Bhitarman - 14 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 14

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ભીતરમન - 14

હું તેજાનો સહારો લઈને માં પાસે એ જે ઓરડામાં હતા, ત્યાં ગયો હતો. મા મારા માથામાં પાટો બાંધેલો જોઈને સફાળી ઉભી થઈ ગઈ હતી. બાટલા બંધ હતા આથી માં સીધી મારી પાસે જ ચિંતાતુર થતા સામી આવી હતી. માના ચહેરા પર પરસેવાની બૂંદો ચમકતી જોઈ હું એની મનઃસ્થિતિ તરત પામી ગયો હતો. હવે મા મારે લીધે વધુ પરેશાન થાય એ હું જરાય ઈચ્છતો નહોતો. હું માને શું કહું એ હું વિચારવા લાગ્યો હતો. મારે સાચું તો કહેવું હતું પણ માને તકલીફ થાય તો? એ વિચારે હું સત્યથી માને અજાણ રાખવા ઈચ્છતો હતો. માને મારે શું કહેવું એ હું વિચારી વિવશ બની ગયો હતો. સેકન્ડના ત્રીજા ભાગ જેટલા જ સમયમાં મેં મારા મગજને ખુબ દોડાવી લીધું, મારી પાસે તેમ છતાં માને કહેવા માટે કોઈ યોગ્ય ઉત્તર મળ્યો નહોતો.

માએ અત્યંત ચિંતાતુર અને મનમાં એક ડર સાથે મને સીધું જ પૂછ્યું, "તારા બાપુએ..."

"અરે માડી.. રસ્તે ઉતાવળે ચાલતો હતો ને કેળાની છાલ પગમાં આવી અને એ ઊંધે માથે પડ્યો, થોડું જ વાગ્યું એમ કહો ને માડી કે, વિવેક પરથી ઘાત ગઈ!" માને ગળે વાત ઉતરે એટલી સહજતાથી તેજાએ ખોટું બોલીને મારી પરિસ્થિતિ સાચવી લીધી હતી. તેજાએ માને વધુ ખાતરી અપાવવાના સુરથી ફરી કહ્યું, "જોયુને તમે? એને બીજે ક્યાંય ક્યાં વાગ્યું છે? આ બે-પાંચ દિવસનો જ તો પાટો છે. શું માડી તમે આટલી ચિંતામાં આવી ગયા?" 

મા તેજાની વાતને સાચી માની રાહતનો શ્વાસ લેતા બોલી, "હું પણ જોને..સાવ કેવું વિચારી બેઠી! તું ઠીક છો એજ મારે માટે ઘણું છે, એમ કહેતા માએ મારા દુખડા લીધા હતા. 

મેં માને એમના ખાટલે બેસવા કહ્યું. હું એની બાજુમાં બેઠો અને તેજાને મા માટે દૂધ લેવા માટે મોકલ્યો હતો. 

દાક્તર સાહેબ માને તપાસવા આવી ગયા હતા. એમણે માને તપાસી અને મને કહ્યું, "બીપી અને બાકી બધા રીપોટૅ પણ સુધારા પર છે. હજૂ એક દિવસ દેખરેખ પર રાખવા પડશે. આવતીકાલે સાંજે જો કોઈ તકલીફ ન આવી તો એમને રજા આપી દેશું."

દાક્તરની વાત સંભળીને મા રાજી થઈ ગઈ કે, કાલે રજા મળી જશે! હું ચિંતામાં પડ્યો કે, મા ઘરે આવશે પછી ઝુમરીના સમાચાર માને મળશે તો મા અવશ્ય દુઃખી થઈ જશે!

તેજો મા માટે દૂધ અને મારે માટે ચા લઈને આવી ગયો હતો. તેજાની આંખની ઝાખપ જોઈ હું ગામની પરિસ્થિતિ પામી ચુક્યો હતો. મેં તાંસળીમાં માને દૂધ આપ્યું હતું. મા જીદ પકડી બેઠી કે હું ચા પીવું પછી જ એ દૂધને પીસે. મારે અનિચ્છાએ પણ ચાની તાંસળી હાથમાં લેવી પડી! તાંસળીમાં રહેલ ચામાં મને ઝુમરીની અંતિમ ક્ષણ દેખાવા લાગી અને મારા હાથ ધ્રુજવા લાગ્યા હતા. માએ મને એમના હાથથી ટેકો આપ્યો અને મારા મોઢે સુધી તાંસળી પહોંચાડી હતી. મેં આંખ બંધ કરીને જ ચા પીધી હતી. ચાનો એક એક ઘૂંટ મારે ધરારથી પીવો પડતો હતો. મારો જીવ મારી સામે તરફડી રહ્યો હતો અને હું એને બચાવી પણ ન શક્યો! એ મારી લાચારી મને દરેક ઘૂંટ ઝુમરીનું લોહી હું ગળી રહ્યો હોવ એવી મારે માટે હીનભાવના જન્માવી રહી હતી. માની ખુશી માટે થઈને આજે મેં મારી ચાહને પણ મનના ખૂણામાં દબાવી દીધી હતી. પણ આંખ મારી દગો આપી વરસવા લાગી હતી. મનને ખુબ કઠણ રાખી હું મારી જ જાતને બંધ આંખે સમજાવી રહ્યો કે, જેની હયાતી હવે રહી નથી એના દુઃખમાં જે હયાત છે એના પ્રેમને શું હું ન સમજી શકું? મારે માને માટે હવે સમજવું જ રહ્યું! છતાં ઝુમરીની અંતિમ ક્ષણે ઢળેલી આંખ મારા ભીતરમનમાં ખૂબ પીડા આપી રહી હતી.

મેં આંખ ખોલી અને માને કહ્યું, "બસ.. બધી જ ચા પી લીધી! હવે ખુશને એમ કહી મેં માને દૂધની તાંસળી ધરી!"

"દીકરા તારી આંખમાં કેમ પાણી આવી ગયા? તું કઈ છુપાવતો નથી ને?" મા મારી આંખને પરખતાં બોલી હતી.

"તું મારી કેટલી બધી ચિંતા કરે છે? મારી દરેક વાત તારા ધ્યાનમાં હોય જ! તારી લાગણી જોઈને મન ભરાઈ ગયું મા! અત્યાર સુધી છુપાવેલ આંસુ હવે ચોધાર વરસવા લાગ્યા હતા. હું માના ખોળામાં માથું રાખીને રડી જ પડ્યો. આજ વર્ષો બાદ ફરી માનો પાલવ મારા આંસુઓની ધારથી ભરાય ગયો હતો. મા પણ રડી પડી હતી. માને થયું કે, ઝુમરીથી દૂર થવાનું દુઃખ હશે, મા મારુ દુઃખ ન ખમી શકી એ બોલી, "દીકરા થોડો સમય જવા દે તારા બાપુને સમજાવશું!"

"મા! હવે બહુ જ મોડું થઈ ગયું. ઝુમરી જતી રહી, હંમેશા માટે મને છોડીને જતી રહી!" હું હવે ઝુમરીનો ખુલાસો થતો અટકાવવા અસમર્થ હતો. 

"વિવેક. દીકરા.. તું શું બોલી રહ્યો છે? મા એકદમ ગભરાતા સ્વરે બોલી.

હું નહોતો ઈચ્છતો છતાં મારાથી માને ઝુમરીના મૃત્યુના સમાચાર અપાય જ ગયા હતા. મા ખૂબ જ દુઃખી થઈ હતી. મુક્ત મનથી બધી જ વાત અમે એકબીજાને જણાવી આથી બંનેના મન હળવા થઈ ગયા હતા. હું જે વાત માથી છુપાવવા ઈચ્છતો હતો એ હાલના સંજોગોમાં મા સામે આપોઆપ સામે જ આવી ગઈ! મા ફક્ત ઝુમરીનો જીવ લેવામાં બાપુનો હાથ હતો એ વાતથી અજાણ રહી. બાકી બધું જ મેં માને જણાવી દીધું હતું. જેમ હું મા માટે બધું જ કઠણ કલેજે ઝીલી રહ્યો હતો એમ કદાચ મા પણ મારે માટે ભારી કલેજે બધું પચાવી રહી હતી. 

