Wiki Vidya Ka Wo Wala Video in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | વિકી વિદ્યા કા વો વાલા વિડીયો

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

વિકી વિદ્યા કા વો વાલા વિડીયો

વિકી વિદ્યા કા વો વાલા વિડીયો

- રાકેશ ઠક્કર

         રાજકુમાર રાવની 2024 ની ફિલ્મ ‘સ્ત્રી 2’ પછીની નવી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડીયો’ નિરાશ કરી ગઈ છે. ‘સ્ત્રી’ થી ‘સ્ત્રી 2’ સુધીના સમયમાં રાજકુમારની 12 ફિલ્મો ફ્લોપ થઈ ચૂકી છે. હવે ‘સ્ત્રી 3’ સુધી એવી સફળતાની રાહ જોવી પડશે? એવો સવાલ થઈ રહ્યો છે. રાજકુમારની આ વર્ષે જ 4 ફિલ્મો આવી ચૂકી હોવાથી હવે એની સોલો ફિલ્મ પર અસર જોવા મળી રહી છે.

         ‘વિકી’ તરીકે રાજકુમારે અભિનયમાં કોઈ કમી રાખી નથી. કેમકે નાના શહેરના યુવાનની ભૂમિકામાં એની મહારત રહી છે. માત્ર અભિનયના સહારે બોક્સ ઓફિસ પર રાજ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. ફિલ્મની વાર્તાનું પણ મહત્વ સમજવું પડશે. ‘વિકી’ માં પહેલા અડધા કલાકના દ્રશ્યોને વાર્તા સાથે ખાસ સંબંધ દેખાતો નથી. મુદ્દા પર આવતા વાર લાગતી હોવાથી ફિલ્મની લંબાઈ 20 મિનિટ ઓછી કરી શકાય એમ હતી.

         ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડીયો’  ની વાર્તા જોઈએ તો મહેંદી લગાવવાનું કામ કરતો વિકી (રાજકુમાર) અને વિદ્યા (તૃપ્તિ) એક નાટકીય સ્થિતિમાં લાગ કરી લે છે. લગ્ન પછી બંને હનીમૂન મનાવવા ગોવા જાય છે. જ્યાં યાદગીરી માટે પહેલી રાતનો વિડીયો બનાવે છે. એક રાત્રે ચોર એ CD સાથેનું VCR ચોરી જાય છે. પોલીસમાં ફરિયાદ થતાં અધિકારી (વિજય રાજ) તપાસ માટે આવે છે અને વિકીની બહેન ચંદા (મલ્લિકા) પર ફીદા થઈ જાય છે. જ્યારે CD ની શોધ થતી હોય છે ત્યારે CD શોધવાના ચક્કરમાં વિકી ચોર બજારના એક ચોરના હાફ મર્ડર કેસમાં ફસાય છે. એમાંથી બહાર નીકળ્યો હોતો નથી ને બે લાખની માંગણીનો ફોન કોલ આવે છે. કોમેડી ફિલ્મ ધીમેધીમે સસ્પેન્સ થ્રીલર બનતી જાય છે.   

         કોમેડી પ્રસંગો અને વનલાઇનર જોક્સ કે હાસ્ય સંવાદના આધારે ફિલ્મની વાર્તાને ખેંચવામાં આવી છે. ક્લાઇમેક્સમાં ‘સ્ત્રી 2’ ની જેમ હોરર જબરદસ્તી ઘૂસાડવામાં આવ્યું છે. એમ લાગે છે કે ફિલ્મમાંથી સીડી સાથે તર્ક અને વાસ્તવિક્તા પણ ગૂમ થયા છે. મૂર્ખતાપૂર્ણ પ્રસંગો પણ રાખ્યા છે. જે હનીમૂનની સીડી પર આખી ફિલ્મ બની છે એની સ્થિતિ છેલ્લે ‘ખોદા પહાડ નીકલા ચૂહા’ જેવી થઈ છે. એક લાંબુ સામાજિક ભાષણ પણ આપી જાય છે. ‘ડ્રીમ ગર્લ’ બનાવનાર નિર્દેશક રાજ શાંડિલ્યએ આ કોમેડી ફિલ્મને છેલ્લે સસ્પેન્સ થ્રીલર બનાવી દીધી છે. લોકો હોરર- કોમેડી પસંદ કરી રહ્યા છે પણ રાજે એને જબરદસ્તી ઘૂસાડયા હોવાથી કામ કરતાં નથી.

         એ માનવું પડશે કે ટ્રેલરમાં થયેલા દાવા મુજબ ફિલ્મ 97% પારિવારિક છે. ટ્રેલરથી જાગેલી અપેક્ષા ફિલ્મ પૂરી કરતી નથી. વિષય સારો હોવા છતાં ફિલ્મની રિપીટ વેલ્યૂ નથી. મનોરંજન માટે એક વખત જોઈને ભૂલી જવા જેવી છે. ‘વિકી’ ને શા માટે જોવી જોઈએ? એવા સવાલનો જવાબ એકમાત્ર રાજકુમાર રાવ છે. એ સામાન્ય સંવાદ બોલીને હસાવી શકે છે. બાકી તૃપ્તિની ભૂમિકા સામાન્ય છે. એને ડૉક્ટર બનાવવાનું કારણ સમજાતું નથી. એની બેકસ્ટોરીનો કોઈ ખુલાસો થયો નથી. ટીકૂ તલસાણિયા, અર્ચના, રાકેશ બેદી વગેરે અડધો ડઝન હાસ્ય કલાકારો પાસેથી નિર્દેશક જોરદાર કોમેડી કરાવી શક્ય નથી. ફિલ્મમાં સુનીલ અને શેટ્ટી નામના બે પાત્રએ કોમેડી કરવાને બદલે સુનીલ શેટ્ટીની મજાક ઉડાવવાનું કામ વધારે કર્યું છે. વિજય રાજ અને મલ્લિકા કોમેડીથી થોડી રાહત આપવાનો પ્રયત્ન કરે છે. મલ્લિકાએ એની ‘વેલકમ’ ની યાદ અપાવી દીધી છે. શહનાઝ ગીલનું આઈટમ ગીત ‘સજના વે સજના’ રાખવામાં આવ્યું છે.

         ફિલ્મને 1990 ના દાયકાની બતાવવામાં આવી છે પણ એ માહોલ બનતો નથી. એ માટે ત્યારના ગીતો જરૂર લેવામાં આવ્યા છે. રાજકુમાર- તૃપ્તિની ‘વિકી વિદ્યા કા વો વાલા વિડીયો’ માં નેવુંના દાયકાના જૂના ગીતો લેવામાં આવ્યા છે એ ગમે એવા છે પણ ફિલ્મ જોવી કે નહીં? એ બાબતે અભિપ્રાય આપતા એમાંના જ દલેર મહેંદીના એક ગીતથી કહ્યું છે કે,‘ના ના, ના ના, ના રે ના રે!’