ભાગવત રહસ્ય-૧૭૧
આત્મા –અનાત્માનો વિવેક એ સર્વનો ધર્મ છે. વેદોની વાણી ગૂઢ હોય છે.
કોઈ અધિકારી પાસેથી તેનો સાચો અર્થ સમજવો જોઈએ.
એક ઉદાહરણ છે.એક શેઠે પોતાના ચોપડામાં લખી રાખેલું કે ગંગા-યમુનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે.છોકરાઓને એક વખત પૈસાની તાણ પડી.ચોપડામાં પિતાજીના હાથનું લખાણ વાંચે છે-પણ કંઈ સમજણ પડતી નથી.
ત્યાં જુના મુનીમ ફરતા ફરતા આવ્યા-તેમને પૂછ્યું-કે આ ચોપડામાં –પિતાજીએ લખ્યું છે-તેનો અર્થ શો ?
મુનીમે કહ્યું-તમારાં ઘરમાં ગંગા-યમુના નામની બે ગાયો છે-તે જે જગ્યાએ બાંધવામાં આવે છે-તેની વચ્ચે આ રૂપિયા છે.હવે આ દ્રષ્ટાંતનો આધ્યાત્મિક અર્થ એવો થાય કે-
ગંગા-યમુના –એ-ઈડા-પિંગલા –બે નાડીઓ છે.તેની મધ્યમાં સુષુમણા નાડી છે.તે છુપાયેલું ધન છે.
આ નાડી જાગ્રત ન થાય ત્યાં સુધી બ્રહ્મના દર્શન થતાં નથી.
બીજા –“સર્વ સામાન્ય”-“સાધારણ ધર્મો” માં-
પંચમહાભૂતોમાં (સર્વમાં)ઈશ્વરની ભાવના—શ્રવણ—કિર્તન—સ્મરણ—સેવા—પૂજા—નમસ્કાર અને
પરમાત્મા ને આત્મસમર્પણ કરવું તે સહુનો ધર્મ છે.
તે પછી વિશિષ્ઠ ધર્મોનું વર્ણન છે. ચાર વર્ણ બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર –ચારે ઈશ્વરના અંગમાંથી નીકળ્યા છે.આ બધા એક ઈશ્વરના સ્વરૂપમાં રહેલા છે-તેવી ભાવના રાખો-દરેક વર્ણના ધર્મોનું વર્ણન છે.
સ્ત્રીઓનો ધર્મ બતાવ્યો-કે સ્ત્રી પતિમાં ઈશ્વરનો ભાવ રાખે. પછી ચાર આશ્રમો –બ્રહ્મચર્યાશ્રમ,ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમના ધર્મો બતાવ્યા છે.
બ્રહ્મચર્યાશ્રમ એ સરવાળો છે,ગૃહસ્થાશ્રમ એ બાદબાકી છે,વાનપ્રસ્થ ધર્મમાં સંયમ વધારી શક્તિનો ગુણાકાર કરવાનો છે .અને સંન્યાસાશ્રમ એટલે ભાગાકાર.નૈષ્ઠિક બ્રહ્મચારી –કાયમ માટે બ્રહ્મચર્યનું પાલન કરે છે.બ્રહ્મચારીના ધર્મોમાં મિતભોજી—(અલ્પાહાર )અને સ્ત્રીસંગ વર્જ્ય –વગેરે છે.
પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ તે સન્યાસીનો ધર્મ છે.
અનાસક્તિ અને જીવની સેવા એ ગૃહસ્થનો ધર્મ છે.
ગૃહસ્થાશ્રમી બહુ કડક ન થાય અને બહુ સરળ ન થાય. સ્ત્રીનું સન્માન કરો પણ સ્ત્રીને અતિશય આધીન ન રહો.અનાસકત રહો. બહુ મમતા માર ખવડાવે છે.
એક ઉદાહરણ છે-એક રાજા હતો.તે પશુ-પક્ષીની ભાષા જાણે.એક દિવસ રાજા-રાણી જમવા બેઠા હતા .તે વખતે એક કીડીએ રાણીની થાળીમાંથી થોડું અન્ન રાજાની થાળીમાં લાવી મૂકી દીધું.બીજી કીડીએ કહ્યું -તું અધર્મ કરે છે. સ્ત્રીનું ઉચ્છિષ્ઠ રાજાને ખવડાવે છે ? તને વિવેક નથી. બંને કીડી ની વાતો સાંભળી રાજા હસ્યો. રાણીએ રાજા ને હસવાનું કારણ પૂછ્યું.રાજા કહે એ વાત રહેવા દે-અનર્થ થશે.
રાજાને એક મહાત્માએ પશુ પક્ષીની બોલીનું જ્ઞાન આપેલું-અને કહેલું કે આ વાત કોઈને કહીશ તો તારું મરણ થશે.રાજા આ વાત રાણીને સમજાવે છે-પણ રાણી એ હઠ પકડી છે.”ભલે તમારું મરણ થાય-પણ મને તમે કેમ હસ્યા તે કહો” રાજા સ્ત્રીને અતિ આધીન હતો.તે સ્ત્રી માટે મરવા તૈયાર થયો.રાજા કહે છે-આપણે કાશી જઈએ અને ત્યાં હું તને એ વાત કહીશ. રાજાને એમ કે કાશીમાં મરણ થશે-તો મુક્તિ મળશે.
રાજા-રાણી કાશી જવા નીકળ્યા છે.રસ્તામાં મુકામ કર્યો.
ત્યાં બકરો અને બકરી વાતો કરતાં હતા તે રાજા એ સાંભળી.
બકરી-બકરાને કહે છે-તમે કુવામાં જાઓ અને મારા માટે લીલું –કુણું ઘાસ લઇ આવો નહિતર હું ડૂબી મરીશ.
બકરો સમજાવે છે-ઘાસ લેવા જઈશ અને જો પગ લપસી જશે તો –હું મરી જઈશ.
બકરી કહે-તમારું જે થવાનું હોય તે થાય,ભલે મરણ થાય-પણ મને ઘાસ લાવી આપો.
બકરો કહે –હું રાજા જેવો મૂર્ખ નથી-કે પત્ની પાછળ મરવા તૈયાર થાઉં.
રાજા આ સાંભળી વિચારે છે-કે-ખરેખર હું કેવો મૂર્ખ? પ્રભુભજન માટે મળેલું આ શરીર હું સ્ત્રી પાછળ ત્યાગવા તૈયાર થયો.ધિક્કાર છે-મને. મારા કરતા બકરો ચતુર છે.
રાજાએ રાણીને કહી દીધું-કે હું કાંઇ વાત કહેવાનો નથી.તારે જે કરવું હોય તે કર.
રાણી એ જોયું-કે હવે કોઈ દાળ ગળવાની નથી એટલે તેને હઠ છોડી દીધી.