કાશ! આવી જ થોડી હિમ્મત માએ ગઈકાલ દાખવી હોત! તો આજે ઝુમરી હયાત હોત! મને મારા પર ખુબ ક્રોધ આવી રહ્યો હતો, ઝુમરીને હું બચાવી ન શક્યો એ વસવસો મને વીંછી ડંખ મારે એમ ડંખી રહ્યો હતો.

તેજો અમારી બંનેની વાતચીતથી જે કરુણ દ્રશ્ય રચાયું એ જોઈને ગમગીન થઈ ગયો હતો. એ પણ મૌન રહી આંસુ જ સારતો હતો. નર્સને દૂરથી આવતા જોઈને તેજાએ પોતાના આંસુ લૂછતાં કહ્યું,"માડી શાંત થઈ જાઉં નર્સ આવી રહી છે."

હું અને મા બંને તરત જ શાંત થઈ ગયા, અને મનના ભાવને છુપાવવામાં મથવા લાગ્યા હતા. નર્સે માને દવા આપી હતી. નર્સે મને સૂચના આપી કે, દર એક કલાકે માડીને નારિયેળ પાણી કે, શેરડીનો કે મોસંબી અને સંતરાનો રસ પીવડાવજો. સાંજે ઢીલી ખીચડીથી ખોરાક આપવાની શરુઆત કરજો. 

મેં માને આરામ કરવાનું કહ્યું હતું. મનમાં જેટલો ડર હતો એટલી જ હવે રાહત થઈ કે, હું માને ઝુમરીના સમાચાર આપી શક્યો હતો. મા ખુબ ઊંડા વિચારોમાં લીન છત પર જોઈ રહી હતી. મારી નજર માના ચહેરા પર જ હતી. થોડીવારમાં માને ફરી ઊંઘ આવી ગઈ હતી. 

તેજો મારી પાસે જ બેઠો હતો. મેં હવે એને પૂછ્યું, "બાપુના કોઈ સમાચાર?"

"તારા બાપુ અને વેજો બંને જામનગર કચેરીના કામથી ગયા છે એવું સાંભળ્યું."

"ઝુમ.." આટલું તો હું માંડ પૂછી શક્યો અને મારો અવાજ ગળામાં જ ગુંગળાઈ રહ્યો, એ દર્દ આંખમાંથી વહેવા લાગ્યું!"

મારી અધૂરીવાત સમજીને એ રડમસ સાદે બોલ્યો,"આખું ગામ એજ વાત કરે છે. છોરી એકદમ ડાહી હતી પણ આવું પગલું ભરે એવી ઢીલી તો નહોતી જ! કોઈ કહે, અવળી જગ્યાએ પગ મુક્યો હશે તે ચુડેલ ભરખી ગઈ લાગે છે. તો કોઈ કહે લગ્નના દિવસો નજીક હોય કોઈની ભારે નજર પડી ગઈ હશે! નનકાના પરિવારના લોકો ખુબ જ દુઃખી હૃદયે કલ્પાંત મચાવતા હતા. અસહ્ય દુઃખી મને પોક મૂકતા ગંગામા બોલ્યા, 'હરખથી પાનેતરની ખરીદી માટે તેડાવી હતી. હું એના ઘરે ક્યાં મોઢે જાઉં? એના બાપુનો એ કાળજાનો કટકો હતી, હું કેમ એને કહીશ કે, આપણી ઝુમરી...' એમના હૈયે હાથ પછાડતા માથું કુટતા ખુબ જોર જોરથી ઝુમરી.. ઝુમરી.. બોલતા રડી રહ્યા હતા. ઝુમરીના ગામ જ અગ્નિદાહ આપવાનો હોવાથી ઝુમરીની લાશને લઈને એના ગામ તરફ નનકાનો પરિવાર જવા નીકળ્યો ત્યારે આખું ગામ સિમ સુધી મરસિયા ગાતું ગયું હતું. ગામમાં ઝુમરીના બનાવના લીધે સોપો પડી ગયો છે. નાનાથી લઈને ઘરડા બધા જ દુઃખી છે. આખી બજારબંધ છે." 

વિવેક તેજાની વાત સાંભળી પોતાને સાચવી શકશે?

શું આવશે વિવેકના જીવનમાં બદલાવ?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