Talash 3 - 4 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 4

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

તલાશ 3 - ભાગ 4

તલાશ 3 પ્રકરણ 4

 

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

તલાશ પોતાના અસ્તિત્વની.  

તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની.

તલાશ દેશ માટે જાનની બાજી લગાવનાર નરબંકાઓની

તલાશ દેશના દુશમનોની.

તલાશ દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓની  

 એન્ટવર્પ - 500થીય વધુ વર્ષોથી ધમધમતું આ યુરોપનું બેલ્જિયમમાં આવેલું બંદરગાહ શહેર. એક જમાનામાં દુનિયાનું સાકર માટેનું અને ત્યારબાદ ગારમેન્ટ માટેનું મુખ્ય મથક ગણાતું એન્ટવર્પ, હાલમાં હીરા ની લે વેચ માટેનું દુનિયામાં મુખ્ય મથક છે. છેક 18 મી સદીથી જામી પડેલા યહૂદીઓ. અને છેલ્લા 50-60 વર્ષથી હીરાના વેપાર માટે વસી ગયેલા ગુજરાતીઓએ આ શહેરને ધમધમતું રાખ્યું છે. પુરી દુનિયાનો હીરાનો વેપાર અહીં આ 80 કિલોમીટરના શહેરમાંથી નિયંત્રિત થાય છે. આથી દુનિયા ભરમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરતી કંપનીઓ અહીં પોતાના સેન્ટરો બનાવ્યા છે એટલેજ 'નાસા'ની પોતાની ઓફિસ અહીં આવેલ છે અને એના હાલના મુખ્ય કરતાધરતા એવા પૃથ્વી ને સહાયતા માટે ક્રિસ્ટોફરને અહીં લંડનથી નિનાદે મહિના પહેલા જ મુક્યો છે. ‘ગોળ હોય ત્યાં માખી હોય જ’ એ રીતે જ આવા કરોડો અબજોનો વેપાર કરતા શહેરમાં ટપોરી ગેંગો પણ ઘણી છે એમાંથી એક ગેંગના બોસે પોતાના ટપોરીઓ સાથે બેલ્જીયમના એન્પવર્પમાં આવેલા એક રેસિડેન્શિયલ પ્રિમાઈસીસમાં આવેલા પૃથ્વીના ફ્લેટ માં પ્રવેશ કર્યો. 

"4 બેડરૂમ છે. ઘરમાં એ એકલો છે. હોલમાં કોઈ નથી બેડરૂમમાં બાલ્કની છે, એ કબાટ અથવા બાથરૂમમાં પણ છુપાઈ શકે છે. ધ્યાનથી જોજો. કદાચ એની પાસે ગન હશે. 5 લાખ બેલ્જીયમ ફ્રેન્ક મળશે.આજે લોટરી લાગી છે આપણને." ઇમરાન કે જે એ બધાનો લીડર હતો એણે ઇબ્રાહિમ, દાનિયેલ અને રોબર્ટને કહ્યું.  

"રોબર્ટ તું ડાબા બેડરૂમમાં જા. બોસ તમે પણ એની સાથે જાવ, હું અને દાનિયેલ જમણા બેડરૂમમાં જઈએ. પછી પાછળ બેડરૂમમાં જોશું. ઇબ્રાહિમ કે જે બોસ પછીનો સિનિયર હતો એણે કહ્યું. અને દાનિયેલ એની પાછળ જમણા બેડરૂમમાં પ્રવેશયો. એણે હાથથી ફંફોસીને લાઈટ ચાલુ કરી. ઇબ્રાહિમ બાથરૂમને ખોલીને ચેક કરવા ગયો. બાથરૂમથી સહેજ જ આગળ વિન્ડોને અડીને સોફાસેટ હતો. જેની પાછળ ક્રિસ્ટોફર છુપાયો હતો.  જયારે દાનિયેલ બેડની ડાબી સાઈડમાં આવેલા વોર્ડરોબને ખોલવાની કોશિશ કરતો હતો ત્યારે,ત્યારે ક્રિસ્ટોફર સોફાની પાછળથી બહાર આવ્યો. પહેલા એણે બાથરૂમ બહારથી લોક કર્યું અને દાનિયલની બરાબર પાછળ ઊભી ને પોતાના જમણા હાથથી એનું મોઢું બરાબર દબાવ્યું અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી એની ખોપરીમાં ગોળી ઉતારી દીધી. દાનિયેલે પાડેલી મરણચીસ ક્રિસ્ટોફરના હાથમાં જ ગુંગળાઈ ગઈ. અને 5-7 સેકંડ હલીને એનું શરીર શાંત પડી ગયું. ક્રિસ્ટોફરે એના મૃત શરીરને બેડ પર ધકેલયું, એજ વખતે ઇબ્રાહિમે બાથરૂમમાંથી બહાર નીકળવાની કોશિશ કરી પણ બારણું બહારથી બંધ હોવાના કારણે એ સફળ ન થયો. એવું કઈ થશે એવી એને કલ્પના પણ નહોતી એટલે એણે બૂમબરાડા ચાલુ કર્યા અને સાથે બાથરૂમના લોક પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું. ક્રિસ્ટોફર મૂંઝાયો આ બહાર આવશે અને બીજા 2 ચેતશે. પહેલા કોની સાથે લડવું, એ વિચારમાં એણે કિંમતી 10-12 સેકન્ડ વિતાવી. બાથરુમના લોકના ફુરચા ઉડી ગયા હતા અને બીજા બેડરૂમમાં ઘુસેલા ઇમરાન અને રોબર્ટ એ અવાજ સાંભળ્યો અને દોડીને જમણા બેડરૂમ તરફ આવ્યા. ક્રિસ્ટોફરે દોડીને પહેલા બેડરૂમ લોક કર્યો પણ એ 4-5 સેકન્ડ મોડો હતો. ઇબ્રાહિમે બાથરૂમમાંથી બહાર આવીને બારણું લોક કરતા ક્રિસ્ટોફર પર ગોળી ચલાવી. જે સીધી ક્રિસ્ટોફરના ડાબા ખભામાં ઘૂસી ગઈ. અને ક્રિસ્ટોફરની ચીસ નીકળી ગઈ. ઇબ્રાહિમે બીજીવાર ફાયર કર્યો પણ પટ અવાજ થયો. એની ગનમાં એ છેલ્લી ગોળી હતી જે ક્રિસ્ટોફરને વાગી હતી. બાકીની બધી ગોળીઓ એણે મુખ્ય પ્રવેશદ્વાર અને બાથરૂમનું લોક તોડવામાં ખર્ચી નાખી હતી. એણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને ગોળીનું મેગેઝિન બહાર ખેંચ્યું. એજ વખતે ક્રિસ્ટોફર બેડરૂમ લોક કરીને પાછળ ફર્યો. એના ડાબા ખભામાં સખત પીડા થતી હતી. અને એ હાથ સતત ધ્રુજી રહ્યો હતો એની આખો ફોક્સ થતી ન હતી. મહામહેનતે એણે આખો સ્થિર કરી. અને ઇબ્રાહિમ તરફ જોયું અને પોતાની જમણો હાથ ઉંચો કર્યો અને ઇબ્રાહિમ પર આડેધડ ગોળીઓ ચલાવવા માંડી. એક બે ગોળી બેડરૂમની દિવાલમાં ઘુસી ઇબ્રાહિમે પોતાની ગનમાં મેગેઝીન ફીટ કર્યું અને વળતી ગોળી ચલાવી એજ વખતે ક્રિસ્ટોફરની એક ગોળી એની છાતીમાં ઘુસી. પણ એ પહેલા એણે ચલાવેલ ગોળીએ એનું કામ કર્યું. એ ક્રિસ્ટોફરની ડાબી પાંસળી માં ઘુસી અને બેડરૂમમાં ઈબ્રાહીમની મરણ ચીસ સાથે જ ક્રિસ્ટોફરની દર્દ ભરી ચીસ ગુંજી ઉઠી. બંધ બેડરૂમની બહાર રહેલા ઇમરાન અને રોબર્ટ બેડરૂમના લોક પર ગોળીઓ મારવાનું ચાલુ કર્યું. ક્રિસ્ટોફરે ભાગીને પૃથ્વી જે છુપા રસ્તેથી નીકળ્યો હતો ત્યાં પહોંચવા ગયો પણ એક ડગલું ચાલ્યો ત્યાં ફસડાઈ પડી ગયો. એણે શરીરને ઘસડીને સોફાની પાછળ ઘુસવાનો પ્રયત્નો ચાલુ કર્યા. એજ વખતે બેડરૂમનું બારણું તોડી ને ઇમરાન અને રૉબર્ટે બેડરૂમમાં પ્રવેશ કર્યો. 

xxx 

"કોણ છે આ હરામખોર સોનકી, અને આ સ્કૂલ ડ્રેસ અને 12માં ધોરણના છેલ્લા દીવસનું શું લફડું છે. જલ્દી બોલ."

"ભાઈ, ધીમે બોલ ફઈબા અને અંકલ આંટી ને આ વાતની ખબર ન પડે. અને આ કોણ છે એની બહુ લાંબી વાત છે. તું એક કામ કર મોહિની અને તું મળીને વડીલોને ક્યાંક કલાક માટે બહાર મોકલી દો ત્યાં સુધીમાં હું આ હરામીને મળી આવું છું."

"શૂઉઉઉઉઉ સોનુડી તું પાગલ થઈ ગઈ છે? તારે આ સ્કૂલ ડ્રેસ પહેરીને એ હરામીને મળવા જવું છે, જેણે મામાને કિડનેપ કર્યા છે.? તારે ક્યાંય જવું નથી હું જ જાઉં છું અને કલાકમાં એ લુખ્ખાને ઠેકાણે પાડીને મામાને લઇ આવું છું."

"જીતુભા" મોહિની કંઈક કહેવા જતી હતી તો સોનલે એને રોકીને કહ્યું.

"ભાઈ, પહેલી વાત તો એકે એ લુખ્ખો ટપોરી નથી. તું ધારે છે એ કરતા ક્યાંય વધુ પહોંચ વાળો છે. એ ઝટ કરતા તારા હાથમાંય નહિ આવે. અને હા મારે જવું પડશે કેમકે મારા બાપુના જીવન મરણનો પ્રશ્ન છે."

"એટલે તું આ સ્કૂલ ડ્રેસમાં."

"હા અત્યારે એનો હાથ ઉપર છે."

"પણ એ છે કોણ?"

"કલાકમાં પાછી આવી જઈશ તને તારી બહેન ઉપર એટલો તો ભરોસો હશે જ. આવીને તને બધું કહીશ આખી વાત મોહિની પણ જાણે છે, અત્યારે પૃથ્વીજી હાજર હોત તોય એમને કહીને હું ગઈ હોત. મને કઈ નહિ થાય ઉલટાની કંઈક એવી વાત જાણવા મળશે કે જેનાથી બાપુને શોધવાનું આસાની થશે. તું એક કામ કર અંકલને સમજાવ કે ફઈબા ને ક્યાંક દર્શનનું બહાનું કરીને એમના ઘરે લઈ જાય. હું ડ્રેસ ચેન્જ કરવા જાઉં છું તુ એમને ત્વરાથી વિદાય કર."

"પણ આવું ટૂંકું સ્કર્ટ"

"શાંતિ રાખ જીતુડા." કહેતી સોનલે એના બેડરૂમમાં પ્રવેશ કર્યો. જીતુભા અને મોહિની ઝડપથી વડીલો પાસે ગયા. અને મોહિની એ રાખેલ ઇસ્કોનના કૃષ્ણ મંદિરની માનતા વિશે કહ્યું. માંડ 5-7 મિનિટની સમજાવટ પછી જયબા એમની સાથે ઇસ્કોન વિલેપાર્લે જવા તૈયાર થયા. એ લોકો નીચે ઉતર્યા એ વખતે સોનલે પોતાના બેડરૂમનું બારણું ખોલ્યું એ અદ્દલ સ્કૂલ ગર્લ લાગતી હતી. સફેદ શર્ટ અને નેવી બ્લ્યુ સ્કર્ટમાં, પણ સ્કર્ટની નીચે એણે કાળું સ્લેક્સ પહેર્યું હતું. 

xxx 

 

પોતાના બેડરૂમમાં આલીશાન આયનાની સામે એ ઉભો રહ્યો. લગભગ 6 ફૂટ હાઈટ ક્લીનશેવ સોહામણો ચહેરો, જીમમાં મહેનતથી બનાવેલું કસાયેલું શરીર, અને એના પર શોભતા ફોરેનના બ્રાન્ડેડ ટીશર્ટ જીન્સ, પગમાં સ્નીકર, અને અરમાનીના સનગ્લાસીસ.એણે ડ્રેસિંગ ટેબલ પર પડેલા ઢગલો એક પર્ફ્યુમ માંથી એક પસંદ કર્યું. ને ફરીથી પોતાના મોબાઈલમાં નજર કરી. એ રાજીવના ફોનની રાહ જોઈ રહ્યો હતો.  રાજીવ એનો કઝીન +પર્સનલ આસિસ્ટન્ટ+ ઘણું બધું. 'અત્યાર સુધીમાં ફોન આવી જવો જોઈએ' એવું એણે વિચાર્યું એ જ વખતે ફોનની ઘંટડી વાગી એને ફોનના આન્સરનું બટન દબાવ્યું અને કહ્યું."રાજીવડા કેટલી વાર થઈ કામ પત્યું કે નહિ."

"હા પાર્સલ એના ઘરે પહોંચી ગયું છે. અને મારી ગણતરી પ્રમાણે એ 10 મિનિટમાં નીકળશે. ગાડી એના ઘરની બહારજ ઉભી છે."

"અને સવારે પહેલો મેસેજ નાખ્યા પછી તે મને કેમ ફોન ન કર્યો."

"સોરી ભાઈ એમાં એવું થયું."

"બ્સ્સ્સ્સ, કોઈ એક્સક્યુઝ નહીં." ત્રાડ નાખતા વિક્રમે કહ્યું અને ઉમેર્યું. "તારી જગ્યાએ બીજો કોઈ હોત તો મેં એને માફી ન આપી હોત. બીજી વાર આ ભૂલ ન થાય એ યાદ રાખજે. તું મારો કઝીન છે, પણ ઓફિસમાં મારો મુલાઝીમ."

"સોરી બોસ. હવે મારે શું કરવાનું છે?" 

"કઈ નહિ ઘરે જઈને આરામ કર. હું લંચ માટે જાઉં છું. ત્યાં બધી વ્યવસ્થા બરાબર ગોઠવી છેને"

"હા એકદમ બરાબર બંદોબસ્ત કર્યો છે. કોઈ ગરબડ નહિ થાય."

