Runanubandh - 47 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ.. - 47

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ઋણાનુબંધ.. - 47

પ્રીતિએ વર્ષો પહેલા જે એપ ફક્ત વાંચવા માટે જ ડાઉનલોડ કરી હતી, એ એપની ખ્યાતનામ લેખિકા બની ગઈ હતી. પ્રીતિનું મન જયારે ખુબ વ્યાકુળ રહેતું ત્યારે એ પોતાની લાગણી શબ્દોમાં પરિવર્તિત કરીને મનના ખૂણામાં હલચલ મચાવતી વેદના મનની બહાર જ ઠાલવીને હળવી થઈ જતી હતી.

ગમનની આહટ જાણે સ્પર્શાઈ હતી,
દિલને તારી યાદોએ ચોતરફ ઘેરી હતી,
ચુંબકીય ખેંચાણની અદભુત અનુભૂતિ હતી,
દોસ્ત! જોને.. ઋણાનુબંધી જ ભાગ ભજવતી હતી.

સુંદર શબ્દોને કંડારતી કાવ્ય પંક્તિઓ પ્રીતિએ પ્રકાશિત કરી હતી. થોડી જ સેકન્ડોમાં કેટલી બધી લાઈક અને કોમેન્ટ આવી ગઈ હતી. અસંખ્ય લોકો એને ફોલો કરતા હતા. ઘણીવાર એને સ્ટેજ પર સ્પીચ આપવા પણ કોલેજ અને સ્કૂલમાંથી આમંત્રિત કરવામાં આવતી હતી. પ્રીતિને ઈનબોક્સમાં પણ કેટલાય મેસેજ આવેલા હતા. એ ક્યારેય કોઈને જવાબ આપતી જ નહોતી.

ક્યારેક ઉઠે છે મનમાં અનેક પ્રશ્નો,
જવાબ વગરના રહ્યા અનેક પ્રશ્નો,
થયા નોખા છતાં ઋણાનુબંધ રહ્યું અકબંધ...
દોસ્ત! અધૂરપને પૂર્ણ કરવા મથે અનેક પ્રશ્નો.

પ્રીતિએ એક મુક્તકને પ્રકાશિત કર્યું ત્યાં જ એની નજર એક નોટિફિકેશનના ઇનબૉક્સ મેસેજ પર ગઈ હતી. કોઈક વાંચકે 'તમે ડિવોર્સી છો?' એવું પૂછ્યું હતું. પ્રીતિને આ પ્રશ્ન ભીતર સુધી ડંખી ગયો હતો. એ મનમાં જ જાતને જ પૂછી રહી કે શું છે મારુ અસ્તિત્વ? મારી શું ખરી ઓળખ? જાત સાથે જ કરેલા પ્રશ્નો એને અજય થી દૂર થઈ એ દિવસની યાદમાં ખેંચી ગયા હતા.


**************************


સીમંત ની વિધિ પતાવી પ્રીતિ પોતાના પિયર આવવા બસમાં બેસી ગઈ હતી. પ્રીતિની નજર અજય પર જ અટકેલી હતી અને અજયની નજર પ્રીતિ પર ન ફરી તે ન જ ફરી..

પ્રીતિને અચાનક એવું લાગ્યું કે હવે પાછું અહીં આવવાનું નહીં જ થાય કે શું? વિચાર માત્રથી પ્રીતિ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. સ્નેહા પ્રીતિને જોઈને બોલી, 'તારી તબિયત તો સારી છે ને?' તને બહુ ગરમી લાગી રહી છે, લે પાણી પી. પ્રીતિએ પાણી પીધું પણ મન એમ ક્યાંથી શાંત થવાનું હતું. કારણકે, પ્રીતિની વ્યથા હજુ કોઈ જાણતું જ નહોતું.

