Bad news in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | બેડ ન્યૂઝ

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

બેડ ન્યૂઝ

બેડ ન્યૂઝ

-રાકેશ ઠક્કર

નિર્દેશક આનંદ તિવારીની ફિલ્મ બેડ ન્યૂઝ અસલ ફિલ્મ છે. એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અક્ષયકુમારની ગુડ ન્યૂઝ ની આ સીકવલ કે રીમેક નથી. બેડ ન્યૂઝ’ થી વિકી કૌશલે કોમેડીમાં બાજી મારી લીધી છે. વિકીએ કારકિર્દીની શરૂઆત કોમેડી લવ શવ તે ચિકન ખુરાના થી કરી હતી. એ પછી ટાઈપકાસ્ટ થયા વગર સેમ બહાદુર, સરદાર ઉધમ, ડંકી વગેરેમાં પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી દીધી હતી. એ સાથે ભૂત જેવી હોરર ફિલ્મ કરતાં ખચકાયો ન હતો. પરંતુ કોમેડીમાં ખાસ સફળતા મળી રહી ન હતી. વિકીની છેલ્લી ત્રણ કોમેડી ફિલ્મો ગોવિંદા મેરા નામ, જરા હટકે જરા બચકે અને ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી બોક્સ ઓફિસ પર મોટો કમાલ કરી શકી ન હતી.

બેડ ન્યૂઝ માં એણે પોતાની કોમિક ટાઈમિંગનો પરિચય આપી દીધો છે. બલ્કે બોલિવૂડનો એક સાચો હીરો હોવાનું સાબિત કર્યું છે. ફિલ્મમાં વિકીએ એ દરેક કામ કર્યું છે જે બોલિવૂડનો ટિપિકલ હીરો કરતો હોય છે. તેનામાં હીરોનું આખું પેકેજ જોવા મળ્યું છે. ફિલ્મમાં પાત્રનો જે વિકાસ થાય છે એને વિકીએ નિભાવ્યો છે. તેણે પંજાબી અખિલ ચઢ્ઢા ની ભૂમિકા ભજવી છે જે દિલ અને જબાનથી દેશી હોય છે. આવા કોમેડી પાત્રમાં પણ જીવંત અભિનય કરવાનું કામ મુશ્કેલ હોય છે. વિકી અભિનયમાં તો બેમિસાલ રહ્યો જ છે. હવે કોમેડી અને ડાન્સમાં પણ કાબેલિયત સિધ્ધ કરી દીધી છે. ફિલ્મમાં છેલ્લે આવતું તૌબા તૌબા ગીત એનો પુરાવો છે. એમ કહેવાય છે કે આ ગીતને કારણે ઘણા દર્શકો ખેંચાઈને થિયેટરમાં પહોંચે છે.

ગીતો વધારે છે અને ઘણા ગીતો સારા છે. વાર્તાનો વિષય નવો છે અને કોઈ રીમેક કે સીકવલ ન હોવાથી દર્શકોને પસંદ આવી છે. જો ફિલ્મનો વિષય મનોરંજન આપે એવો હોય તો દર્શકો એને સ્વીકારી જ લે છે. બેડ ન્યૂઝ માં મેડિકલ સાયન્સનો વિષય છે. હોલિવૂડમાં આ વિષય પર હજુ કોઈ ફિલ્મ બની હોવાનું ધ્યાનમાં નથી. પહેલાં એના ટ્રેલર અને ગીતો પરથી એમ લાગતું હતું કે આ પારિવારિક ફિલ્મ નહીં હોય. કેમકે એક મહિલાના બાળકના બે પિતાની વાર્તાનો કિસ્સો છે. પણ રજૂઆત પછી સમીક્ષકોએ ખુલાસો કરી દીધો હતો કે પરિવાર સાથે જોઈ શકાય એવી સાફાસૂથરી છે. એમાં કોઈ દ્વિઅર્થી સંવાદ નથી.

ગંભીર વાર્તાને લેખકોએ ફેમિલી ડ્રામામાં કોમેડી સાથે રજૂ કરી છે. ફિલ્મની શરૂઆત, મધ્યાંતર અને અંત સારા છે. વચ્ચે વાર્તા ભટકે છે પણ કલાકારોનો અભિનય બચાવી લે છે. પહેલો ભાગ જકડી રાખે છે. બીજા ભાગમાં વાર્તાનો પ્રવાહ ધીમો પડી જાય છે. એને ખેંચવામાં આવ્યો છે. ક્લાઇમેક્સમાં વાર્તાની ગતિને વેગ મળી જાય છે. એક નવા જ મોડ પર વાર્તા આગળ વધે છે. વાર્તામાં બહુ મગજ વાપરવાની જરૂર રહેતી નથી. એમ કરવાથી મનોરંજન મેળવી શકાશે નહીં.

લેખકોએ દર્શકોના મનોરંજન માટે પૂરતા વન લાઇનર્સ અને કોમેડી પંચ રાખ્યા છે. કેટલાક દ્રશ્યોમાં બોલિવૂડના ગીતોનો ઉપયોગ થયો છે. કોમેડીમાં વિકીને એમી વિર્કનો સાથ મળ્યો છે. એમીએ પહેલી વખત હીરો તરીકે પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે. તેણે દર્શકોને હસાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે.

એનિમલ વાળી તૃપ્તિ ડિમરીએ પોતાની ભૂમિકા પર મહેનત કરી છે. તે સુંદર લાગી છે અને અભિનયમાં નિખાર આવી રહ્યો છે. આ ફિલ્મ પછી તેને મુખ્ય હીરોઈન તરીકે વધુ ફિલ્મ મળી શકે છે. ફિલ્મમાં તૃપ્તિએ વિકીને અભિનયમાં ટક્કર આપી છે. વિકી સાથે તૃપ્તિની કેમેસ્ટ્રી જામે છે. બંને દર્શકોને હસાવે પણ છે. એમની વચ્ચેની ટક્કર અને તલાકના દ્રશ્યો મજેદાર બન્યા છે. શીબા ચઢ્ઢા અને નેહા ધૂપિયા માતાની ભૂમિકાને ન્યાય આપી જાય છે.

ફિલ્મમાં ખામીઓ પણ છે. બંને હીરોની કેટલીક હરકતો બાલિશ લાગે છે. બીજો ભાગ ટૂંકો કરવાની જરૂર હતી. એક-બે ગીત અને કેટલાક પાત્રો જરૂર વગર રાખેલા લાગે છે. જાસૂસીનો ટ્રેક આવે છે એ એટલો રસપ્રદ બન્યો નથી. જાસૂસ ખયાલીરામ ખાસ હસાવી શક્યા નથી. અનન્યા પાંડે અને નેહા શર્મા મહેમાન ભૂમિકામાં ના આવ્યા હોત તો પણ વાર્તામાં કોઈ ફરક પડે એમ ન હતો. અંત હજુ વધુ આંચકો આપે એવો હોવો જોઈતો હતો. ફિલ્મ યુવાનોને ધ્યાનમાં રાખીને મનોરંજક બનાવવામાં આવી હોવાથી વિકી કૌશલના ચાહકોને જરૂર પસંદ આવે એવી છે.