The worlds classic ghost stories in Gujarati Horror Stories by Anwar Diwan books and stories PDF | વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રકટ થઈ સમૂહ કવાયત કરે છે !

 દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. આવા રહસ્યોમાં એક રહસ્ય છે પ્રોતાત્માઓની કામગીરી. કોઈ વ્યક્તિ કે આખા સમૂહનું જે જગ્યાએ મરણ થયું હોય તે જગ્યાએ તે પ્રેતાત્મા રૃપે ફરી દેખાયા કરે એવી અનેક ઘટનાઓ બને છે. મોટેભાગે તે મરણ પામે ત્યારે જે ક્રિયા કરતા હોય તેનું પુનરાવર્તન થતું રહે છે એવું જોવામાં આવે છે.

બ્રિટનના ઈંગ્લીશ લોક સેક્ટરમાં દર વર્ષે જૂન મહિનાની પચ્ચીસમી તારીખે સેંકડો લોકો એકઠા થાય છે. સોથી પણ વધારે સંખ્યાના સૈનિકોની પરેડ જોવા તે ત્યાં એકઠા થાય છે. કેટલાક તો આ દ્રશ્ય વધારે નજીકથી અને સ્પષ્ટ જોવા એક દિવસ વહેલા એટલે કે ચોવીસમીથી પોતાની જગ્યા લઈ લે છે ! કોઈના મનમાં પ્રશ્ન થાય કે સૈનિકોની આ પરેડનું એવું તે શું મહત્વ છે કે લોકો તે જોવા આટલા ઉત્સુક થઈ જાય છે ? એનું કારણ માન્યામાં ન આવે એવું અદ્ભૂત છે ! લશ્કરી કૂચ કરતા આ સૈનિકો આ લોકના નથી, તે પરલોકથી આવે છે ! દર ૨૫મી જૂને આ સ્થળે એકઠા થનારને એવી આશા રહે છે કે તેમને એ ભૂતિયા સૈનિકોની લશ્કરી કવાયત દેખાશે કેમ કે એ પહેલા અનેકવાર સેંકડો અને હજારો લોકોને એ દેખાઈ ચૂકી છે. એ દિવસે ૧૦૦થી પણ વધુ શહીદો થયેલા સૈનિકોનો સમૂહ આકાશમાંથી આ ગ્રાઉન્ડ પર ઉતરતો દેખાય છે. પછી એ સૈનિકો જમીનથી એક મીટર ઊંચે હવામાં લગભગ એક કલાક સુધી કવાયત કરે છે !

ભૂતકાળમાં બ્રિટનના લોક સેક્ટરમાં ૨૫ જૂનના રોજ સૈનિકો પરેડ કરી રહ્યા હતા ત્યારે દુશ્મન દેશ દ્વારા ઝેરિલા બોંબ વડે તેમને મારી નાંખવામાં હતા. આ દુર્ઘટના બની તેના થોડા સમય બાદ લોકો તેને ભૂલી ગયા. કોઈને એવો ખ્યાલ તો વિચાર પણ ક્યાંથી આવે કે મૃત્યુ પામેલા સૈનિકો તેમના શહીદ દિવસે ત્યાં આવીને પરેડ પણ કરતા હશે ? પ્રેત યોનિમાં વિચરણ કરી રહેલા શહીદ સૈનિકોની આ અજબ-ગજબ પ્રકારની રહસ્યમય પરેડને સર્વપ્રથમ અઢારમી સદીમાં કેટલાક માછીમારોએ જોઈ. જમીનથી એક મીટર અધ્ધર ચાલતા એ ભૂતિયા સૈનિકોને જોઈ તે ડરીને ભાગી ગયા હતા. આ ઘટનાને તેમણે ખાસ પ્રસિધ્ધ આપી નહી. એટલે દુનિયાને તેના વિશે ખ્યાલ આવ્યો નહિ.

