Kill - Film Review in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | કિલ - ફિલ્મ રીવ્યુ

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કિલ - ફિલ્મ રીવ્યુ

કિલ

- રાકેશ ઠક્કર

નિર્માતા કરણ જોહરે કિલ માટે કહ્યું હતું કે,‘આ ભારતમાં બનેલી સૌથી હિંસક ફિલ્મ છે. અને ખરેખર એ રણબીર કપૂરની એનિમલ (2024) થી દસ ગણી વધારે હિંસા ધરાવે છે. સમીક્ષકોએ તો ત્યાં સુધી આગાહી કરી દીધી છે કે ભારતમાં આટલી હિંસા સાથેની કોઈ ફિલ્મ બની નથી અને હવે બનશે નહીં. કેમકે સેન્સર આથી વધુ પરવાનગી આપી શકે નહીં.

અત્યાર સુધીની હિંસાથી ભરપૂર એક્શન ફિલ્મોમાં થોડો રોમાન્સ અને રોમેન્ટિક ગીતોને અવકાશ રહેતો હતો. કિલ માં બસ નિર્મમ હત્યાના દ્રશ્યો છે. નબળા હ્રદયના લોકો ફિલ્મ જોઈ શકે એમ જ નથી. કલ્પના ના થઇ શકે એટલી નિર્દયતાથી ૫૦ જેટલી હત્યાઓ બતાવવામાં આવી છે. અને અગાઉની હત્યાને ભૂલી જવાય એવી બીજી હત્યા થાય છે. ફિલ્મ જોવાની ઈચ્છા રાખનારને એવી ચેતવણી આપી શકાય કે એ માનસિક રીતે વિચલિત થઈ શકે છે.

સમીક્ષકોએ કિલના નિર્દેશક નિખિલ નાગેશ ભટ્ટની સાથે કલાકારોના અભિનયના વખાણ કર્યા હોવા છતાં દર્શકો થિયેટરમાં ખૂનની હોળી જોવા જતાં ડરી રહ્યા છે એ હકીકત છે. ફિલ્મને ટ્રેનના એક ડબ્બામાં બતાવવાનો નિર્દેશકે કમાલ કર્યો છે. સ્ક્રિનપ્લે એટલો મજબૂત છે કે દર્શકોને ખુરસી સાથે બાંધી રાખે છે.

કમાન્ડો અમૃત રાઠોડ (લક્ષ્ય લાલવાની) જ્યારે એક ખાસ ઓપરેશન પૂરું કરીને પાછો ફરે છે ત્યારે ખબર પડે છે કે એની પ્રેમિકા તૂલિકા (તાન્યા માનિકતાલા) ની સગાઈ થઈ રહી છે. એ સગાઈ રોકવા જાય છે પણ સગાઈ થઈ ચૂકી હોય છે. તૂલિકા એના પિતા (હર્ષ છાયા) અને પરિવાર સાથે ટ્રેનમાં બેસે છે. એ ટ્રેનમાં જ અમૃત પોતાના મિત્રો સાથે યાત્રા કરી રહ્યો હોય છે. ત્યારે વોશરૂમમાં એને વીંટી પહેરાવીને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે. એ પછી ટ્રેનમાં ખૂનખરાબો કરે એવા લુંટારા સાથે એનો સરદાર ફણી (રાઘવ જુયાલ) પ્રવેશ કરે છે. અને 20 જેટલા લુંટારું લોહીની નદીઓ વહાવવાનું શરૂ કરી દે છે. અમૃત અને એનો મિત્ર આ લુંટારુંઓનો કેવી રીતે સામનો કરે છે એ જાણવા ફિલ્મ જોવી પડશે.

માત્ર એક્શન ફિલ્મ હોવા છતાં દર્શક કોઈક રીતે એની સાથે જોડાયેલો રહે છે. બોલિવૂડમાં એકશન હીરો તરીકે નાના પડદાના અભિનેતા લક્ષ્ય લાલવાનીએ મોટા પડદે ધમાકેદાર પ્રવેશ કર્યો છે. એ સુંદર દેખાય છે અને સારો અભિનય કરે છે. એ ઉપરાંત એક્શનમાં એક્કો સાબિત થયો છે. એનો એક્સ્ટ્રા એનિમલ અવતાર દેખાયો છે. એણે જે રીતે પોતાનું પાત્ર નિભાવ્યું છે એ પરથી કોઈપણ કહેશે કે બહુ આગળ જશે. એક્શન, ઇમોશન અને ગુસ્સાને યોગ્ય રીતે પ્રદર્શિત કરવાની એનામાં આવડત છે.

રાઘવ જુયાલને લોકોએ આજ સુધી કોમેડી અને ડાન્સ કરતાં જ જોયો છે પણ નકારાત્મક ભૂમિકામાં એણે હસાવે એવા સંવાદ અને બોડી લેન્ગ્વેજ સાથે અભિનયમાં એવો કમાલ કર્યો છે કે ડરાવે પણ છે. પોતાના પાત્રનો જબરદસ્ત પ્રભાવ ઊભો કર્યો છે. એને બેટમેન ના જોકર જેવી ભૂમિકા કરવાનું પોતાનું સપનું પૂરું કર્યું હોવાનો આનંદ છે. કોઈને કલ્પના ન હતી કે સ્લો મોશનમાં ડાન્સ કરનારો રાઘવ આટલી ફાસ્ટ એક્શનને અંજામ આપશે. એને અગાઉ જોયો ના હોય એ કલ્પના નહીં કરી શકે કે અગાઉ કોમેડી કરી છે.

તાન્યાની ભૂમિકા નાની છે પણ એણે મહત્વની ભૂમિકાને ન્યાય આપ્યો છે. લક્ષ્ય અને જુયાલ સામે તે પોતાની છાપ છોડી ગઈ છે. આશિષ વિદ્યાર્થી અને હર્ષ છાયા પોતાનું કામ ઈમાનદારીથી કરી જાય છે.

ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચેલી કિલ ને હોલિવૂડમાં પણ બનાવવામાં આવશે. જૉન વીક ના નિર્દેશક સ્ટાહેલ્સ્કીએ એની હોલિવૂડ રીમેકના અધિકાર ખરીદી લીધા છે. પણ જો નિખિલને એનું નિર્દેશન સોંપાશે તો વધારે ન્યાય આપી શકશે. કલ્કિ 2898 AD’ જોઈને એમ કહેવાયું કે નિર્દેશક નાગ અશ્વિનને હોલિવૂડની બરાબરી કરી છે. જ્યારે કિલ જોઈને એમ કહેવાયું કે હોલિવૂડમાં પહોંચી ગયા હોય એવું લાગે છે.

આમ જોઈએ તો આ બોલિવૂડ પ્રકારની ફિલ્મ જ નથી. એમાં ખાસ ઇમોશન નથી કે હીરોનું નાચવાનું-ગાવાનું નથી. કે કોઈ એવા તાળીમાર સંવાદ પણ નથી. હીરો અને વિલન વચ્ચેનો ક્લાઇમેક્સ થોડો નબળો રહી ગયો છે. છેલ્લે સારું શું છે અને ખરાબ શું છે એનો સંદેશ આપવાનો પ્રયત્ન પણ કર્યો નથી. સામાન્ય રીતે બોલિવૂડની ફિલ્મોની વાર્તા ધીમી ગતિએ ચાલતી હોવાની ફરિયાદ થતી રહે છે. કલ્કિ 2898 AD’ જેવી ઘણી ફિલ્મોની લંબાઈ ઓછી કરવાની જરૂરિયાત પણ વર્તાય છે ત્યારે કિલ ની લંબાઈ માત્ર બે કલાકની જ છે અને બુલેટ ટ્રેન જેવી ઝડપથી એવી આગળ વધે છે કે સમય ક્યાં પૂરો થઈ ગયો એની ખબર જ પડતી નથી.

એક ટ્રેનના ડબ્બાની સાવ ઓછી જગ્યામાં એક્શન બતાવવાનો જે કમાલ કર્યો છે એ કાબિલેતારીફ છે. ફિલ્મની વાર્તા પર ધ્યાન આપવાની જરૂર જ નથી. એક્શનનો જ આનંદ લેવા જેવો છે. જેને હિંસાનો અતિરેક ગમતો નથી એણે કિલ થી દૂર જ રહેવું જોઈએ. એડિટિંગ, એક્શન કોરિયોગ્રાફી, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સંગીત વગેરે બધી જ બાબતે ફિલ્મ બેમિસાલ છે. એક જ લોકેશન પર શૂટિંગ થયું છે પણ સસ્પેન્સ જાળવી રાખ્યું છે. સામાન્ય ટિકિટમાં ફેન્સી હથિયારો વગર માત્ર કટાર, છરી અને ટ્રેનમાં જે મળે એનો ઉપયોગ કરીને એવા ક્રૂર અને બિભત્સ એક્શન દ્રશ્યો આપ્યા છે કે રૂપિયા વસૂલ કરી દે એવી ફિલ્મ છે. ભારતીય સિનેમામાં એક્શનની સીમામાં આ એક નવું સાહસ ગણી શકાય એમ છે.

કિલ ની સફળતા- નિષ્ફળતાને ભૂલી જઈને એક વાત સ્વીકારવી પડશે કે એક્શનમાં આ ફિલ્મએ હોલિવૂડને ટક્કર આપી દીધી છે! તે એટલે સુધી કે રમૂજમાં એમ કહેવાઈ રહ્યું છે કે માણસના શરીરમાં સામાન્ય રીતે 206 હાડકાં હોય છે પણ લક્ષ્યએ એમાં 207 હાડકાં તોડ્યા છે!