Talash 3 - 6 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 6

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

તલાશ 3 - ભાગ 6

  ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"વિનાશ કાળે વિપરીત બુદ્ધિ" વિક્રમ તારા વિનાશનો સમય આવી ગયો છે. મેં 6 વર્ષ પહેલાં તને ચેતવ્યો હતોકે, જીવતા રહેવું હોય તો મારાથી દૂર રહેજે. પણ તારા વિનાશને તે જ આમંત્રણ આપ્યું છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તને યાતના ભર્યું  મોત ન મળે." સોનલની રાડથી આખા રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો ચોંકી ઉઠ્યા. વિક્રમ સહેજ અસ્વસ્થ થયો એટલામાં સોનલે ઉભી થઇ અને ચાલતી પકડી. રેસ્ટોરાંની બહારજ  ડ્રાઈવર એટેન્શનમાં ઉભો હતો. સોનલને જોઈને એ બ્લેક મર્સિડિઝ તરફ દોડ્યો. અને પાછળનો દરવાજો ખોલ્યો. પણ સોનલે એ કાર સામે પણ ન જોયું અને રોડ પરથી પસાર થતી એક ખાલી ટેક્સી તરફ હાથ લંબાવ્યો. ટેક્સી ઉભી રહી. સોનલ અંદર ગોઠવાઈ. અને ટેક્સી ચાલુ થઈ. વિક્રમ સોનલના આ આક્રમક જવાબથી સહેજ હડબડાયો હતો એ સ્વસ્થ થયો હતો પણ એનાથી થોડે દૂરના એક ટેબલ પર બેઠેલા કપલે આ બધું સાંભળ્યું હતું. અને અવાજ પરથી, અને પાછળથી જોઈને સોનલને ઓળખી હતી. એ ઇન્સ્પેક્ટર મોહિત અને એની નવવિવાહિત પત્ની હતા. મોહિતના લગ્નના માત્ર 7 દિવસમાં જ એની પત્નીના શુકનિયાળ પગલે મોહિતનું પ્રમોશન થયું હતું. (વિગતો માટે તલાશ વાંચો)

xxx 

"હવે શું કરવું છે?" ફોનમાં નિનાદ પૂછી રહ્યો હતો. એ અને નીતા આખરે નીતાના માં-બાપ અને ભાઈના ઘરે અમેરિકા ફરવા ગયા હતા. 

"મારા હિસાબે તો આપણે એની ઓફર સ્વીકાર કરી લેવી જોઈએ." અનોપચંદે કહ્યું.

"પણ પપ્પાજી," નીતા કંઈક કહેવા જતી હતી.

"આ મારો ફાઇનલ નિર્ણય છે. નીતા." એની વાત કાપતા અનોપચંદે કહ્યું. અને ઉમેર્યું. “આ નાતો દેશની સુરક્ષાનો ઈશ્યુ છે, કે ન જીતુભા સાથે આપણે કોઈ સગપણ છે. એ માત્ર આપણે ત્યાં નોકરી કરે છે અને આપણે એને ક્યાં કાઢી મુકવો છે. અને વાત તો થોડા દિવસ પૂરતી જ છે ને.” 

"તો પછી પૃથ્વીનું શું?"

"પૃથ્વીને ભારતમાં આવવા દો, આપણો કોન્ટેક કરે ત્યારે વિચારશું. આપણી પાસે એના માટે બધા ઓપશન ખુલા છે. ન તો એણે તને કોલ કરીને ભારત આવવાની રજા લીધી છે. ન એણે મને કે સુમિતને કઈ કહ્યું છે. ન તો માઈકલને ઇન્ફોર્મ કર્યું છે, ગમે એમ તો ય માઈકલ એટલીસ્ટ યુરોપમાં એની સમકક્ષ છે, પૃથ્વીએ એને જણાવવું જોતું હતું." કહી એણે ફોન કટ કર્યો. માત્ર 4-5 સેકન્ડમાં સ્નેહાના ફોનમાં ઘંટડી વાગી. સ્નેહાએ ડિસ્પ્લેમાં નજર મારી અને તરત ફોન કટ કર્યો. બધાનું લંચ પૂરું થઇ ગયું હતું, એટલે સુમિત અને અનોપચંદ પોતપોતાના બેડરૂમમાં ગયો. સ્નેહાને રવિવારે બપોરે જમીને 8-10 મિનિટ ટીવીમાં ન્યુઝ કે સ્પોર્ટ્સ કે કોઈ કોમેડી સિરીઝ જોવાની આદત હતી. પછી એ ગેસ્ટ બેડરૂમમાં જ આરામ કરતી, જેથી ભાગ્યે જ રવિવારે બપોરે આરામ કરતા સુમિતની નીંદર ડિસ્ટર્બ ન થાય. બધા પોતપોતાની રીતે રિલેક્સ થઈ રહ્યા હતા. કેમ કે 6 વાગ્યે એક અગત્યની મિટિંગ હતી. જે મોહનલાલે ફિક્સ કરી હતી. એ વખતે મોહનલાલ કોકને ફોન લગાવીને કંઈક સૂચના આપી રહ્યો હતો. મોહનલાલ સાથેની વાત પુરી થતા જ એ શખ્સ પોતાના ઓરડામાંથી બહાર આવ્યો અને ઓસરીમાં સુતેલી પોતાની પત્નીને ઉઠાડીને ચા બનાવવા કહ્યું. દરમિયાનમાં એ બાથરૂમમાં ઘૂસ્યો અને ફ્રેશ થઈને બહાર આવ્યો. ફટાફટ પત્નીએ બનાવેલ ચા પીધી પત્નીને સૂચના આપી કે પોતાને આવતા 6-8 દિવસ થશે. અને ઓસરીની ખાટ પર સુતેલા 2 બાળકોને સહેજ વ્હાલ કરી એ ઘરથી બહાર નીકળ્યો પાંચ મિનિટમાં જ એ ચોરાહા પર પહોંચ્યો અને પાનની દુકાનમાં 10 પાન બનાવવાનો ઓર્ડર આપ્યો. એ વખતે સ્નેહા એ જેનો ફોન કટ કર્યો હતો એની સાથે વાત કરી રહી હતી. એ ફોન નીતાનો હતો. 

xxx  

જીતુભાએ સોનલ ગયા પછી ચોથી સિગરેટ સળગાવી. એ ઇન્ટરનેટમાં સર્ચ કરીને કંટાળ્યો હતો એટલે ઓફિસ બંધ કરીને ઘરમાં આવ્યો હતો. એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. "કોણ હશે એ હરામખોર" એ વિચાર સતત એના મગજમાં ચાલતા હતા. સિગરેટના કશું ખેંચતા એણે વિચાર્યું કે અત્યારે તો અનોપચંદના ઘરે બધા આરામ કરતા હશે. પાંચેક વાગ્યે પછી એના ઘરે જઇ અને મામાને શોધવામાં મદદ માંગીશ. એ હજી વિચારતો જ હતો ત્યાં ડોરબેલ વાગી. એણે ફટાફટ બારણું ખોલ્યું સામે પરસેવો ઉદ્વેગ અને ગુસ્સા મિશ્રિત ચહેરા સાથે સોનલ ઉભી હતી. જીતુભાને સહેજ હડસેલી સોનલ ઘરમાં ઘુસી અને સીધી પોતાના બેડરૂમમાં ઘુસી. જીતુભા એ પૂછ્યું કે "શું થયું?"

"સારું છે ફૈબા હજી પાછા નથી આવ્યા. નહીં તો મને આ ડ્રેસ માં જોઈને કોણ જાણે શું કરત" સોનલે બેડરૂમનું બારણું બંધ કરતા જવાબ આપ્યો. 

"પણ શું વાત થઇ એ તો કહે. એ એ જ હતો જે તું ધારતી હતી?" જીતુભાએ પૂછ્યું એટલામાં ફરી ડોરબેલ વાગી. એ સાંભળીને સોનલે બેડરૂમમાંથી કહ્યું. "ચૂપ જીતુડા ફઈબાને કઈ ખબર ન થવી જોઈએ. આપણે આરામથી વાત કરશું."

