Bhootkhanu - 8 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | ભૂતખાનું - ભાગ 8

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ભૂતખાનું - ભાગ 8

( પ્રકરણ : ૮ )

‘સ્વીટી ! તું ક્યાં છે, સ્વીટી ?!’ જેકસન બૂમો પાડતો રસ્તા પર દોડી રહ્યો હતો, ત્યારે તેનાથી થોડેક આગળ, રસ્તા પર સ્વીટી ઊભી હતી. સ્વીટીની સામે રસ્તા પર પેલું લાકડાનું મોટું બોકસ પડયું હતું અને એમાંથી નીકળેલા ને આસપાસમાં ફરી રહેલાં મોટી પાંખો, ગોળ-મોટી આંખો અને બે લાંબા તીણાં દાંતવાળા વિચિત્ર અને ભયાનક જીવડાં એક પછી એક સ્વીટીના ખુલ્લા મોઢામાં દાખલ થઈ રહ્યા હતાં. ગણતરીની પળોમાં જ એ બધાં, વીસ-પચીસ જેટલા એ જીવડાં સ્વીટીના મોઢામાં દાખલ થઈ ગયાં. હવે સ્વીટીનું મોઢું બંધ થયું.

તો નજીકમાં જ પડેલું પેલું લાકડાનું મોટું બોકસ પણ આપમેળે બંધ થયું.

‘સ્વીટી !’ થોડેક દૂરથી સ્વીટી તરફ આવી રહેલા જેકસનની નજર સ્વીટી પર પડી હતી, એટલે જેકસને બૂમ પાડી હતી. પણ સ્વીટી અત્યારે તેના ડેડી જેકસનને સાંભળી કે, જોઈ શકવાની હાલતમાં નહોતી. તેની આંખો બંધ થઈ અને તે જમીન પર ઢળી પડી.

‘સ્વીટી ! સ્વીટી !’ બૂમો પાડતાં જેકસન સ્વીટી પાસે દોડી આવ્યો. ‘સ્વીટી !’ બોલતાં તે જમીન પર બેઠો, પણ સ્વીટીએ આંખો ખોલીને જોયું નહિ કે, તે સળવળી પણ નહિ. ‘સ્વીટી ! શું થયું સ્વીટી ?!’ પૂછતાં જેકસને સ્વીટીને હલબલાવી નાંખી, પણ સ્વીટી એ જ રીતના બેભાન અવસ્થામાં પડી રહી.

જેકસને સ્વીટીને બન્ને હાથમાં ઊઠાવી, ત્યાં જ તેની નજર નજીકમાં જ પડેલા પેલા લાકડાના મોટા બોકસ પર પડી.

તે બોકસની નજીક ગયો અને તેણે બોકસને જોરથી લાત મારી.

બોકસ રસ્તાની એક તરફ-કચરાપટ્ટીની નજીક જઈ પડયું.

જેકસન હાથમાં બેહોશ સ્વીટીને લઈને ઘર તરફ દોડયો. તે થોડીક વારમાં પોતાના ઘરના દરવાજે પહોંચ્યો, ત્યારે તેની મોટી દીકરી મરીના ઘરના દરવાજે ઊભી હતી.

‘ડેડી !’ મરીનાએ ચિંતાભેર પૂછયું : ‘સ્વીટીને શું થયું, ડેડી !’

‘એ બેહોશ થઈ ગઈ લાગે છે !’ જેકસન મરીનાને જવાબ આપતો ઘરમાં દાખલ થયો. તેણે સ્વીટીને ડ્રોઈંગરૂમના સોફા પર લેટાવી, ત્યાં જ સ્વીટીએ આંખો ખોલી.

‘શું થયું ?!’ જેકસને અધીરાઈ સાથે પૂછયું : ‘તું બેહોશ કેવી રીતના થઈ, સ્વીટી ? તને શું થયું હતું, સ્વીટી ?!’

સ્વીટીએ જવાબ આપ્યો નહિ. તે જેકસન સામે તાકી રહી.

જેકસન પણ સ્વીટીની આંખોને તાકી રહ્યો. તેને એવું લાગી રહ્યું હતું કે, એ સ્વીટીની આંખો નહિ, પણ જાણે કોઈ બીજી જ વ્યક્તિની-કોઈ મોટી સ્ત્રીની આંખો હોય ! અને જાણે એ આંખોમાં તેના માટેના અણગમા ને નફરતના ભાવ હતા !

‘શું થયું, મરીના ?!’ જેકસનના કાને તેની એક્સ વાઈફ પામેલાનો અવાજ અફળાયો, અને જેકસને ચહેરો ફેરવીને જોયું, તો પામેલા મેઈન દરવાજાની અંદર આવી ચૂકી હતી.

‘મમ્મી !’ મરીના બોલી ઊઠી : ‘ડેડીએ સ્વીટીને મારી અને સ્વીટી ભાગી છૂટી એવો મેં તને મોબાઈલ કર્યો એ પછી ડેડી સ્વીટીને લઈને પાછા ફર્યા, અને ત્યારે સ્વીટી બેહોશ  હતી !’

‘તેં શું કર્યું મારી સ્વીટી ને, જેકસન ?!’ પામેલા રોષભેર જેકસનને પૂછતાં સ્વીટી અને જેકસન તરફ ધસી આવી.

‘મેં કંઈ નથી કર્યું ?!’ કહેતાં જેકસન ઊભો થયો : ‘...એ તો સ્વીટી...’ અને હજુ તો જેકસન પોતાનો બચાવ કરે એ પહેલાં જ સ્વીટી તેની નજીક આવી પહોંચેલી પામેલાને વળગી પડી ને ધ્રુસકું મુકતાં રડી પડી : ‘મમ્મી ! મારે ડેડી સાથે નથી રહેવું !’

‘કંઈ નહિ,’ પામેલાએ સ્વીટીના માથે હાથ ફેરવતાં કહ્યું : ‘હું તને હવે મારી સાથે જ રાખીશ !’

‘અને હું પણ તારી સાથે જ રહીશ, મમ્મી !’ મેઈન દરવાજા પાસે ઊભેલી મરીના બોલી ઊઠી.

‘હા, હું તને પણ મારી સાથે જ રાખીશ, મરીના !’ પામેલા બોલી અને એણે સ્વીટીનો હાથ પકડીને તેને ઊભી કરી : ‘ચાલો !’ અને એ સ્વીટીને લઈને મેઈન દરવાજા તરફ ચાલી.

‘પણ, પામેલા !’ જેકસન જાણે કરગર્યો : ‘તું મારી વાત તો..’

‘...હવે કોર્ટમાં જ વાત  થશે !’ અને પામેલા સ્વીટીને લઈને મેઈન દરવાજા બહાર નીકળી. તેની સાથે મરીના પણ બહાર નીકળી ગઈ.

જેકસન નિરાશા સાથે ધીમી ચાલ ચાલતો મેઈન દરવાજા પાસે પહોંચ્યો, ત્યાર સુધીમાં સ્વીટી કારની આગળની અને મરીના પાછળની સીટ પર બેસી ચૂકી હતી. પામેલા કારની ડ્રાઈવિંગ સીટ પર બેસી રહી હતી.

પામેલાએ કાર ચાલુ કરી અને આંચકા સાથે ત્યાંથી હંકારી મૂકી.

જેકસન તેની બન્ને દીકરીઓ સાથે દૂર જઈ રહેલી પામેલાની કારને દુઃખી નજરે જોઈ રહ્યો. ‘તેની અને  સ્વીટી વચ્ચે જે કંઈ પણ બન્યું હતું, એમાં તેનો ક્યાં કંઈ વાંક હતો ?! ?’

બપોરના બાર વાગ્યા હતા.

જેકસન અને પામેલા, પામેલાના વકીલ તેજપાલની કેબિનની બહાર બેઠા હતા. વકીલ તેજપાલની કેબિનના દરવાજાની ડાબી બાજુની બેઠક પર પામેલા બેઠી હતી, જ્યારે જમણી બાજુની બેઠક પર જેકસન બેઠો હતો.

અત્યારે કેબિનનો દરવાજો ખુલ્યો અને તેજપાલ બહાર આવ્યો : ‘જેકસન ! પરિસ્થિતિને જોતાં જજસાહેબે ઓર્ડર કર્યો છે કે, મરીના અને સ્વીટી બન્ને જણીઓ હવે એમની મમ્મી પામેલા પાસે જ રહેશે.’

‘એટલે ?!’ જેકસને પૂછયું : ‘શું હવે હું મારી દીકરીઓને મળી પણ નહિ શકું ?!’

‘આનો આધાર પામેલા શું રિપોર્ટ આપે છે, એની પર રહે છે !’ તેજપાલે કહ્યું.

‘આ શું પાગલપણું છે ?!’ જેકસન બોલ્યો : ‘મેં સ્વીટીને એકેય તમાચો નથી માર્યો ! મેં સ્વીટીને હાથ પણ લગાવ્યો નથી.’

‘આ વાત તમને જ્યારે કોર્ટમાં બોલાવવામાં આવે ત્યારે જજસાહેબ સામે કહેજો.’ તેજપાલે કહ્યું : ‘હવે તમે જઈ શકો છો !’