એ પછી ૧૮૦૫માં ૨૫ જૂને શુક્રવારના રોજ કેટલાક ખેડૂતો એ પરેડ ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તેમણે આ પ્રેત સૈનિક કવાયત જોઈ અને તેમના અવાજ અને શોરબકોર સાંભળ્યા. આ દ્રશ્ય જોઈ તે બધા આભા જ બની ગયા. જો કે એ સૈનિકોએ તેમના તરફ ધ્યાન આપ્યું નહીં અને પોતાની પરડે કલાક સુધી ચાલુ જ રાખી. આ ખેડૂતો પેલા માછીમારોની જેમ ડરીને નાસી ગયા નહીં. ત્યાં ઊભા રહીને તેમણે તે ઘટના પૂરેપૂરી નિહાળી. કવાયત લાંબો સમય ચાલી એટલે કેટલાક ખેડૂતો આ વિરલ દ્રશ્ય જોવા આશપાસના બીજા સ્થળો પરથી પણ લોકોને બોલાવી લાવ્યા. કવાયત પૂરી થઈ ગયા બાદ તે ભૂતિયા સૈનિકો આકાશમાં ઉપર તરફ ગતિ કરીને ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા.

ભૂતિયા સૈનિકોનીપરેડની આ વાત આખા બ્રિટનમાં વાયુવેગે પ્રસરી ગઈ. એ પછી દર વર્ષે આ તારીખે અનેક લોકોએ પ્રેત સૈનિકોની રહસ્યમય પરેડ નિહાળી. ધીમે ધીમે આ વાત આખી દુનિયામાં પ્રસરી ગઈ. લોકો વિદેશથી પણ એ પરેડ જોવા આવવા લાગ્યા. આ પરેડને લગતી એક ખાસ બાબત એ પણ છે કે એ પ્રેત સૈનિકો ગ્રાઉન્ડ પાસે આ ઘટના જોવા ઊભા રહેનારાને કદી હેરાન કરતા નથી તે કોઈને પણ ડર લાગે તેવું વર્તન કરતા નથી. તે એકબીજા સાથે વાતો કરતા અને મોજ-મસ્તી કરતા જરૃર જોવા મળે છે. આને લીધે બાળકો પણ આ ભૂતિયા પરેડને જોવા આવે છે.બ્રિટનના પ્રેત-સૈનિકોની આ રહસ્યમય પરેડને જોવા અમેરિકાના વિજ્ઞાાનીઓ પણ આવી ચૂક્યા છે. આમાં કોઈ છેતરપીડી, ચાલાકી કે દ્રષ્ટિભ્રમ નથી તે ચકાસ્યા બાદ તેમને પણ તે માનવા લાચાર થવું પડયું કે ખરેખર પ્રેત યોનિનું અસ્તિત્વ છે અને અધૂરા રહી ગયેલા કાર્યોને પૂરા કરવા માટે મૃત વ્યક્તિઓ કેટલાય વર્ષો સુધી પોતાના મૃત્યુ સ્થળે આવતા હોય છે. બ્રિટનના પ્રેત રૃપે દેખાતા સૈનિકોની પ્રતિવર્ષ થતી રહસ્યમય પરેડની વિગતો રજૂ કરવા અમેરિકાના ઘણા મેગેઝિનોએ સચિત્ર અહેવાલો પણ પ્રકટ કર્યો. આ પ્રતિષ્ઠિત વર્તમાનપત્રો અને સામયિકોએ રજૂ કરેલી વાસ્તવિક હકીકતો અને ફોટોગ્રાફ્સ વગેરે પ્રમાણેએ પ્રેતાત્માના અસ્તિત્વને નકારતા લોકોના મોં બંધ કરી દીધા હતા.

વિશ્વ વિખ્યાત નર્તકી અન્ના પાવલોવાની મૃત્યુ સ્મૃતિમાં એની એક શિષ્યાએ નૃત્ય સમારોહ ગોઠવ્યો. આ કાર્યક્રમ દરમિયાન નૃત્ય કરી રહેલ શિષ્યાઓ સાથે અન્ના પાવલોવા પણ નૃત્ય કરતી દર્શકોને જોવા મળી હતી. એ મૃત અન્નાનું પ્રેત રૃપ જ હતું. અદભૂત નૃત્ય ચાલી રહ્યું હોય તે વખતે અન્ના પાવલોવા પોતાની જાતને નૃત્ય કરતા રોકી ક્યાંથી શકે ? તેથી તેણે પ્રેતરૃપે નૃત્ય કરી પોતાની ઈચ્છા પૂરી કરી લીધી હતી ! એ જ રીતે ઈટાલીના ખ્યાતિલબ્ધ વાયોલિન વાદક પાગગિનીના મૃત્યુ પછી તેને શ્રદ્ધાજંલિ આપવા એક સંગીત સમારોહ યોજાયો હતો ત્યારે પણ આવી જ ઘટના બની હતી. સમારંભમાં જુદા જુદા વાયોલીન વાદકોએ સુંદર વાયોલીન વગાડી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. એ પછી પાગગિનીના મંત્રમુગ્ધ કરી દેનારા બેનમૂન વાયોલીનવાદનની કલા વિશે ઉદ્ધોષક પ્રશંસા કરી રહ્યો હતો તે વખતે એક અદ્ભૂત ઘટના ઘટી હતી. સમારંભમાં પાગગિનીનું પ્રિય વાયોલીન પણ એક સ્મૃતિ રૃપે સ્ટેજ પર રાખવામાં આવ્યું હતું. તેની આજુબાજુમાં કોઈ બેઠું નહોતું છતાં વાયોલીન આપમેળે જ વાગવા લાગ્યું હતું. વાયોલીનના તાર પર ગજ એની મેળે ફરી રહ્યો હતો અને તાર પર કોઈ આંગળી ફેરવી રહ્યું હોય તેમ તાર હાલી રહ્યા હતા. પાગગિનીની પ્રિય ધૂન હવામાં લહેરાવા લાગી હતી. સભામાં ઉપસ્થિત સર્વે મંત્રમુગ્ધ બની એને સાંભળી રહ્યા હતા. અદ્રશ્ય હાથ વડે વાગતી વાયોલીન પરની ધૂન પૂરી થયા બાદ સન્નાટો છવાઈ ગયો હતો. એ વખતે વાયોલીન પાસેથી અવાજ આવ્યો હતો- ’હું પાગગિની છું... હું પાગગિની છું. તમે મને જોઈ શકતા નથી, પણ હું તમને જોઈ શકું છું. તમારે બીજું શું સાંભળવું છે તે કહો.’ કોઈકે કોઈ પ્રસિધ્ધ ગીતની ધૂન વગાડવા ફરમાઈશ કરી. વાયોલીનના તાર ફરી હાલવા લાગ્યા અને તેને વગાડવાનો ગજ હવામાં આદ્રશ્ય હાથથી ફરવા લાગ્યો. ગીતની સુમધુર સુરાવલિઓએ શ્રોતાઓનું દિલ જીતી લીધું. પાગગિનીનો પ્રેતાત્મા અદ્રશ્ય રૃપે વાયોલીન વગાડી રહ્યો છે એ નિહાળી સમારંભમાં ઉપસ્થિત સર્વે રોમાંચિત થઈ ગયા. પ્રેતાત્માનું વાદ્ય સંગીત પૂરા થયા બાદ હોલમાં ક્યાંય સુધી તાળીઓનો ગડગડાટ ચાલુ રહ્યો.

પોતાને મરણોત્તર શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા સમારોહમાં જેમ નૃત્યાંગના અન્ના પ્રેતરૃપે પ્રકટ થઈ નૃત્ય કર્યા વિના રહી ન શકી તેમ પાગગિની પણ વાયોલીન વગાડયા વિના રહી ન શક્યો. આમ, મૃત વ્યક્તિના પ્રેતાત્મા પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવા તત્પર રહે છે અને ક્યારેક મોકો મળે ત્યારે તે પ્રેતરૃપે પ્રકટ થઈ કે અપ્રકટ રહી તે પ્રવૃત્તિમાં જોડાઈને સંતોષ અનુભવે છે !

ઇંગ્લેન્ડની ક્રેઝી કોફિન્સ અને વિશ્વની કમાલની કબરો
કહેવાય છે કે જે તિથિએ આપણા પિતૃઓએ છેલ્લો શ્વાસ લીધો હોય એ તિથિએ જો તેમને ભાવતાં ભોજનનો કાગવાસ નાખીએ અને બ્રાહ્મણને એ ચીજોનું દાન આપીએ તો પૂર્વજો જ્યાં પણ હોય ત્યાં એની ખોટ પૂરી થઈ રહે છે. હિન્દુઓમાં તો વ્યક્તિના મૃત્યુ પછી તેર દિવસની વિધિ દરમ્યાન પણ આ જ પ્રકારનાં દાનધર્મ કરવામાં આવે છે, પણ પશ્ચિમના દેશોમાં અને ખાસ તો ખ્રિસ્તીઓમાં આવી કોઈ તર્પણવિધિ નથી હોતી.

પૃથ્વી પર એકલા જ આવ્યા છીએ અને અહીંથી વિદાય થતી વખતે પણ એકલા જ જવાના છીએ એ બ્રહ્મસત્ય હોવા છતાં માણસને મૃત્યુ પછીના જીવનની પણ ખૂબ ચિંતા થાય છે. એટલે જો કોઈ દૃઢપણે મૃત્યુ પછીના જીવનમાં માનતું હોય તો તેને મર્યા પછી પોતાની સાથે શું-શું લઈ જવું છે એનીયે ચિંતા થાય છે. આપણે ત્યાં લોકો જીવતે જગતિયું કરે છે તો પશ્ચિમના લોકો મૃત્યુ પહેલાં પોતાની કબર ખોદી રાખે છે અને એટલું જ નહીં, એના પર શું-શું અને કેવું હશે એની ડિઝાઇન પણ તૈયાર રાખે છે. મર્યા પછી પણ જગતના લોકો પોતાને કઈ રીતે યાદ રાખે એની તૈયારી કરવાનો હક તો તેમને ખરો જને! આવા જ કોઈ ઇરાદાથી બ્રાઝિલના સાઓ પાઉલો સિટીમાં કાઉન્ડ સ્ક્રેપા નામના બિઝનેસમૅને પોતાના મૃત્યુ બાદ વાપરી શકાય એ માટે ત્રણ કરોડની કિંમતની બૅન્ટ્‌લી કારને પહેલાં જ સ્વર્ગલોકમાં ડિસ્પૅચ કરી દીધી હતી. એ માટે પહેલાં તો તેણે જાતે જ પોતાની કબર ખોદાવી અને પછી એમાં આ કિંમતી કારને દફન કરીને જાણે કહેતા ન હોય કે ‘તૂ ચલ, મૈં આયા....!’ મતલબ કે હવે ગમે ત્યારે પોતાનું મોત થાય તો તેના સ્નેહીજનોએ તેને આ જ કબરને ફરી ખોલીને એની અડોઅડ જ તેને દફન કરવાનો. આ ભાઈનાં સગાંસંબંધીઓ ખરેખર કબર ખોદીને તેને ગોઠવીને કાર કાઢી નહીં લે એની કોઈ ગૅરન્ટી તો નથી. છતાં એ વાતની માનસિક ધરપત પણ મોત વખતે ચેન બક્ષે છે. પશ્ચિમના દેશોમાં એવા ઘણા લોકો છે જેમણે મૃત્યુ પછીના જીવનની ચિંતા કરીને પહેલેથી જ પોતાની કબર ડિઝાઇન નક્કી કરી દીધી હોય. તમે માનશો નહીં, પણ ડિઝાઇનર ચીજોનો ક્રેઝ એટલો ફાટીને ધુમાડે ગયો છે કે ઇંગ્લૅન્ડના નૉટિંગહૅમની ક્રેઝી કૉફિન્સ નામની કંપનીએ તો માણસોને મર્યા પછી ચિરનિદ્રામાં પોઢવા માટેનાં ડિઝાઇનર કૉફિન્સ બનાવવાનો ધંધો ખોલ્યો છે. આફ્રિકાના ઘાનામાં તો વળી ડિઝાઇનર શબપેટીમાં જ પોઢવાનો પરંપરાગત રિવાજ છે. અહીં તો મૃત્યુને પણ ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે અને મૃત વ્યક્તિની પાછળ જરાય નહીં રોવાનો રિવાજ છે. કૉફી-ટેબલ, વિન્ટેજ કાર, ગિટાર, વિમાન, ઇંડું, ગરુડ, હરણ, હાથી, કરચલો, ગાય, શાર્ક, ઘર કોકા કોલાની બૉટલ, મશીનગન, ઍમ્બ્યુલન્સ, ટ્રૅક્ટર જેવા ચિત્રવિચિત્ર આકારની શબપેટીઓ આ કંપનીઓ બનાવી આપી શકે છે.જેમ શાહજહાંએ ત્રીજી પત્ની મુમતાઝ બેગમની યાદમાં તાજ મહલ બંધાવ્યો એમ કેટલાક સ્નેહીજનો મૃત પ્રિયજનની યાદમાં પોતાનાથી બનતું સ્મૃતિસ્મારક બંધાવે છે. ક્યારેક એ ગમતીલું હોય તો ક્યારેક બિહામણું. મૃતકની ગમતી ચીજો કબરમાં સાથે દાટવાનું તો ઘણું કૉમન થઈ ગયું છે. એની સાથે-સાથે કબર કે પાળિયાને સજાવવાની પણ વિયર્ડ રીતો પશ્ચિમના દેશોમાં છે. કેટલાક લોકો પોતાના નાનાં બાળકની કબર પર તેને ગમતી બાબાગાડી બનાવડાવે છે.

ઇટલીના ફ્લૉરેન્સમાં દસ વર્ષની એક બાળકીની લગભગ બે સદી જૂની કબર છે. આ બાળકી અચાનક મૃત્યુ પામેલી. તેની મમ્મી બાળકી એટલી વહાલી હતી કે તેણે કબરની ઉપરની સપાટી પર કાચ મુકાવ્યો અને એની પાછળની તરફથી કબરની અંદર ઊતરી શકાય એવાં પગથિયાં પણ. જોકે કોઈ પણ ઊતરી ન જાય એ માટે પગથિયાં પર મેટલનો દરવાજો લગાડી દેવામાં આવેલો. જ્યારે પણ તોફાન આવે ત્યારે તેની મમ્મી અહીં આવીને કબરમાં જઈને બાળકીને સાચવવા બેસી જતી હતી. હજી સુધી એ કબર સાચવી રખાઈ છે, પરંતુ કાચની વૉલને હવે સિમેન્ટથી ચણી લેવામાં આવી છે. ૧૯૮૨માં રે જુનિયર નામનો ટીનેજર મૃત્યુ પામ્યો ત્યારે તેના મોટા ભાઈને તેના ભાઈને ખૂબ જ ગમતી અને એ વખતે ખૂબ ફેમસ એવી મર્સિડીઝ બેન્ઝ ૨૪૦ મૉડલ કારનું આરસપહાણમાંથી બનાવેલું શિલ્પ ભાઈની કબર પર ચણાવેલું. ન્યુ જર્સીના લિન્ડેન શહેરમાં હજીયે આ મર્સિડીઝ કબર છે. માત્ર કાર-પ્રેમીઓ જ નહીં, આરસપહાણ કે સિમેન્ટમાંથી બાઇક બનાવીને કબર પર ચણી હોય એવા બાઇક-ક્રેઝીઓના પણ ઘણા કિસ્સા છે.

ન્યુ યૉર્કમાં આવેલી જૉનાથન રીડ અને સારાહ મિલબર્નની કબરની વાર્તા સાંભળીએ તો હીર-રાંઝા અને રોમિયો-જુલિયેટ પણ ફિક્કાં લાગે. ૧૮૯૩માં સારાહનું અચાનક મૃત્યુ થયું. એ વાતને જૉનાથન પચાવી ન શક્યો. તેણે ખાસ ઇટલીથી મગાવેલા પથ્થરોથી પત્નીની કબર ચણી. જોકે આ કબરમાં અંદર જવાનો દરવાજો ખુલ્લો રાખેલો અને એક નાનકડા રૂમ જેવું અંદર બનાવી દીધું હતું. એ પછી જૉનાથન જીવ્યો ત્યાં સુધી એ જ રૂમમાં રહ્યો, ત્યાં જ ખાતો-પીતો અને ત્યાં જ બેસીને પત્ની સાથે એકલો-એકલો વાતો કર્યા કરતો. ૧૯૦૫માં જ્યારે તેનું મૃત્યું થયું ત્યારે તેને પણ આ જ કબરમાં દફનાવવામાં આવ્યો અને તેની રૂમને સદાયને માટે ચણીને બંધ કરી દેવામાં આવી. ત્યાંના સ્થાનિક લોકો માટે તો મિની તાજ મહલ જેવી આ કબર છે. કબરની ડિઝાઇન્સ બાબતે પણ લોકો ખૂબ ક્રીએટિવ થઈ ગયા છે. ઇટલીના એક કબ્રસ્તાનમાં એક કબરના માથે માત્ર પાળિયો બાંધવામાં આવ્યો છે અને કબરની જગ્યાએ જાણે માણસ અડધો જમીનમાં ઘૂસી ગયો હોય અને હાથ-પગ-માથું બહાર રહી ગયાં હોય એવું કંકાલ છે. એક અધખુલ્લી પેટી જેવી કબર છે તો એક કપલની કબર પર કપલનો એક-એક હાથ એકમેકને ટચ થતો હોય એવું સ્મારક જેવું છે. ગૉલ્ફ-પ્રેમીઓએ પાળિયા પર ગૉલ્ફ-સ્ટિક્સ લટકાડી હોય, કબર પર આફ્રિકન સિંહ બેઠો હોય, મનગમતાં જૂતાં સાચવીને કેસમાં મૂકવામાં આવ્યાં હોય કે પાળિયા પર આડી-ઊભી ચાવીવાળી શાબ્દિક ક્રૉસવર્ડ જેવી ચિત્રવિચિત્ર ચીજો કબર પર જોવા મળે છે. રશિયામાં એક પત્નીએ પોતાના પતિની કબર પર આરસથી કોતરણી કરાવેલી, જેમાં તે પોતાના પતિના ખભે માથું ઢાળીને સૂતી હોય એવું શિલ્પ હતું. તો અમેરિકાની એક કબર પર સંપૂર્ણ નગ્ન એક યુવતી ખુલ્લા વાળ સાથે ટૂંટિયું વાળીને પડી હોય એવું શિલ્પ બનાવ્યું હોય એવી કબર છે. આવી કબરો કોની છે અને કેમ બનાવી છે એ કોયડો છે.

મિસિસિપીમાં ઘણા કબ્રસ્તાનોમાં કબરની જગ્યા પર ટેબલ-ખુરશી કે બેન્ચ બનાવી દેવામાં આવી છે. આવાં કબ્રસ્તાનોને દૂરથી જોઈએ તો એ કબર ઓછી અને બગીચામાં છૂટીછવાઈ પથરાયેલી બેન્ચ જેવી વધુ લાગે છે. મૃત્યુની ગંભીરતાને થોડીક હળવી કરવાની આ વિચિત્રતાને નવી ફૅશન કહેવી કે પછી મર્યા પછીની કહેવાતી જિંદગીમાં સુખ મેળવવા ફાંફાં મારવાની ચેષ્ટા?