જીતુભા એ દરવાજો ખોલ્યો તો સામે જયાબા ઉભા હતા. એમણે કહ્યું "જીતુ, પ્રદીપભાઈ હેમા બહેન ને મોહિની ખુબ થાક્યા હતા ને મને ય માથું દુખે છે. એ લોકો 2 કલાક આરામ કરીને સાંજે પાછા આપણા ઘરે આવશે, તું થોડો આરામ કર. પછી તારા શેઠ ને મળવા જજે." કહી બેડરૂમમાં ગયા અને બેડ પર લંબાવ્યું. ઘરમાં બધાને આગલી રાતનો ઉજાગરો હતો. માનસિક ચિંતા ઉપરાંત જુહુ સુધી ફર્યાનો થાક અને ઉજાગરાને કારણે એમને તરત જ ઝોલું આવી ગયું. પાંચેક મિનિટમાં સોનલ જયારે એ જ બેડરૂમના બાથરૂમમાંથી નાહીંને નીકળી ત્યારે એ શાંતિથી સુતા હતા. સોનલે અવાજ કર્યા વગર હળવેકથી બેડરૂમનું બારણું ખોલ્યું અને હોલમાં આવી જીતુભા સિગરેટના કશું ખેંચતો ઉભો હતો સોનલે ગુસ્સાથી એની સામે જોયું અને એના હાથમાંથી સિગરેટ ખેંચી લીધી.અને બારીમાંથી બહાર ફેંકી દીધી અને કહ્યું. "એ હરામખોર એ જ છે. મને ગુસ્સો તો એટલો આવ્યો કે એને ત્યાં જ રેસ્ટોરાંમાં જ ચપ્પલથી ફટકારું પણ હું મજબુર હતી."

"કેમ એ તને બ્લેકમેલ કરે છે? તો તારે મને પહેલાં કહેવું જોઈએ ને એ ગમે તેટલો ચમરબંધી હોય હું એને જોઈ લેત." સહેજ ગુસ્સાથી જીતુભા એ કહ્યું. 

"ના રે મને કોઈ બ્લેકમેલ નથી કરતો પણ અત્યારે બાપુ એના જ કબ્જા માં છે. એ મને એક તરફી પ્રેમ કરે છે અને 12 માં ધોરણના છેલ્લા દિવસે.." સોનલ બોલતી હતી એને રોકીને જીતુભા એ ઉત્તેજીત સ્વરે કહ્યું. "શું થયું હતું 12માં ધોરણના છે લ્લા દિવસે. બોલ એને તને કઈ કર્યું હતું? હું એને ખતમ કરી નાખીશ." જીતુભાનું અંગ અંગ ગુસ્સાથી કાંપી રહ્યું હતું.  

"મને કઈ નહોતું થયું. જે કંઈ થયું એ એને થયું હતું .અને એ બહુ લાંબી વાત છે. મારે થોડીવાર સૂવું છે માથું સખત દુખે છે સાંજે નિરાંતે કહીશ. પણ એણે જે અત્યારે મને કહ્યું આનાથી મારી ચિંતા વધી ગઈ છે. તું ચા પીશ હું મારા માટે બનાવું છું. " કહેતા સોનલ રસોડામાં ચા મૂકવા ગઈ. 

"હા પીશ પણ એણે શું કહ્યું કૈક કહે તો ખબર પડે. અને મામાને તો અમારી ઓફિસમાં હું જણાવીશ એટલે અડધો કલાક માં એ ક્યાં છે એ ખબર પડી જશે. તું ચિંતા નહિ કર, કંપનીના બોસ બહુ ભલા માણસ છે અને પૃથ્વી પણ આમ જોડાયેલો છે." જીતુભાનું આ વાક્ય સાંભળતા જ સોનલથી ડૂસકું મુકાઈ ગયું. અચાનક સોનલને રડતી જોઈ જીતુભા સહેજ અસ્વસ્થ થયો એ સોનલની બાજુમાં ગયો અને વ્હાલથી સોનલના માથે હાથ ફેરવ્યો સોનલ એની છાતીમાં માથું નાખી ને જોર જોરથી રડવા માંડી.  

"શાંત થા સોનુડી, ફૈબા જાગી જશે તો એ પણ રડશે. અત્યારે આપણે ઠંડા દિમાગે વિચારવાનું છે. એવું તો એને શું કહ્યું કે તને રડવું આવી ગયું. શું એણે ત્યાં રેસ્ટોરાંમાં તારી સાથે.?"

"ના કઈ નથી કર્યું ઈનફેક્ટ એણે એવું કહ્યું કે લગ્ન પહેલા હું તારી મરજી વિરુદ્ધ તને હાથ પણ નહિ લગાડું."

"શુંઉઉઉ?  કોના લગ્ન?'