‘હું પછી તમને મળીશ !’ પોતાના વકીલ તેજપાલને કહેતાં, આંસુઓને ખાળતાં પામેલા તેજપાલની ઑફિસના મેઈન દરવાજામાંથી બહાર નીકળી અને ઓટલા તરફ આગળ વધી.

‘પામેલા ! મારી વાત સાંભળ !’ કહેતાં જેકસન પામેલાની પાછળ ચાલ્યો : ‘આ આપણો અંદરનો મામલો છે. આને કોર્ટમાં લઈ જવાની જરૂર નથી. આપણે આપસમાં વાત કરી લઈએ.’

પામેલા થોભી નહિ.

જેકસને પામેલાનો હાથ પકડયો. પામેલાએ ઊભી રહી જતાં આંચકા સાથે પોતાનો હાથ છોડાવ્યો ને ચિલ્લાઈ : ‘મને હાથ ન લગાવ ! તું તારી જાતને શું સમજે છે ?!’ અને પામેલા રડી પડતાં જેકસનની છાતી પર મુકકીઓ મારી.

જેકસન ચુપચાપ ઊભો રહ્યો.

‘તેં મારી જિંદગી બરબાદ કરી, પણ..,’ પામેલા રડતી રોકાઈ. તેણે આંસુ લુંછયા ને બોલી : ‘...પણ હું મારી દીકરીઓને તારા હાથે બરબાદ નહિ થવા  દઉં ! હું મારી દીકરીઓને આંચ નહિ આવવા દઉં !’ અને પામેલા ત્યાંથી આગળ વધી ગઈ.

જેકસન ત્યાં જ ઊભો રહ્યો.

ઓટલો ઊતરીને, કાર પાસે પહોંચીને પામેલા ઊભી રહી અને પછી જેકસન તરફ ફરીને બોલી : ‘જા.., તું મુંબઈ ચાલ્યો જા ! જા...!’ અને તે કારમાં બેસીને ત્યાંથી આગળ વધી ગઈ.

જેકસન નિરાશાભરી ચાલે પોતાની કાર તરફ આગળ વધ્યો. અત્યારે હવે તે કંઈ વિચારી શકવાની હાલતમાં રહ્યો નહોતો.

બપોરના બે વાગ્યા હતા.

સ્વીટી પોતાના ઘરમાં બેઠી હતી. તેના ચહેરા પર દુઃખ-દર્દના વાદળાં છવાયેલાં હતાં. તેની સામે તેનો પ્રેમી ડેવિડ બેઠો હતો અને તેને કહી રહ્યો હતો : ‘જેકસનનું દિમાગ કામ નથી કરતું. ડિવૉર્સ લઈને હવે એ બધાંથી પોતાનો નાતો તોડી નાંખવા માંગે છે, અને એટલે જ એ સ્વીટી અને મરીના સાથે આવી રીતના વર્તી રહ્યો છે. પણ તું ચિંતા ન કર !’ ડેવિડ અવાજમાં પ્રેમ અને લાગણી ઘોળતાં બોલ્યો : ‘હું તારી સાથે છું. તું બધું ભૂલી જા. મારી પાસે ઘણી કૉમેડી ફિલ્મોની ડીવીડી છે. હું એ લઈ આવું છું. પછી આપણે સાથે બેસીને એ ફિલ્મો જોઈશું.’

‘ઠીક છે !’ પામેલા બોલી.

ડેવિડ રૂમની બહાર નીકળી ગયો. તે મેઈન દરવાજાની બહાર નીકળીને પાડોશમાં આવેલા પોતાના ઘર તરફ આગળ વધ્યો,

ત્યારે અત્યારે જેકસન કારમાં પેલી કચરાપટ્ટી કે, જેની નજીક તેણે ગઈકાલે લાત મારીને પેલું સ્વીટીનું લાકડાનું મોટું બોકસ ફેંકી દીધું હતું, એ લેવા જઈ રહ્યો હતો.

જેકસનને ખાતરી થઈ ચૂકી હતી કે, સ્વીટીના વર્તનમાં જે ન સમજાય એવો ફેરફાર આવ્યો હતો અને ઘરમાં વિચિત્ર અને ભયાનક જીવડાંઓ દેખાવા જેવી જે ભયાનક ઘટનાઓ બની હતી એની પાછળ એ લાકડાના બોકસને કંઈક લાગતું-વળગતું હતું. અને આખરે એ શું હતું ? એ જાણવા માટે જ અત્યારે જેકસન ફરી એ બોકસ લેવા માટે કારમાં કચરાપટ્ટી તરફ આગળ વધી રહ્યો હતો.