પ્રીતિની તકલીફથી અજાણ આખો પરિવાર ખુબ ખુશ હતો. બધા અંતાક્ષરી રમી રહ્યા હતા. ખુબ મજાકમસ્તી અને જોક્સ થી બધા હસી રહ્યા હતા. પ્રીતિ પણ આ માહોલમાં પોતાનું દુઃખ ભૂલીને આખા પરિવાર સાથે જોડાઈ ગઈ હતી. સૌમ્યા અને સ્નેહા ની જોડીએ બધાને હસાવીને મોજ કરાવી દીધી હતી. ખુબ મજા કરતા બધા ઘરે પહોચી ગયા હતા.

પ્રીતિ ફ્રેશ થઈ ને બેઠી હતી. કુંદનબેન એની પાસે આવ્યા અને બોલ્યા, "તું બિલકુલ ચિંતા ન કરતી. જે થયું એ સારું અને જે થશે એ પણ સારું જ થશે."

"પણ મમ્મી હવે આનાથી વિશેષ તો શું ખરાબ થાય? અજયને મારી સાથે બોલવું જ નથી." એક ઊંડો નિસાસો નીકળી ગયો.

"તું જોજે ને દીકરા! તને હવે નહીં જોવે એટલે તને ખુબ યાદ કરશે. સમય બધી જ પરિસ્થિતિનું નિવારણ છે."

પરેશભાઈએ હસમુખભાઈને તેઓ ઘરે પહોંચી ગયા એ જાણ કરવા ફોન કર્યો હતો. ટૂંકમાં જ વાત કરી ફોન મુક્યો હતો.

કુંદનબહેને પરેશભાઈને પ્રીતિ સાથેના અજયના વલણની વાત કરી હતી. પરેશભાઈને આજ સુધી કોઈ વાતની ખબર જ નહોતી. કુંદનબેનને એમ કે એક બે દિવસ થશે એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે પણ એવું કશું થયું નહીં આથી હવે એમણે પરેશભાઈને વાત કરવી ખુબ જરૂરી લાગી હતી.

પરેશભાઈ વાત સાંભળીને ખુબ ક્રોધિત થઈ ગયા હતા. એમ અજય આવું કહે એટલે શું? આ એની વાત બિલકુલ યોગ્ય જ નથી. ડોક્ટર થઈને આમ કરે એ વ્યક્તિમાં બુદ્ધિ છે કે નહીં. પ્રીતિ ને કહ્યું, "તું ચિંતા ન કરીશ. હવે આ વખતે ગયા વખતની જેમ કઈ જ નહીં ચાલે તને લઈ જાય તો માન થી રાખવી જ પડશે, નહીં તો મારી દીકરી માટે આ ઘરના દ્વાર કાયમ ખુલ્લા જ રહેશે. તું બિલકુલ મુંજાઈશ નહીં. મસ્ત મજા કર, ને બાળકનું ધ્યાન રાખજે. આ કોઈ જ વાતને મન પર હાવી ન થવા દેતી."

"હા, પપ્પા." આટલું તો પ્રીતિ માંડ બોલી શકી હતી. પરેશભાઈ અને કુંદનબેન પ્રીતિની હાલતને મહેસુસ કરી શકતા હતા. જે સમયે પતિનો ખુબ સાથ જોઈએ બસ એ જ સમયે અજયકુમાર પ્રીતિથી વિરુધ્ધ ચાલી રહ્યા હતા. બંને ને ખુબ દુઃખ થયું કે, મારી દીકરીની કોઈ ભૂલ નહીં છતાં આવું વર્તન જોઈને વેવાઈ અને વેવાણ પણ એને કઈ જ ન કહે એટલે બહુ ખરાબ થયું આપણી પ્રીતિ સાથે એ ચોખ્ખુ છતું જ થાય છે. પરેશભાઈની તો એમ કહીએ ને કે બદદુવા જ લાગી હશે એટલી હદે એમનું મન દ્રવી ઉઠ્યું હતું. એમને થયું કે એમની જોબ પર કામ કરવા આવતા સ્ટાફબોય પણ એની ગર્ભવતી પત્નીની એટલી કાળજી રાખે છે.. ખરેખર પરેશભાઈથી આ વાત સહન જ નહોતી થતી. આ સમયે કુંદનબેન એમને ધીરજ રાખી પ્રીતિની ડીલેવરી સુધી કોઈ જ વાત ઉચ્ચારવાની ચોખ્ખી ના જ પાડી હતી. બાળક અને માતાને ખુશનુમા વાતાવરણ આપવું અને તણાવથી દૂર રાખવાનો જ એમનો આશ્રય હતો. બાકી ગુસ્સો તો એમને પણ ખુબ આવી રહ્યો હતો. અજય તો પુરુષ છે તો ઠીક છે, પણ સ્ત્રી થઈ ને સીમાબહેને જે વર્તન એની સાથે કર્યું એ બિલકુલ માફીને લાયક જ નહોતું.

