Bhootkhanu - 6 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | ભૂતખાનું - ભાગ 6

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ભૂતખાનું - ભાગ 6

( પ્રકરણ : ૬ )

‘લાકડાના બોકસમાં એવું તો શું હતું કે, સ્વીટી બોકસને હાથ સુધ્ધાં લગાડવા માટેની તેને ના પાડતી હતી !!’ એવા સવાલ સાથે જેકસને એ લાકડાના બોકસનો ઉપરનો ઢાંકણાવાળો ભાગ પકડયો અને ઢાંકણું ખોલ્યું-બોકસ ખોલ્યું.

લાકડાના બોકસના ઢાંકણાના અંદરના ભાગમાં રહેલા અરીસામાં જેકસનનો ચહેરો દેખાયો. જેકસનને બોકસના આ અરીસામાં જ સ્વીટીની કીકીઓ વિનાની આંખોવાળો ચહેરો દેખાયો હતો, પણ અત્યારે એ અરીસામાં જેકસનનો ચહેરો ચોખ્ખો દેખાવાની સાથે જ તેની આંખોની કીકીઓ પણ બરાબર દેખાઈ રહી હતી.

જોકે, જેકસનનું ધ્યાન અત્યારે એ અરીસા તરફ નહોતું. જેકસનનું ધ્યાન અત્યારે બોકસની અંદર પડેલી વસ્તુઓ તરફ હતું.

-બોકસની અંદર એક મોટો અને એક નાનો એમ બે પિત્તળના કાળા પડી ગયેલા દાબડા-ડબા પડયા હતા.

જેકસને પહેલાં નાનો દાબડો ખોલ્યો. એમાં કોઈક વ્યકિતના મોઢાની તૂટેલી દાઢ પડી હતી.

જેકસને એ દાબડો બંધ કરીને બીજો મોટો દાબડો ખોલ્યો. એમાં બે લોખંડના રમકડાં પડયાં હતા.

જેકસને એક રમકડું ઊઠાવ્યું અને એને જોઈ રહ્યો.

એ રમકડું ઘોડા જેવું લાગતું હતું, પણ એ ઘોડો નહોતો. એ વિચિત્ર રમકડું કાળું પડી ગયેલું હતું.

જેકસને એ રમકડું પાછું દાબડામાં મૂકયું અને એમાં પડેલું બીજું રમકડું ઊઠાવ્યું.

એ લોખંડનું કાળું પડી ગયેલું-કાટ ખાઈ ગયેલું વિચિત્ર જીવડું હતું.

બરાબર આવું જ જીવડું જેકસનને થોડાંક દિવસ પહેલાં મરીનાના રૂમની પથારીમાં જોવા મળ્યું હતું, અને તેણે એ જીવડાને મારી નાંખીને બારી બહાર ફેંકી દીધું હતું.

એ પછી તેને આવા જ એક-બે નહિ, પણ ઘણાં બધાં જીવડાં મરીનાના બાથરૂમના અરીસાવાળા કેબિનેટમાં જોવા મળ્યા હતા, અને એ જ વખતે સ્વીટીના રૂમમાં પણ આવા જ અસંખ્ય જીવડાં જોવા મળ્યાં હતાં.

જેકસને એ રમકડાવાળું જીવડું દાબડામાં મૂકયું, અને દાબડો પાછો બોકસમાં મૂકયો. તેણે એ બોકસ બંધ કર્યું.

‘મરીના અને સ્વીટીના રૂમમાં જે વિચિત્ર ને ભયાનક જીવડાંઓ દેખાયા હતાં, એવા જ જીવડાંવાળું રમકડું સ્વીટી પાસેના આ બોકસમાં હતું. આ હકીકત શું અત્યારે તેના ઘરમાં બની રહેલી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ અને સ્વીટીના બદલાયેલા મૂડ અને મિજાજ તરફ આંગળી ચિંધી રહી નહોતી ?!’ તેના મગજમાં આ સવાલ જાગ્યો, પણ તે આ વિશે ચોકકસ કંઈ નકકી કરી શકયો નહિ.

