Bhitarman - 13 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 13

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભીતરમન - 13

મેં ગઈકાલે ઝુમરીથી છુટા પડ્યા બાદ જે બીના ઘડી એ બધી જ ઝુમરીને જણાવી. માની પરિસ્થિતિ પણ એને કહી, અને એ પણ કહ્યું કે, "માને મેં કોઈ વચન આપ્યું નથી, હું સમયાંતરે એને સમજાવી લઈશ. બસ, તું હિમ્મત ન હારતી! તારે માથે સિંદૂર મારા નામનો જ પુરાશે અને લાલ ચૂંદડી પણ તું મારા નામની જ ઓઢીશ! તું શાંતિથી તારે ઘેર પહોંચજે હું થોડા જ દહાડામાં માને મનાવી, સમજાવીને તને કાયમ માટે મારી બનાવી લઈશ!" હું અને ઝુમરી ફરી એકબીજાના મનને જાણીને રાજી થતા ફરી મળવાની આશા સાથે નોખા પડ્યા હતા. હું હજુ તો સહેજ આગળ જ વધ્યો હોઈશ ત્યારે ફરી એ મારી પાસે આવી અને બોલી, "તારા સિવાય હું કોઈને સ્વીકારી નહીં શકું! મારા લગ્નને બે મહિનામાં પણ બે દહાડા હવે ઓછા છે, ઝટ આવજે હો ને!"

"હા, અવશ્ય આવીશ તારામાં મારો જીવ અટક્યો છે એ તું પણ યાદ રાખજે!" એક આંખને સહેજ મીંચતા હું બોલ્યો હતો.

મને અને ઝુમરી બંનેને જવાનું મન બિલકુલ નહોતું. એ બોલી "આજે મન ખુબ મુંજાય છે. એમ થાય છે કે, આજે અહીંથી ગયા બાદ ફરી તને નહીં મળી શકું!" મેં એના હોઠ પર મારા હાથ મૂકી એને ચૂપ રહેવા કહ્યું હતું. એના હોઠ પર મારા હાથનો સ્પર્શ થતાં એ શરમાઈ ગઈ હતી. એના મનમાં ઉઠેલ ખુશી એના ગાલ પર ગુલાબી શેરડા પાડી રહી હતી. એનો ચહેરો મને પણ ખુશ કરી રહ્યો હતો. અમે બંને એકબીજાના આંખોનો અમીરસ પી રહ્યા હતા. મનમાં થતું હતું કે, હું ઝુમરીને જવા જ ન દઉં, પણ માની તબિયતને લીધે હું ખૂબ લાચાર બની ગયો હતો. મા યાદ આવતા હું બોલ્યો, "ચાલ મારે દવાખાને જવું પડશે તું ઝડપથી હવે ઘરે જા, ચિંતા ન કરીશ."

ઝુમરીની રજા લઈ, હું મન મક્કમ કરી પાછું ફર્યા વગર જ દવાખાના તરફ રવાના થયો હતો. હું દવાખાને પહોંચી ગયો હતો. મા આરામ કરતી હતી અને બાપુ ક્યાંય દેખાતા નહોતા. હું મા પાસે બેઠો એમના ચહેરાને જોઈ રહ્યો હતો. જે ખુલ્લા મને માને કહી નહોતો શક્યો એ એમને મનોમન કહી માની માફી માંગી રહ્યો હતો. 

તેજો ખૂબ હાંફતો મૌન રહી મને બહાર ખેંચી ગયો હતો. માને કંઈ જ ભણક ન આવે એ રીતે સાવચેતીથી એણે મને બહાર લઈને કહ્યું, "મેં તારા બાપુ અને વેજાને મંદિર તરફ જતા જોયા તું જા વિવેક... જા... માને હું સાચવી લઈશ. બાપુ ખૂબ ગુસ્સામાં જઈ રહ્યા હતા."

હું વાત સાંભળીને તેજાને હા કહેવા પણ ન રહ્યો અને મંદિર તરફ દોડ્યો... હું આસપાસ બધે શોધી રહ્યો મને ક્યાંય કોઈ દેખાતું નહોતું મને નજીકનો શાળાનો બગીચો યાદ આવ્યો હું એ તરફ દોડ્યો હતો. મારા ધબકાર ખુબ તેજ થઈ ગયા હતા. ઝુમરીની ચિંતા એટલી હદે થઈ રહી હતી કે મારા શરીરે પરસેવાના લીધે ખમીસ ભીનું થઈ ગયું હતું. હું જેવો બગીચે પહોંચ્યો અને ત્યાં વડના ઝાડ પર ઝુમરીને લટકતી મેં જોઈ! એના હાથ બાંધેલા હતા, અને મોઢા પર કપડું એવી રીતે બાંધ્યુ હતું કે એ મદદ માટે કોઈને સાદ આપી શકે નહીં. એ પગ હલાવતી તરફડીયા મારતી હતી. જાડા દોરડાથી ગળે ટૂંપો આવે એમ ઝાડ પર એને લટકતી જોઈ હું સીધો એની પાસે જ દોડ્યો. એણે મને એની પાસે જતા જોયો અને આંખો એની ઢળી પડી હતી. હું એની પાસે પહોંચી ઝુમરીને બચાવવા જાઉં તે  પહેલા જ મારા માથા પર જોરથી એક ઘા લાગ્યો હતો. એ ઘા એટલો ગહેરો લાગ્યો કે હું માંડ પાછળ ફરી જોઈ શક્યો કે, એ ઘા મને કોણે કર્યો છે. હું જેવો પાછળ ફર્યો તો સામે મારા જ બાપુ લોંખડનો પાઇપ લઈને ઉભા હતા. ઘા ના દર્દ કરતા બાપુનું છળ અસહ્ય વેદના આપી ગયું હતું. આ દર્દ મારાથી સહન ન થયું અને હું પણ ત્યાં જ પડી ગયો હતો.

ઝુમરીની અંતિમ સ્થિતિ મને અર્ધજાગ્રત મનમાં દેખાઈ અને ઝુમરીની એક મૌન ચીખ મારા મનમાં ગુંજી અને મેં આંખો ખોલી ત્યારે હું દવાખાને હતો. માથામાં અસહ્ય પીડા થઈ રહી હતી. ચક્કર આવવાના લીધે મારુ સંતુલન હું જાળવી શકતો નહોતો. બાપુ સામે જ બેઠા હતા. ઝુમરી યાદ આવતા તરત હું પથારીમાં બેઠો થઈ ઝુમરી પાસે જવા બેબાકળો બની ગયો હતો. હું પથારીમાંથી ઉતરુ એ પહેલા જ બાપુ મારી પાસે આવ્યા અને બોલ્યા, "ઝુમરી તો મરી ગઈ, તારે તારી માને જીવતી રાખવી હોય તો આ ઝુમરીની વાત અહીં જ દાબી દેજે! અને હા, તારી મા વિધવા બની પુત્રને જેલમાં જતો જોવે એવું તું ઈચ્છતો હો તો જ તારા ગુસ્સાને વેગ આપજે!" મૂછ પર આંગળી ફેરવી લાલઘૂમ આંખે બાપુ મને ધમકી આપી જતા રહ્યા હતા.

બાપુ તો જતા રહ્યા પણ હું ફરી માને બાપુ કઈ કરશે તો..એ બીકથી ચૂપ બેસી ગયો હતો. મનમાં એવો લાવા ઉકળતો હતો જે બાપુને માટે ફક્ત ક્રોધ જ ઓકતો હતો. મારા જીવનમાં બાપુ જેટલી નફરત મને ક્યારેય કોઈ માટે થઈ નહીં. આજ તો બાપુએ પોતાના વટ માટે દીકરાની ખુશીને દાવ પર લગાડીને ભયંકર ગુનો કરીને પણ એમને મેં હરખાતા જોયા હતા. હું ઝુમરીની સાથોસાથ બધું જ હારી ગયો હતો. મારી નજર સમક્ષથી એ નિર્દોષ ઝુમરી ની આખરી ક્ષણ હટતી જ નહોતી. હું જીવ વગરનો છતાં જીવતો રહી ગયો હતો. મનમાં થયું કે, હું ઝુમરી વગર નહીં જ જીવી શકું, ચાલ હું પણ મરી જ જાઉં! હું મારા મનમાં ઉઠેલા વિચારને અંજામ આપવા આગળ વધુ એ પહેલા માનો ચહેરો આંખ સામે ઉપસ્યો હતો. ભીતરનો અવાજ મારા વિચારમાં ભળ્યો, પણ... પણ મા એ બિચારી સાવ નિર્દોષ જ છે. હું મરી ગયો તો, મા નહીં જીવી શકે! મારું આવું કૃત્ય હું માનો નહીં પણ બાપુનો જ દીકરો સાબિત કરે ને! ના ના.. મા માટે હું જીવીશ! એ નિર્દોષને મારા પ્રેમની સજા નહીં જ મળે! મેં મારી જાતને વચન આપી દીધું! 

હું મારી અસહ્ય શારીરિક અને માનસિક વેદનામાં હતો ત્યાં જ તેજો આવ્યો! તેજાને જોઈને અત્યાર સુધી સાચવેલા મારા આંસુઓ અનાયસે સરી પડ્યા હતા. મનમાં જે ડૂમો ભરાયો હતો એ તેજા ને જોઈને આંસુ થકી છલકાઈ ગયો હતો. હું મૌન હતો પણ મારો ચહેરો તેજો ભીતર સુધી વાંચી ચુક્યો હતો. હું મારા રુદનને સાચવવા અસમર્થ હતો. તેજો પણ ઘણું બધું મનમાં ધરબીને બેઠો હોય એ એનો ચહેરો મને કહી રહ્યો હતો. હું કે તેજો અત્યારે કાંઈ જ કહી શકીએ એવી હાલતમાં જ નહોતા. બંનેના ઉકળતા લોહીની અસર આંખમાં લાલાશ બની ચળકતી હતી. હજુ અમે એકબીજાને સાચવીએ એ પહેલા જ નર્સ અમારા ઓરડામાં આવીને બોલી કે, "તમારા મા જાગી ગયા છે, હવે એમને અત્યારે ચા કે દૂધ આપી શકો છો. દવાની અસર હવે ઘટી હોય એમને ઉબકા નહીં આવે અને ભૂખ પણ લાગશે ધીમે ધીમે હળવા ખોરાકથી શરૂઆત કરજો. તમારા બાપુ નથી આથી તમને જાણ કરું છું."

"હા, બહેન" 

મેં તેજાને માના રૂમ સુધી લઈ જવાનું કહ્યું અને પછી મા માટે દૂધ લાવવાનું કામ પણ તેજાને જ સોંપી દીધું હતું.

શું હશે વિવેકની હાલત જોઈને વીણાબેન ના પ્રશ્નો? સુમરીના મૃત્યુ બાદ વિવેકના જીવનમાં શું બદલાવ આવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