જેકસને કચરાપટ્ટી પાસે કાર ઊભી રાખી અને બહાર નીકળ્યો.

તો અત્યારે પામેલાના ઘરની બાજુના પોતાના ઘરમાંથી કૉમેડી ફિલ્મોની ડીવીડી લેવા ગયેલો ડેવિડ હાથમાં ડીવીડી સાથે ઘરની બહાર નીકળ્યો, અને બાજુના પામેલાના ઘર તરફ આગળ વધ્યો, ત્યાં જ એેની નજર એના અને પામેલાના ઘરની વચમાં ઊભેલી સ્વીટી પર પડી.

સ્વીટી તેનો એક હાથ પાછળ છુપાવીને ઊભી હતી અને એની તરફ જોઈ રહી હતી.

‘સ્વીટી !’ ડેવિડે સ્વીટીથી બે-ત્રણ પગલાં દૂર ઊભા રહી જતાં પૂછયું : ‘તારા હાથમાં શું છે ?’

સ્વીટીએ કોઈ જવાબ આપ્યો નહિ. તે ડેવિડને તાકી રહી.

‘લાવ !’ અને ડેવિડ સ્વીટી તરફ આગળ વધ્યો : ‘બતાવ તો, તારા હાથમાં શું છે ?!’ અને ડેવિડે સ્વીટીની નજીક પહોંચીને સ્વીટી તરફ હાથ લંબાવ્યો.

સ્વીટીએ પાછળથી હાથ આગળ કર્યો નહિ. તે ડેવિડ તરફ એવી જ રીતના તાકી રહી.

‘હવે બતાવી પણ દે, તારા હાથમાં શું છે ?!’ અને ડેવિડે સ્વીટીનો હાથ પકડયો ને આગળ કર્યો.

સ્વીટીએ હાથની મુઠ્ઠી વાળેલી હતી.

‘લાવ, મુઠ્ઠી ખોલ !’ કહેતાં ડેવિડે પોતાના હાથે સ્વીટીના હાથની મુઠ્ઠી ખોલી.

ડેવિડે જોયું.

સ્વીટીની હથેળીમાં કોઈ વ્યક્તિની દાઢ હતી.

ડેવિડે સ્વીટીના હાથમાંથી દાઢ લીધી ને પૂછયું : ‘આ તને કયાંથી મળી ?!’

આ વખતે પણ સ્વીટીએ કોઈ જવાબ આપ્યો નહિ, અને ડેવિડ તરફ જોઈ રહી.

ડેવિડ દાઢને ધ્યાનથી જોવા માંડયો.

બરાબર એ જ પળે, થોડાં કિલોમીટર દૂર આવેલી કચરાપટ્ટીની આસપાસ પેલું લાકડાનું બોકસ શોધી રહેલા જેકસનની નજર એક તરફ પડેલા લાકડાના બોકસ પર પડી.

તે બોકસ પાસે પહોંચ્યો. તેણે બોકસ ઊઠાવ્યું. તેણે કારની પાછલી સીટ પર એ બોકસ મૂકયું, અને કાર ત્યાંથી આગળ વધારી,

ત્યારે આ તરફ, પામેલાના ઘરની બહાર હજુ પણ ડેવિડ સ્વીટીના હાથમાંથી એણે લીધેલી દાઢ જોઈ રહ્યો હતો.

તો સ્વીટી અત્યારે ડેવિડ તરફથી બીજી બાજુ ફરી ચૂકી હતી. અત્યારે સ્વીટીના ચહેરા પર પીડા આવી. તેની જમણી આંખની કીકી તો વચમાં જ રહી, પણ ડાબી આંખની કીકી ઉપર ચઢી ગઈ ને દેખાવાની બંધ થઈ ગઈ ! અને આની સાથે જ સ્વીટીએ પેટ પકડયું ને જાણે વૉમિટ થતી હોય એમ મોઢું ખોલ્યું, પણ વૉમિટ થઈ નહિ. અને જાણે ગઈકાલે રાતના તેના પેટમાં દાખલ થઈ ગયેલાં પેલા મોટી પાંખો, ગોળ-મોટી આંખો અને બે લાંબા તીણાં દાંતવાળા ભયાનક જીવડાં તેના દાંત-પેઢા અને ગાલની વચ્ચેની જગ્યામાં ભરાવા લાગ્યા હોય, અને તેના ગાલ ફાડીને બહાર નીકળવા માંગતા હોય એમ તેના બન્ને ગાલ ફૂલવા લાગ્યા.