સ્વીટી અને મરીના પાછી તેમના ડેડી જેકસનના ઘરે રહેવા માટે આવી હતી.

અત્યારે રાતના પોણા બાર વાગ્યા હતા. જેકસન અને મરીના પોત-પોતાના રૂમમાં ઊંઘી રહ્યા હતાં. જ્યારે સ્વીટી જાગી રહી હતી.

સ્વીટી તેના રૂમના બાથરૂમમાં-વોશબેસિન પાસે ઊભી હતી. તે બેચેની અનુભવી રહી હતી. તેણે જમણો હાથ અધ્ધર કર્યો અને આંગળીમાં પહેરાયેલી મોટી અંગૂઠી તરફ જોઈ રહી.

આ અંગૂઠી તેણે પેલા લાકડાના મોટા બોકસમાંથી કાઢી હતી અને આંગળીમાં પહેરી હતી. એ વખતે તો આ અંગૂઠી તેની આંગળીમાં બરાબર ફીટ આવી હતી, પણ અત્યારે જાણે તેની આંગળી મોટી થઈ હોય કે, પછી એ અંગૂઠી નાની થઈ હોય એમ એ અંગૂઠી તેની આંગળીને ભીંસી રહી હતી.

સ્વીટીએ એ અંગૂઠીને ખેંચી કાઢવાનો પ્રયત્ન કર્યો. અંગૂઠી નીકળી નહી અને સ્વીટીને એકદમથી જ ઊબકો આવ્યો. ‘ઑ...!’ કરવાની સાથે જ સ્વીટીને થયું કે, વૉમિટ થઈ જશે પણ વૉમિટ થઈ નહિ.

સ્વીટીએ ગળા પર હાથ ફેરવ્યો. તેને ગળામાં વિચિત્ર અનુભવ થવા લાગ્યો હતો. તેને એવું લાગી રહ્યું હતું કે, જાણે તેના ગળામાં કંઈક હતું ! કોઈ નિર્જીવ વસ્તુ નહિ, પણ કોઈ જીવતી-જાગતી વસ્તુ, અને જાણે એ વસ્તુ ગળામાં સળવળી રહી હતી !

તેણે મોઢું ખોલ્યું અને જીભ બહાર કાઢીને સામેના અરીસામાં દેખાઈ રહેલા તેના મોઢાની અંદર શું છે ?! એ જોવાનો પ્રયત્ન કર્યો, પણ મોઢાની અંદર અજવાળું જતું નહોતું, એટલે અંદર જોઈ શકાયું નહિ.

ત્યાં જ તેને ફરી ઊબકો આવ્યો ને સાથે જ તેને એવું લાગ્યું કે, તેના ગળામાં જે કંઈ વસ્તુ સળવળી રહી હતી, એ તેના ગળાની-મોઢાની બહાર આવવાનો પ્રયત્ન કરી રહી  હતી !

સ્વીટીની બેચેની હવે ખૂબ જ વધી ગઈ હતી.

તેણે સામેના અરીસો પકડીને ખેંચ્યો. અરીસા પાછળનું ખાનું-કેબિનેટ દેખાયું. ખાનામાં બીજી બધી વસ્તુઓ સાથ એક નાનકડી ટોર્ચ પડી હતી.

સ્વીટીએ એ ટોર્ચ લીધી, અરીસો પાછો બરાબર કર્યો.

તેના ગળામાંની વસ્તુ હવે તેના મોઢાની બહાર નીકળી આવવા માટે બહાવરી બની હોય એમ તેના ગળામાં સળવળી રહી હતી.

તેણે ટોર્ચ ચાલુ કરી. તેનું મોઢું પહોળું કર્યું, જીભ બહાર કાઢી અને મોઢામાં ટોર્ચનું અજવાળું રેલાવવાની સાથે જ સામે અરીસામાં દેખાઈ રહેલા તેના મોઢાને જોઈ રહી.

