Savai Mata - 55 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 55

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

સવાઈ માતા - ભાગ 55

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
લેખન તારીખ :04-03-2024

સુશીલાએ સાંજે મેઘાની પ્રેમભરી તાણથી થોડું વધારે જ ભોજન લઈ લીધું. મેઘા તેને શામળની વહુ, સ્નેહા જેવી લાગણીથી ભરેલી લાગી. તેની આંખો ભીની થઈ ગઈ. મેઘાની ચકોર નજરે તે અછતું ન રહ્યું.

તે બોલી, "માસી, રડો કાં? જુઓ હવે તો હાથમાંથી સોય પણ નીકળી ગઈ. તમને ડૉક્ટરે આંટા મારવાની છૂટ આપી છે. ચાલો, બહાર આપણી સંસ્થાનાં બાગમાં. ઘણીય બહેનો અને બાળકો મળશે. થોડો મનફેર થશે."

સુશીલા આંખો લૂછતાં બોલી, "બુન, તનં જોઈનં મન મારી વઉ યાદ આવી ગઈ. કુણ જાણે, કિયા ભવનો બદલો મયલો કે ભગવાને ઈંનો વિયોગ આટલી જલ્દી કરાઈ દીધો."

મેઘા થોડી ગંભીર થઈ ગઈ. સુશીલાનો વાંસો પંપાળતા બોલી, "શું થયું હતું? કાંઈ અકસ્માત કે મોટી બિમારી?"

સુશીલા ગળું સાફ કરી પોતાનાં આંસું ખાળતાં બોલી, "બુન, ઈમ હોત તો મન મનાઈ લીધું હોત. પણ કુણ જાણે કયે દિ' માર શામળને કોઈએ ચડાયવો કે વઉ તો તનં નંઈ પણ ઈના ગામના કો'ક સોકરા જોડે પૈણવા માગતી'તી પણ મામા-મામીની બીકે બોલી નંઈ. મારો દીકરો ખબર નંઈ, કેમ એ અજાયણાની વાતમાં ભરમાઈ ગ્યો ને વઉને પૂસી બેઠો.

ઈ બચારી સીધીસાદી. બોલી બેઠી કે, મનં તો કોઈ ગમતું ન' તું. પન ગોમનાં બે-તૈણ સોકરા ઇની વાંહે ફરતા. એ જીયાર ગોમ આવે, તિયાર એ લોક મનમાં નં મનમાં ઇની હારે પરણવાનાં કોડ લૈ બેઠેલાં. ઇંમાંન એકે તો પોતાનાં બા-બાપુનં કૈને હગપણની વાત બી નંખાવેલી. પણ ઈનાં મા-બાપુ નં મામા-મામી, હંધાયન ઈની ખોટી હરકતોની ખબર ઉતી. પાસી ઈ ભણેલી. ઈંન માબાપ, ઈંનં ખોટી જગાએ વળાવ્વા તિયાર જ ની મલે. તે ઈ લોકે જ ક્રહો રચીનં માર સોકરાનં ચડાઈવો. અમાર બી દસા બેહવાની અહે તે શામળ તો વિફયરો નં વઉનં ઈનં માબાપને ઘેર પાસી વળાયવી.

મેઘા ટહુકી ઊઠી, "તે તમે ચાર-ચાર મોટાં કાંઈ બોલ્યાં પણ નહીં?"

સુશીલા બોલી, "બુંન, આ બધુ સરુ થિયું, તા'ર તો લાગતું તું કે ઘીનં ઠોમમાં ઘી ઢળી રેહે. અમ બી શામળને હમજાવતાં. પણ ઈનં દાદા-દાદીને મહોલ્લાનાં લોકો જોડ દુવારકાનાં સંઘમાં જવું'તું. અવ ઈ લોકોનં એકલા તો મોકલાય નીં. તે ઉં ન મારો વર બી જોડાયા. એક મઈને જિયાર પાસાં આઈવાં તિયાર વઉ ઘરમાં મલે ની. ને અમાર આવવાની રા' જ જોતો ઓય, ઈમ શામળ બી તીજે જ દા'ડ નવી નોકરીએ કમાવા મુંમઈ જતો રિયો. આજ દા'ડ હુધી પાસો નથ આઈવો."

મેઘા બોલી, "તે પાછાં આવ્યા પછી તમે લોકોએ શામળભાઈને કાંઈ પૂછ્યું નહીં?"

સુશીલા બોલી, "બોવ પૂયસૂ પણ ઈ તો મોંમાં મગ ભરીને બેઠેલો. જેનં જોઈનં મારાં મનમાં ટાડક થતી ઉતી, ઇંન જોઈનં અવ બીક લાગવા લાયગી. કાંઈ બી પૂસો, બસ અમનં ઘૂયરા જ કરે. ને વ ઉની વાત આવે એટલે જંઈ બેઠો ઓય, તંઈથી ઊભો થેઈનં ઘરની બા'ર જતો રે."