‘સ્વીટી !’ ડેવિડે હાથમાંની દાઢ પરથી નજર હટાવીને સ્વીટી તરફ જોયું. સ્વીટી પાંચેક પગલાં દૂર-એની તરફ પીઠ કરીને ઊભી હતી અને કમર પાસેથી વળીને જાણે ઊબકા કરી રહી હતી.

‘શું થયું, સ્વીટી !’ પૂછતાં ડેવિડ સ્વીટી તરફ આગળ વધ્યો, ત્યારે હજુ પણ જાણે સ્વીટીના ગાલની અંદરના ભાગમાં પેલાં વિચિત્ર અને ભયાનક જીવડાં ફરી રહ્યાં હતાં અને તેના ગાલ ફાડીને બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. અત્યારે હવે સ્વીટીની બીજી જમણી આંખની કીકી પણ ઉપર ચઢીને દેખાવાની બંધ થઈ ગઈ હતી. તેની બન્ને આંખો એકદમ સફેદ થઈ ગઈ હતી !

‘સ્વીટી !’ કહેતાં સ્વીટીની પીઠ પાછળ આવી પહોંચેલા ડેવિડે સ્વીટીના ખભા પર હાથ મૂકયો : ‘શું થયું, સ્વીટી ?!’

અને સ્વીટી ડેવિડ તરફ ફરી.

સ્વીટીનો ચહેરો....,

...સ્વીટનો ચહેરો સામાન્ય થઈ ચૂકયો હતો. તેના ગાલની અંદરના ભયાનક જીવડાં ચાલ્યા ગયા હોય એમ ગાલ સામાન્ય થઈ ગયા હતા. તેની ઉપર ચઢી ગયેલી આંખોની કીકીઓ પણ પાછી વચ્ચે આવી ચૂકી હતી ને બરાબર દેખાઈ રહી હતી. જોકે, તેની એ કીકીઓમાં ગુસ્સો હતો. ‘ચાલ્યા જાવ !’ સ્વીટી ગુસ્સાભરી નજરે ડેવિડ તરફ જોતાં બોલી.

‘સ્વીટી !’ ડેવિડ આગળ બોલવા ગયો, ત્યાં જ સ્વીટી બે-ત્રણ પગલાં પાછળ હટીને ઊભી રહેતાં બોલી : ‘તમે ચાલ્યા જાવ, અત્યારે જ અહીંથી ચાલ્યા જા..વ. હું તમને નફરત કરું છું.’

ડેવિડ સ્વીટી તરફ જોઈ રહ્યો અને પછી બોલ્યો : ‘સ્વીટી ! હવે હું તમારી સાથે જ રહેવાનો છું. હવે તમારે મારી સાથે રહેવાની-મારી સાથે જીવવાની આદત પાડવી પડશે !’

સ્વીટી ડેવિડને જાણે મારી નાંખવાની નજરે જોઈ રહી.

ડેવિડ સ્વીટીની મમ્મી-પોતાની પ્રેમિકા પામેલાના ઘરના મેઈન દરવાજા તરફ આગળ વધી ગયો ને એમાં દાખલ થઈ ગયો.

જેકસન પ્રોફેસર ટાઈટસ સામે બેઠો હતો.

પ્રોફેસર ટાઈટસ આ લાકડાનું મોટું બોકસ જોઈને એના વિશે જરૂર કંઈક જણાવી શકશે એવી આશા સાથે જેકસન બોકસ લઈને પ્રોફેસર ટાઈટસ પાસે આવ્યો હતો.

પ્રોફેસર ટાઈટસે એ બોકસને હેરવી-ફેરવીને જોયું અને પાછું બોકસ ટેબલ પર મૂકતાં જેકસન સામે જોયું. પ્રોફેસર ટાઈટસના ચહેરા પર ચિંતા આવી ગઈ  હતી : ‘આ બોકસ તને કયાંથી મળ્યું... ?’ તેમણે પૂછયું.

‘...મળ્યું નથી, મેં એક જગ્યાએથી આ ખરીદ્યું !’ જેકસને જવાબ આપીને પૂછયું : ‘તમને સમજાય છે કે, આ બોકસ...’

‘...આ બોકસ એ ‘ડિબૂક બોકસ’ છે !’

‘ડિબૂક બોકસ’ ?!!’ જેકસને પૂછયું : ‘ડિબૂક’ એટલે..?!’

‘..‘ડિબૂક’ એટલે...’ પ્રોફેસર ટાઈટસે સહેજ રોકાઈને કહ્યું : ‘...મારા ખ્યાલથી હિબ્રુ ભાષામાં ‘ડિબૂક’નો અર્થ થાય છે, ભટકેલી આત્મા !’

(ક્રમશઃ)