સૌમ્યા તો એટલી દુઃખી થઈ કે એને તો થયું કે હમણાં જ ફોન કરીને બધો ગુસ્સો એમના પર કાઢે, કે મારી બહેનને એટલે લઈ ગયા હતા! પરેશભાઈ અને કુંદનબેનની આ બાબતે એને કોઈ જ વાત કરવાની છૂટ નહોતી એમ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું. આથી સૌમ્યા ચુપચાપ ગુસ્સે થતી ઊંઘી ગઈ હતી.

પ્રીતિને હજુ આશ હતી કે, મોડેથી તો ફોન અજય કરશે પણ આ આશા ખોટી જ ઠરી હતી.

પ્રીતિ અનુકૂળ વાતાવરણમાં હતી આથી થોડી શાંત હતી. પણ મનમાં એમ થયા જ કરતુ હતું કે, આજ તો અજયનો ફોન આવશે જ. આ ડિલિવરીના અંતિમ મહિનામાં જ પ્રીતિનો જન્મદિવસ આવતો હતો. પ્રીતિને આજ તો કોઈકનો તો ફોન આવશે જ એવી આશા હતી. સીમાબહેને સવારે જન્મદિવસની શુભેચ્છા આપવા ફોન કર્યો હતો.

"જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો?"

"હું મજામાં છું. તને જન્મદિવસની શુભેચ્છા."

"થેંક્યુ મમ્મી. ઘરે બધા કેમ છે?"

પ્રીતિના આ પ્રશ્ન એ તો સીમાબહેન રીતસર તૂટી જ પડ્યા અને બોલ્યા, "એવી જ ચિંતા થતી હોય તો ફોન કરાય ને! મમ્મીના ઘરે ગઈ ત્યારથી એક ફોન નહીં તારો, અજયને પણ તું ફોન નથી કરતી. ક્યારેક ફોન કરીને પૂછી લેવાય ને! મને અત્યારે પૂછ્યું એનો શું મતલબ?"

પ્રીતિએ એમની વાત હજુ ચાલુ જ હતી તો પણ ફોન મૂકી દીધો. એનાથી સીમાબહેનના આક્ષેપો સહન થતા નહોતા. એને થયું, ચિંતા એમને મારી થવી જોઈએ હું ગર્ભવતી છું, મને તો એ લોકો કોઈ પુછાતા નથી, વળી અજય ને પણ ક્યાં બોલવું ગમતું હતું.. જો અજય જ પ્રીતિ સાથે સબંધ ન રાખે તો પ્રીતિ થોડી એના પરિવારની પાછળ કારણ વગર ખેંચાય? એ પાછું ખબર જ હોય કે કોઈના મનમાં લાગણી જ નથી. બસ, આવા વિચારના લીધે ગુસ્સે થઈને ફોન પ્રીતિએ કાપી નાખ્યો હતો.

શું પ્રીતિની ડીલેવરી શાંતિથી થઈ જશે?
પ્રીતિના સાસરીયાના વર્તનમાં આવશે ફેરફાર? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