"હવે હોશિયારી રહેવા દે.યાદ છેને તારા પહેલાં મિશન માં તું નાકામિયાબ રહ્યો હતો. હકીકતમાં તો મારે તને ત્યારે જ કાઢી મૂકવા જેવું હતો પણ કાકી મને મારી માં જેટલો જ સ્નેહ કરે છે એટલે તું બચી ગયો. ખેર 5વાગ્યે તને ફોન કરીશ ત્યાં સુધીમાં બધા રિપોર્ટ મેળવી લેજે." કહી પરફ્યુમ ટીશર્ટ પર છાંટ્યું. ફોન કટ કર્યો અને એક ફાઇનલ નજર આયનામાં નાખી અને બેડરૂમમાંથી બહાર આવ્યો. એ હતો. "વિક્રમ મહેન્દ્રા ચૌહાણ', વિ.સી.એન્ટરપ્રાઇઝ નો એક માત્ર વારિસ. જે વિ.સી.એન્ટરપ્રાઇઝની ફ્લેગશિપ નીચે લગભગ 60 કંપનીઓ હતી. અને કરોડોનો કારોબાર હતો. અનેક કંપનીઓ સાથે માલની લેતીદેતી થતી. ઉપરાંત અનેક કોલેજો અને સ્કૂલ, ધર્માદા દવાખાન વૃદ્ધાશ્રમો એમના ડોનેશનથી ચાલતા. એક જમાનામાં એ કંપની ભારતમાં ટોપ 5 માં આવતી હતી. પણ છેલ્લા 2-3 વર્ષથી અમુક બેજવાબદાર નિર્ણયો, મનસ્વી વર્તાવ, અને ઘરમાં શુશીલ અને સુંદર પત્ની હોવા છતાં મહેન્દ્રાના એનાથી અડધી ઉંમરની ઉભરતી હીરોઇનો અને મોડેલો સાથેના લફડા, અને ડ્રગની આદતને કારણે એ પાછળ પડી ગઈ હતી. એમાંય 3-4 મહિના પહેલા એના ફાઉન્ડર મહેન્દ્રા ચૌહાણનું ટૂંકી બીમારી માં અવસાન થયું હતું. અને આખી કંપનીનો બધો કારભાર વિક્રમ મહેન્દ્રા ચૌહાણના હાથમાં આવ્યો હતો. આમ તો એ જસ્ટ બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લઈને ભારતમાં આવ્યો એને માંડ 6-7 મહિના થયા હતા. એ બધા વ્યવહારો અને બધી કંપનીના ડિરેક્ટર કે અન્ય મહત્વના હોદ્દેદારોને માંડ ઓળખતો થયો હતો ત્યાં આ જવાબદારી એના માથે આવી હતી પણ એને મદદ કરનાર એક શખ્સ હતો ધર્મેન્દ્ર ચૌહાણ, એનો સગો કાકો. આમ તો આખી કંપની ઉભી કરનાર મહેન્દ્રાજ હતો પણ બિઝનેસમાં કોઈ ઘરનું માણસ હોય તો સારું પડે એટલે એણે ધર્મેન્દ્રને પોતાની સાથે જનરલ મેનેજર બનાવીને રાખ્યો હતો. અને હમણાં એકાદ વર્ષથી એનો દીકરો રાજીવ પણ આ કંપનીમાં જોડાયો હતો, જે વિક્રમ નો ખાસ મિત્ર હતો વિક્રમ ને આમેય બહુ મિત્રો ન હતા. એ છેલ્લા 5-6 વર્ષથી વિદેશમાં જ ભણ્યો હતો. પણ ઇન્ડિયામાં પાછા ફરતા જ રાજીવ સાથે એની મિત્રતા જામી હતી. છેલ્લા એક મહિનાથી વિક્રમે એને પોતાના પર્સનલ કામ સોંપવાના ચાલુ કર્યા હતા. જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હતી.એ વિક્રમ બેડરૂમમાંથી બહાર આવ્યો. બંગલાના પોર્ચમાં એક આલીશાન કારમાં બેઠેલો ડ્રાઈવર એની રાહમાં જ હતો. એ કારમાંથી બહાર આવ્યો અને દોડીને પેસેન્જર સાઈડનું બારણું ખોલ્યું. વિક્રમ કારમાં ગોઠવાયો. ડ્રાઈવરે સ્ટિયરિંગ સાંભળ્યું અને કાર બંગલામાંથી બહાર નીકળી એની મંજિલ હતી સેન્ચ્યુરી બજારમાં આવેલી લક્ષ્મી રેસ્ટોરન્ટ. 

xxx 

ધાય, ધાય, ધાય, એક સાથે અનેક ગોળીઓ ધડાધડ એની ગનમાંથી છૂટી અને પૃથ્વીના બેડરૂમનું લોક તોડીને ક્રિસ્ટોફરને મારવા માટે ઘુસતા રોબર્ટ અને ઈમરાનને વીંધી નાખ્યા. એમની મરણચીસો બેડરૂમને વીંધીને બહાર આખા એપાર્ટમેન્ટમાં સંભળાઈ રહી હતી.

ક્રમશ:

 કોણ છે આ વિક્રમ ચૌહાણ? 12 ધોરણના છેલ્લે દિવસે એવું તો શું બન્યું હતું? શું એ સોનલનો પાગલ પ્રેમી છે કે પછી બદલો લેવા માટે સોનલને લંચ પર બોલાવી છે? ક્રિસ્ટોફરનો જીવ બચાવનાર અજાણ્યો મદદગાર કોણ છે? જાણવા માટે વાંચતા રહો. તલાશ -3 ના આગળના પ્રકરણો.  

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.