડાં પૂરાં પાડું. ઈરાની ઘોડાં ત્યાં આવે. ત્યાંથી તમારે ત્યાં સુધી પહોંચતાં કરું.’
‘અને બદલામાં?’
‘ગુજરાતની તમે દોસ્તી કરો. અમે તમારી દોસ્તી રાખીએ. કોઈ કોઈના દુશ્મન નહિ.’
‘ઉલૂગખાન અને નુસરતખાન બંને હસી પડ્યા. ગુજરાત સામનો કરે તેટલું બળવાન લાગતું નથી, એ વાત બંનેએ પકડી પડી. તેમણે હસતાં હસતાં જ કહ્યું: ‘તમારે ગુજરાતની વજીરાત જોઈએ છીએ? ગુજરાતના વજીર થવું છે? તમે નહિ થાઓ, તો કોઈ બનિયો થશે!’
માધવ વિચારમાં પડ્યો લાગ્યો. બંને સરદારો મૂછમાં હસી રહ્યા. દેશની લશ્કરી નબળાઈ, માધવે સમાધાનની વાત કરીને પ્રગટ કરી દીધી. એને વિચારમાં પડેલો જોઇને, આંતરિક નબળાઈ બંને જણાએ પકડી પાડી.
માધવે માથું ધુણાવ્યું: ‘હું તો રાય કરણના કામે નીકળ્યો છું.’
નુસરતખાને કાંઈ ન હોય તેમ કહ્યું: ‘તો તમે આંહીંથી જ પાછા ફરો.’
‘કેમ?’
‘કેમ શું? અમે સૈન્ય લઈને તમારે ત્યાં આવવાના છીએ એમ!’
‘પણ કારણ? કારણ શું?’ માધવે ઉતાવળી વ્યગ્રતાથી પૂછ્યું.
‘અરે! લડાઈનાં તે ક્યાંય વળી કારણ હોતાં હશે? અમારે લડવું છે, એ કારણ. જીતવા નીકળનારો એમ બૈરાવેડા કરતો હશે? તમે પણ વજીરજી ખોટો ખ્યાલ છોડી દેજો. જોઈતી હોય તો ગુજરાતની વજીરાત તમારે ઘેર આવી છે. અમારી સાથે ચાલો એટલી જ વાર. ન જોઈતી હોય તો ઝટપટ દિલ્હી છોડીને નીકળી જાઓ. તમને રોકનારું કોઈ નથી. રોકવાનો ખ્યાલ પણ નથી. તમારા રાયને જઈને ખબર કરો. અમે આવી રહ્યા છીએ. આ કાંઈ દેવગિરિવાળી વાત નથી. આ તો છડેચોક હજારોનું લશ્કર ગુજરાત તરફ આવવાનું છે. બોલો, તમારો શું જવાબ છે?’
‘શાનો?’
‘ગુજરાતની વજીરાત તમારે આંગણે આવી છે એનો!’ ઉલૂગખાન બોલ્યો.
માધવ મહેતો એના અસલી રૂપમાં આવી ગયો. એ મૂર્ખ હતો, અભિમાની હતો, અવ્યવહારુ હતો, બધું હતો, પણ દગાખોર ન હતો. એ તો નાગરની રાયજીની જાતનો મરણિયો વિશ્વાસુ જોદ્ધો હતો. ઉલૂગખાનનો શબ્દ સાંભળતાં તેનો સીનો ફરી ગયો. આંખ લાલ થઇ ગઈ. હોઠ ધ્રૂજવા લાગ્યો. ચહરો તામ્રવર્ણ બની ગયો. તેણે અક્કડ ગર્વીલા ડંખીલા અવાજે કહ્યું: ‘વજીરાત, આપવાવાળા તમે? તમે કોણ? ઘેટાં ખાવાવાળા મને બ્રાહ્મણને વજીરાતની ભેટ આપી જશો? સારંગજી! તેણે મોટેથી બૂમ મારી: ‘આપણો રસાલો તૈયાર કરો. આપણે હમણાં જ નીકળી જવું છે!’
બંને સરદારો વધારે મોટેથી, વધારે મશ્કરીભરેલું હસી પડ્યા: ‘બહુ બળ બતાવોમાં વજીરજી! ખુદાનો અહેસાન માનો કે બાદશાહ સલામત તમારે ત્યાં દંગલ જગાવવા પોતાના બહાદુરમાં બહાદુર સરદારોને મોકલે છે. તમને ખબર છે, જાલોરગઢ લેવા કોણ જવાનું છે?’
‘કોણ?’
‘કોણ તે એક બાંદી. એક દાસી એક લોંડી. ગુલબહિશ્ત એનું નામ. એને હાથે તમારા કાન્હડદેવને હાર આપવાની છે. કોઈ સરદારને હાથે નહિ. હવે તમતમારે દોડો! પણ રહો. અયે! ઇક્કાજી! અયે! પંજૂજી!
જવાબમાં તાડના ત્રીજા ભાગ જેવો એક જબરજસ્ત મલ્લ હાજર થયો. એના પગથી જાણે ધરતી ચંપાતી લાગી. તે ત્યાં આવીને ઊભો. અને માધવ તો એના લોખંડી દેહ સામે જોઈ જ રહ્યો. પહેલાં તો એને થયું કે આ કોઈ લોખંડની જ મૂર્તિ છે. એની આંખો ફરતી દીઠી ત્યારે લાગ્યું કે ના છે તો માણસ!
‘પંજૂજી! યે નહરવાલા કા વજીરજી હૈ, ઉસકા કુછ દિલ બહલાવો. આજ વો હી હયરાન પરેશાન હો ગયા હૈ!’
પંજૂજીએ નાનકડી ચણા જેટલી જ કાંકરી ઉપાડી. પાસે નાનકડી રમકડા જેવી મીનજનિક પડી હતી. તેના તારદોરમાંથી એણે એને ઉપર ઉડાડી. તીરના અવાજ જેવો સણણ અવાજ કરતી એ કાંકરી ઉપર ગઈ. એક પળમાં એક સમડી તરફડતી, નીચે મેદાનમાં આવી પડતી દેખાઈ.
‘રાયજીને કહેજો,’ નુસરતખાન બોલ્યો, ‘હાથીદળ પાછળ રાખે. આગળ ઢગલો થઇ પડશે તો પછી કોઈ લડી નહિ શકે. આ પંજૂજી અમારી સાથે છે. તમને ત્યાં મળશે બસ.’
માધવ મહેતો બોલ્યા વિના જ પોતાના માણસો પાસે પહોંચી ગયો હતો. એકદમ બધા રવાના થયા. એમને ઉતાવળે જતા જોઇને બંને સરદારો હસી પડ્યા!
માધવ બહાર નીકળ્યો. પણ સામે મેદાનમાંનું એક દ્રશ્ય જોતાં બંને સરદારો ઠંડા થઇ ગયા.
‘ત્યાં દેવગિરિના યાદવને ત્યાંથી આવેલા ડુંગર જેવા હાથીઓની સેંકડોની હાર ઊભી હતી. અને તેમાંના દરેકને તીર* ફેંકવાની તાલીમ અપાતા મહાવતો હુકમ છોડી રહ્યા હતા.
* That elephants were taught those useful exercise is evident from Sinar Narma of Nizami.