Raay Karan Ghelo - 11 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 11

Featured Books
Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 11

૧૧

સિંહભટ્ટ

 

થોડી વારમાં જ ત્યાં એક મધ્યમ કદનો, દેખાવે અનાકર્ષક પણ નર્યા લોહનો બન્યો હોય તેવો માણસ દેખાયો. અત્યારે એણે સાદો નાગરિકનો વેષ જ પહેર્યો હતો. એના એક હાથમાં એક મજબૂત કડિયાળી ડાંગ રહી ગઈ હતી. કેડે તલવાર લટકતી હતી. કપાળમાં ત્રિપુંડ હતું. ડોકે માળા હતી. એના ચહેરામાં એક પ્રકારની વિશિષ્ટ ખુમારી હતી. ત્રિભુવનમાં કોઈની પણ દરકાર ન કરવાની એને ટેવ લાગી. અત્યારે એ રાજમહાલયમાં હતો. પણ રાજમહાલય, રાજા, રાણી, એ બધાં પણ સામાન્ય હોય તેમ એની આકરી મુખમુદ્રામાં લેશ પણ ભાવપલટો થયો ન હતો. આ બેપરવાઈ કોઈની અવગણના માટે ન હતી. એની અંદર બેઠેલા માણસની એ સૂચક હતી. અંદર રહેલો માણસ કયા પ્રકારનો છે, એ મુદ્રામાથી કળાઈ જતું હતું. 

અંદરનો માણસ બરછટ હતો. બાખડ, આખાબોલો, અણનમ જણાતો હતો. સાચો, હઠીલો ને ખપી જવામાં માનનારો, અણઘડ હતો. એને જરા ધરતીનો સૌથી પહેલો પુત્ર કહેવાનું મન થઇ આવે. કોઈએ એને જરા પણ ઘડ્યો ન હોય એવો. પણ આ વસ્તુસ્થિતિમાં જ એનું સામર્થ્ય રહ્યું હતું. એની એ અણઘડ સામર્થ્યશક્તિ રોમરોમમાંથી સ્પષ્ટપણે દેખાતી હતી.

રાય કરણરાયે એને આવતો જોયો. ધીમેથી રાણીને કહ્યું, ‘આ આવે છે એ જ સિંહભટ્ટ. એનો ઈતિહાસ તમે જાણ્યો નહિ હોય!’

‘ના કોણ છે એ?’

‘વિખ્યાત અર્જુન ભટ્ટના વંશનો છે. એ એની વિશિષ્ટતા છે. એના જેવો જ માથું દેનારો છે. પણ ખોટું થતું જુએ તો માથું ઉતારી લે તેવો પણ છે. એનામાં સોએ સો વસા અર્જુન ભટ્ટનું જ લોહી વહે છે. એ કોઈને ગણે તેવો નથી. બાકી કામમાં એ મરી ખપે તેવો એક્કો છે. એને જાતમાહિતી મેળવવા દેવગિરિ મોકલ્યો  હતો. એના સમાચાર સો વસા સાચા હશે.’

એટલામાં સિંહભટ્ટ છેક પાસે આવી ગયો હતો.

મહારાણી ભટ્ટ તરફ જોઈ રહ્યાં. મહારાજે એને દેવગિરિ મોકલ્યો હતો ને તેની પાસે અગત્યની માહિતી હોવી જોઈએ. રાણી એના બોલવાની રાહ જોઈ રહી.

સિંહભટ્ટ ત્યાં આવીને હાથ જોડીને ઊભો રહ્યો. એની મુખમુદ્રામાંથી એ જ બેપરવાઈ ઊભી થાતી હતી. એ ‘ભટ્ટ સિંહભટ્ટ’ કહેવાતો હતો. એમાંનો પહેલો ‘ભટ્ટ’ જ્યોતિષના જ્ઞાનનો સૂચક હતો કે બીજો ‘ભટ્ટ’ એ હજી કોઈ નક્કી કરી શક્યું ન હતું. પણ ભટ્ટ સિંહભટ્ટ ઘણી વખત વીજળીના કડાકા જેવી આગાહી આપતો, એવી લોકોમાં માન્યતા હતી. ને એની આગાહી પ્રત્યે લોકોને માન પણ રહેતું. જ્યોતિષ તો ઠીક, એના જેવો રાજવંશનો વિશ્વાસુ માણસ બીજો શોધવો મુશ્કેલ હતો. એ છેલ્લી ઘડીનો માણસ હતો. જ્યારે કોઈ પડખે ન રહે, તે સમયનો એ માણસ હતો. છાતીમાં તો સિંહ જેવો જ બહાદુર હતો. એ મરે, મરી ખૂટે, ખપે, તૂટી પડે જે થવું હોય તે થાય, પણ એણે રખેવાળીમાં લીધેલું એક-બે મહિનાનું પણ રાજવંશી બચ્ચું, બીજે હાથે જાય એ એને માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવી વાત હતી! એ જ એના લોહીનો મોટામાં મોટો ગર્વબોલ હતો.

સિંહભટ્ટને જોતાં જ રાય કરણરાયે પ્રેમથી પૂછ્યું: ‘કાં ભટ્ટરાજ! ક્યારે આવ્યા? હું હમણાં સોઢલજીને તમારા વિષે જ પૂછી રહ્યો હતો!’

‘બે-ચાર દન થયા મહારાજ!’

‘અને જાતા આજ દેખાયા!’

‘મોંકાણની જ વાત હતી, એટલે કીધું મહારાજ ભલે ને, બે ઘડી મોડી જાણે!’

‘કેમ મોંકાણની વાત હતી?’

‘મોંકાણની વાત નહિ તો બીજું શું? દેવતાના વાસ જેવું દેવગિરિ આટલું વહેલું ઢળી પડ્યું, એ મોંકાણની વાત નહિ તો થોડી આનંદ ઓચ્છવની વાત છે?’

‘પણ એ બન્યું કેમ ભટ્ટરાજ! કાંઈ દગો થયો?’

‘તે હું માંડીને વાત કરું મહારાજ! આપણે પણ એ સમજવા જેવું છે. દિલ્હીના આ તુરુષ્કની વાત તદ્દન ન્યારી છે. એ પહેલાં ખબર કઢાવે છે કે પોચી ધરતી ક્યાં છે, ને પછી ત્યાં જ આવીને મેખ મારે છે! એને ત્યાં હંમેશા ચાળીશ સાંઢણીસવાર ખબર આપવા દિલ્હીમાં આવે છે અને એ ચાળીશ સાંઢણીવાળા રોજના રોજ એને ખબર આપે છે. એને લડાઈ જાહેર કરવી પડતી નથી. એને લડાઈનું કારણ જોઈતું નથી. જ્યાં જરાક નબળાઈ દેખી કે એ આવીને ઊભો જ છે! એની લડાઈની આવી વાત છે.’

‘પણ દેવગિરિ પાસસે ભટ્ટરાજ! મોટું હાથીસેન હતું, શંકરદેવ જેવો વીર અણનમ સેનાપતિ ત્યાં હતો. દેવગિરિ જેવો વજ્જર કિલ્લો હતો. યાદવરાજ રામચંદ્ર અનુભવી હતો. અને આ બન્યું? એ શી રીતે બન્યું? તુરુષ્ક વીજળીવેગે ઘા મારીને ચાલ્યો ગયો, એ શી રીતે બન્યું? એ વાત તો કોઈ રીતે મનમાં બેસતી નથી!’

‘મહારાજ! એ જાણવા માટે જ હું ત્યાં ગયો હતો. બીજું કામ પણ હતું. પણ એની વાત પછી મહારાજને કહીશ. દેવગિરિમાં ઘર ફૂટયે ઘર જાય એવી વાત થઇ ગઈ છે મહારાજ!’

‘હેં! ખરેખર!’

‘ત્યારે નહિ મહારાજ! પહેલાં તો તુરુષ્કે એવી જુક્તિ કરી કે એ આવ્યો, છેક પાસે મુકામ નાખીને પડ્યો, ત્યારે તો સૌને ખબર પડી કે આ તુરુષ્ક છે ને એ લડવા માટે આવ્યો છે! ત્યાં સુધી તો એણે એમ હાક્યું કે એ તો કાકાથી ભાગીને નીકળ્યો છે! જેને પૂછો એ કહેશે કાકાથી ભાગે છે! કેમ ભાગે છે? તો કહેશે કાકાની દીકરી ગજબની છે. આને માથે માછલાં ધૂએ તેવી છે!* બેગમથી ત્રાસીને બીજે નોકરી શોધવા જાય છે!’

(* અલાઉદ્દીનની બેગમ, જલાલુદ્દીનની પુત્રી, મલિકા જહાનઆરા. મા-દીકરી બંનેને અલાઉદ્દીન સાથે મેળ ન હતો.) 

‘ત્યારે તો દગો!’

‘દગો ગણો તો દગો. નહિતર સાંભળનારની બધાની બેભાનાઈ તો ખરી જ! ત્યાં દેવગિરિમાં હેમાદ્રિ પ્રધાન પડ્યા છે. એ બિચારા કર્મકાંડમાથી નવરા જ થતા નથી. એક અનુષ્ઠાન પૂરું થાય, ત્યાં બીજું ઊભું જ હોય. રાજા રામદેવ તો વૃદ્ધ છે. યુવરાજ શંકરદેવ ખરો, પણ એ વખતે એ બહારની લડાઈમાં રોકાયેલ. એ સમો સાધીને જ તુરુષ્ક આવ્યો. 

‘પણ દેવગિરિ દુર્ગ તો અદ્ભુત છે. એવો દુર્ગ હતો ને? છ મહિના તો એ જ કાઢી નાખે. ત્યાં કોઈનું કાંઈ થઇ જાય.’

‘મહારાજ! કિલ્લો તો માણસને ત્યારે સાચવે, જ્યારે માણસ કિલ્લાને સાચવે. દેવગિરિના દુર્ગની વાત સાંભળો તો મોંમાં આંગળાં રહી જાય તેવી વાત છે. શું કિલ્લો છે? જાણે મહારાજ ભિલ્લમદેવે નર્યું વજ્જર પાથર્યું છે. દિલ્હી અને દેવગિરિ વચ્ચે નહિ નહિ તો ત્રણસો કોશનું અંતર છે. મીલ્ચ્છીકારને ભાગવાનો વખત આવ્યો હોત તો એક હાડકું પાછું દિલ્હી પહોંચત નહિ! પણ પણ મહારાજ! મેં સાંભળ્યું છે, મેં અનુભવ્યું છે, દેવગિરિના ચાંગદેવ જેવા વયોવૃદ્ધ મહાન જ્યોતિષીએ ભવિષ્ય ભાખ્યું છે...’

કરણરાયે એક હાથ ઉંચો કરીને સિંહભટ્ટને બોલતો બંધ કરી દીધો: ‘ભટ્ટરાજ, આપણે દેવગિરિનો અણનમ દુર્ગ કેમ ડગ્યો તે વાત કરો. અલાઉદ્દીન સુરત્રાણ, ખુદ કાલભૈરવનો અવતાર ગણાતો હોય કે ગમે તેનો અવતાર ગણાતો હોય, તેનું આપણે કામ નથી, કાલભૈરવ હોય તો કાલભૈરવ, તો આપણે આંહીં દેશને રક્ષવો પડશે એ વાત નક્કી છે.’

‘મહારાજ! હું એ જ કહી રહ્યો હતો. આ સુરત્રાણ એક અક્ષર ભણ્યો નથી. કાગળ વાંચવાની પણ એનામાં તાકાત નથી, લુંટારુ મોગલોથી ડરીને દિલ્હી છોડી શકે તેમ નથી. અને છતાં વિજય ઉપર વિજય એને મળે છે. આપણે જાણી લઈએ કે કાલભગવાન એની પડખે છે.’

‘તોપણ આપણે એને લડત આપવાની છે. ને એને સમય અનુકૂળ થયો હોય તો સમય સામે પણ લડી લેવાનું છે! બીજી કોઈ વાત ચૌલુક્ય રાજગાદીથી થાય તેમ નથી ભટ્ટરાજ! હવે તમે ચલાવો.’

‘દેવગિરિનો દુર્ગ, મહારાજ! કોઈનાથી ઝટ લેવાય તેવો નથી. સાતસો સાતસો ગજ તો એની ઊંચાઈ છે. ફરતા ત્રણ કિલ્લા છે. મોટી ખાઈ છે. ઉપર જવા માટે તો એક એક માણસની હાર લાગે ત્યારે! રામદવે ત્યાં ઉપર હતા. સૈન્ય હતું. સરંજામ હતો. તૈયારી હતી. તુરુષ્કને દાંત ખાટા કરે તેવી લડાઈ આપવાની હતી. પણ મહારાજ! કોઠારમાં અનાજને બદલે કોઈએ મીઠું ભર્યું હતું!’

‘મીઠું?’ કરણરાય આશ્ચર્યચકિત થઇ ગયો. ‘અરરર! એ કોનાં કામ?’ ‘દેવગિરિમાં?’

આ સમાચાર એને માટે નવા હતા. ને ભયજનક પણ હતા. 

‘એ કર્યું કોણે ભટ્ટરાજ?’

‘મહારાજ! મેં તમને ન કહ્યું? ઘર ફૂટે ઘર જાય? મહારાણીબા આંહીં ન હોત તો વાત કરત!’

‘બોલોને ભટ્ટરાજ! વાંધો નહિ.’

‘મહારાજ! કાનને દોષ છે. એ કરનાર બીજું કોઈ નહિ. રાજાનો જ પિત્રાઈ –‘

‘અરર!’

‘મહારાજ? એમાં કોનો દોષ? યાદવરાજ રામચંદ્રનો દોષ કેમ નહિ? હેમાદ્રિ પ્રધાનનો કેમ નહિ? એણે પ્રાયશ્ચિતોનો ગંજ બતાવ્યો. પણ અઘટિત પગલું ન ભરવું, એ કેમ ન બતાવ્યું? રાજાને આવું અઘટિત પગલું ભરતાં એણે કેમ ન રોક્યો? એણે બળી મરીને રોક્યો હોત! રામચંદ્ર જેવો યાદવ રાજા કાકાની દીકરી લુખાઈ રાણીને અઘટિતપણે રાખે, એનું પરિણામ બીજું શું આવે?’

એક પળભર મૌન ફેલાઈ ગયું. ‘યાદવરાજની નગરી લૂંટાઈ ગઈ હતી. કારણકે સૌ અંદર અંદર લડી રહ્યા હતા. અને આંહીં?’ કરણરાય વિચાર કરી રહ્યો: ‘અને આંહીં પણ શું હતું: બીજી રીતના કલહ હતા.’

એટલામાં તો સિંહભટ્ટ જ બોલ્યો:

‘મહારાજ! આપણે ત્યાં એ ઝેર ફેલાશે તો થઇ રહ્યું. અત્યારે ફેલાણું તો છે જ. નાગરો ને જૈનોને દ્વેષ છે. જૈનોને જૈનો વિના રાજ નહીં રહે એવો ગર્વ છે... બંને આખડશે એટલે આંહીં પણ એ જ થાશે! બીજી રીતે થાશે જ. અને બીજી એક વાત હવામાં મેં કાલે જ સાંભળી. મહારાજને કાને આવી છે કે નહિ?’

‘શું?’

‘કેટલાક માને છે. સારંગદેવ મહારાજનું એક નાનકડું બાળક ક્યાંક છે. એનું નામ પણ અપાઈ ગયું છે. પૃથ્વીદેવ!’

કરણરાય ચમકી ગયો. રાણી પણ ચમકી ગઈ.

સિંહભટ્ટ આગળ વધ્યો:

‘મહારાજ! સારંગદેવ મહારાજનું એક નાનકડું બાળક કોઈક ઠેકાણે કોઈ ઉછેરી રહ્યું છે. રાજનો એ વારસ છે, એ લોકવાયકા મેં દેવગિરિમાં પણ સાંભળી હતી.’

‘દેવગિરિમાં?’

‘હા, મહારાજ! દેવગિરિમાં!’

‘ત્યાં? એ વાતને કોઈ સાચી રીતે ત્યાં જાણે છે કે પછી જાણી જોઇને કોઈ ચલાવે છે? કે પછી દેવગિરિવાળાને જ એમાં રસ છે? સિંહભટ્ટરાજ! હું તમને પૂછું છું. તમે શું માનો છો? કાકાએ મને કોઈ દિવસ એ વાત જીવતાં કહી નથી! આજે એ વાત નવી જ પ્રગટે છે. પ્રગટે છે તેનો વાંધો નથી, પણ આપણા રસ્તાને એ અટપટા માર્ગે દોરી જશે. ને તો આપણને છિન્નભિન્ન કરી મૂકશે. હું તો મરી ખૂટીશ. મારું બધું હીર ખરચી નાખીશ. પણ ગુજરાતમાં આ હવા આવી ક્યાંથી?’

‘એ હવા મહારાજ! અત્યારે તો આખા ભારતવર્ષની હવા છે. એ હવે કોઈનાથી રોકી રોકાય તેમ નથી.’

કરણરાય થોડી વાર બોલ્યા વિના શાંત બેઠો રહ્યો. પછી તેણે અચાનક રાણી સામે જોયું.

‘રાણીજી! રાજનો મોહ ન કરતાં, સાચું કહેજો. તમને કોઈ દિવસ કાકીએ કાંઈ કહ્યું હતું ખરું?’

‘મને?’ 

‘હા તમને.’

‘ના, મહારાજ! કોઈ દિવસ કાકીએ આવી વાત જ કાઢી નથી! કાકીને મન દીકરો ગણો, રાજવારસ ગણો, તમે એક જ વસી રહ્યા હતા.’

‘સિંહભટ્ટરાજ! તમે જે વાત કાઢી તે મારે કાને પણ આવી છે. હું તમને કામ સોપું છું. તમે સિંહાસનના પરમ મિત્ર છો. જ્યાં હોય ત્યાંથી પૃથ્વીદેવને શોધવાનું તમારે માથે. કાકાનો જો એ ખરો વારસ હશે તો હું એને રાજ સોંપીને સેનાપતિ બનીશ. બસ! ભગવાન સોમનાથના શપથ લઈને હું આ બોલું છું. પણ જો ખરો વારસ...’ 

‘જુઓ મહારાજ! આ વાતને દાટી દેવામાં જ અત્યારે સૌની સલામતી રહી છે. વારસ હોય કે ન હોય. તુરુષ્કને એની જરા જેટલી પણ ગંધ આવશે, તો એનો લાભ ઉઠાવશે. ભવિષ્યમાં કોઈ વારસ આવશે તો આપણે સામૈયું કરીને સામે લેવા જઈશું. અત્યારે તો મહારાજ! માધવ પ્રધાનને નાણી જોવાની જરૂર છે. એનામાં છે કાંઈ તુરુષ્કની મૈત્રી સાધવાની શક્તિ! તો બીજું કાંઈ નહિ. આપણને થોડો વખત તૈયારીનો મળી જાય. 

‘તમે કહ્યું તેમાં બધું આવી જાય છે ભટ્ટરાજ! તુરુષ્ક ઘણો જ વિચિત્ર જણાય છે. એ આપણને વખત નહિ આપે, આપણે હરપળે તૈયાર રહેવાનું છે – ને ખપી જવાના જુદ્ધ સિવાય, બીજું કોઈ જુદ્ધ પણ નથી. સમયની બલિહારી તો આ છે. આપણે ખપી જવાનું છે. ખપી જઈને પણ કાંઈ ઊગરવાનું નથી, કેવળ ચૌલુક્યનું અણનમ નામ રહેવાનું છે. બીજું કાંઈ જ નથી ભટ્ટરાજ!’

ભટ્ટરાજ, રાય કરણરાયની ગૌરવવાણી સાંભળી રહ્યો. તેની આંખમાં આ બહાદુર નર માટે આંસુ આવી ગયાં. તેણે એ જ વખતે એક દ્રઢ સંકલ્પ કરી લીધો. રાજા માટે મરવાનો.

‘મધરાતે રાણીવાવને કાંઠે આવજો. ત્રીજે દિવસે રાતે, ઘણા પ્રશ્નોનો નિર્ણય ત્યાં લેવાનો છે ભટ્ટરાજ!’

‘મહારાજ! એક વિનંતી કરવાની છે...’ સિંહભટ્ટે કહ્યું.

‘શી?’

‘મહારાજ! આ નગરીમાં ગમે તે સ્થિતિમાં આવે, ને મહારાજ ગમે તે પરિસ્થિતિમાં મુકાય પણ મને પોતાના પડછાયાની પેઠે સાથે ને સાથે રાખે. હું અત્યારથી જ આટલું માંગી લઉં છું!’ 

કરણરાય સિંહભટ્ટની સામે જોઈ રહ્યો. એની સાથે મરનારાઓનો તોટો ન હતો, એને લાગ્યું કે મરી ખૂટીને દેશ જિતાડનારનો તોટો નહિ પડે.

એને સિદ્ધરાજ જયસિંહદેવનું પાટણ ઊભું કરવાનો ઉત્સાહ થઇ આવ્યો.