હવે તેને અરીસામાં તેના મોઢાનો અંદરનો ભાગ બરાબર દેખાઈ રહ્યો હતો ! તેના જીભનો અંદરનો ભાગ-કાકડા તે બરાબર જોઈ શકતી હતી, અને તેના ગળામાંની વસ્તુ જાણે ગળામાં સળવળતી કાકડા પાસે આવી રહી હતી ! અને..., અને તેને એ વસ્તુ દેખાઈ ! જાણે-જાણે કોઈ એક આખો માણસ તેના ગળાની અંદર હોય અને એ માણસ તેના ગળામાંથી બહાર નીકળી આવવા માંગતો હોય એમ માણસના હાથની બે આગળીઓ તેના ગળાના અંદરના ભાગમાં દેખાઈ અને તેના જીભના અંદરના ભાગમાં મુકાઈ.

સ્વીટીને એક જોરદાર ઊબકો આવ્યો ! તેના હાથમાંથી ટોર્ચ છુટી ગઈ અને તે ભયથી રીતસરની કાંપવા લાગી. તે પળવારમાં જ પરસેવાથી નાહી ગઈ.

-તેને-તેને તેના મોઢાની અંદર કોઈ માણસનો હાથ દેખાયો હતો ! તેનું ગળું, ગળું ન હોય અને ખાઈ હોય અને એ ખાઈમાંથી કોઈ માણસ પોતાનો હાથ આગળ વધારતો-ઉપર ચઢી આવતો હોય એમ જ એ હાથ દેખાયો હતો !

સ્વીટીએ ગળા પર હાથ ફેરવ્યો. અત્યારે હવે તેના ગળામાંનો સળવળાટ ઓછો થઈ ગયો હતો. જોકે તેની આંખો અને ચહેરા પરનો ભય હજુય ઓછો થયો નહોતો. તેણે વૉશબેસિનમાં પડેલી ટોર્ચ ઊઠાવી.

ટોર્ચ ચાલુ જ હતી !

તેણે સામે અરીસામાં જોઈ રહેતાં તેનું મોઢું ખોલ્યું, જીભ બહાર કાઢી, અને ટોર્ચનું અજવાળું ખુલ્લા મોઢામાં રેલાવ્યું.

તેના મોઢાના અંદરનો ભાગ-કાકડા દેખાયા !

-આ વખતે તેને પેલો-કોઈ માણસનો હોય એવો હાથ દેખાયો નહિ ! તેણે ટોર્ચ બાજુ પર મૂકી. તેણે ગળા પર હાથ ફેરવ્યો. હવે તેના ગળામાંનો સળવળાટ બિલકુલ બંધ થઈ ગયો હતો.

તે અરીસા પાસેથી હટી અને બાથરૂમની બહારની તરફ આગળ વધી. ‘તેની સાથે અણગમતું અને અજુગતું, ખતરનાક અને ભયાનક બની રહ્યું હતું ! પણ આખરે એ શું હતું ? એ તેને સમજાતું નહોતું. તેના મન-મગજ એ સમજી શકે એવી હાલતમાં જ રહ્યાં નહોતાં !

સ્વીટી હાઈસ્કૂલના પોતાના કલાસમાં બેઠી હતી. કલાસ ટીચર, રાજિકા ટીચર ભણાવી રહી હતી.

સ્વીટીના હાથમાં પેન હતી. તેના ટેબલ પર બુક ખુલ્લી પડી હતી. તેની નજર એ ખુલ્લી બુકમાં હતી, પણ જાણે તેનું ધ્યાન કયાંક બીજે જ હતું.

સ્વીટીની બાજુની બેંચ પર બેઠેલા મસ્તીખોર મોહિલની નજર અત્યારે સ્વીટીના પગ પાસે પડેલી મોટી હેન્ડબેગ પર હતી.

સ્વીટી આજે સ્કૂલે નહિ, પણ પિકનિક પર આવી હોય એવી મોટી હેન્ડબેગ સાથે આવી હતી.

સ્વીટી ‘આ હેન્ડબેગમાં આખરે શું લઈ આવી હતી ?!’ એ જોવા માટે મોહિલ આતુર બન્યો હતો.

