Sapt-Kon? - 24 in Gujarati Classic Stories by Sheetal books and stories PDF | સપ્ત-કોણ...? - 24

The Author
Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સપ્ત-કોણ...? - 24

ભાગ - ૨૪

ચા પુરી કર્યા પછી રઘુકાકાએ અધૂરી મુકેલી વાર્તાની શરૂઆત કરી અને ફરી સૌ એમની વાત સાંભળવા શાંત અને સ્થિર થઈ ગયા. બધા અધૂરી, અનોખી વાત સાંભળવામાં એટલા તલ્લીન થઈ ગયા કે કોઈનું ધ્યાન જ ન

કે એમનાથી થોડે દૂર જ એક વૃક્ષની પાછળ સંતાયેલો ઓછાયો પણ રઘુકાકાની વાત સાંભળી રહ્યો હતો.....

@@@@

રાણી કલ્યાણીદેવી અને કમિશનર રાણા હોટેલ સિલ્વર પેલેસના વેઇટિંગ લાઉંજમાં બેઠા હતા. રાણાસાહેબની ચકોર આંખો બધે ફરી રહી હતી. છોટુભાઈ હોટેલનો હિસાબકિતાબ કરવામાં વ્યસ્ત હતા.

"છોટુભાઈ... છોટુભાઈ....." રાણાસાહેબનો અવાજ સાંભળી એમણે હિસાબી ચોપડામાંથી માથું ઉંચુ કરી એમની સામે જોયું અને આંખોના ઈશારે જ 'શું કામ છે?' એવો સવાલ પણ કર્યો.

"આ તમારી હિસાબી દુનિયામાંથી બહાર નીકળો અને અમારા માટે જરા ચા મંગાવો, ત્રણ દિવસથી અહીંયા રહેતા એવું લાગે છે કે હું પણ બિગબોસના ઘરમાં આવી ગયો છું. આજુબાજુ કોઈ નહીં, બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નહીં.. કેમ? બાસાહેબ, તમને એવું નથી લાગતું?"

"હમમમમ... વાત તો તમારી સાચી છે રાણાસાહેબ, પણ અહીંયા તમે મારી નાની પુત્રવધુ ઈશ્વાને શોધવા આવ્યા છો અને એ કામ બિગબોસમાં ભાગ લેવા કરતાં ઘણું અઘરું છે. તમે ચા પીઓ હું જરા વ્યોમને મળી આવું." કલ્યાણીદેવી વ્યોમને મળવા ઉપર જતા રહ્યા.

"વ્યોમ... દીકરા, જો તો ખરો, સાવ નખાઈ ગયો છે. ઈશ્વા વગરનો આ ત્રીજો દિવસ છે, દીકરા હું તારી મનોસ્થિતિ અનુભવી શકું છું, તારી માં છું હું અને મને મારી હજાર હાથવાળી માં પર અતૂટ અને અખૂટ ભરોસો છે, ઈશ્વા જરૂર મળી જશે અને જો એ તને આવી હાલતમાં જોશે તો તારી કેવી વલે કરશે એની તો તને ખબર જ છે." પરાણે ચહેરા પર સ્મિત લાવી વ્યોમના માથે હાથ ફેરવતા ફેરવતા કલ્યાણીદેવીએ એની આંખમાં ધસી આવેલા આંસુ લુછી એને પોતાના છાતીસરસો ચાંપી દીધો.

"દીકરા, ઈશ્વા જે રૂમમાંથી ગાયબ થઈ છે ત્યાં શોધખોળ કરતાં રાણાસાહેબને એક તૂટેલું ઝૂમકું મળી આવ્યું છે અને નવાઈની વાત તો એ છે કે એવા જ ઝૂમકાની જોડ માનગઢ આવતા પહેલા ઈશ્વાએ મને સોંપી હતી જે મેં મારા વોર્ડરોબમાં સાચવીને મુકી રાખી હતી. એ રૂમનો અરીસો, આ તૂટેલું ઝૂમકું, આ બધી વસ્તુઓને ઈશ્વાના ગાયબ હોવા સાથે સીધો કે આડકતરો સંબંધ જરૂર છે." કલ્યાણીદેવીએ ટૂંકમાં બધી વાત કરી ત્યાં અમોલ અને ડો. ઉર્વીશ પણ આવી પહોંચ્યા.

@@@@

"ભાઈ, ભા....ઇઇઇઇઇ......" ક્યાં જતો રહ્યો આ?" ઉજમસિંહ વેરાન રણમાં કરણસિંહને શોધવા લાગ્યો.

"કરણભાઈ..... ભા....ઈઈઈ......" આમથી તેમ સાંઢણી દોડાવતો ઉજમ બહાવરો બની ગયો હતો. ચારેકોર ચળકતી સોનેરી રેત અને કેટલાક ઝાડીઝાંખરા સિવાય કાઈ નજરે નહોતું ચડતું.

મધ્યાહને તાપ રેલાવતો સૂર્ય, ચામડી દઝાડતી કાળઝાળ ગરમી, પરસેવે નીતરતો દેહ, સુકાતું ગળું...

સાંઢણી પર બેઠા બેઠા જ બેય હથેળીઓ વડે આંખો પર નેજવું કરતો ઉજમસિંહ દૂર દૂર સુધી જોઈ વળ્યો પણ કરણસિંહ ક્યાંય દેખાયો નહી. માથેથી પાઘડી ઉતારી, એમાં વિંટેલ કપડું ખોલી એના વડે પોતાનું મોઢું અને ગળું લુછી એણે સાંઢણીને બુચકારી આગળ હંકારી. ધોમધખતા તડકા અને તરસને કારણે આકુળવ્યાકુળ થતો ઉજમ હજી થોડોક જ આગળ વધ્યો ત્યાં ચક્કરને કારણે સાંઢણી પરની એની પકડ છૂટી ગઈ અને ઊંધે માથે એ રેતીમાં પટકાયો.

ચહેરા પર પડતી ઠંડા પાણીની છાલક અને પવનથી હોશમાં આવેલા ઉજમે ધીમેથી આંખો ઉઘાડીને જોયું તો પંદર-સોળ વરસની એક સુંદર યુવતી પોતાની ઓઢણીના છેડા વડે હવા કરી રહી હતી.

યુવતીના ચહેરા સામે જોતો ઉજમ ઘડીભર પોતે કોણ છે અને ક્યાં છે એ ભૂલી ગયો.

"સુખલી.... સુખલીઈઈઈઈઈ...." ઘોઘરા આવેલા અવાજે ઉજમ અને એ યુવતીનું ધ્યાન એ તરફ દોરાયું.

બેઠી દડીની, કાળા સીસમ જેવી કાયા પર મેલીઘેલી બંડી ને એવું જ મેલુઘેલું, ઘૂંટણેથી થોડું થોડું ફાટેલું ધોતિયું પહેરેલો, એક પગે લંગડાતો એક માણસ ઉતાવળી ચાલે હાંફતો હાંફતો આવી પહોંચ્યો.

"ઘણી ખમ્મા," આવીને હાથ જોડીને ઉજમ સામે ઉભો રહ્યો, "હવે કેવું લાગે છે તમને? ભરબપોરે, આવા તડકામાં ક્યાંથી હાલ્યા આવો છો?"

"સુમેરગઢથી, હું ને મ્હારા ભાઈ'સા કરણસિંહ શિકારની ખોજમાં નીકળ્યા'તા, પણ... રણની ભૂલભુલામણીમાં અમે બેય નોખા પડી ગયા અને એમને શોધતાં શોધતાં હું અહીં આવી પહોંચ્યો... અને... અચાનક હું સાંઢણીએથી નીચે પડ્યો પડ્યો પછી શું થયું એ ખબર નથી..." ઉજમે અંગુઠાના ઈશારે પાણી માંગ્યું.

"એટલે.... તમે સુમેરગઢના રાજા માનસિંહના છોરા.... દીકરા છો? એ સુખલી... આઘી રે એમનાથી, આપણાથી એમને ન અડાય, આપણે સાવ નીચલી જાતિના ચમાર અને એ છે સુમેરગઢના કુંવર'સા, એ...ય.... સુખલીની માં, આપણે આંગણે ભગવાન પધાર્યા સે, એય છોરી, એ... સુખલી... જા, ઝટ જઈને ઘેરથી પાણી ભરી આવ અને પ્યાલો ચોખ્ખો ધોઈને પછી ભરજે." સુખલીના રઘવાયા બાપે એને સૂચના આપી એટલે સુખલી માથે ઓઢેલી ઓઢણી નીચે સરી ન જાય એટલે એકહાથે છેડો પકડી ઘરે જવા પગ ઉપાડ્યા પણ જતાં જતાં એ શરમાતી નજરે ઉજમની સામે જોઈ અને ઉતાવળા પગલે ઘરે ગઈ અને આ તરફ ઉજમ પણ સુખલીને લચકતી ચાલે જતાં જોઈ રહ્યો.

'આ તો ચિંથરે વિંટાળેલું રતન છે જે મહારા રાજઘરાણામાં જ શોભે,' મનોમન વિચાર કરતો ઉજમ હજીય સુખલી ક્યારે પાછી આવે અને એના રૂપને મનભરીને માણવાની લાલસા રોકી ન શક્યો.

સુખલી હતી જ એવી રૂપાળી કે એને જોનારની આંખો કેમે કરીને હટતી જ નહીં, એના અધધધ... અને અઢળક રૂપથી પરેશાન એના બાપે ગામથી દૂર, સીમની પાર, રણની નજીક પોતાની ઝૂંપડી બાંધી હતી. એનાથી નાની બીજી ત્રણ દીકરીઓની ચિંતામાં રહેતો એ પુરુષ પોતાની ચારેય દીકરીઓને ઘરની બહાર કાઢતો જ નહીં. ઘરના બે છેડા ભેગા કરવાની મથામણમાં રહેતા એ માણસના શ્યામ ચહેરા પર દિવસરાત ચિંતાની રેખાઓ સતત ખેંચાયેલી રહેતી. પણ, આજે એના કરડા ચહેરા પર હળવું સ્મિત રેલાયું હતું જાણે વેરાન રણમાં મીઠી વીરડી હાથ લાગી હોય.

આંખના પલકારે સુખલી હાથમાં પિત્તળનો ચળક્તો પ્યાલો લઈ, ફાટેલી ઓઢણીનો છેડો મોમાં દબાવી એ ઉજમની નજર સામે હાજર થઈ ગઈ, એની પાછળ પાછળ એની માં પણ ફાટેલી ઓઢણીના, ચહેરો ઢાંકતા ઘૂંઘટમાંથી ઉજમને તાકી રહી.

ઉજમને પાણી આપતાં એની ગોરી હથેળી ઉજમની મોટી, લાંબી, વીંટીઓથી શોભતી આંગળીઓને સ્પર્શી ગઈ અને એની કોમળ, પાતળી કાયામાં વીજળી પસાર થઈ ગઈ, એ જ સ્પર્શ ઉજમની આંખોમાં ચમકારો જન્માવી ગઈ.

સુખલીએ પાયેલા ઠંડા, મીઠા પાણીથી ઉજમના ગળાની પ્યાસ તો બુઝાઈ ગઈ પણ સુખલીને પોતાની બનાવવાની ઝંખના પ્રબળ કરતી ગઈ. સુખલીના બાપે સાંઢણીનેય પાણી પાયું અને એક મશક ભરીને ઉજમને આપી.

"કુંવર'સા, હાલો હું તમને સીમ પાર મુકી આવું, દિવસ ઢળતા તમને પાછા જવામાં મુશ્કેલી પડશે. તમે તો સુમેરગઢની ધરોહર છો, આજ મ્હારે આંગણે તમારા પગલાં થ્યા એનાથી મોટું સૌભાગ્ય અમારું ક્યાંથી?"

ઉજમ પણ ઉભો થઈ, બેય વડીલો સામે હાથ જોડી, આભાર માની સાંઢણી પર સવાર થયો, એની આગળ આગળ રસ્તો ચીંધતા સુખલીના બાપે પણ પગ ઉપાડ્યા.

જતાં જતાંય ઉજમે પાછળ વળીને સુખલી સામે નજર કરી, એની આંખો ફરી મળવાનું વચન આપતી ગઈ અને સાથેસાથે સુખલીની આંખમાં સોનેરી સપનાનું આભાસી બીજ રોપતી ગઈ જે મૃગજળની જેમ એના હાથમાં ક્યારેય આવવાનું નહોતું, પણ એનાથી અજાણ ઉજમ અને સુખલી ફરી મળવાની આશમાં છુટા પડ્યા...


ક્રમશ: