Curses and cursed things in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | ચુરાના મના હૈ......

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ચુરાના મના હૈ......

આજે માનવજાત આમ તો મંગળ સુધી પહોંચી ગઇ છે જ્યાં તેના યાન આ અજાણ્યા ગ્રહનાં રહસ્યોને ઉકેલવા મથામણ કરી રહ્યાં છે તેવા સમયમાં જો કોઇ વ્યક્તિ શાપ અને શાપિત વસ્તુઓનો ઉલ્લેખ કરે તો તેને અંધશ્રદ્ધાળુનું જ લેબલ મારવામાં આવે પણ એ હકીકત છે કે કેટલીક વસ્તુઓ તેમની સાથે શાપ લઇને જન્મે છે અને જેની પાસે હોય તેને તે હાનિ પહોચાડ્યા વિના રહેતી નથી.આ વસ્તુઓ આમ તો પ્રાચિન હોય છે આથી કલાનાં બજારમાં તેની કિંમતો બહું ઉંચી હોય છે પરિણામે આ પ્રકારની કલાકૃત્તિઓ હંમેશા ચોરાતી રહેતી હોય છે પણ ચોરનારને તેના ફળ ચાખવા પડતા હોય છે.જો કે વિજ્ઞાન આ પ્રકારની બાબતોને વધારે માનતું નથી અને તેના પ્રશ્નોનું નિરાકરણ પણ કયારેય આ પ્રકારની બાબતોમાં મળતું નથી.તેમ છતાં પુરાતત્વવિદો વિજ્ઞાનની આ પ્રકારની માન્યતાઓ વિરૂદ્ધ રહેતા હોય છે.તેમનાં મતે કેટલીક વસ્તુઓ રહસ્યમય શક્તિઓ રહેલી હોય છે.

ઇઝરાયેલનાં સીમાડે અને સિરીયામાં ૧૯૮૦નાં આખરી તબક્કામાં સૈનિકોને કેટલાક અવશેષો મળી આવ્યા હતા જે રોમન શાસકોનાં સમયનાં હતા.રેકોર્ડ અનુસાર રોમનોએ પ્રાચિન ગમાલા શહેરની દિવાલ તોડીને તેના પર કબજો કર્યો ત્યારે લગભગ શહેરનાં નવ હજાર જેટલા નાગરિકોએ મોતને વહાલું કર્યુ હતું.ત્યારથી માંડીને ૨૦૧૫ સુધીમાં ત્યાંથી કોઇ વસ્તુ ગુમ થઇ ન હતી.જો કે ૨૦૧૫માં સંગ્રહાલયમાં બાલિસ્ટા બોલનાં બે અવશેષો જોવા મળ્યા હતા જે ૧૯૯૫માં ચોરાયા હોવાનું જણાયું હતું.જેની સાથે આ અવશેષો ચોરનારની નોંધ પણ હતી કે આ અવશેષો મે જુલાઇ ૧૯૯૫માં ગમાલામાંથી ચોર્યા હતા પણ મે ખરેખર તો મુસીબત જ વહોરી લીધી હતી કારણકે આ અવશેષોજ્યાં સુધી મારી પાસે રહ્યાં મારા માટે મુસીબત જ રહ્યાં હતા આથી કોઇએ પણ આ અવશેષો ચોરવાની હિમાકત કરવી નહી.

રોમનોએ જ્યારે પોમ્પેઇ શહેરને બરબાદ કરી નાંખ્યું ત્યારે ઇશ્વરે આ શહેર પર શાપ વરસાવ્યો હોવાનું આપણા પુર્વજો કહેતા આવ્યા છે.આ શહેરની વસ્તુઓ અને અવશેષો પ્રાચિન સમયનાં છે એટલે તે હંમેશા ચોરાતા આવે છે પણ પોમ્પેઇનાં આર્કિયોલોજિકલ સુપ્રીટેન્ડન્ટ ઓસાનાને દર વર્ષે સો જેટલા પત્રો કેટલાક અવશેષો સાથે મળે છે જે આ સાઇટ પરથી ચોરાયા હતા જેમાં મોટાભાગે એ જ લખેલું હોય છે કે આ અવશેષો તેમનાં માટે મુસીબતનું કારણ બની રહ્યાં હતા.એક સ્પેનિશ ચોરે પાંચ જેટલા અવશેષો પરત કર્યા હતા અને જણાવ્યું હતું કે આ અવશેષો તેના સમગ્ર પરિવાર પર કહેર બનીને તુટી પડ્યા હતા.ઓસાનાએ તેમને મળેલા તમામ પત્રોને જાહેરમાં મુક્યા છે.

