Live till you die in Gujarati Book Reviews by Rakesh Thakkar books and stories PDF | મરો ત્યાં સુધી જીવો

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

મરો ત્યાં સુધી જીવો

પુસ્તક : મરો ત્યાં સુધી જીવો- ગુણવંત શાહ

પરિચય: રાકેશ ઠક્કર

        જાણીતા વિચારક અને ચિંતક શ્રી ગુણવંત શાહનું પુસ્તક ‘મરો ત્યાં સુધી જીવો’ જીવન અને આરોગ્ય વિષે બહુ કીમતી સમજણ આપી જાય છે. પુસ્તકનો હેતુ ‘સાજું, તાજું અને રળિયામણું જીવન’ નો છે.

             શ્રી ગુણવંત શાહ વાચકોને કહે છે કે,‘આ પુસ્તકમાં સમાવેલા લેખો સ્વસ્થ જીવનની ઝંખના રાખનારા સૌ લોકો માટે છે. કદાચ ડૉક્ટરોને પણ આ પુસ્તક નવું વિચારવા પ્રેરશે. ક્યાંક ક્યાંક જાણીજોઈને મુદ્દાને ઘૂંટવા માટે પુનરાવર્તન કર્યું છે. હું શિક્ષક ખરો ને! જીવનનું બધું રહસ્ય એક સાથે પ્રગટ કરવાની પ્રકૃતિમાતાને ઉતાવળ નથી હોતી. શરીરનાં અને મનનાં ગહન રહસ્યોમાંથી હજી મેડિકલ સાયન્સને માંડ એક ટકાની ભાળ મળી હશે. જે ભાળ મળી તેય ઓછી ઉપકારક નથી. આ પુસ્તક એ ગહન રહસ્યોને વંદન કરવાના ભાવથી લખાયું છે.’

        આ પુસ્તકમાં શ્રી ગુણવંત શાહ ૩૭ લેખોનું સંપાદન ડૉ. મનીષા મનીષ દ્વારા થયું છે. તેઓ સંપાદકીયમાં લખે છે,‘વાતવાતમાં ભાઈ આરોગ્ય અંગે ત્રણ મુદ્દાઓ સમજાવે છે : (૧) માણસની ખરી પરીક્ષા જમવાના ટેબલ પર થાય છે. યોગી જમે અને ભોગી જમે એ બેમાં તફાવત છે. (૨) ટૉયલેટમાં એકલા બેઠેલા માણસે ધ્યાનપૂર્વક શાંતભાવે બેસીને વિચારવું જોઈએ કે ઉત્સર્ગ દ્વારા શરીરના વિકારો ટળી રહ્યા છે. (૩) આરોગ્યનો સંબંધ ફક્ત શરીર સાથે જ નથી, પણ આરોગ્યની શારીરિક, માનસિક, સાંવેગિક અને આધ્યાત્મિક કક્ષાઓ છે. જૂઠું બોલવાથી પણ આરોગ્યને અસર થાય છે.’

        મનીષા મનીષ આગળ કહે છે.‘આ પુસ્તકમાં પ્રગટ થયેલા લેખો લોકોને રોગમુક્ત થવાની અને સ્ફૂર્તિમય તથા આનંદમય જીવનની પ્રેરણા આપશે. ક્યારેક પંપાળીને તો ક્યારેક ઢંઢોળીને અને ક્યારેક (ડૉ. ભમગરા કહે તેમ) ચાબુક ફટકારીને ભાઈ વાચકને વિચારવા માટે મજબૂર કરે છે.’

         શ્રી ગુણવંત શાહને કાયમ વાંચતાં વાચકો એમની શૈલીથી સારી રીતે પરિચિત છે. એમનું એક વાક્ય ‘ગાગરમાં સાગર’ જેવું હોય છે. તે જીવનનો મર્મ બહુ સહજતાથી સમજાવે છે. લેખના કેટલાક શિર્ષકો પર એક નજર કરવાથી એના ઉદ્દેશ વિષે ખ્યાલ આવી જશે.

૨૧. તબિયતની જાળવણી એટલે લયની જાળવણી

૨૨. અખંડ સૌભાગ્યવતી કિડનીદેવી

૨૩. વારંવાર ડૉક્ટરને ત્યાં જવામાં શરમ નથી આવતી?

૨૪. રોગનું અસલ ઠેકાણું માનવીનું મન

૨૫. માંસાહાર છોડો અને લાંબું જીવો!

૨૬. શિયાળો આવ્યો, આરોગ્ય લાવ્યો

૨૭. પીડાનું પાથરણું અને આનંદનું ઓશીકું

૨૮. ગૃહિણીઓ પતિની થાળીમાં હૃદયરોગ પીરસતી રહે છે 

        પ્રથમ નિબંધ ‘મરો ત્યાં સુધી જીવો’ માં ગુણવંત શાહ માનવીને આરોગ્ય બાબતે જાગૃત કરવા કહે છે કે,‘જેઓ આરોગ્યની જાળવણી અંગે જાગી ચૂક્યા છે તેવા લોકોના જીવનમાં ઘડપણનાં અણગમતાં પગલાં થોડાં મોડાં થતાં હોય છે. એમની સ્ફૂર્તિને ઉમરનો અભિશાપ નડતો નથી. આવા જાગૃત લોકોની સંખ્યા ધીમી પણ ચોક્કસ ગતિએ વધી રહી છે. વીમા કંપનીઓના આ વહાલા ગ્રાહકો મેડિકલ સ્ટોર પર ભાગ્યે જ જાય છે. પૈસા અને કૅલરી યોગ્ય રીતે ખર્ચી જાણે એવા નાગરિકોની સંખ્યા વધતી રહે તે ઈચ્છનીય છે. આળસુ કોને કહેવો? જે મનુષ્ય શરીરમાં પધરાવેલી કૅલરી ખર્ચવામાં કંજૂસાઈ કરે તે આળસુ કહેવાય. રોગની સાવકી માતાનું નામ આળસગૌરી છે. દેશમાં કરોડો ગરીબોને આળસ મરડવાનો વૈભવ મળ્યો નથી. તેઓને કદી ડાયબીટિઝ થતો નથી. એ તો સુખીસંપન્ન લોકોનો લાડકો રોગ છે.

        નવી આવૃત્તિની પ્રસ્તાવનામાં લેખક લખે છે કે,‘ગુજરાતી પ્રજાએ આ પુસ્તક માટે જે ઉમળકો બતાવ્યો છે તે કલ્પના બહારનો ગણાય. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનો સેતુ ધ્યાનમાં રાખવા જેવો છે. બંને પેઢી તંદુરસ્તી માટે સભાન છે અને સૌને લાંબું જીવવાનું ગમે છે. પૂરી તંદુરસ્તી વગર લાંબું જીવવું એ અભિષાપ છે. જો યુવાની સડેલી હોય તો એ પણ ઘડપણનું જ બીજું નામ છે. જો ઘડપણમાં તનનો અને મનનો થનગનાટ હોય તો એ ઘડપણ પણ યુવાનીનું બીજું નામ છે.’

        ‘મરો ત્યાં સુધી જીવો’ ના પુસ્તક પ્રકાશક અને વિક્રેતા આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા.લિ., મુંબઇ છે.