પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધને સમજાવતા સમજાવતા અબ્દુલ્લાહીજી તેને આશ્વાસન આપી રહ્યા હતા.
" અબ્દુલ્લાહીજીની વાત તો બરાબર છે પણ આ વિચિત્ર અવાજ ક્યાંથી આવ્યો ?"ડ્રાઇવર સામે હાથબત્તીથી પ્રકાશ આપતા હર્ષિતે પૂછ્યું.
"આ અવાજ મેલ રેડ કોલંબસ મંકીનો છે."
"પણ મામુ...! મંકીનો અવાજ સાંભળીને ચિમ્પાન્જી એ દિશામાં કેમ ભાગ્યો..?" ઈબતિહાજે પૂછ્યું.
"ચિમ્પાન્જીને જોઈને રેડ કોલંબસ તેની પ્રજાતિને સાવચેત કરે છે કેમકે ચિમ્પાન્જી રેડ કોલંબસનો શિકાર કરવા માટે પ્રખ્યાત છે. રેડ કોલંબસ પોતાના વિશિષ્ટ અવાજથી સમગ્ર રેડ કોલંબસ પ્રજાતિને ચિમ્પાન્જીનાં આક્રમક હુમલા પહેલાં એલર્ટ કરે છે." અબ્દુલ્લાહીજીએ કહ્યું.
"ઓહ..રિયલી..?" નવાઈ સાથે સુશ્રુતે કહ્યું.
" અબ્દુલ્લાહીજી..! તમને એ ખબર છે કે ઝાંઝીબારનાં લોકો રેડ કોલંબસને બિલકુલ પસંદ નથી કરતાં." હર્ષિત અને જૉનીની મદદથી ગાડીનું ટાયર બદલી ઉભા થતાં ડ્રાઇવરે કહ્યું.
"નાં એ ખબર નથી. હું રેડ કોલંબસ વિશે જાણું છું ત્યાં સુધી તો તે ખૂબ સામાજિક છે અને તે માનવજાતિ પર ક્યારેય હુમલો નથી કરતાં. તો અહીંના લોકોનો આ વાનર પ્રત્યે અણગમો કેમ..?" અબ્દુલ્લાહીજીએ ડ્રાઇવરને પૂછ્યું.
"અરે બોલો બોલો...આ રેડ કોલંબસ વિશે મારી જાણવાની ઉત્સુકતા તો વધી રહી છે." જૉનીએ અબ્દુલ્લાહીજી અને ડ્રાઇવરની વાતમાં રસ દાખવતા કહ્યું.
"પહેલાં બધા ફટાફટ ગાડીમાં બેસો. આપણે રસ્તામાં તેના વિશે વધુ ચર્ચા કરીએ. આ ગાઢ જંગલમાં આમ, કોઈ સેફ્ટી વિના બહાર રહેવું જોખમથી ભરેલું છે." ડ્રાઇવરે સીટ પર બેસી ગાડી સ્ટાર્ટ કરતાં કહ્યું. બધા ફટાફટ ગાડીમાં ગોઠવાઈ ગયા.
"ઝાંઝીબારના લોકો આ રેડ કોલંબસ મંકીને 'કિમા પૂજુ' કહે છે." ડ્રાઇવરે કહ્યું.
" કિમા પૂજુ...? કિમા પૂજુ એટલે શું વળી..?" જાણવાની ઉત્સુકતાથી હર્ષિતે પૂછ્યું.
" કિમા પૂજુ મતલબ ઝહેરીલો વાંદરો..!"
"ઝહેરીલો વાંદરો...? રેડ કોલંબસને અહીંના લોકો ઝહેરીલો વાંદરો કેમ કહે છે..? વાંદરો ઝહેરીલો હોય એવું તો મેં પહેલીવાર સાંભળ્યું." આશ્ચર્ય સાથે જૉનીએ કહ્યું.
"સામાન્ય રીતે આ વાંદરો એક વૃક્ષીય સામાજિક પ્રાણી છે. એટલે કે તે જંગલના કોઈ એક જ વૃક્ષને પોતાનું ઘર બનાવે છે." ડ્રાઇવરે કહ્યું.
" મતલબ, અંકલ..! તે કોઈ એક જ વૃક્ષ પર રહે છે બીજા વૃક્ષ પર નથી જતો..?" ભોળા સુશ્રુતે પૂછ્યું.
" ના એવું નથી તે કોઈ એક વૃક્ષને પોતાનું ઘર માને છે આખો દિવસ તે પોતાના માનેલા વૃક્ષ પર જ રહે છે પરંતુ હા તે ખોરાકની શોધમાં અથવા તો માદા કોલંબસને આકર્ષવા માટે તે અન્ય ઝાડ પર જાય છે." ડ્રાઇવરે કહ્યું.
"ઓકે ઠીક છે પણ એક વૃક્ષ પર રહેવું અને તેનું ઝહેરી કહેવાવું આ બંનેને શું સંબંધ છે ..?" લિઝાએ પૂછ્યું.
" રેડ કોલંબસ મંકી અન્ય વાનરોની તુલનામાં વધુ ગંધ ફેલાવે છે. એટલી ગંધ કે વાતાવરણમાં શ્વાસ લેવો અસહ્ય બની જાય. તેમજ ઝાંઝીબારમાં લોકોનું એવું પણ કહેવું છે કે આ વાંદરો જે ઝાડ પરથી ભોજન કરે છે અને નિવાસ કરે છે તેની પર વાંદરાની નકારાત્મક અસર થાય છે અને ધીમે ધીમે કરીને તે આખું એ વૃક્ષ નષ્ટ થઈ જાય છે અથવા તો સુકાઈ જાય છે. તેમજ રેડ કોલંબસ મંકી નું એક સત્ય એ પણ છે કે તે ફળ ફૂલ પાંદડા સાથે ખોરાકમાં કોલસો અને માટી પણ ખાય છે અને તેનું પાચન કરી શકે છે તેમજ જો તેને ખોરાકમાં કઈ ન મળે તો તે ઝેરી વનસ્પતિ પણ ખાઈ લે છે."
" ઝેરી વનસ્પતિ પણ ખાય છે..? ઝેરી વનસ્પતિ ખાવાથી તેનું અવસાન ન થઈ જાય..?" સુશ્રુતે આશ્ચર્યથી પૂછ્યું.
" ના ઝેરી વનસ્પતિ ખાવાથી તેનો અવસાન થતું નથી કેમકે કુદરતી રીતે તેની ડાયજેસ્ટ સિસ્ટમ એવી રીતે ગોઠવાયેલી છે કે તે ઝેરી વનસ્પતિનું પાચન પણ સામાન્ય વનસ્પતિની જેમ સરળતાથી કરી શકે છે." ડ્રાઇવરએ કહ્યું.
" વાઉ..!ગ્રેટ...! રેડ કોલંબસ મંકી વિશે જાણવાની ખૂબ જ મજા આવી. આ મંકી વિશે જાણ્યા બાદ મને તો તે મંકીને રૂબરૂ જોવાની ઈચ્છા થાય છે. શું સવાર થતા આપણે તેને જોઈ શકશું..?" જોનીએ પૂછ્યું.
" હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જાતિ પર હુમલો કરતા નથી, પરંતુ તેઓ એકાંત પ્રિય છે. તે કોઈની દખલગીરી બિલકુલ પસંદ કરતા નથી. તેઓ જો આરામ કરતા હોય ને તેમને છંછેડવામાં આવે તો તેઓ ખૂબ જ આક્રમક બની જાય છે. આથી બને ત્યાં સુધી આપણે આવવા વાંદરાઓથી દૂર જ રહીએ તો તે આપણા હિતમાં છે." જોની સામે જોઈ અબ્દુલ્લાહીજીએ કહ્યું.