જેણે હોબિટ સિરીઝની ફિલ્મો જોઇ હશે તેમને એક જાદુઇ અને અનેક શક્તિઓ ધરાવતી વીંટી અંગે તો જાણ હશે જ.આવી જ એક વીંટી ૧૭૦૦નાં ગાળામાં મળી આવી હતી જેને સેનિસિયાનુસની વીંટી નામ આપવામાં આવ્યું હતું.આ વીંટી બારગ્રામનાં સોનાની છે જેના પર લેટિન ભાષામાં લખાણ જોવા મળે છે.આ શોધ બાદ એક રોમન અવશેષ મળી આવ્યો હતો જેમાં આ વીંટી અંગે સંદર્ભ જોવા મળે છે.આ લખાણ સિલ્વિયાનુંસ નામનાં રોમનનું હોવાનું જણાયું હતું જેણે કહ્યું હતું કે તેને ભગવાન નોડેન્સ તરફથી કહેવાયું છે કે વીંટી ચોરાઇ ગઇ છે.તેણે કહ્યું હતું કે જેની પાસે પણ આ સેનિસિયાનુંસની વીંટી છે તે તેને નોડેન્સનાં મંદિરને પરત કરે નહીતર તેના આરોગ્ય માટે એ વીંટી હાનિકારક સાબિત થશે.ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વાતની આસપાસ જ જે.આર.આર ટોકિન્સે પોતાની વાર્તા વિકસાવી હતી જેના વિશે આપણે જાણીએ છીએ.ધ હોબિટની પ્રથમ કોપી સાથે આ વીંટીને પણ પ્રદર્શિત કરાઇ હતી અને તેના અંગે પોતાના મંતવ્યો જાહેર કરવાનું પણ આમંત્રણ અપાયું હતું.

ન્યુઝીલેન્ડની ધરતી પર પ્રથમ વખત પહોચનાર યુરોપિયન તરીકે કેપ્ટન જેમ્સ રેડ્ડી કલેન્ડનનું નામ ઇતિહાસમાં નોંધ પામેલું છે.તેમણે ત્યાંના મુળ રહેવાસી માઓરી જાતિનાં લોકો સાથે સંવાદ સાધ્યો હતો.તેમનાં નામે રેવેનમાં કલેન્ડન હાઉસની સ્થાપના કરાઇ છે જેમાં અનેક કલાકૃત્તિઓ પ્રદર્શનમાં મુકાયેલી છે.આ સંગ્રહાલયમાં માઓરી જાતિનાં અનેક અવશેષો મુકાયા છે.જેમાં વ્હેલનાં હાડકામાંથી બનેલ એક અવશેષ જેનો સંબંધ કેપ્ટન જેમ્સનાં પુત્ર સાથે હતો તે ચોરાઇ જવા પામ્યું હતું જો કે એક મહિનાનાં ગાળામાં જ તે અવશેષ ચોરનારે સંગ્રહાલયને પરત મોકલ્યું હતું જો કે તેના પર પોલિસે કોઇ ફરિયાદ દાખલ કરી ન હતી કારણકે પોલિસે જણાવ્યું હતું કે ચોરનારને તેની ચોરીની સજા તે અવશેષ દ્વારા જ અપાઇ હતી કારણકે તેની ચોરી બાદ તેણે નર્કની પીડાનો અનુભવ કર્યો હતો અને આખરે કંટાળીને તેણે મુસીબતોથી પીછો છોડાવવા તેને પરત કર્યુ હતું.

વર્ષ ૨૦૦૪નાં ગાળામાં એક અજાણ્યા જર્મન નાગરિકે ઇજિપ્તની મુલાકાત દરમિયાન સંગ્રહાલયમાંથી એક પ્રાચિન અવશેષની ચોરી કરી હતી જેના પર પ્રાચિન લખાણ કોતરાયેલું હતું.જો કે તેની ચોરી બાદ બર્લિનનાં ઇજિપ્તનાં દુતાવાસની કચેરીમાં તેના સાવકા પુત્રએ એ અવશેષ પરત કર્યો હતો કારણકે તે પરત આપવા માટે તે જીવતો રહ્યો ન હતો.આ પ્રવાસેથી પાછા ફર્યા બાદ તે જર્મન નાગરિકને પક્ષાઘાતનો હુમલો થયો હતો અને તેને ભયંકર તાવ આવી ગયો હતો.તેને કેન્સરનું નિદાન થયું હતું.તેના સાવકા પુત્રએ એ વ્યક્તિની આત્માની શાંતિ માટે આ અવશેષ પરત કર્યા હતા.દુતાવાસે આ અવશેષ ઇજિપ્તને પરત મોકલી આપ્યા હતા.

જેમ પોમ્પેઇનાં સંગ્રહાલયને દર વર્ષે ચોરાયેલી વસ્તુનાં પેકેટ પરત મળે છે તેવી જ રીતે ગેટિસબર્ગ પાર્કને પણ દર વર્ષે ચોરાયેલી વસ્તુઓનાં પેકેટ મળતા હોય છે.અહીની મુલાકાત લેનારા લોકો પોતાની સાથે યાદગિરી માટે અહીંથી માટી  કે પથ્થરનાં ટુકડા પોતાની સાથે લઇ જતા હોય છે પણ આ અવશેષો તે એવી નોંધ સાથે પરત મોકલે છે કે આ અવશેષો શાપિત છે.

કેટલાયે લખ્યું છે કે આ અવશેષો લઇ ગયા બાદ તેમને અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.આથી જ પાર્કનાં કર્મચારીઓ ત્યાંની મુલાકાત લેનારાઓને એ સમજાવતા હોય છે કે તમને આ ઐતિહાસિક સ્થળની કોઇ યાદગિરી લઇ જવાનું મન ભલે થાય પણ તેને તેના સ્થાને ક્યારેય હટાવતા નહી.

અમેરિકાનાં માઇનિંગ ટાઉન વર્જિનિયામાં ૧૮૬૭માં  એક કબ્રસ્તાનનું નિર્માણ કરાયું હતું જયાં ત્યાંના નિવાસીઓને દફનાવવામાં આવતા હતા અને આ કબ્રસ્તાનને ૨૦૦૦માં ઐતિહાસિક સ્થળનો દરજ્જો અપાયો હતો ત્યારથી જ આ કબ્રસ્તાનનાં શિલાલેખો ચોરાવાની અને તેને પરત કરવાની ઘટનાઓમાં વધારો થયો છે.ત્યાંના ગ્રાઉન્ડ મેનેજર કેન્ડેક વ્હીલરે જાતે એ નિર્ણય કર્યો હતો કે તેઓ આ શિલાલેખોને પરત કરનારાઓની મુલાકાત લેશે અને તેની પુછપરછ કરશે તેમને પોતાની પુછપરછમાં આ શિલાલેખો શાપિત હોવાની વાત જણાઇ હતી.અહી આવનારા લોકોએ તે શિલાલેખોને ચોર્યા તો હતા પણ ત્યારબાદ તેમનાં પર આફતો તુટી પડી હતી.ઘણાંને આર્થિક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો તો ઘણાને પરિવારમાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી  તો ઘણાને તો મોતનો સામનો કરવો પડ્યો હતો.આથી આ મુસીબતોમાંથી છુટકારો મેળવવા માટે મોટાભાગનાં લોકોએ એ શિલાલેખોને પરત કર્યા હતા.

અમેરિકાનાં ઉટાહનાં નાનકડા શહેર બ્લેન્ડિંગમાં ૧૯૦૫માં મોર્મોન સેટલર્સની યાદગિરીઓને પ્રદર્શિત કરાઇ હતી અને તે તેના અનાસાઝીની કલાકૃત્તિઓને કારણે ભારે પ્રસિદ્ધ થઇ ગયું છે.સ્થાનિક પુરાતત્વવિદ વિન્સ્ટન હર્સ્ટ ૧૯૫૦નાં ગાળામાં પોતાની કિશોરાવસ્થામાં હતા ત્યારે તેમને એક માટીનું પાત્ર, તીરનાં ટોપચા અને બીજા કેટલાક અવશેષો ત્યાં મળી આવ્યા હતા.૧૯૬૦માં ત્યાંના રહેવાસીઓએ સ્થળે ઉંડે ખોદકામ કર્યુ હતું અને ત્યાંથી ઘણી વસ્તુઓ મળી આવી હતી જેને લોકો પોતાનાં ઘેર લઇ ગયા હતા.૧૯૮૬માં એફબીઆઇએ દરોડો પાડ્યો હતો અને લોકો પાસેથી લગભગ ૯૦૦ જેટલા અવશેષ પ્રાપ્ત કર્યા હતા.જો કે તેના કારણે ત્યાંની વસ્તુઓ ચોરાવાનુંં કે તેનું ગેરકાયદે વેચાણ અટક્યુ ન હતું.તેના કારણે જ એફઆઇએ તેના ૧૫૦ જેટલા એજન્ટોને ત્યાં વસાવ્યા હતા.આ ચોરીની ઘટનામાં શહેરનાં જાણીતા લોકોની ધરપકડ થઇ છે જેમાં શહેરનાં શેરિફનાં ભાઇનો પણ સમાવેશ થાય છે.જો કે તેના માટે આ અવશેષો ખરેખર શાપિત સાબિત થયા હતા કારણકે તેણે ત્યારબાદ આત્મહત્યા કરી લીધી હતી અને અન્ય ઘણાંને આ અવશેષો ચોરવાનાં આરોપમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે આમ બ્લેન્ડિંગનાં અવશેષો તેમના માટે આફતનાં પડીકા પુરવાર થયા છે.

