The Missing Ladies in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | લાપતા લેડિઝ

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

લાપતા લેડિઝ

લાપતા લેડિઝ

- રાકેશ ઠક્કર

નિર્દેશિકા કિરણ રાવની લાપતા લેડિઝ ના રૂપમાં લાંબા સમય પછી એવી ફિલ્મ આવી છે જે મહિલાઓની સમસ્યાની વાત કરવા સાથે તેનો ઉકેલ પણ હસતાં હસતાં બતાવે છે. આવી ફિલ્મો સિનેમાને જીવંત રાખે છે.

લાપતા લેડિઝ ની વાર્તા ક્યાંય ભટકતી નથી અને અંત પર પહોંચે છે. વાર્તામાં કોમેડી સાથે સસ્પેન્સને ઘૂંટવામાં આવ્યું છે. આમિર ખાનનું નિર્માણ હોય ત્યારે એના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હોય એ સ્વાભાવિક છે.

જે ફિલ્મ માટે એવી મોટી મોટી વાત સાંભળવા મળી હોય કે રવિ કિશને ભજવેલી ભૂમિકા માટે આમિર ખાને પણ સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો કે એને રજૂઆત પહેલાં ઓસ્કારમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે એને જોયા વગર સમીક્ષકો તો રહી જ શક્યા નથી. થિયેટરની બહાર આવ્યા પછી કોઈપણ એમ કહેશે કે સાચું સિનેમા આવું હોય. કિરણ રાવે પહેલી જ ફિલ્મ ધોબીઘાટ માં નિર્દેશનની છાપ છોડી હતી. બીજી ફિલ્મ લાવતાં એક દાયકાથી વધુ સમય લીધો છે. કિરણ રાવનું કહેવું છે કે દેશની અડધી આબાદી સ્ત્રીઓની છે તો એના પર ફિલ્મ બનાવવાનું જરૂરી હતું.

આજના એક્શન- હિંસા અને ખૂનખરાબાની ફિલ્મોના દોરમાં સમજી શકાય એવી પારિવારિક ફિલ્મ છે. દુલ્હન બદલાઈ જવાનો ફિલ્મનો વિષય એકદમ નવો છે.પરિવાર સાથે જોઈ શકાય છે અને ઘરે જઈને એના મુદ્દાઓ પર સરળતાથી ચર્ચા કરી શકાય એવો એમાં સંદેશ છે. નિર્દેશિકાની ખાસિયત એ છે કે આ સંદેશ બહુ મામૂલી વાતોથી આપ્યો છે. મુદ્દા સાથે મનોરંજન કેવી રીતે પીરસવું એ કિરણ પાસેથી બીજા નિર્દેશકો શીખી શકે છે.

આત્મનિર્ભરતા, જૈવિક ખેતી, શિક્ષણ, સ્ત્રીની ઓળખ, દહેજપ્રથા, ઘરેલૂ હિંસા જેવા અનેક મુદ્દા આવરી લીધા છે. ગ્રામીણ વિસ્તારની દરેક મહિલાના પાત્ર સાથે એક મુદ્દો ઉઠાવે છે. અભણ ફૂલ લગ્ન કરીને ખુશ હોય છે પણ સ્ટેશન પર રહે છે ત્યારે એને પોતાની રસોઈકળાનો ખ્યાલ આવે છે અને આત્મનિર્ભર બને છે.

કલાકારોનો અભિનય એટલો જબરદસ્ત છે કે ફિલ્મ જોતી વખતે કોઈ બીજી જ અસલી દુનિયામાં પહોંચી ગયા હોઈએ એવો અનુભવ થાય છે. ફિલ્મમાં જાણી જોઈને આમિર જ નહીં કોઈપણ મોટા સ્ટારને લેવામાં આવ્યા નથી. જેથી દર્શકોને પાત્રો અસલી લાગે અને એમના જીવન સાથે જોડાઈ શકે.

કિરણ માટે કાસ્ટિંગનું કામ મુશ્કેલ હતું. બે એવી છોકરીઓ જોઈતી હતી જેની ઊંચાઈ જ નહીં કદકાઠી પણ સરખી હોવી જોઈએ. અને પતિની ભૂમિકા માટે પણ એવો જ છોકરો જોઈતો હતો જેની કદકાઠી બંને સાથે મળતી આવતી હોય. નહીંતર અદલા-બદલી વિશ્વસનીય લાગી શકે નહીં.

દરેક કલાકારે એવું કામ કર્યું છે કે એ કોઈ અસલી પાત્ર જ લાગે છે. મોટાભાગના કલાકારો નાના પડદાના છે પરંતુ અભિનય મોટા પડદાના મોટા સ્ટાર કહેવાતા કલાકારોને ચાય કમ પાની સાબિત કરે એવા છે.

ફૂલ ની ભૂમિકામાં નિતાંશી માસૂમ અને ભોળી સ્ત્રી તરીકે જામે છે. ફિલ્મનું શુટિંગ શરૂ થયું ત્યારે એની ઉંમર માત્ર 14 વર્ષની હતી. જ્યારે પુષ્પા તરીકે પ્રતિભા પોતાના બગાવતભર્યા અંદાજને ન્યાય આપે છે. જામતારા વાળા સ્પર્શ શ્રીવાસ્તવે પત્નીની શોધમાં ફરતા પતિ દીપકની ભૂમિકા સહજ રીતે નિભાવી છે. દરોગા તરીકે રવિ કિશનનો જવાબ નથી. રવિએ સંપૂર્ણ મનોરંજન પૂરું પાડવાનું કામ કર્યું છે.

ફિલ્મની વાર્તા લખાઈ ત્યારે એમાં છાયા કદમે ભજવેલું મંજુ નું પાત્ર ન હતું. કિરણે એને ખાસ ઉમેર્યું હતું. એક દ્રશ્યમાં મંજુ કહે છે,‘ઇસ દેશ મેં બહુત સાલોં સે લડકિયોં કે સાથ એક ફ્રોડ ચલ રહા હૈ- ભલે ઘર કી બહૂ. ફિલ્મના ચોટદાર સંવાદોમાં જબરદસ્ત વ્યંગ છે. એક સમીક્ષકે 5 માંથી 5 સ્ટાર આપીને એવો પડકાર ફેંક્યો છે કે એકપણ ભૂલ શોધી શકશો નહીં. થોડા દિવસ પહેલાં ઈમરાન હાશમીએ એવો આરોપ મૂક્યો હતો કે ફિલ્મોની સમીક્ષા કરતા ઘણા વિવેચકો પૈસા લે છે. પણ લાપતા લેડિઝ જેવી નાના બજેટની ફિલ્મના વખાણ બધા જ સમીક્ષકો કરે ત્યારે એ કેટલી મહાન હશે એનો અંદાજ આવી જશે.

ફિલ્મની વાર્તા ગ્રામ્ય વિસ્તારની હોવાથી ત્યાં જ બનાવવામાં આવી છે. અને ટ્રેનના દ્રશ્યોમાં VFX નો ઉપયોગ કરવાને બદલે અસલ જગ્યાએ શુટિંગ કરવામાં આવ્યું હતું. ઘણા સમય પછી એવી કોઈ ફિલ્મ આવી છે જે દરેક વર્ગના દર્શકે જોવી જોઈએ. આ એક એકદમ હલ્કીફુલ્કી અને હ્રદયને સ્પર્શી જાય એવી છે. ફિલ્મ હસાવવા સાથે વિવિધ મુદ્દા પર વિચાર કરવા મજબૂર કરે છે એ એની મોટી ખાસિયત ગણી શકાય.

ફિલ્મના ખાસ નોંધવા જેવા મુદ્દા:

* ફિલ્મમાં ઘૂંઘટની પ્રથા કેટલી મૂર્ખામીભરી છે એ બતાવવામાં આવ્યું છે.

* ફિલ્મમાં ગ્રામ્ય વિસ્તારની અનેક સમસ્યાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.

* ફિલ્મમાં સમાજ અને દુનિયાને બહુ પ્રામાણિક્તાથી રજૂ કરવામાં આવ્યા છે.

* ફિલ્મમાં સમાજની ઘણી કડવી વાસ્તવિકતાઓ છુપાવ્યા વગર બતાવી છે.

* ફિલ્મના પટકથા, સંવાદ, અભિનય, નિર્દેશન વગેરે તમામ પાસા સશક્ત છે.

* ફિલ્મમાં ઘણા બધા મુદ્દા આવરી લીધા છે પણ ભારેખમ ક્યાંય બનતી નથી અને મનોરંજન પૂરું પાડે છે.

* ફિલ્મ સ્ત્રીઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવા સાથે એમના સપનાઓ પૂરા કરવાના વિચાર પર ભાર મૂકે છે.