NAVIN NU NAVIN - 5 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | નવીનનું નવીન - 5

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

નવીનનું નવીન - 5

નવીનનું નવીન (5)

  નવીનને પોતાની સાયકલ પર બેસાડીને રમણ સીટ પરથી પેડલ પર ઊભો થઈ ગયો હતો. નવીન એનો થેલો ખભામાં ભરાવીને સીટની સ્પ્રિંગ પકડીને બેઠો હતો.

  રમણ એકદમ લાંબો અને સિંગલબોડી હતો. એણે પહેરેલા પેન્ટના પહોળા પાંયસામાં એના પાતળા પગ ઘણી મોકળાશ અનુભવતા. લાંબો અને સાવ ઘસાઈ ગયેલો એનો બુશકોર્ટ રમણના હાડપિંજર જેવા દેહનું દર્શન આમ જનતાને વિના મૂલ્યે કરવા દેતો. ઠંડી અને ગરમ બંને હવાને ગમે ત્યારે રમણની છાતીમાં ગોથું મારવાની છૂટ હતી.

   વળી રમણ વાળ ઘણા મોટા રાખતો એટલે માથું જરા મોટું લાગે. સુરતમાં એ પણ મોટું માથું થવા જ આવ્યો હતો પણ હાલ તુરંત એ શક્ય ન હોવાથી માથે 'બોથાલો' બનાવી રાખ્યો હતો. અઠવાડિયે એકાદવાર કોઈ સારા કારીગરનું શેમ્પુ ભૂલમાં નાહવાની ચોકડીમાં રહી ગયું હોય તો રમણ એના બોથાલાને શેમ્પુસંગ કરાવતો. તો ક્યારેક વળી કોઈ બીજો 'સારો કારીગર' એના માથામાં સુગંધી તેલ નાખતો જોવામાં આવે તો રમણ બોથાલા સુધી એ તેલના બે પાંચ ટીપાં લઈ આવવા પોતાની આગવી સૂઝ કામે લગાડતો.

"લે..તેલ નાંખતા લાગો છો બોસ..!"

"તો શું ઘાસલેટ નાંખુ? માથામાં તો તેલ જ નાખવાનું હોય ને!" સા.કા.નો કઠણ જવાબ સાંભળવા છતાં રમણ નરમ પડ્યા વગર આગળ ચલાવતો.

(સા.કા.= સારો કારીગર, એટલે કે સારું કમાતો હોય એવો. અહીં સારો સ્વભાવ કે સારો માણસ એવો અર્થ નહિ લઈએ.)

"એ તો તેલ જ હોય બોસ, પણ તેલ તેલમાં ફેર હોય. હાથબનાવટનું ધુપેલ માથે ઘંહો એટલે કંઈ તેલ નાંખ્યુ એમ નો હમજવું." રમણ રમત આદરતો.

"અલ્યા..પેરાશૂટ કંપનીનું સુગંધી તેલ છે. ધુપેલ તો તારી જેવા તળિયાના કારીગરો નાખે." પેલો થોડો ગરમ થતો.

"પેરાશૂટની બોટલ હોય એટલે તેલ પણ પેરશુટનું હોય એવું માની કેમ લેવું. જોવા દે તો ખબર પડે.."

  પેલાને એ ખબર પાડવી બહુ જરૂરી હોય એટલે એ તરત રમણને તેલની બોટલ આપીને કહેતો, "અલ્યા અમે કંઈ ખોટું નથી બોલતા, લે જોઈ લે."

 રમણ તરત એ બોટલ લઈ નાક આગળ રાખીને તેલની સુગંધ લેતો. 

ખાતરી ન થઈ હોય એમ હથેળીમાં ઊંડો ખાડો કરીને એમાં તેલ રેડતો.

બોટલ કયાંક મૂકીને બંને હથેળીમાં તેલ રગડીને એના બોથાલામાં ઘસી નાંખતો.."હં.. છે તો ઓરીજનલ. મારી પાસે આ જ કંપનીનું છે, પણ બોટલ મોટી છે. મારા બોથાલામાં તો આવી નાની બોટલ પૂરું જ ન પાડી શકે."

  "અરે આ મોટી બોટલ જ છે. તું કોન્ટીટી તો જો..!" પેલો સા.કા. પોતાની બોટલની સાઈઝનું અવમૂલ્યન સહી શકતો નહિ.

"એમ..? લાગે છે તો નાની. જોવા દે તેલ કેટલુંક છે.." કહી રમણ ફરી એની હથેળીનો ખાડો ભરી લેતો. 

"હા હો..કોન્ટીટી તો ઘણી છે, પણ મારી રૂમે છે એવડી તો નથી જ.'' કહી બોથાલાને તેલથી તરબતર કરી લેતો.

  પેલો સા.કા. કાયમ રમણની મોટો બોટલની રાહ જોતો. રમણ અઠવાડિયે દસ દિવસે આવો કોઈ તેલનાખું શોધી લઈ બોથાલાને સુગંધી તેલથી મઘમઘતો રાખવામાં સફળ રહેતો.

   રમણની સાઈકલ પણ વૈભવ ગુમાવી ચુકી હતી.આગળ પાછળના વહીલનો કાદવ રોકી રાખનારા પંખા (મડગાર્ડ) એ સાઈકલનો સાથ છોડી ગયા હતા. હેન્ડલને સાયકલ સાથે કારણ વગર નીચે પડવું પડેલું તે દિવસથી હેન્ડલને સાયકલ સાથે વાંકુ પડી ગયું હતું. એટલે મોઢું ચડાવીને એ કાયમ સહેજ ત્રાંસુ જ રહેતું. હેન્ડલ પર ભૂતકાળમાં ટ્રીન..ટ્રીન..અવાજ કરીને સાઇકલ આવતી હોવાની સાયરનનું પદ ભોગવી ચુકેલી ટોકરી, ઉપરનું સ્ટીલનું ઢાંકણ ગુમાવીને વિધવાનું જીવન જીવતી જીવતી હેન્ડલને ચોટી રહી હતી. ઢાંકણ પર વાગતી હથોડી, સ્પ્રિંગ અને ટોકરી બજાવવાની ચપટી પટ્ટી વગેરે યાંત્રિક સામાન મોજુદ હોવાથી ક્યારેક અતિશય ભીડમાં એ વિધવા ટોકરી બેસુરો સ્વર કાઢીને સાઈકલનું આગમન જાહેર કરવા મથતી હતી.  

     

  રમણની એ સાયકલના બ્રેકના દટ્ટા સાવ ઘસાઈ ગયા હતા. એટલે બ્રેકના સળિયા હેન્ડલને અડી જાય ત્યારે માંડ બ્રેક લાગતી. તેથી આગળનું વહીલ ઘણીવાર આગળ જતાં વાહનને ધક્કો મારવાની ગુસ્તાખી કરી બેઠેલું. રમણને અન્ય વાહનચાલકોનો માર ખવડાવીને એ કાયમ માટે એનો મૂળ ગોળ આકાર ત્યજીને લંબગોળાકાર બની ગયું હતું. વળી એ વહીલની રીંગ પણ બાંગીત્રાંગી થઈ ગઈ હોવાથી સાઇકલ ચાલતી હોય ત્યારે સાઈકલનું હેન્ડલ ડિસ્કો કરતું! 

   રમણની એ સાયકલની સીટ, ઘણા સમયથી રમણના પીછવાડા સાથે કઠીનતાની હરીફાઈમાં ઉતરી હતી. હીરા ઘસવા માટે લાકડાં પાટલા પર બેસી બેસીને રમણે એનું પીછવાડું એટલું કઠણ કરી નાખેલું કે સાયકલની સીટ પરનું જાડા પ્લાસ્ટીકનું કવર એની ટક્કર જીલવામાં નિશ્ફળ નીવડીને ફાટી ગયું હતું. નીચેની સ્પ્રીંગો એ પ્લાસ્ટીકના કવર બહાર નીકળીને રમણની બેઠકે બટકું ભરવાની પેરવી કર્યા કરતી, પણ રમણ એ સ્પ્રીંગોને ફાવવા દેતો નહોતો. એક બેવાર એના પેન્ટનું કાપડ એ સ્પ્રીંગની ચીપટીમાં આવી ગયા પછી રમણ સાવચેત થઈ ગયેલો.

   સાયકલના પેડલ પરના રબરના ડટ્ટા ઘણા સમયથી રજા માંગતા હોવા છતાં એની અરજી રમણે કાને ધરી નહોતી, એટલે છેલ્લા શ્વાસ લઈ બંને તરફના પેડલના ડટ્ટાઓ પેડલના સળિયાને રામરામ કરીને રમણની ફાની સાઇકલ છોડી ગયા હતા. રમણ રબ્બરના સ્લીપર પહેરતો,એ સ્લીપરના તળિયાની આરપાર પેડલનો સળિયો રમણને વાગવાની કોશિશ કરતો, પણ રમણ એ પેડલના સળિયાને મણમણની ચોપડાવીને પેડલ મારતો રહેતો.

  સાયકલના બંને વહીલ પરના પંખાઓ અને ચેન કવર સાગમટે રિસાઈને સિધાવી ગયા હોઈ રમણના પેન્ટનું પાંયસુ ઘણીવાર ચેઈનમાં આવી ચૂક્યું હતું. એ ઘટના ફરીવાર ન બનવા પામે એવો રસ્તો પણ શોધી કાઢેલો. જે તરફ ચેઇન ચક્કર હતું એ તરફના પગના પાંયસા પર રમણ દોરી બાંધી દેતો. પાછી એ દોરીને એણે કાયમી નોકરી આપી હોવાથી રમણ સાયકલ પરથી ઉતરે એટલે તરત પગેથી છોડીને એ દોરીને વચ્ચેના દાંડિયા સાથે બાંધી દેતો હતો.

  રમણને ઘણીવાર મિત્રોને લિફ્ટ આપવી પડતી હોવાથી પાછળના કેરિયરને એણે ધરાર રજા નહોતી આપી. પણ પાછળ બેસનારે બંને પગ પહોળા રાખીને જ બેસવું પડતું.

કુલ સરવાળો માંડો તો ડોક ખવાઈ ગયેલા કાગડા જેવી રમણની સાયકલ હતી!

    રમણ ગોકુલનગર સોસાયટીમાં છેલ્લી શેરીમાં આવેલા છેલ્લા મકાનના ચોથા માળે ઉતરેલી પતરાવાળી ચાર રૂમોમાંથી એકમાં રહેતો હતો. મકાન માલિક લીંબા કાબા ઘણો જ કાબેલ અને કાબો માણસ હતો, સાવ અભણ અને અંગુઠાછાપ હોવા છતાં એની કોઠાસૂઝથી એ ઘણું કમાયો હતો.

  લીંબો નાનપણમાં શીતળાના રોગમાંથી જીવતો બચેલો એટલે એના ચહેરાની ચામડીમાં ખાડા પડી ગયા હતા. વાને કાળો અને કદાવર દેહ ધરાવતો લીંબો થોડો માથાભારે હોવાથી માથું કાઢી ગયેલો! ગોકુલનગર સોસાયટી પડી ત્યારે આ લીંબાએ કોઠા કબાડા કરીને માર્જિનવાળી જગ્યામાં ચાર માળનું મકાન ખડકી દીધું હતું. નીચેના માળે લીંબો એની બેઠી દડીની કોઠી જેવી બૈરી, એની ચાર છોકરીઓ અને સાવ સાંઠીકડા જેવા છોકરા સાથે રહેતો હતો. ઉપરના બે માળ ફેમિલીવાળાને અને ધાબા પર ઉતારેલી પતરાવાળી રૂમોમાં રમણ જેવા બેચાર વાંઢાઓને પાક્કી ઓળખાણ અને ત્રણ મહિનાના ભાડા જેટલું એડવાન્સ લઈને ભાડે આપ્યા હતા.

  ભાડે રહેનાર માટે લીંબાએ કેટલાક નિયમો પણ બનાવેલા, જો કોઈ ભાડૂત નિયમભંગ કરે તો તાત્કાલિક અસરથી લીંબો ઘર ખાલી કરાવી નાંખતો. લીંબાના મકાનમાં રહેવા માટેના નિયમો નીચે મુજબ હતા.

નિયમ નં-(1) 

  કોઈપણ આદમીએ લીંબાના ઘરમાં ભૂલથી પણ નજર કરવી નહિ. 

(2)

લીંબાનું બૈરું કે છોકરીઓ સામી મળે ત્યારે નજર નીચી રાખવી.

(3)

 ઘરમાં કોઈપણ દીવાલે નવી ખીલી મારવી નહિ. જેટલી ખીલી મારેલી છે એને જ ઉપયોગમાં લેવી.

(4)

 દરેક માળ પર આવેલા કોમન સંડાસ બાથરૂમમાં પાણીનો બગાડ કરવો નહિ. લાઈટ ઉડી ગઈ હોય તો ભાડુતોએ પોતાના ખર્ચે નાખવી. 

(5)

 પાણી ગરમ કરવા ઇલેક્ટ્રિક ગીઝર વાપરવું નહિ. ઘરમાં ઈસ્ત્રી પણ રાખી શકાશે નહિ.

(6)

 ભાડું અને લાઈટબીલ દર મહિનેની પહેલી તારીખે ફરજિયાત આપી દેવાનું રહેશે. જેટલા દિવસ લેટ થાય એટલા દિવસનું બે ટકા વ્યાજ ભરવાનું રહેશે.

(7)

 સળંગ બે મહિના સુધી ભાડું જમા ન કરાવનારે બીજા મહિનાની આખર તારીખે મકાન ખાલી કરવાનું રહેશે અને ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે.

(8) રાતે દસ થી સવારના છ વાગ્યા સુધી મકાનનો મેઈન ગેટ બંધ રહેશે. એટલે દસ પછી અને છ પહેલા કોઈપણ ભાડૂત મકાનમાં આવી કે જઈ શકશે નહિ.

(9)

  નીચેના માળની લોબી અને પાર્કિંગમાં ભાડુતોની સ્ત્રીઓએ વારા પ્રમાણે કચરા પોતા કરવાના રહેશે.

ઉપરના માળની લોબી અને સંડાસ બાથરૂમ પણ જે તે માળની સ્ત્રીઓએ સાફ રાખવાના રહેશે.

(10)

ઉપરના માળની કોમન લાઈટો ભાડુતે પોતાના પૈસે નાખવાની રહેશે. એની સ્વીચ મકાનમાલિકના ઘરમાં રહેશે. 

મકાનમાલિક ઈચ્છે ત્યારે એ લાઈટો ચાલુ બંધ કરી શકશે.

(11)

મકાનમાં આવતું કોઈપણ પ્રકારનું રીપેરીંગ ભાડુતોએ પોતાના ખર્ચે કરવાનું રહેશે.

(12)

  ભાડુતો એમના વાહનો મકાનના પાર્કિંગમાં રાખી શકશે નહિ. પોતાની જવાબદારીથી શેરીમાં જગ્યા હોય ત્યાં મુકવાના રહેશે.

(13)

 સાઇકલ સિવાયના વાહનો જો કોઈ ભાડૂત પાસે હોય તો મકાનમાલિકને જરૂર પડ્યે વાપરવા દેવાનું રહેશે. જો કોઈકારણસર ભાડુતનું વાહન મકાનમાલિક લઈ જાય તો પેટ્રોલ પુરાવશે નહિ. વળી ક્યારેક વાહન ભટકાઈ જાય તો વાહન અને મકાનમાલિકનો ખર્ચ ભાડુતે ભોગવવાનો રહેશે.

(14)

  મકાનમાલિકના ઘરનો ગેસનો બાટલો ખાલી થઈ જાય ત્યારે ભાડુતે પોતાનો બાટલો આપવાનો રહેશે. અને કારખાને રજા રાખીને મકાનમાલિકને ગેસનો બાટલો લાવી આપવાનો રહેશે. જો કે બાટલાના પૈસા ભાડામાંથી કાપી આપવામાં આવશે, પણ વાહનનો કે રિક્ષાભાડાનો ખર્ચ આપવામા આવશે નહિ.

(15)

 સંદસમાં એક ડોલથી વધુ પાણીનો વપરાશ કરવા દેવામાં આવશે નહિ.

જો કોઈ ભાડૂત સંડાસમાં ગયા પછી નીકળે ત્યાં સુધી નળ ચાલુ રાખતા પકડાશે તો અડધા મહિનાનું ભાડું દંડ પેટે લેવામાં આવશે.

(16)

 આ નિયમો વાંચ્યા પછી સાત વખત ચળ હોય તો જ મકાન ભાડે રાખવું. 

પાછળથી ખોટી મગજમારી કરવી નહિ.

   લી. મકાનમાલિક લીંબા કાબા.

 બિચારા નવીનને સાયકલના કેરિયર પર બેસાડીને રમણ આ લીંબા કાબાના મકાનમાં લાવી રહ્યો હતો!

(ક્રમશ:)