મેઘા પૂછી બેઠી, "તે એના મુંબઈ ગયાં પછી તમે લોકો કેવી રીતે જીવ્યાં? એટલે આવક ક્યાંથી થતી?"

સુશીલાની દુઃખતી રગ પકડાઈ, "મારો વર અતો નં. ઈણે પાસી મજૂરી શરુ કયરી. હવ બોવ કામ ન' તું મલતું પણ સૂટક મજૂરી મલી રે'તી. પણ એક દા' ડો... " બોલતાં બોલતાં એ છૂટ્ટા મોંએ રડી પડી.

મેઘા ગભરાઈને ઊભી થઈ તેનો વાંસો પંપાળવા લાગી. બાજુના ઓરડામાં જમી રહેલાં વીણાબહેન અને કૃષ્ણકુમારજી એંઠા હાથે જ દોડી આવ્યાં. મેઘાએ સુશીલાને પાણી આપ્યું અને દવાનો એક ડોઝ આપી દીધો. વીણાબહેને પોતાની ડાબી હથેળી સુશીલાનાં માથે ફેરવતાં-ફેરવતાં કહ્યું, "બધું સારું થઈ જશે. તું ચિંતા કર્યાં વિના શાંતિથી સૂઈ જા. શક્તિ હશે તો બધું સુધારી લેવાશે.

આરામના હેતુથી દવામાં થોડું ઘેન આવે એવાં તત્વો હતાં. દસેક મિનિટમાં તો સુશીલા ઘસઘસાટ ઊંઘી ગઈ. કૃષ્ણકુમારજીએ મેઘા અને બીજી ત્રણ યુવતીઓને ત્યાં જ સૂવા કહ્યું જેથી સુશીલાને સંભાળવા મેઘાને મદદ રહે. હજી સવલીને આવવામાં વાર હતી. બાકીની યુવતીઓ વિશાળ બેઠકમાં બેસી ટેલિવિઝન ઉપર જૂની ફિલ્મ 'હાથી મેરે સાથી' જોઈ રહી હતી. અગિયાર વાગ્યે બધાં સૂવા જતાં. ત્યાં સુધી આવું સમૂહ મનોરંજન થતું.

ટેલિવિઝન ઉપર ફિલ્મ જોતાં જોતાં કોઈ બીજાનાં માથામાં તેલ નાખી રહ્યું હતું તો કોઈ બીજાની ફાટી ગયેલ એડીઓમાં આયુર્વેદિક દવાઓયુકત મલમ લગાવી રહ્યું હતું. ચાર બાળકીઓ ઘણી નાની ઉંમરની હતી. તેઓ જુદી જુદી યુવતીઓનાં ખોળામાં માથું મૂકીને ઘસઘસાટ સૂઈ રહી હતી. તેમનાં મોં ઉપરનું હળવું હાસ્ય તેમને વધુ મોહક બનાવતું હતું.

લગભગ પોણા અગિયાર વાગ્યે વોચમેન મુખ્ય દરવાજે તાળું મારવા ગયો ત્યારે ચંદન તેની સાથે બે યુવતીઓને લઈ તમામ બારી - બારણાં, બરાબર બંધ થયાં છે કે નહીં એ ચકાસી રહી હતી.

ચંદને આ જોઈને વોચમેનને ઉદ્દેશીને કહ્યું, "કાકા, હજુ તાળું ન મારશો. સવલીમાસી આવતાં જ હશે."

વોચમેનનાં હાથ અટકી ગયાં. તે તાળું-ચાવી હાથમાં લઈ પાછો ફર્યો અને અંદર પરસાળમાં મૂકેલી ખુરશીમાં બેઠો.

આ તરફ સવલીએ ઘરે જઈ રસોઈ કરી. થોડી વધારે ઘઉં- બાજરીની મઠરી અને રાગીનો ઘસિયો પણ બનાવી ડબ્બામાં ભરીને સમુ અને મનુને બતાવી દીધો. સાથે સાથે જણાવ્યું કે પોતે રાત્રે કેન્દ્રમાં જ રહેવાની છે અને સવારે આવીને જમવાનું બનાવશે. બેય જણ સવારે શાળાએ જતાં તેમાંથી જ નાસ્તો લઈ જાય અને જરાય બહાનાં કર્યા વિના પોતપોતાનાં ભાગે પડતું દૂધ પી લે. એટલામાં બારણે ઘંટડી વાગી.

"બાપુ આવ્યાં, બાપુ આવ્યાં.", કરતાં બેય દોડ્યાં.

