ભાગવત રહસ્ય-૧૭૨
સ્કંધ-૮
સ્કંધ-૮-(આઠમો) સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી.પ્રહલાદની સદવાસના, મનુષ્યની મિશ્ર વાસના અને હિરણ્યકશિપુની અસદવાસના.
આ આઠમાં સ્કંધ માં વાસનાના વિનાશ કરવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે
--સતત હરિસ્મરણ.હૃદયમાં હંમેશ રામ હોય ત્યાં કામ (વાસના) આવી શકે નહિ.
--પોતાની પાસે જે ધન-મિલકત વગેરે જે બધું જ છે-તે ઈશ્વરનું છે-તેમ માનો.
જીવ લક્ષ્મીનો માલિક થઇ શકે નહિ. લક્ષ્મીનો માલિક એક માત્ર ઈશ્વર છે.જીવ એ લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે-તે ધણી થવામાં નથી.
--વિપત્તિમાં પણ પોતાના વચનનું પાલન કરો.-બલિરાજાએ સર્વસ્વનું દાન વચન માટે કર્યું છે.
--શરણાગતિ-ઈશ્વરની શરણાગતિ લેવાથી અહમ મરે છે.અને ઈશ્વરમાં તન્મયતા આવે છે.
આઠમાં સ્કંધને મન્વંતરલીલા પણ કહે છે.
શુકદેવજી વર્ણન કરે છે-રાજન પ્રત્યેક મન્વંતરમાં પ્રભુનો જન્મ થાય છે.પ્રભુ એક વિશિષ્ઠ અવતાર લે છે.
આ કલ્પ માં છ મન્વંતર થયા.
પહેલામાં- સ્વાયંભુવ મનુની કથા મેં તને કહી.તેમની પુત્રી આકુતિ-દેવહુતિના ચરિત્રો તને કહ્યા
બીજામાં -સ્વાયંભુવ મનુ તપશ્ચર્યા કરવા વનમાં ગયા ત્યારે “યજ્ઞ-ભગવાને” તેમનું રાક્ષસોથી રક્ષણ કર્યું.
ત્રીજામાં –“ઉત્તમ “ મનુ થયેલાં અને પ્રભુએ “સત્યસેન”ને નામે અવતાર લીધેલો.
ચોથામાં –“હરિ” નામનો અવતાર થયેલો અને તેમણે ગજેન્દ્રની ગ્રાહથી રક્ષા કરેલી.
પરીક્ષિત રાજા કહે છે- કે ગજેન્દ્ર મોક્ષ ની કથા સંભળાવો.
(અધ્યાય-૨ થી અધ્યાય-૪ –સુધી ગજેન્દ્ર મોક્ષ ની કથા છે)
શુકદેવજી રાજર્ષિ ને કહે છે-ત્રિકૂટ પર્વત પર એક બળવાન હાથી અનેક હાથણીઓ અને બચ્ચાં સાથે રહેતો હતો. ઉનાળાની બહુ ગરમી માં તે એક સરોવરમાં પરિવાર સાથે એક સરોવરમાં જલક્રીડા કરવા ગયો. હાથી જળક્રીડામાં તન્મય છે એમ જાણી મગર આવી હાથીનો પગ પકડે છે.મગરની પકડમાંથી છુટવા હાથી એ ઘણા પ્રયત્નો કર્યા. હાથી સ્થળચર છે અને મગર જળચર છે. હાથી જળમાં દુર્બળ બને છે. મગર હાથીને છોડતો નથી.
આ કથાનું રહસ્ય એવું છે-કે-સંસાર એ સરોવર છે.આ સરોવરમાં જીવાત્મા સ્ત્રી અને બાળકો સાથે ક્રીડા કરે છે,જે સંસારમાં જીવ રમે છે-તે સંસારમાં તેનો કાળ (સમય) નક્કી હોય છે.મનુષ્ય કાળને જોતો નથી પણ કાળ સાવધાન થઇ બેઠો છે. તે સતત જુએ છે. અને જ્યારે મનુષ્ય ગાફેલ બને છે- એવો તરત તેને પકડે છે.કાળને સંસાર સરોવર અને મગર એમ બે ઉપમા આપી છે.
જે કામનો માર ખાય છે તેને કાળનો માર ખાવો જ પડે છે.
મનુષ્ય કહે કે હું કામને ભોગવું છું પણ તે વાત ખોટી છે, કામ મનુષ્યને ભોગવી તેની શક્તિ ક્ષીણ કરે છે.
મગરે હાથીનો પગ પકડ્યો છે-તેજ રીતે કાળ આવે ત્યારે પગને પહેલાં પકડે છે-પગની શક્તિ એકદમ ઓછી થાય એટલે સમજવું કે કાળ સમીપમાં છે. પરંતુ ગભરાયા વગર ઈશ્વર સ્મરણમાં લાગી જવું – કારણ કે કાળ જયારે પકડે ત્યારે-કાળની પકડમાંથી સ્ત્રી-પુત્ર કોઈ છોડાવી શકશે નહિ.કે કોઈ પ્રયત્ન કામ લાગશે નહિ.
કાળના મુખમાંથી –મગરના મુખમાંથી એકમાત્ર એક માત્ર શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે.
જ્ઞાન ચક્ર મળે તો આ મગર (કાળ) મરે છે.
હાથીને મગરથી બચાવવા હાથણીઓએ અને બચ્ચાંઓએ ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈ કામ લાગ્યો નહિ.
મગર હાથીને ઊંડે ને ઊંડે લઇ જવા લાગ્યો.આ હવે મરશે-જ એમ માનીને સર્વે જણ તેને છોડી ને નાસી ગયાં.
ગજેન્દ્ર હવે એકલો પડ્યો. એકલા પડે એટલે જ્ઞાન જાગ્રત થાય છે. જીવ નિર્બળ બને એટલે-તે ઈશ્વરને શરણે જાય છે.ગજેન્દ્ર નિરાધાર થયો-તેને ખાતરી થઇ કે હવે કોઈ મારું નથી-એટલે ઈશ્વરને પોકાર પાડે છે.
ડોસો માંદો પડે છે. અને જો થોડા દિવસ વધારે માંદો રહે તો ઘરનાં સર્વ ઈચ્છશે કે હવે –આ મરી જાય તો સારું. ઘરનાં લોકોને બહુ સેવા કરવી પડે એટલે કંટાળે છે. જેને માટે આખી જિંદગી ડોસાએ પૈસાનું પાણી કર્યું છે-તે જ લોકો ઇચ્છે છે કે હવે આ છૂટી જાય તો સારું. દીકરો નોકરીમાંથી રજા લઈને ઘેર આવ્યો હોય અને માંદગી લંબાય તો કહેશે-કે- રજા પૂરી થાય છે-એટલે હું જાઉં છું,બાપાને કંઈક થાય તો ખબર આપજો.
જીવ મૃત્યુ પથારીમાં એકલો છે-ત્યારે ગજેન્દ્ર જેવી દશા થાય છે.અંતકાળે જીવને જ્ઞાન થાય છે
પણ તે જ્ઞાન કામમાં આવતું નથી.તે વખતે શરીર એટલું બગડેલું હોય છે-કે કંઈ થઇ શકતું નથી.
મનુષ્ય ગભરાય છે. “મેં કોઈ તૈયારી કરી નથી. મારું શું થશે ?”
જ્યાં ગયા પછી પાછું આવવાનું છે-તેવી મુસાફરીની મનુષ્ય પારાવાર તૈયારી કરે છે-
પણ જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી તેવી મોટી મુસાફરીની કોઈ તૈયારી કરતુ નથી.
પરમાત્માને રાજી કરો તો બેડો પાર છે.
અંતકાળમાં હરિ લેવા આવે તેવી ઈચ્છા હોય તો આજથી જ “હાય હાય”કરવાનું છોડી દઈને “હરિ હરિ” કરવાની ટેવ પાડો. જ્યાં સુધી શરીર સારું છે-ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે.
શરીર બગડ્યા પછી કંઈ નહિ થાય.