અત્યારે હવે મોહિલે જોયું કે, સ્વીટી પોતાના જ મૂડમાં ખોવાયેલી હતી, એટલે તેણે સ્વીટી અને તેની વચ્ચેની જગ્યામાં-જમીન પર પડેલી સ્વીટીની હેન્ડબેગ તરફ પગ લંબાવ્યો. મોહિલે સ્વીટીની હેન્ડબેગના હેન્ડલમાં પોતાનો પગ ભેરવ્યો અને જોર આપીને ધીરેથી હેન્ડબેગ પોતાની તરફ ખેંચી.

સ્વીટીનું ધ્યાન આ વાત તરફ દોરાયું નહિ.

સ્વીટીની હેન્ડબેગ નજીક ખેંચાઈ આવી, એટલે મોહિલે હેન્ડબેગ ઊઠાવીને ખોળામાં મૂકી. તેણે હેન્ડબેગની ચેઈન ખોલી.

-હેન્ડબેગમાં સ્વીટીનું પેલું લાકડાનું મોટું બોકસ પડયું  હતું !

મોહિલ ‘બોકસમાં શું છે ?’ એ જોવા માટે બોકસ ખોલવા ગયો, ત્યાં જ સ્વીટીનું ધ્યાન મોહિલ તરફ ખેંચાયું. સ્વીટીની નજર મોહિલના ખોળામાં પડેલી તેની હેન્ડબેગ-તેના લાકડાના બોકસ પર પડી અને એ સાથે જ સ્વીટીની આંખોમાં ગુસ્સાનો લાવા ભભૂકી ઊઠયો. તે એકદમથી ઊભી થઈ ગઈ અને ‘તેં મારા બોકસને હાથ કેમ લગાવ્યો ?’ એવું ચીસ પાડીને બોલવાની સાથે જ તેણે મોહિલના ખોળામાંથી પોતાની હેન્ડબેગ લેવા માટે ખેંચી, પણ મોહિલે હેન્ડબેગ છોડી નહિ. ‘આમાં શું છે,  સ્વીટી !’ મોહિલે પૂછયું.

‘તેં આખરે મારા બોકસને હાથ કેમ લગાવ્યો ?’ બરાડતાં સ્વીટીએ મોહિલના ગાલ પર એકસાથે બે-ત્રણ ઝન્નાટેદાર તમાચા ઝીંકી દીધા.

‘આ શું થઈ રહ્યું છે ?!’ પૂછતાં રાજિકા ટીચર સ્વીટી પાસે ધસી આવી ને સ્વીટીને પાછળથી પકડીને દૂર ખેંચી.

‘છોડી દો, મને !’ ચીસો પાડતાં સ્વીટીએ રાજિકા ટીચરના હાથમાંથી છુટવા માટેના ઊછાળા મારવા માંડયા, પણ ટીચરે તેને છોડી નહી.

‘મોહિલ ! એ બોકસ મારા રૂમમાં મૂકી આવ !’ બોલતાં રાજિકા ટીચર સ્વીટીને કલાસની બહાર ખેંચી ગઈ.

કલાસમાં બેઠેલા મોહિલે સ્વીટીના લાકડાના બોકસવાળી હેન્ડબેગ બંધ કરી અને હેન્ડબેગ લઈને કલાસની બહાર નીકળ્યો, તો આસપાસની કલાસવાળા બહાર નીકળી આવ્યાં હતાં.

સ્વીટી ‘મને મારું બોકસ પાછુ આપી દો ! મને મારું બોકસ પાછું આપી દો !’ની બૂમાબૂમ કરી રહી હતી, અને રાજિકા ટીચર સ્વીટીને પકડીને સ્ટાફ રૂમ તરફ ખેંચી લઈ જઈ રહી હતી.

મોહિલ હાથમાં સ્વીટીના લાકડાના બોકસવાળી હેન્ડબેગ સાથે રાજિકા ટીચરના હોસ્ટેલના રૂમ તરફ આગળ વધી ગયો.

તે ટીચરના રૂમમાં સ્વીટીનું બોકસ મૂકીને પાછો આવ્યો, ત્યાર સુધીમાં સ્વીટીની ચીસો સંભળાવાની બંધ થઈ ચૂકી હતી, અને બધાં કલાસવાળા પોત-પોતાના કલાસમાં ચાલ્યા ગયાં હતાં ને કલાસ પાછા ચાલુ થઈ ગયાં હતાં.

બપોરના સાડા બાર વાગ્યાં હતાં. જેકસન અને પામેલા સ્વીટીની સ્કૂલના પ્રિન્સીપાલ વરગીઝ અને તેની કલાસ ટીચર-રાજિકા ટીચર સામે બેઠાં હતાં.

સ્વીટી અને મોહિલ વચ્ચે જે ઘટના બની હતી, અને જે રીતના સ્વીટીએ ગુસ્સાથી લાલપીળી થતાં બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી હતી, એ પછી રાજિકા ટીચરે કૉલ કરીને સ્વીટીના મમ્મી-ડેડીને બોલાવ્યાં હતાં.

‘પાછલા કેટલાંક દિવસથી સ્વીટી બધાંથી અળગી-અળગી રહેવા લાગી છે.’ પ્રિન્સિપાલ વરગીઝે કહ્યું : ‘એ સ્ટડીઝમાં પણ ધ્યાન નથી આપતી. જે કામ પહેલાં ખૂબ જ શોખથી અને ધગશથી કરતી હતી એમાં પણ હવે બિલકુલ ઈન્ટરેસ્ટ લેતી નથી.’

‘મને લાગે છે કે, આની પાછળનું કારણ અમે લીધેલાં ડિવૉર્સ છે.’ જેકસને કહ્યું : ‘મમ્મી-ડેડી છૂટા પડે એ સંજોગોને સહન કરવાનું-એમાંથી પસાર થવાનું સ્વીટી જેવી છોકરી માટે તો મુશ્કેલ જ હોઈ શકે.’

‘આવામાં તમારે સ્વીટીની ફિલિંગ્સ સમજવી જોઈએ.’ હવે કલાસ ટીચર રાજિકાએ વાત કરી : ‘ગમે તેમ પણ આજે એણે પોતાની પાસેના લાકડાના બોકસ માટે જે ધાંધલ-ધમાલ મચાવી એ ખૂબ જ વિચિત્ર વાત છે.’ અને રાજિકા ટીચરે આગળ કહ્યું : ‘મારું માનવું છે કે, આપણે એને થોડાક સમય માટે એ બોકસથી દૂર રાખવી જોઈએ. અને એટલે મેં હમણાં એની પાસેથી એ બોકસ લઈ લીધું છે. તમને કંઈ વાંધો તો નથી ને ?!’

‘ના !’ જેકસને કહ્યું : ‘તમે જે કંઈ કરશો એ સ્વીટીના ભલા માટે જ કરશો.’

‘ઠીક છે.’ પ્રિન્સીપાલ વરગીઝે કહ્યું : ‘તમે જઈ શકો છો.’

જેકસન અને પામેલા બન્ને પ્રિન્સીપાલની ઑફિસ અને પછી સ્કૂલની બહાર નીકળ્યાં.

‘સ્વીટીનું આ વર્તન મને સમજાતું નથી.’ જેકસને કહ્યું : ‘મને કંઈક ગરબડ લાગે છે.’

‘હા !’ પામેલા બોલી : ‘એ અસલામતિ અનુભવી રહી છે. એને ડર છે કે, એ તને ખોઈ દેશે.’ અને પામેલાએ પર્સમાંથી એક કાગળ કાઢીને જેકસનને આપ્યો : ‘આ મુંબઈની કલબમાંથી ઈ-મેઈલ આવ્યો છે. કલબ-વાળાઓએ તને એમની કલબના વૉલીબોલના કોચ તરીકે નકકી કરી લીધો છે.’

‘પામેલા !’ જેકસન બોલ્યો : ‘હું તને આ વિશે વાત કરવાનો જ હતો ?!’

‘કયારે ?! મુંબઈ પહોંચી ગયા પછી ?!’

‘મારી તો આશુતોષ સાથે આ વિશેની વાતચીત જ ચાલી રહી હતી, અને આ...’

‘...તું મને એ કહે,’ પામેલાએ જેકસનની વાત કાપતાં કહ્યું : ‘સ્વીટીની હાલત આવી છે એવામાં તું મુંબઈ જઈ જ કેવી રીતના શકે ? આવી હાલતમાં સ્વીટીને તારી ખૂબ જ જરૂર છે.’

‘પણ આનાથી સ્વીટીને શું ફરક પડી શકે ?!’

‘ભલે, તો ઠીક છે !’ પામેલા પોતાની કાર નજીક પહોંચી. કાર પાસે ઊભેલા પામેલાના પ્રેમી ડેવિડે પામેલા માટે કારનો દરવાજો ખોલ્યો.

‘તું મુંબઈ જા ! અહીં સ્વીટીનું ભલે જે થવાનું હોય એ થાય !’ બોલતાં પામેલા કારમાં બેસી ગઈ.

ડેવિડ કારની ડ્રાઈિંવંગ સીટ પર બેસી ગયો અને જેકસન તરફ એક મુસ્કુરાહટ રેલાવીને કાર આગળ વધારી ગયો.

‘આ પામેલા હંમેશા બધી વાતમાં મારો વાંક જ કેમ કાઢતી રહે છે !’ જેકસને બબડતાં એક નિશ્વાસ નાંખ્યો અને પોતાની કાર તરફ આગળ વધી ગયો.

રાતના બાર વાગ્યા હતા. રાજિકા ટીચર સ્કૂલની હૉસ્ટેલના પોતાના રૂમમાં બેઠી હતી, અને ઍકઝામના પેપર ચેક કરી રહી હતી, ત્યાં જ તેને ધીમો અવાજ સંભળાયો : ‘રાજિ..કા !’ અને રાજિકા ટીચરે જમણી તરફ ચહેરો ફેરવીને રૂમના ખુલ્લા દરવાજા તરફ જોયું.

-દરવાજા પાસે કોઈ નહોતું.

તે ઊભી થઈ. તે દરવાજા પાસે પહોંચી. તેણે દરવાજા બહાર, લૉબીમાં ડાબી-જમણી બાજુ નજર દોડાવી.

-કોઈ નહોતું.

‘તેને કોઈએ બોલાવી હોય એવો તેને ભ્રમ થયો છે,’ એવું વિચારીને તેણે દરવાજો બંધ કર્યો.

તે પાછી ફરવા ગઈ, ત્યાં જ તેની નજર દરવાજાની જમણી બાજુ, ટેબલ પર પડેલા સ્વીટીના લાકડાના મોટા બોકસ પર પડી.

‘સ્વીટી આ બોકસ માટે મોહિલ સાથે લડી-ઝઘડી હતી અને ચીસાચીસ ને બૂમાબૂમ કરી મૂકી હતી. લાવને જોઉં, આમાં એવું તો શું છે કે, સ્વીટી આની પાછળ આટલી પાગલ થઈ ગઈ છે !’ આવા વિચાર સાથે રાજિકા ટીચરે એ બૉકસ ખોલવા માટે એને હાથ લગાવ્યો, ત્યાં જ એકદમથી જ રૂમમાં પવન ફૂંકાવા માંડયો અને ટેબલ પર પડેલા એકઝામના પેપર-સપ્લીમેન્ટ્રીઓ ઊડવા માંડી.

રાજિકા ટીચરે બારી તરફ જોયું.

-બારી બંધ હતી.

‘આ બારી તો બંધ હતી, પછી આટલો જોરદાર પવન કયાંથી આવી રહ્યો હતો ?!’ રાજિકા ટીચરના મનમાં સવાલ જાગવાની સાથે જ તે રૂમમાંથી બહાર નીકળી જવા માટે રૂમના દરવાજા તરફ ફરવા ગઈ, પણ ફરી શકી નહિ. તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયાં હતાં.

તેણે પગ તરફ જોયું.

તેના પગની નસો આપમેળે ફાટી રહી હતી અને એમાંથી લોહીની ધાર વહેવા લાગી હતી.

તેની આંખો ભયથી ફાટી અને..., ....અને તેની ફાટેલી આંખોમાંથી પણ લોહીની ધાર વહેવા લાગી !

(ક્રમશઃ)