બારણું ખોલી પિતાને અંદર લીધાં. મનુ રસોડામાં પાણી લેવા ગયો અને સમુએ પંખો ચલાવ્યો. થોડી જ વારમાં બધાં જમવા બેઠાં. જમતાં જમતાં સવલીએ આજની બનેલ ઘટના અને પોતે થોડાં દિવસ રાત્રે કેન્દ્ર ઉપર જ રહેવાની છે એમ જણાવ્યું. પતિ નિતાંત ભોળો અને સરળ માનવી હતો. તેણે બેય નાનાં બાળકો અને રમીલા માટે દુકાને થોડા મોડા જવાનું સામેથી જ નક્કી કર્યું. રોટલા શેકતાં તો તેનેય આવડતાં એટલે સવલીને હાશકારો થયો. તેણે ફટાફટ ચોળીની શીંગો સમારીને તેની ડીશ ડાઈનિંગ ટેબલ ઉપર એક જાળી નીચે ઢાંકી દીધી. બે રીંગણ અને બે બટાકા પણ સવલીએ તેની બાજુમાં મૂકી દીધાં જેથી સવારે ફટાફટ સમારી લેવાય.

હંમેશા તેની પાછળ રસોડે ભમતા મનુને શાકમાં ક્યા મસાલા નાખવા અને કૂકર કેવી રીતે મૂકવું, એ બેય આવડતું. બધાં પરવારી સૂવા ગયાં અને રમીલા આવે એટલે સવલીએ નીકળવાનું નક્કી કર્યું. આજે રમીલાને કોલેજથી પહોંચતાં ઘણું જ મોડું થયું હતું. સવલી આઘીપાછી થતી ફોન કરવા જ ગઈ. ત્યાં જ ડોરબેલ વાગી.

તેણે ફટાફટ દરવાજો ખોલતાં જ પૂછ્યું, "રમુ, બેટા, તનં ભૂખેય નથ લાગતી?"

મા ની ભાવના જોઈ રમીલાએ આછું સ્મિત આપ્યું અને તેને વળગી પડી. તે બોલી, "અરે! તું મઝાનું ખાવાનું બનાવીને બેઠી હોય ને જેટલું મોડું જમું ને એટલી ભૂખ વધે, મા. એટલે જ વધારે જમાય અને સ્વાદેય તે મઝાનો આવે."

તે મા થી અળગી થઈ ફટાફટ કપડાં બદલી, હાથપગ ધોઈને ડાઈનિંગ ટેબલ ઉપર આવી. સવલી ગરમાગરમ રોટલી ઉતારી રહી હતી. ટેબલ ઉપર રમીલાની થાળીમાં સેવટામેટાંનું શાક, વધારેલી ગલકાંવાળી ખિચડી, લસણમાં વધારેલ કઢી પીરસાયાં હતાં. રસોડું મઘમઘી રહ્યું હતું.

દીકરી જમવા બેઠી અને માતા ગરમાગરમ રોટલી પીરસી રહી. રમીલા જમી રહેવા આવી ત્યારે લગભગ દસ વાગી ગયા હતાં. તે થાળી સીંકમાં મૂકી ઘસવા બેઠી.

મા એ તેનો હાથ રોકી લીધો અને બોલી, "રમુ, આખ્ખો દા'ડો કામ કરીનં નં ભણીનં આવી છું, અવ કામ રે' વા દયે. એ તો થઈ રે'હે."

મા - દીકરી બેય આવી બેઠકમાં વિરમ્યાં. સવલીએ વાત માંડી સુશીલાની.

રમુ વિચારતી ગઈ, "દિવસો સારા હોય કે નરસા, બદલાતાં વાર નથી લાગતી."

તે બોલી, "મા, હું મૂકી જાઉં છું તને, ચાલ તૈયાર થઈ જા."

સવલી બોલી, "નીચે હુધી જ આવ. આપણા ઘર બા'ર જે રિકસાવાળા ભઈ ઊભા રે' છ ને રાતે જ રિકસા ચલાવે છ એનં ઉં કઈને આવી છું. તું મનં નીચે મૂકીન પછી હૂઈ જા. ઉં પોંચીન તન ફોન કરી દેવા."

પોતાના વાસ સિવાય ક્યાંય એકલી ન જતી આ અબોધ મા નો આત્મવિશ્વાસ જોઈ રમીલા હરખાઈ ઊઠી અને તેને ભેટી પડી. બેય નીચે ગયાં. ત્યાંથી મા ને રીક્ષામાં બેસાડી રમીલા પોતાના ફ્લેટમાં આવી. થોડું સોફામાં લંબાવીને નિરાંતે બેઠી. લગભગ પચીસમી મિનિટે સવલીનો ફોન આવી જતાં તે સૂવા ગઈ.

ક્રમશ:
મિત્રો,
આપને વાર્તા ગમી હોય તો સુંદર પ્રતિભાવ આપશો, જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા