Sapt-Kon? - 25 in Gujarati Classic Stories by Sheetal books and stories PDF | સપ્ત-કોણ...? - 25

The Author
Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

સપ્ત-કોણ...? - 25

ભાગ -૨૫

જતાં જતાંય ઉજમે પાછળ વળીને સુખલી સામે નજર કરી, એની આંખો ફરી મળવાનું વચન આપતી ગઈ અને સાથેસાથે સુખલીની આંખમાં સોનેરી સપનાનું આભાસી બીજ રોપતી ગઈ જે મૃગજળની જેમ એના હાથમાં ક્યારેય આવવાનું નહોતું, પણ એનાથી અજાણ ઉજમ અને સુખલી ફરી મળવાની આશમાં છુટા પડ્યા...

@@@@

"આ તો કોઈ ઇન્ટરેસ્ટીંગ ફિલ્મી સ્ટોરી જેવી છે રઘુકાકા, પછી...??? આગળ શું થયું?" અંતરની અધીરાઈ અર્પિતાના હોઠે આવી ગઈ.

પોતાના કરડા ચહેરા પર બે દિવસની વધેલી આછી દાઢી નીચેથી દેખાઈ રહેલા ઘાવ પર હાથ ફેરવી રઘુકાકાએ ગળું ખોંખાર્યું.

@@@@



હજી પહેલીવાર મળ્યાને બોતેર કલાક પણ નહોતા વિત્યાં અને ઉજમની નીંદર વેરણ થઈ ગઈ હતી. ખુલ્લી આંખે ફરીવાર સુખલીને મળવાના સપના જોતા એની આંખો ઉજાગરાને કારણે રાતી થઈ ગઈ હતી, એની વ્યાકુળતા એની સાથે ઉઠતા-બેસતા, જાગતા-સુતા મોટાભાઈ કરણસિંહથી વધુ સમય સુધી છાની ન રહી શકી.

"ઉજમ... મ્હારા ભાઈ, થને કોઈ રોગ લાગુ પડ્યો છે કે શું? બે દિવસથી ન તો તે સરખું ખાધું કે નથી સરખો સુતો. બાબા'સાને કહું કે વૈદજીને બોલાવે? થારી આંખો જો, 'બાલમ રા ઉજાગરા મ્હને મીઠા લાગે રે....' કે માં'સા ને કહીને છોરી જોવાનું કહું?" કરણે પણ થોડી મજાક કરી લીધી.

"છોરી......? શું ભાઈ'સા તમે પણ? હું ક્યાં છોરી ગોતવા જવાનો? એ કામ તો આપણા બાબા'સા ને માં'સાનું છે."

"બે દિ'થી જોઉં છું, આપણે શિકારે ગ્યા'તા ને તું ભૂલો પડીને પાછો આવ્યો ત્યારથી થારા આ હાલ છે, ક્યાંક કોઈ જંગલી જાનવર તો પાછળ નહોતું પડ્યું ને કે કોઈ ભૂત-પલીત, ચુડેલ-ડાકણની લપેટમાં તો નથી આવ્યો ને મહારા ભાઈ?"

"કોઈ જંગલી જાનવર મને દોડાવે એ શક્ય જ નથી ભાઈ, એ પહેલાં જ મારા તીરે એને નિશાન બનાવી લીધું હોય અને ભૂત-ચુડેલથી ડરે એ બીજા, આ ઉજમ નહીં, હું કોઈ દૂધ પીતું બચ્ચું થોડી છું, આ મૂછો મારી યુવાન, મર્દાનગીની નિશાની છે." ઉજમે પોતાની પાતળી મૂછોને વળ ચડાવ્યા અને બંને ભાઈઓ પોતાના શયનકક્ષમાંથી બહાર નીકળ્યા.

"બાબા'સા.. માં'સા ક્યાં છે?" માનસિંહના કક્ષમાં પ્રવેશતાં વેંત જ બેય ભાઈઓએ માંની પૃચ્છા કરી.

"મારા જુવાનજોધ દીકરાઓ હવે તમારી માં નો છેડો છોડો, બોલો, શું કામ છે ઇન્દુનું?" માનસિંહે ચહેરા પર ખોટો રોષ લાવી કહ્યું.

"બાબા'સા, વાત જાણે એમ છે કે હવે તમારા જુવાનજોધ છોરાઓની ઘોડીએ ચડવાની વેળા આવી ગઈ છે અને તમે ને માં'સા હાથ પર હાથ ધરી બેઠા છો...."

"બેટા કરણ... ભારે ઉતાવળા થ્યા છો ને બેય કાંઈ... કોઈ ખાસ કારણ કે કોઈ પરાક્રમ?" રાણી ઇન્દુમતીએ પ્રસાદના થાળ સાથે પ્રવેશ કર્યો.

"માં'સા... અમે તમને જ યાદ કરતા હતા." બંને ભાઈઓએ માં ને પગે લાગી પ્રસાદ લીધો.

"હા. .. આ થારા છોરાઓને પરણવાના કોડ ઉપડ્યા છે. ઝટ કોઈ સારી, સુંદર, સુશીલ, સુકન્યા ગોતવી પડશે."

"અરે... એક કહેતા દસને હાજર કરી દઉં પણ મહારા છોરાઓ સાથે શોભે એવી કોઈ કન્યા હજી નજરે નથી ચડી." ઇન્દુમતીએ બેય દીકરાઓના ઓવારણાં લીધાં.

"અમે આજે કુળદેવીના મંદિરે જઈએ છીએ, એમના અને પૂજારીકાકાના આશીર્વાદ લઈ આવીએ." કરણ અને ઉજમ બેય મહેલની બહાર નીકળ્યા.

"ભાઈ'સા તમે મહેલે પહોંચો, હું થોડીવારમાં આવું છું." મંદિરેથી પાછા વળતા ઉજમે કહ્યું.

"એવું તે ક્યું કામ છે જે તું મને કીધા વગર ને મ્હારા વગર જઈ રહ્યો છે."

"ભાઈ'સા... હું આવીને બધી વાત કરીશ, હમણાં મને જવા દો."

"ઉજમ... મ્હારા ભાઈ, જા તું, હું રાહ જોઇશ થારી. પાછો આવીને મને પેટછૂટી વાત કરજે." બેય ભાઈ પોતપોતાના રસ્તે વળ્યા.

"સુખલી..." સીમ પાસેના કુવાકાંઠે પાણી ભરવા આવેલી સુખલીને જોતાં જ નજીકમાં એકબીજાને અડીને ઉગેલા ચાર-પાંચ કાંટાળા થોર પાછળ ઉભેલા ઉજમે હળવેથી બુમ પાડી એટલે એણે ઓઢણીની આડશે અવાજની દિશામાં ડોક ફેરવી અને થોર વચ્ચેથી દેખાતા ઉજમના ચહેરાને જોઈ એના હૃદયના ધબકારા વધી ગયા અને એની સાથે આંખો તથા ગાલો પર લજ્જાની લાલિમા છવાઈ ગઈ.

"ત...મે..... અ..હીંયા..." સુખલીએ માથેથી પિત્તળની હેલ ઉતારી કુવાકાંઠે મુકી.

ઉજમ એક જ ઠેકડે થોર વટાવી એની પાસે આવી પહોંચ્યો એટલે સુખલી બે ડગલાં પાછળ ખસી.

"સુખલી... તું બહુ જ સુંદર છે. સુમેરગઢની બધી છોરીઓ થારા રૂપની આગળ પાણી ભરે. થારી નિર્દોષ કાળી, કજરાળી આંખોમાં મારું દિલ ડૂબી ગયું. તને જોયા પછી મારું મન ક્યાંય ચોંટતું નથી. હું તને મ્હારા દિલની અને મ્હારા ઘરનીય રાણી બનાવવા માંગુ છું. થારો હાથ પકડીશ તો સાત જનમ સુધી નહીં છોડું, સુખલી... મારી સાથે લગન કરીશ?" ઉજમે એકીશ્વાસે પોતાનું દિલ અને મન સુખલી સામે ખુલ્લું મુકી દીધું.

ઉજમની વાત સાંભળી સુખલી અસમંજસના આરોહ અવરોહમાં અટવાઈને ચુપચાપ કૂવેથી પાણી સિંચવા લાગી.

"હું સાવ નીચલી જાતિના ચમારની છોરી ને તમે સુમેરગઢના રાજકુમાર, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. તમારો ને મ્હારો કોઈ મેળ જ નહીં." ઘડો ભરતાં ભરતાં જ સુખલીએ ચુપકીદી તોડી.

"જાતિ કે ઊંચનીચના ભેદભાવ જોઈને પ્રેમ નથી થાતો સુખલી... આંખોથી આંખોનું, દિલથી દિલનું ને આત્માથી આત્માનું અનુસંધાન જોડાય ત્યારે પ્રેમ થાય. તને જોઈને મહારા હૈયાના ટોડલે મોર ટહુકવા લાગ્યા છે."

હેલ ભરાઈ જતાં સુખલી માથે બેડલા મુકી એક નજર ઉજમ તરફ જોઈ પોતાના ઘર તરફ હાલતી થઈ, ગરમ પવનથી ઉડુંઉડું થઈ રહેલી ઓઢણી અને હેલ સાચવતી એ ગરમ રેતીમાં ધીમા પગલાં પાડતી આગળ વધી અને એની પાછળ પાછળ ઉજમે પણ કદમ ઉપાડ્યા.

"મ્હારી વાતનો જવાબ ન આપ્યો તે..?" બેય હાથ પહોળા કરી ઉજમે એનો મારગ રોક્યો.

"જે ગામ આપણે જવાનું નહીં એનો મારગ પણ જોવાનો નહીં અને આમેય એ વાટે ચાલતાં આપણને કાંટા સિવાય કાંઈ મળવાનું નથી." નાની ઉંમરે પણ સુખલીએ સમજદારી અને પરિપક્વતાભરી વાત કરી હતી, કદાચ ઘરની પરિસ્થિતિ અને સ્વાનુભવે પણ આમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

"હવે તમે જાઓ કુંવર'સા, કોઈ આપણને સાથે ભાળી જશે તો મારે આ જ કૂવો પુરવાનો વારો આવશે." સુખલીએ ઝપાટાભર પગ ઉપાડ્યા.

ઉજમ વિલે મોઢે પાછો ફર્યો અને થોડે દૂર થોરે બાંધેલી પોતાની સાંઢણી પર સવાર થઈ મહેલ ભણી રવાનો થયો.

ઉજમ મહેલે પહોંચ્યો ત્યારે માનસિંહ અને કરણસિંહ ગંભીરતાપૂર્વક કોઈ ગહન ચર્ચામાં ડૂબેલા હતા અને એમની સાથે કેટલાક વિશ્વાસુ દરબારીઓ પણ હતા, ઉજમ આવ્યો એની કોઈનેય જાણ સુદ્ધા ન થઈ એટલે આંખોમાં આતુરતા અને આશ્ચર્ય આંજી એ અંદર ગયો.

"કરણસિંહ, લડાઈની તૈયારીઓ શરૂ કરાવી દો, આપણી શૂરવીરતા પુરવાર કરવાની આનાથી વધુ સરસ તક નહીં મળે. અત્યાર સુધી આ માનસિંહ કોઈનીય સામે ઝુક્યો નથી અને પોતાના આત્મસમ્માન અને સુમેરગઢના રક્ષણ માટે ક્યારેય ઝુકશે પણ નહીં." મ્યાનમાંથી ચળક્તી, ધારદાર તલવાર કાઢી પોતાના જમણા હાથના અંગુઠે એની અણીથી લોહી કાઢી, પોતાના અને કરણસિંહના ભાલે રક્તતિલક કરી લડાઈનું રણશીંગુ ફૂક્યું.

"બાબા'સા.. મારા કપાળે પણ રક્તતિલક કરી, મને પણ યુદ્ધમાં સામેલ કરી થવાની મંજૂરી આપો. કાં તો વિજયપતાકા લહેરાવીશ કાં પાળિયો થઈ પૂજાઈશ." ઉજમના સ્વરમાં લડવા માટેનો જોશ રણકતો હતો.

આ યુદ્ધ પછી ઉજમ અને સુખલીના જીવનમાં અણધાર્યો વળાંક આવવાનો હતો જે આવનારા સમય સિવાય કોઈ નહોતું જાણતું....


ક્રમશ: