Raay Karan Ghelo - 2 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 2

પાટણની હવા

 

પણ રાજા હજી પૂરેપૂરો જાગ્રત થયો ન હતો. જે દ્રશ્ય એણે જોયું હતું. તેની ઘેરી અસર હજી પણ તેના મન પર ચાલી રહી હતી પળ બે પળ એ ધરતીની સામે એકીટશે જોઈ જ રહ્યો. પછી જાણે અચાનક નિંદ્રામાંથી જાગતો હોય તેમ બોલ્યો: ‘સોઢલજી! રાત્રિ કેટલીક ઘટિકા બાકી હશે?’

રાજાનો સોઢલજી ઉપર કૌટુંબિક જેવો પ્રેમ હતો. સોઢલજીને પણ રાજા કરણરાય સમાન કોઈ માનવી દેખાતો ન હતો. દ્વારપાલ કરતાં એ મહારાજના અંતેવાસી મિત્ર જેવો વધારે હતો. તેને રાજાની સામે જોતાં નવાઈ લાગી. તેણે હાથ જોડીને કહ્યું: ‘મહારાજ! રાત્રિ બેએક ઘટિકા બાકી હશે. કોઈને બોલાવવા છે પ્રભુ?’

પણ રાજા પાછો વિચારમાં પડી ગયો હતો. એ રાજગાદી ઉપર આવ્યો ત્યારથી જ હંમેશાં કોઈ ને કોઈ દિશામાં ગુજરાતની સીમાઓ છિન્નભિન્ન થવાના સમચાર પાટણમાં આવતા રહ્યા હતા. મેદપાટ (મેવાડ), મરુભૂમિ (રાજસ્થાનનો કેટલોક ભાગ), ચંદ્રાવતી (આજનું અંબાજી), અર્બુદમંડળ (આબુ પર્વત), ઉત્તર કોંકણ (થાણે), લાટ (ભરૂચ-સુરત વચ્ચેનો વિસ્તાર), ઈલદુર્ગ (ઇડર) – બધે ઠેકાણે પાટણ હતું, અને ન હતું. એનું નામ ધીમે ધીમે ભૂંસાતું, લુપ્ત થવાની તૈયારી કરી રહ્યું હતું. માલવા ને  યાદવ – એમણે સ્વતંત્રતા જ ધારી હતી. માલવાના પરમારોમાં અત્યારે તો રાણા હમ્મીરની હાક વાગતી હતી. દેવગિરિમાં (મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગો) યાદવ રામચંદ્ર મહાન થઇ પડ્યો હતો. 

જેમ પૃથ્વીરાજના સમયમાં લઘુ ભીમદેવ મહારાજને ચારે તરફ સીમાઓ હતી ને ચારે તરફ જુદ્ધ હતા, અને છતાં પાટણને કોઈ માનતું ન હતું – બરાબર એ જ દશા અત્યારે હતી. 

અત્યારે પાટણની સત્તા ક્યાં હતી – અને ક્યાં ન હતી – એનો નિર્ણય કેવળ મહારાજની એક વિજયી સેનાની કૂચથી જ થઇ શકે તેમ હતો. 

પણ પાટણને એટલા પ્રશ્નો હતા કે કયો પ્રશ્ન પહેલો ગણવો એનો જ હજી નિર્ણય થયો ન હતો.

ને હમણાં હમણાં ઓ બે-ચાર દિવસ થયાં, સેઉણદેશ (ખાનદેશ, નંદુરબાર, દોલતાબાદ, ઔરંગાબાદ) લૂંટાઈ ગયાના સમાચાર પાટણમાં ફરી વળ્યા હતા. દેવગિરિના એ સમાચાર ભયંકર હતા. એ સમાચારે નગર આખું ખળભળી ઊઠ્યું હતું. સૌના મનમાં ધ્રાસકો બેસી ગયો હતો. બધે પૂછાતું હતું, આવતી કાલે આપણું શું થાશે? સેઉણદેશ લૂંટાયાની વાત તો વહેલી થઇ ગઈ હતી, પણ એ તરફથી હમણાં પાછા ફરેલા  યાત્રાળુઓએ પાટણમાં હવે જાતે જોયેલી વાતો કહેવા માંડતા, વાતાવરણમાં વધુ ગંભીરતા આવી ગઈ હતી. સેઉણનો રાજા રામચંદ્ર યાદવ જેવોતેવો ગણાતો ન હતો. એણે ત્યાં જબરજસ્ત ગજસેના હતી. એવી સેના આખા ભારતવર્ષમાં ક્યાંય ન હતી. બીજે ગજસેના હતી, પણ યાદવની ગજસેના લડી શકતી, હાથીઓ તલવાર ઉપાડતા, તીરો ફેંકતા. એની નગરી દેવગિરિ સ્વર્ગભૂમિની અમરાપુરીની સ્પર્ધા કરે તેવી ગણાતી. એ નગરીનો દુર્ગ, વજ્જર જેવો અભેદ્ય હતો. એની ત્રણસો ગજ ઊંચી અભેદ્ય ગિરિમાળાને ભેદનારો હજી સુધી તો કોઈ નીકળ્યો ન હતો. દેવગિરિથી નીલગિરી સુધીના વિશાળ રાજ્યનો રામચંદ્ર સ્વામી હતો. એવો મહાબળવાન રાજા લૂંટાઈ જાય – રાજા રણમાં પડે, લડે, મરે, બધું ખેદાનમેદાન થઇ જાય એ વાત નવી ન હતી – પણ રાજા લૂંટાઈ જાય, એ વાત નવી હતી. અત્યાર સુધી ભારતવર્ષમાં આવી વાત થઇ ન હતી. આ સાંભળીને લોકોના દિલમાં ઊંડે ઊંડેથી પરાજિત માણસના પડઘા ઊઠતા હતા. પાટણની આ હવા હતી. 

રાજા કરણરાય પણ એ જ ચિંતામાં હતો. પછી પાટણની નગરીને મહત્તા તરફ શી રીતે વાળવી, એ એના માટે એક કોયડો હતો. કારણ કે હવામાંથી જ પરાજય ને અવિશ્વાસ ઊભાં થતાં હતાં! આજે સૂવા ગયો તે પહેલાં એ એક નિશ્ચય કરીને ગયો હતો અને એ પ્રમાણે વ્યવસ્થા પણ કરી હતી. ગુજરાતની સીમાઓને ચારે તરફથી પરસત્તાઓ દબાવે છે, માટે પહેલાં એ સત્તાઓને, ગુજરાતનું બળ બતાવવું. પછી દિલ્હી તરફથી આવનારા ભય વિષે સાવધ થઇ જવું! એ માટે પાટણ નગરીમાં તમામ ચતુરંગી સેનાનું એક મહાપ્રસ્થાન પણ એણે યોજ્યું હતું. આજે એ નીકળવાનું હતું. 

સોઢલજીને લાગ્યું કે રાજા આ સૈન્યવ્યવસ્થા વિષે અત્યારે કોઈને બોલાવવા માગતા હશે. એ હાથ જોડીને ત્યાં રાજાની આજ્ઞા સાંભળવા માટે ઊભો રહ્યો. એટલામાં રાજાને કાંઈક અચાનક સાંભર્યું હોય તેમ તેણે સોઢલને કહ્યું: ‘સોઢલજી! પેલો કાલે દરબારમાં આવ્યો હતો, તે ગયો? એને જવાબ આપી દીધો હતો એટલે એ રોકાયો તો નહિ હોય, પણ ન ગયો હોય તો એને અત્યારે ને અત્યારે બોલાવો! મારે એને મળવું છે!’

સોઢલજી પહેલાં તો રાજાની વાત સમજી શક્યો નહિ. ગઈ કાલના રાજદરબારમાં તો કંઈક આવ્યા હતા – એમાં લાટના હતા, આબુના હતા, મરુભૂમિના માણસો હતા, સૌરાષ્ટ્રના હતા, મેદપાટના બે સંદેશા હતા, ખરી રીતે તો પાટણનો, પણ યાદવ રામચંદ્રનો ગણાતો, એક માણસ પણ આવ્યો હતો – તેમાંથી રાજા કોનો ઉલ્લેખ કરે છે તે જાણવું મુશ્કેલ હતું. એટલી વારમાં રાજા હવે કંઈક સ્વસ્થ બન્યો હતો. ઢોલિયામાંથી ઊભો થઈને તે પાસે પડેલી એક સાંગામાંચી ઉપર બેઠો.

‘સોઢલજી!’ રાજાએ વધુ ખુલાસો કર્યો. ‘સેઉણ દેશથી રાજા દુર્ગપતિ જે આવ્યો છે, તેની વાત કરું છું!’

‘કોની બાગલાણના દુર્ગપતિ રાજા પ્રતાપચંદ્રની? કાલે એ દેખાયા હતા.’

‘હા, એમની, એમને બોલાવી લાવો. ઉતાવળ કરો. ક્યાંક એ ઊપડી જાશે અને કાં તો ઊપડી ગયા હશે. એમને જવાબ મળી ગયો હતો.’

શાનો જવાબ ને શી વાત હતી તે જાણવાની સોઢલજીને જરૂર ન હતી. એ તો તરત હાથ જોડીને નમન કરતો બહાર નીકળી ગયો. એ રાજાનો અત્યંત વિશ્વાસુ માણસ હતો. મિત્ર જ હતો કહીએ તો ચાલે. રાય કરણ માટે જન ન્યોછાવરીની પ્રતિજ્ઞા લઈને બેઠેલો હતો. બીજી વિશેષ વાતમાં પડતો નહિ. એણે પાટણના ભવ્ય દિવસો વિષે ઘણું ઘણું સાંભળ્યું હતું. કોઈ વખત રાતે એકલો ફરતો હોય ત્યારે એ વાતો એને સાંભરતી! એના રોમરોમમાં વેદના ભરી હતી. પરંતુ એ શું કરે? પાટણની હવા ફરી ગઈ હતી. માણસો ફરી ગયાં હતાં. 

રાય કરણદેવે એને આ કામ અત્યારે સોંપ્યું એ એને મધથી પણ મીઠું લાગ્યું. યાદવરાજા રામચંદ્રનો નિકટવર્તી સંબંધી અને જમણા હાથ સમો, રાજા પ્રતાપચંદ્ર, કાલે રાજદરબારમાંથી કાંઈક અવગણના સહિત વિદાય પામ્યો હતો. એ કોને સ્વામી માને એ વિષે એનું મન દ્વિધામાં હતું. પાટણની સત્તા હજી એને ત્યાં ગણાતી. તો દેવગિરિ એની નિકટમાં હતું. 

અત્યારે તો એ જૂના વખતનો એક સંધિપત્ર લઈને આવ્યો હતો. તે સંધિપત્ર પ્રમાણે જ્યારે એકબીજા ઉપર દુશ્મન ચડી આવે તો એકબીજાને મદદ આપવાની હતી. યાદવરાજા સિંધણ (રામચંદ્રના પ્ર-પિતામહ) અને ગુજરાત તરફથી રાણા લવણપ્રસાદ વચ્ચે આ યમલપત્ર સંવત ૧૨૮૮માં થયું હતું અત્યારે એ યમલપત્ર વર્ષો જૂનું થઇ ગયું હતું. 

પણ આજે જ્યારે યાદવરાજા રામચંદ્ર ઉપર દિલ્હીના અલાઉદ્દીનની ઝડપી સવારી આવીને ચાલી ગઈ, ત્યારે એણે ભવિષ્ય માટે, આ યમલપત્રની યાદી આપવા સારું, રાજા પ્રતાપચંદ્રને મોકલ્યો હતો. એ બાગલાણના વજ્જર કિલ્લાનો અણનમ કિલ્લેદાર હતો. એ કોઈને નમવામાં માનતો નહિ. કોઈનાથી ડરવામાં માનતો નહિ. કોઈને જીવતાં શરણે જવામાં માનતો નહિ. એનો કિલ્લો હતો નાનો પણ અભેદ્ય વજ્જર સમ હતો. આ દુર્ગને આધારે તો, એ પોતે અર્ધ સ્વતંત્રતાનું ગૌરવ વખતે ધારી લેતો. એને રામચંદ્રનું કામ હીણામાં હીણું લાગ્યું હતું. આ ઘટનાથી એ ધ્રૂજી ઊઠ્યો હતો. એની વેદનાનો કોઈ પાર ન હતો. એણે જ માર્ગ બતાવ્યો કે હવે જેટલા તમારી સાથે ભળે તેવાં હોય તેને ભેળવો. તુરુષ્ક પાછો દ્રમ્મ લૂંટવા માટે તમારે ત્યાં આવશે જ આવશે.

અને એણે જાતે એટલા માટે રાય કરણ પાસે આવવાનું જરૂરી ગણ્યું હતું!

એને ખાતરી હતી કે એ રાય કરણને સમજાવી શકશે. એને ભારતવર્ષમાં ત્રણ માણસ દેખાતાં હતાં. રણથંભોરનો હમ્મીર, ઝાલોરગઢનો કાન્હડદે, ગુજરાતનો રાય કરણ.

પણ આંહીં રાજદરબારમાં તો ગઈકાલે એની રેવડી થઇ ગઈ હતી. સૌએ કહ્યું કે આવાં તે ખત હોતાં હશે? ને તે પણ ઉલળ પાણા પગ ઉપર થાય તેવાં!

મહાઅમાત્ય માધવે એને સખ્ત શબ્દોમાં ઉપાલંભ પણ આપ્યો હતો: કીર્તિકૌમુદીનાં પૃષ્ઠ ઉપર બોલતાં એણે કહ્યું: ‘તે દિવસે અમારો વારો હતો. આજે તુરુષ્કના હાથે તમારો વારો છે! અમારે તુરુષ્ક સામે વેર બાંધવું નથી!’

