Nitu - 6 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 6

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

નિતુ - પ્રકરણ 6

પ્રકરણ ૬ : પરિવાર

સુવન ગામમાં રહેતા નિતુના પરિવારમાં માત્ર તેની નાની બહેન કૃતિ અને તેની મા શારદા જ હતા. તેનો ભાઈ ઋષભ તો હજી ઘણો નાનો હતો. જ્યારે નિતુના ડિવોર્સ થયા ત્યારે તેનીમાં શારદાએ તેને ગામ પાછી આવી જવા કહ્યું પણ તે તેમ ન કરતા પોતાના પગ પર ઊભી થઈ અને પોતાના પરિવારને સુરત ખાતે લઈ જવાની તૈયારી કરી. સુવન ગામમાં નિતુના પરિવારને બધા ખૂબ સાથ સહકાર અને સન્માન આપતા. તેનું મુખ્ય કારણ પંદર વર્ષ પહેલા ગુજરી ગયેલા તેના પિતા હતા. નિતુના પિતા નું નામ શંકરલાલ ભટ્ટ હતું. શંકરલાલ ભટ્ટની ગામમાં સારી એવી ચાનક થતી હતી. લોકો તેની પાસે આવીને સલાહ સુચન લઈ જતા. ભલે શંકરલાલ ભટ્ટ પાસે કેટલા પૈસા નહોતા કે પૈસા ના નામે કોઈ તેને માન આપે, વગર પૈસે તેનું માન સૌથી ઊંચું હતું.

ગામના સૌથી મોટા જમીનદારોમાંથી એક એવા અમરલાલની જમીનમાં તેઓ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા. અમરલાલની જમીન એટલી મોટી હતી કે તેઓએ આખી જમીન શંકરલાલ ને સંભાળવા આપ્યા બાદ ચોથા ભાગે તેના ભાગમાં આવતી કમાણીમાંથી પણ શંકરલાલ પોતાના પરિવારને સારી રીતે સાચવી શકતા. અમરલાલના બે દીકરાઓ હતા અને બંને જમીન માટે ઝઘડો કર્યા કરતા. બંને અમેરિકા જઈ રહ્યા હતા અને એકનું માનવું હતું કે જમીન વેંચી દઈએ. જ્યારે નાનાનું માનવું હતું કે પોતે સગવડવાળા છે, એટલે જમીન ભલે પડી. આ વાતે બંને વચ્ચે ઝઘડો થતો. તેનાથી કંટાળી અંતે અમરલાલે તેઓને પોત-પોતાની જમીન સંભાળવા માટે કહી દીધું. બન્નેને ભાગ પાડી દે એટલે જેને રાખવી હોય તે રાખે અને જેને વેચવી હોય તે વેચે. પરંતુ અમરલાલ અને શંકરલાલ સાથે રોજે બેસતા ઉઠતા અને તે તેની પરિસ્થિતિથી ખૂબ સારી રીતે અવગત હતા. તેઓએ પોતાની દોસ્તીની પરાકાષ્ઠા રાખતા આ વર્ષે સારી ઉપજ નહિ આવી હોવાથી પોતાના દીકરાઓની જમીનમાંથી એક નાનકડો જમીનનો ટુકડો શંકરલાલને નામે કરવાનું નક્કી કરેલું. અમરલાલના દીકરાઓ તેમનું માનતા તો ન હતા, પણ કોણ જાણે શું ચમત્કાર થયો? તેઓના મનમાં શું બેઠું? કે તેઓએ અમરલાલની આ વાત પર જરા પણ વિરોધ ના કર્યો. પોતાની જમીનમાંથી એક ટુકડો શંકરલાલ ના નામે કરી દીધો. શંકરલાલે પહેલા તો ના જ કહેલી અને તે પોતાના સંસ્કારો પર અડીખમ ઊભેલા. તેને આવી ના હકની કોઈ મિલકતનો સ્વીકાર ન હતો.

પરંતુ અમરલાલે પોતાના મિત્રને તેની જાણ બહાર રહી જમીન સોંપી દીધી. સરકારી ચોપડે શંકરલાલ ને ખબર ન પડે એ રીતે અમુક જમીન તેના નામે ચડાવી દીધી. બાદમાં જ્યારે શંકરલાલને ખબર પડી ત્યારે તેઓ આ જમીનને પરત કરવા પાછા આવેલા. એ વખતે અમરલાલે એનું એક ન સાંભળ્યું. ખાનગીમાં જઈને શંકરલાલે અમરલાલના બંને દીકરાઓ સાથે પણ વાત કરી અને તેઓએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, કે "બાપુના આદેશમાં અમે કશું બોલી શકીયે તેમ નથી. માટે આ જમીન તમે રાખો. આમેય અમે લોકો વધારે સમય ક્યાં અહીં રહેવાના છીએ! અમે તો પરદેશને ધરતી પર ચાલ્યા જઈશું. કોઈ બીજું તમારી જમીન વાવી ખાય એના કરતા તમે જાતે જ વાવી ખાવ ને!"

શંકરલાલના દરેક પ્રયાસ વિફળ ગયા. અંતે તેઓએ આ જમીનનો સ્વીકાર કર્યો અને આ જમીનમાંથી જ ઉપજની કમાણી લઈને પોતાના ત્રણેય સંતાનોને ઉછેરીને મોટા કરેલા. જોકે શંકરલાલ પોતાના સંતાનો સાથે વધારે સમય સુધી રહી શક્યા નહીં અને એક બીમારીના કારણે મૃત્યુ પામ્યા. શંકરલાલના ગયા પછી શારદાએ પોતાની જાતને ઘસી અને કાળી મજૂરી કરી જમીન સાચવી અને શંકરલાલનું કામ આગળ ધપાવેલું. તેના ત્રણેય બાળકોને મોટા કર્યા અને નિતુને પરણાવી. શારદાએ પોતાના પતિ શંકરલાલની જે છબી ગામમાં પડી ગયેલી એમાં રતિ ભાર પણ ઓછપ આવવા ન દીધી. શંકરલાલ ના કરેલા કાર્યો આજ સુધી પણ તેની સાથે એક પડછાયાની જેમ ઉભા હતા. શારદાને કોઈપણ વસ્તુની જરૂર પડતી તો કોઈને કોઈ આવીને તેને મદદ કરી જતું. શંકરલાલનો પંદર વર્ષ પછી પણ એટલો જ પ્રભાવ હતો જેટલો તે જીવતા ત્યારે હતો. બાપ વગરની નિતુને જ્યારે પરણાવવાનો સમય આવ્યો ત્યારે પણ સુવન ગામના લોકોએ શારદાનો સાથ આપેલો અને તેના છૂટાછેડા થયા, ત્યારે પણ એ લોકો સાથે જ આવેલા. તેઓમાં સૌથી મોખરે નિતુના કાકા ધીરુભાઈ હતા. ધીરુભાઈને પાટે ચડાવનારા શંકરલાલ, એટલે એના ઘરનું કંઈ પણ કામ હોય તો ધીરુભાઈ પોતાનું કામ મેલીને પહેલા એનું કામ કરતા. એમાંય હવે તો તે સાવ ચિંતામુક્ત બની ગયેલા, કારણ કે નિતુથી એક વર્ષ નાનો ધીરુભાઈ નો દીકરો હવે કામ પર લાગી ગયેલો અને ઘરની તમામ જવાબદારી પોતે ઉઠાવી લીધેલી. એટલે ધીરુભાઈને શારદા ભાભીનું કામ કરવું વધારે આસાન થઈ ગયું હતું.

એવા માં જ્યારે નિતુએ જીદ પકડી કે તે પોતાના પરિવારને અહીં સુરત ખાતે લાવશે ત્યારે પણ તેઓનો સાથ આપવા ધીરુભાઈ આગળ આવ્યા. એક ઘર છોડીને બીજું ઘર વસાવવું કંઈક નાની વાત થોડી છે? એ કંઈ ઢીંગલા પોત્યાની રમત તો નથી! કે તરત થઈ જાય. સુવન ગામમાં રહેલા પોતાના મકાનને તાળું મારવું એ શારદાને વસમુ લાગતું હતું. આખરે બીજું કરી પણ શું શકાય? કારણ કે હવે તેનું ભવિષ્ય પોતાની દીકરી સાથે જ હતું. તેણે પોતાના મનને સમજાવીને નિતુની વાત માની લીધેલી અને સુરત જવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધેલી. પોતાના ઘરમાં રહેલો તમામ સામાન સરખી રીતે સાંચવીને મૂકી દીધો અને જે સાથે લઈ જવાનું હતું તે બધું અલગ કરી દીધું. તેની નાની દીકરી કૃતિ પણ એટલી જ હોશિયાર અને ચતુર હતી. તેણે પોતાની મા શારદાનો ખૂબ સારો સાથ આપ્યો અને જ્યાં જરૂર પડે, ત્યાં એક દીકરા તરીકે તેની સાથે ઉભી રહી. નિતુને પોતાની નાની બહેન કૃતિથી જેટલી આશા હતી એટલી જ એ તેની આશા પર ખરી ઉતરતી.

ઘર અને ખેતરનો વહીવટ કરતા- કારવતા શારદાએ નક્કી કર્યું કે તે બંને ધીરુભાઈને સાંચવવા માટે આપી દેશે. જોકે તેણે માત્ર તેના ઘરની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે, "ખેતર હાચવવું એ હવે એનું કામ નથી અને તેનો દીકરો તો શેરમાં નોકરી કરે છે. જો એ ખેતરનું કામ કરતો હોત તો કદાચને પોહાય ખરું. એ નથી તો એકલા હાથે બધું ના થાય. એટલે એનાથી ખેતર હાચવવાનું કામ થઈ હકે તેમ નથ. પણ બેસરભાઈ વાવવા માટે કટકું ગોતે છે, હું એની હારે વાત કરી તમને કહી દઈશ. આમે બેસરનો અને તમારો શેઢો તો એક જ થાય ને! જો બેસર હા પાડે તો એનાથી અમુલું કાંઈ નહીં."

ધીરુભાઈએ બેચરભાઈ ને વાત કરી અને બેચરભાઈ એ તેની વાતમાં સહમતિ દર્શાવી અને નિર્ણય લેવાયો કે ઘરની જવાબદારી ધીરુભાઈનાં માથે અને ખેતરની જવાબદારી બેચરભાઈ માથે. બસ બે દિવસ બાકી હતા નીકળવાનાં. પરોઢિયે શારદાએ ધીરુભાઈના ઘેર જઈને પોતાના ઘરની એક ચાવી ત્યાં આપી દીધી.

ધીરુભાઈ કહેવા લાગ્યા, "અરે ભાભી! આટલી હું ઉતાવળ. હું તમારી હારે આવું છું. તમી મને નિરાંતે ચાવી આપી હોત તો હાલેત."

શારદા બોલી, "ઈ હાચુ ધીરુભાઈ, પણ ન્યાં જઈને ધમાલમાં ક્યાંક ભુલાય જાય કારવે, એના કરતા અતારે હામ્ભરે તો આપી દઉં. પાછું હજુ ખેતરે જતી આવું. બેસરભાઈને કીધેલું છે કે હું આવિશ અને આંટો ફેરો મારીને ચાવી તમને આપી દઈશ."

"હા ભાભી ઈ હારું કર્યું. આંયથી જાહુ એટલે બધું ગોઠવવામાં ન્યાં જઈને ધમાલ તો રેવાની છે. એક નજર કરી લ્યો અને થોડું ઘણું હોય એ હગે-વગે કરી નાંખો તો કામ પતે. આપડું છે તો આપડે એક વખત નજર મારવી પડે."

"બાબુનો ફોન આવવાનો હતો, હું થયું?"

"આજ હવારમાં જ બાબુનો ફોન આવેલો. મેં એને કીધું કે ભાઈ અમી ન્યાં આવવી પછી બધી વાત."

"ઠીક તારે, લ્યો હું જાતી આવું, ઘરે કરુતી એકલી રય, વેલાહર પાછી આવું." કહેતા તે ખેતરના અંતિમ દર્શન કરવા નીકળી ગઈ. હવે તેને પોતે પણ ખબર ન હતી કે ક્યારે તે પાછી આવશે અને પોતાના ઘર અને ખેતરને જોઈ શકશે.