 "એનો એવો દાવો છે કે બાપુએ ફિક્સ કરેલ તારીખ 30મેં એ જ મારા લગ્ન થશે, પણ એની સાથે. અને એને આવું કરતા કોઈ નહિ રોકી શકે." 

"અરે આવા તો કંઈ પાગલ પ્રેમીઓ મુંબઈમાં ફરતા હોય છે. આવા લુખ્ખાઓની વાત માનીને આપણે રડવા ન બેસાય. બની શકે કે મામા કોઈક જગ્યાએ અટવાયા હોય એ વાતની એને ખબર પડી હોય" જીતુભાએ સોનલને હિંમત આપવા કહ્યું.   

"જીતુડા મેં તને બપોરે તો કહ્યું એ લુખ્ખો નથી તું ધારે છે એથી વધુ પહોંચ વાળો છે. તે જોયું નહિ એણે મને મળવા બોલાવવા મર્સીડીસ મોકલી હતી. એ વેલ એજ્યુકેટેડ ઇન્ટેલીજન્ટ અને અતિશય પહોંચ વાળો છે. કદાચ અનોપચંદ જેટલી જ પહોંચ ધરાવે છે. સવારે તને ફોટા ઈ મેઈલ કાર્ય છે એમાં બાપુ બંધન અવસ્થામાં હતા. તને કઈ સમજાય છે મારી વાત? જા એક સિગરેટ પી લે, તો જ તારું મગજ ચાલશે. ઉભોરે પહેલા આ ચા પી" સોનલે પહેલીવાર સામેથી સિગરેટ પીવાની અનુમતિ આપી એથી જીતુભા સમજ્યો કે મામલો પોતે ધારે છે એથી વધુ ગંભીર છે. એણે જીવનમાં મિલિટરીમાં અને પ્રાઇવેટ જાસૂસ તરીકે અનેક ટેન્શન વાળી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. બપોરે 12 વાગ્યે જયારે સોનલને સ્કૂલ ડ્રેસ અને ચિઠ્ઠી કુરિયરમાં આવ્યા ત્યારે એ ચિંતિત તો હતો પણ એને પોતાના પર વિશ્વાસ હતો કે હું પહોંચી વળીશ. પણ હમણાં સોનલે જે કહ્યું પછી એને પોતાની એ ધારણા પર પસ્તાવો થયો એણે મોઢું ધોયું અને સોનલે આપેલ ચા પીધી. પછી બન્ને હોલમાં આવ્યા. 
"હવે તું તારી સિગરેટ પી શકે છે જીતુ" સોનલે કહ્યું. 

"હમણાં મને સિગરેટની જરૂર નથી પણ જેમ તું કહે છે એમ એ આટલો પહોંચ વાળો છે તો મામાને શુ કામ.."

એનું વાક્ય કાપતા સોનલે કહ્યું "એ મને મજબૂર કરવા માંગે છે એ એવું ઈચ્છે છે કે હું સામેથી રાજીખુશી હા પાડીને 30 મેં એ એની સાથે લગ્ન કરી લવ. એટલેજ એણે કહ્યુંકે એ બાપુને 27 મેં એ છોડશે."

"પણ એનાથી શું થશે અને મામા શું કામ તારા લગ્ન એની સાથે રાજીખુશી કરાવે? ધારકે એને મામાને કિડનેપ કર્યા છે તોય મામા કઈ કાચી માટીના નથી કે આઠ દશ દિવસના ટોર્ચરમાં એ પોતાની વહાલી દીકરીના લગ્ન એ હલકટ સાથે કરાવે, અને શું હું મરી ગયો છું? એને એ ખબર નથી કે તારો ભાઈ હજી જીવે છે? આવા કંઈકને હું ભરી પીશ, અને પૃથ્વી? શું એને ખબર પડશે કે છેલ્લા 5 વર્ષથી એ જેને પ્રેમ કરે છે એ એની થનારી પત્ની ને કોઈક માથા ફરેલ મજબૂરીથી પોતાની પત્ની બનાવવા માંગે છે તો એ ચૂપ બેસસે?" ગુસ્સામાં જીતુભા એ કહ્યું 

"એ બધાના જવાબ એની પાસે છે એવો એણે દાવો કર્યો છે જીતુ. એટલેજ મને રડવું આવ્યું હતું." સોનલે કહ્યું અને ઉમેર્યું. "મારે તને હમણાં ચિંતામાં નાખવો ન હતો એટલે હું તને કહેતી ન હતી. પણ એણે કહ્યું છેકે સાંજ પહેલા અનોપચંદ તને નોકરી માંથી કાઢી મૂકશે અને પૃથ્વી જી.." કહેતે એ રડી પડી. 

"શું થયું પૃથ્વીને? સહેજ ફાટેલા અવાજે જીતુભાએ પૂછ્યું "શું કહ્યું એણે પૃથ્વી માટે બોલ"

"એણે જેમ બાપુ ને ફસાવ્યા, એમ પૃથ્વીજીને મારવા માટે માણસો મોકલ્યા છે ને કહ્યું કે સાંજ પહેલા અનોપચંદ તારા ભાઈને પૃથ્વીજીની મોતની ખબર આપશે અને પછી નોકરી માંથી કાઢી મુકશે. હવે તું એકલો ક્યાં પહોંચીશ? તારી મદદમાં એ કંપની નહિ હોય, કે જેના જોરે તું દુનિયા આખી સામે બાથ ભીડવા તૈયાર રહે છે સમજાય છે કઈ?" રડતાં રડતાં  સોનલે કહ્યું. સાંભળીને જીતુભા 2 મિનિટ સુન્ન થઈ ગયો. એ જીવનમાં આટલો નાશીપાસ ક્યારેય થયો ન હતો. કેમકે એણે જીવનના આટાપાટામાં જે જોખમો ખેડ્યાં હતા, જેમાં જાનની બાજી લગાવી હતી એ દેશપ્રેમ માટે હતા. હવે આ વખતે પર્સનલી એના પોતાના પર હુમલો થયો હતો, સવાલ એના અસ્તિત્વનો હતો, એના સ્વજનોની સલામતી સુખ અને શાંતિનો હતો. લગભગ બે મિનિટ બાદ એ સ્વસ્થ થયો એણે સિગરેટનું પાકીટ ખીસામાંથી ખેંચ્યું એક સિગારેટ બહાર કાઢી સોનલ એને જોઈ રહી રહી. અચાનક જીતુભાએ પૂછ્યું "તું સિગરેટ પીશ? બે કસ લગાવ મગજ કામ કરશે." સોનલે ગુસ્સાથી એની સામે જોયું. જીતુભા એ એની નજર ને ઇગ્નોર કરી અને સિગરેટ સળગાવી. અને સોનલથી સહેજ દૂર બારી પાસે જઈને એક ઊંડો કશ લીધો. તમાકુની સુગંધ અને ગરમ ધૂમાડાથી એના ગળામાં એક અજીબ રાહતની લાગણી ફેલાઈ. એણે બીજો કશ લીધો, પછી સિગારેટને બુઝાવી બારી બહાર ફેંકી દીધી રસોડામા જઈ, કોગળા કર્યા પછી નેપકીનથી મોં લૂછતાં લૂછતાં એ સોનલ પાસે આવ્યો અને કહ્યું. "બહેન સોનલ, દુનિયામાં કોઈ મને સાથ આપે કે ન આપે, ભલેને આખી દુનિયા મારી વિરુદ્ધમાં ઉભી જાય પણ, હું તને વચન આપું છું કે તારી આંખોમાં આસું લાવનાર તારા પગમાં પડીને પોતાના જીવનની ભીખ માંગશે. અને તારા લગ્ન તારા મનના માણીગર સાથે જ થશે. આપણો રડવાનો સમય પૂરો થયો હવે તને રડાવનારનો રડવાનો સમય ચાલુ થાય છે.

ક્રમશ: 

વિક્રમની આગલી ચાલ શું હશે? અનોપચંદ જીતુભાને શું ખરેખર કઈ મદદ નહિ કરે? નીતાને સ્નેહનું આટલું અર્જન્ટ શું કામ હતું કે ફેમિલી કોલ પૂરો થયો ને તરત જ એણે  સ્નેહાને કોલ કર્યો?  મોહનલાલે કોને ફોન કર્યો હતો કે જે ફોન પૂરો થતા જ પોતાના ઘરે થી 6-8 દિવસ માટે ભાર નીકળી ગયો? જાણવા માટે વાંચતા રહો તલાશ 3ના આગળના પ્રકરણો. 

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.