રાજા પ્રતાપચંદ્રનું મન ભાંગી ગયું. તે બહાદુર માણસ હતો. એની મહેચ્છા હતી, બાગલાણમાંથી બીજું રણથંભોર ઊભું કરવાની આકાંક્ષા હતી, રાજા રામચંદ્રના યુવરાજ શંકરદેવને, અણનમ ખડક સમ ઊભા રહીને, તુરુષ્કના હરેક હુમલાને ખાળતો કરવાની. દેવગિરિ તો દક્ષિણનું દ્વાર હતું. એ ટકે તો અરધું ભારત ટકે. આજ એને ત્યાં દેવગિરિમાં સમૃદ્ધિ ગાડાં મોઢે છલકાતી હતી. હીરા, માણેક, મોતી વિના, સ્ત્રીઓનો અંગસ્પર્શ બિચારા કનકને તો મળતો પણ નહિ! જે સ્થાન તે પહેલાં માલવા ગુજરાતનું હતું, તે સ્થાન અત્યારે દેવગિરિનું હતું. ત્યાં હેમાદ્રી જેવો મહાન વિદ્વાન મહાઅમાત્ય હતો. મહાભિષગ્વર બોપદેવ ત્યાં હતો. સાધુ જ્ઞાનેશ્વરજી હતા. મહાન જ્યોતિષી ભાસ્કરાચાર્યના પૌત્ર ચાંગદેવ હતા. દેવગિરિ ભારતભરમાં માન મુકાવતું હતું. પણ પ્રતાપચંદ્રે એક વસ્તુ જોઈ લીધી હતી. દેશમાં બધું હતું. પણ માણસો – માણસો ક્યાંય ન હતાં! એનું શું? બધે જ અવિશ્વાસની હવા હતી! ક્યાંય વિશ્વાસની વાત ન હતી! અને માનસ પણ પરાજિત બન્યું હતું. તુરુષ્કની મહેરબાનીમાં માનનારાઓમાં રાજના સ્તંભ પુરુષો અને શ્રેષ્ઠીઓ પણ હતા! 

એને વિશ્વાસ હતો કે પાટણમાં કાંઈક હશે. ફરીને યાદવ ને ગુર્જર આ સંધિના લેખ દ્વારા જો મિત્રો થઇ રહેશે, તો બે અણનમ દેશ આડા ઊભા રહેશે. પછી તુરુષ્ક ફરીને આવવાની હિંમત નહિ કરે.

એના મનમાં આ વાતો ભરી હતી. પણ એની મનની મનમાં રહી ગઈ. એને જવાબ મળી ગયો હતો.

એટલે એ અત્યારે પોતાની સાંઢણી ‘વીજળી’ ઉપર ખંખેરી મૂકવાની તૈયારી કરતો હતો, ત્યાં એણે કોઈકને પોતાની તરફ આવતો જોયો.

એ જરાક થોભ્યો. એટલામાં સોઢલજી આવી પહોંચ્યો: ‘પ્રભુ! મહારાજ યાદ કરે છે!’ સોઢલજીએ ઉતાવળે ઉતાવળે કહ્યું. 

પ્રતાપચંદ્રને આશ્ચર્ય થયું: ‘અત્યારે?’

‘હા, હમણાં જ. મને કહ્યું છે. જતા હોય તો રોકીને પણ બોલાવો.’

‘પણ હમણાં જ મારે જવાનું છે. નિયમ પ્રમાણે મહાઅમાત્યે મને વિદાય આપી દીધી હતી. અત્યારે હું તો પરરાજનો સંધિવિગ્રહિક જેવો ગણાઉં. હું રોકાઈ જાઉં એ ઠીક નહિ, સોઢલજી! મહાઅમાત્યજીને કદાચ એ અવગણના લાગે કે કપટ લાગે.’

‘દુર્ગપતિ! હું તો મહારાજની પોતાની આજ્ઞા લઈને આવ્યો છું!’

‘કોઈ ત્યાં આવ્યું છે?’

‘ના ના. કોઈ આવ્યું નથી. પણ મહારાજ તમને મળવા માગે છે. કામ અગત્યનું લાગે છે.’

‘શું કામ હશે?’ પ્રતાપચંદ્રને રાજદરબારમાં થયેલી પોતાની અવગણના ખૂંચી રહી હતી.જેમ બને તેમ તે પાટણ છોડી દેવા માગતો હતો. પ્રભાત થવાને બહુ વાર ન હતી. 

‘તમે સાથે આવોને સોઢલજી! બોલાવ્યો છે ત્યારે હું મહારાજને મળી લઉં. ‘વીજળી’ને ત્યાં રાજગઢીમાં જ લઇ લે!’ છેલ્લું વાક્ય તેણે સાંઢણીવાળાને કહ્યું: ‘ત્યાંથી જ પછી ખંખેરી મૂકીશું!’

પ્રતાપચંદ્ર વિચાર કરતો કરતો રાય કરણદેવને મળવા ચાલ્યો.