કેન્યાની પ્રાચિન પ્રજાતિઓમાં ગોહુ અત્યંત પ્રાચિન છે જેઓ તેમની કોતરણી માટે જાણીતા છે તેમની આ કલાકૃત્તિઓ વિગાન્ગોનાં નામે જાણીતી છે.જે મૃત્યુ પામેલાઓનાં સન્માન માટે વપરાતી હતી અને તેવું મનાતું હતું કે તેમાં મૃતાત્માનો વાસ છે.જો કે આ વિગાન્ગોને પશ્ચિમ જગતમાં કલાકૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે અને ગેરકાયદે બજારમાં તેની ઉંચી બોલી લગાવાય છે.વિગાન્ગોનો ઉપયોગ મોટાભાગે તો બલિ માટે કરાતો હતો અને તેને બલિનાં શરીરમાંથી ક્યારેય કાઢવામાં આવતા ન હતા જો કે ૧૯૯૯માં કેટલાક સંશોધકો ત્યાં ગયા અને જોયું તો કેટલીક પ્રતિમાઓમાંથી એ અવશેષો ગાયબ હતા.ત્યાંનિ પ્રજાતિનાં ઘણાં લોકોએ આ પ્રવૃત્તિને કારણે તેમને દુષ્કાળ અને અકાળ મોતનો સામનો કરવો પડયો હોવાનું જણાવ્યું હતું.જો કે આ અવશેષો પરત લાવવા માટે કોર્ટનો સહારો લેવો પડ્યો હતો અને તેના કારણે કેટલાક અવશેષો કેન્યાનાં સંગ્રહાલયમાં પરત આવ્યા છે અને તેને લોખંડનાં મજબૂત પિંજરામાં મુકાયા છે જેથી તે ફરીથી ન ચોરાય.

એરિઝોનાનાં પેટફિલ્ડ જંગલનાં નેશનલ પાર્કમાં અનેક પ્રાચિન અવશેષો જોવા મળે છે.જેમાં કોન્સિયસ પાઇલ તરીકે ઓળખાતા અવશેષને તેને ચોરનારે પરત કર્યા હતાં.આ અવશેષો ચોરાવાની ઘટનાઓ ૧૯૩૪થી શરૂ થયાનું મળેલા પત્રો દ્વારા જણાય છે.લગભગ ૧૨૦૦ જેટલા પત્રો મળી આવ્યા છે.

જેમાં એકે જણાવ્યું હતું કે તેઓ જ્યારથી આ અવશેષો લઇને ઘેર આવ્યા ત્યારથી તેમની મુસીબતોનો આરંભ થયો હતો પહેલા તો મારી સાવકી માતાની કિડની ફેલ થઇ ગઇ હતી ત્યારબાદ અમારો કુતરો મોતને ભેટયો,હું પોતે એક ભયંકર અકસ્માતનો ભોગ બન્યો હતો.મારા ટ્રકને પણ ભારે અકસ્માત નડ્યો હતો.ગત રાત્રિએ તો મારા ઘરમાં ગેસની બોટલ ફાટી હતી અને અમારે તમામે ઘરની બહાર નિકળી જવું પડ્યું હતું.આથી આ અવશેષ તમે પાછો સ્વીકારો કારણકે મને લાગે છે કે તે અપશુકનિયાળ છે અને તેના કારણે જ અમારે આ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.